મેઘાણીની સમગ્ર નવલિકા 2/ચમનની વહુહુ
પરણીને આવ્યા પછી ચાર-પાંચ રાત તો એ માંડ ત્રીજે મજલે વરને ઓરડે સૂવા ગઈ હશે. છઠ્ઠી રાતે એને એકલીને માટે બીજા માળે એક ખંડમાં સૂવાનું ગોઠવાઈ ગયું. એનું નામ લાડકી વહુ. એ ઘરને ત્રણ માળ હતા એટલા પરથી જ તમે સમજી શકો કે નાના એવા શહેરગામમાં લેરચંદ કપાસીની કેવી મોટી સાહ્યબી હશે. રૂના રાજા તરીકે લેરા શેઠને એ પંથકમાં પાણીશેરડે પનિહારીઓ પણ જાણે. પનિહારીઓએ તોરણિયા કૂવાને કાંઠે વળતા જ પ્રભાતે ‘વાયરલેસ’થી જાણ્યું કે લેરા કપાસીના દીકરા ચમનની વહુ લાડકીને ધણીની પથારી છોડવી પડી છે. અને તેમનામાં વાતો વહેતી થઈ: ‘કાંક કે’વાપણું હશે તયેં જ ને, માડી!’ ‘હા, નકર ગલાબનો ગોટો છે, એક વાર તો મોળા પગરણની હોય તોયે મેલી દેવાનો જીવ ન હાલે.’ ‘આમ તો ખોરડુ મોટું, સાસુ અજાજૂડ, ડેલી કેવી બંદોબસ્તવાળી, વળી રૂપાળો ધોરી રસ્તો પડખે થઈને વયો જાય, એટલે આમ તો ઘરની વહુવારુની શી દેન કે આદમી હારે આંખ્યુંય મેળવી શકે! —’ ‘હવે રાખોને, મારી બઈ! ઝાઝી જાબદાઈયું ત્યાં ઝાઝાં ફાંકાં. હેઠે હોટલું, પાનબીડીની હાટડિયું, સપાઈના પે’રા; એમાંય હવે તો સપાઈયુંમાંય મૂઆ ઘણાખરા જુવાન ફૂલફટાકિયા જ હાલ્યા આવે છે. રાત બધી બેઠા હોય ઓટે.’ ‘ને અંતે તો ઘર જ ખોટીલું ના! સાસુના ભવાડા....’ સડેડાટ સીંચણિયાં ગરેડીઓ પર થઈને કૂવામાં દોડે છે. લોઢાની ગરેડી રી.... રી... કરતી સીંચણિયાંના સરસરાટ સ્પર્શથી જાણે કે દાઝતી હોય તેમ ચીસ પાડે છે. ઘડા ને ડોલો પાણી સાથે ભફ સ્વરે અફળાઈને પછી ભ... ભ... ભ... ભ... અવાજે ભરાય છે. ઉપર ખેંચાતાં પાછી ગરેડીઓ કી....ર, કી....ર, કી...ર, કરતી જાણે વેણનો વેદનાભાર અનુભવે છે અને બેડાં ઊંચકી ઊંચકી ચાલી જતી સ્ત્રીઓ સીંચણિયાંને વીંટવાની પેઠે વાતને પણ જ્ઞાનગૂંચળે વીંટાળી લેતી જાય છે કે — ‘હશે મારી બાઈ! પારકાની શી પંચાત? સૌ સૌનાં ઘરનાં ધણી. ઈ ભલેને સપાઈને લઈને બેસતી કે પાનબીડીવાળાને લઈને. ક્યાં ઈ આપણા કોઈના ભાયડાને લઈ જાય છે! સૌનાં ઢાંક્યાં સારાં! હે ભગવાન, સૌનું ઢાંક્યું રે’વા દેજો.’ બિચારી પનિહારીઓ! ભગવાનને ભળાવતી હતી ઢાંકવાનું કામ, પોતે બજાવતી હતી ઉઘાડાં કરવાનું કર્તવ્ય. પોતાના દીકરાનો શયનખંડ વહુએ છઠ્ઠે જ દિવસે ત્યાગ્યો હતો એ વાત ચમનની બા ગુલાબબાએ જાણી ત્યારે એને જરીકે ફાળ પડી નહિ. દીકરાને કે વહુને એણે કશું કહ્યું કે કારવ્યું નહિ. કહ્યું ને કે ગુલાબબા તો અડીખમ બાઈ હતાં. પરસાળમાં ચાકળો નાખીને બેસતાં ત્યારે રાજાની રાણી લાગતાં. પ્રભાતે પોતે પરસાળના જેર પર બેસી ભાંગમાં બોળી બોળી દાતણ ઘસતાં ત્યારે તો સવાયું રૂપ ભભકતું. સાડલાનો સરગટ ઢળી પડ્યો હોય, ઘેરી અતલસના કમખામાં છાતીએ સળી જેવી આછીયે કરચલી ન પડતી હોય, ઉઘાડી રાતી ડોકમાં હેમની માળા ઝૂલતી હોય અને આવેતુને જ્યારે ‘આવો!’ એટલું જ કહેતાં હોય ત્યારે સામાંને એમ લાગે કે પોતાને મોતી-થાળે જાણે વધાવી રહેલ છે. જેવાંતેવાંને તો એ ‘આવો!’ જેટલા બે અક્ષરો પણ દુર્લભ. ‘આવો!’ એટલું કહીને એક વાર એક આવનારીને લાડકી વહુએ સત્કારી હતી. વહુને એમ કે સાસુના મોંમાં દાતણ છે એથી એ બોલી શક્યાં નહિ હોઈ પોતે વિવેક કરવો જોઈએ. પણ એ આવનારીના ગયા પછી ગુલાબબાએ વહુને સ્પષ્ટ કહી દીધું કે ‘હું બેઠ્યે તમારું એ કામ નહિ. જે કરતાં હો તે જ કર્યા કરવું’. તે પછીથી લાડકી વહુ સવારે ઊઠી પાણિયારે રસોડે જ લાગી જતી ને રાતે જેટલું બની શકે તેટલું મોડું થવા દઈ પરભારી પોતાને એ બીજા માળને ઓરડે ચડીને સૂઈ જતી.
“કેમ, મોટી બાઈજી!” પખવાડિયું તો માંડ માંડ જીરવી શકાયેલ પ્રશ્નને લઈ એક સાંજે એક પડોશણ સગી આવી ચડી અને વાતે વળગી: “આ તો ગામમાં ભારી ચાલ્યું છે! શી બાબસ્તા છે આવડી બધી?” “કશી નહિ, બાઈ!” ગુલાબબા સાંજે પણ ભાંગ ઘસતાં ઘસતાં થંભીને કહી ઊઠ્યાં: “એક વાતની અમારા પિયરમાં તો સાત પેઢીથી ગાંઠ વળી છે, કે અતિ રૂપ — અતિશે રૂપ — ઘરઆંગણે લાવવું નહિ. મેં ચમનના બાપાને પે’લેથી કહ્યું’તું કે વાણિયા! વાણિયા! તમે વધુ પડતું રૂપ ગોતો મા; પણ ઈ ન માન્યા; ને મારી ઉપરવટ જઈ રૂપનો જ ઢગલો લઈ આવ્યા ચમન માટે. આ એનાં જ દખ થયાં છે.” “એમ કેમ બોલો છો, મોટી બાઈજી!” આવનારીએ ક્રૉસ કર્યો: “ચમનભાઈ શું ઓછા રૂપાળા છે? કોના ભાર છે કે તમારા ચમનભાઈને લગી જાય એવી દીકરી જણે? એવી જણનારી તો હજી પાકી નથી આપણી હાલારની પ્રથમીમાં.” “એ તો ઠીક છે બધું, બાઈ! જેવી હું હોઉં એવું મારું પેટ પાકે, મારામાં શું રૂપ બળ્યું’તું!” વિધવા ગુલાબબા એ બોલ બોલતી વેળા હતાં તેથી સવાયાં રૂપાળાં લાગ્યાં. “એમ કેમ કહો છો? ચમનભાઈના રૂપ આગળ તો હાલારની છોડીઉં માતર પાણી ભરે. દેન નથી કોઈ નાગરની છોકરીની કે ચમનભાઈથી ભૂલ ખાઈ ન જાય.” “અરે બાપુ!” ગુલાબબાએ ગર્વમાં કહ્યું કે ક્લેશમાં તે તો ન સમજાય તેવો કોયડો રહ્યો, પણ એમણે કહ્યું: “મારો ચમન થોડો ઓછો રૂપાળો હોત ને, તો તો હું પરભુનો પાડ માનત. નિશાળમાં છોકરાઓએ સુખે ભણવા નથી દીધો. ઊગીને સમો થયો ત્યાં તો સાધુઓ લઈ જવા ફર્યા, નાટક કુંપની આવીને આંહીં પછવાડેને ડેલે પડી’તી તે એણે ચમનને ફસાવવામાં બાકી ન રાખી. દીકરાને મારે આટલાં વરસ ડાબલીમાં સાચવવો પડ્યો છે એ મૂઈ મારી કૂખને પ્રતાપે જ તો! પણ હું તે મૂઈ કરું શું? અમારા બાપને ઘેર સાત પેઢીથી નીમ, કે રૂપ ઘરમાં ન લાવવું. પણ મારી બાનું રૂપ પરણીને આવ્યા પછી જ ચોર જેવું માલીપા લપાઈને બેઠેલું તે બહાર નીકળી પડ્યું એમાં કોઈ શું કરે? પણ મેં કોઈ દી મારા રૂપનું ગુમાન કર્યું નો’તું. ચમનના બાપાને જ ઈશ્વર માન્યા. પછી ભલે ઈ મને પરણી લાવ્યા ત્યારે સૌ કહેતું કે કાગડો દહીંથરું ઉપાડી આવ્યો! મારે તો ઈ કાગડો સાક્ષાત્ શ્રીકૃષ્ણ મહારાજ જેવો હતો. હવેલીએ જતી તોય એનામાં જ મનનો વાસો રહે એવું માગતી. સારા પ્રતાપ વ્રજવિહારી મહારાજના તે ચમન આઠે વર્ષે આવ્યો. મેં તો વાંછ્યું’તું કે છોકરો એના બાપ માથે જ ઊતરે. પણ તમારા સસરાએ મારાથી ઊલટું જ વાંછ્યું કે નહિ, બસ, ચમન એની મા માથે ઊતરે, એની મનછા ફળી. જેવો છે તેવો પણ મારો છે. ને મારા ચમનને કોઈ વધુ પડતું રૂપ લઈ આવીને તુચ્છકારે ઈ કેમ પોસાય? ચમનને જેમ પોસાયું હશે એમ થતું હશે, બાઈ! વહુને એના વરે નોખી સૂવા કાઢી તેમાં હું શું કરું! કાઢે ધણી હોય તો, પોતાનામાં પોતાપણું હોય તો વહુએ જ જઈને શરણાગત થવું જોઈએ ને?” નીચે પરસાળમાં જ્યારે આ વાતો ચાલતી હતી તે જ વેળા લાડકી ત્રીજે માળ પતિનો પલંગ ઝાપટવા, દીવાબત્તી મૂકવા, પાણી વગેરેની વ્યવસ્થા કરવા ગઈ હતી. ઓચિંતી જઈ ચડી હતી. ત્યાં એણે જે જોયું તેથી એ સ્તબ્ધ બની ગઈ. એક ગોરી યુવાન સ્ત્રીને દીઠી: મોં નહિ, પીઠ દીઠી. અરીસામાં જોતી જોતી, પીળા રેશમી ચણિયા પર બાંધણીની ઓઢણી ગોઠવતી, કાંચળિયાળા બાહુઓ ઘડીક ઢાંકતી તો ઘડીક ઉઘાડા કરતી, લટકાં કરતી — આ શું? આ ઓઢણી તો મારા જેવી, આ કમખો ને ચણિયો પણ મેં પહેલી રાતે પહેરેલાં તેને જ મળતાં — ને આ મારો જ ટ્રંક ખુલ્લો પડ્યો છે શું! — હા, અરે આ તો મારી જ બધી ચીજો! પતિએ કોઈ રખાતને પહેરાવી છે શું? પણ એ ક્યાં? પતિ ક્યાં? ઝાળ લાગી. ઊભી ઊભી અદૃશ્ય હૃદયાગ્નિએ સળગી રહી. હોઠ કંપવા લાગ્યા. ઝટ જાઉં, દોડું, એ પરસ્ત્રીનાં, કુલટાનાં ઝંટિયાં પીંખું — ઝંટિયા પીંખવાના વિચારની સાથે જ દૃષ્ટિએ એ સ્ત્રીના માથા તરફ દોટ દીધી. અને એણે દીઠાં નહિ — ઝંટિયા કે કેશ દીઠાં નહિ. એણે દીઠી બાબરી જ ફક્ત. — ને અરીસા સામે ઊભેલ સ્ત્રીએ લાડકી તરફ મોં ફેરવ્યું. શરમથી એ મોં પાછું ફરી ગયું તે પૂર્વે તો લાડકીને સ્પષ્ટ દેખાયું. એ સ્ત્રી નહોતી. ખુદ ચમનલાલ હતો. ને એણે ધારણ કરેલા પોશાક લાડકીના પોતાના જ હતા. સ્ત્રી-વેશધારી પતિ સંતાઈ ગયો, ને લાડકી નીચે ઊતરી ગઈ.
તે પછી તો એણે ચમન ઘરમાં ન હોય ત્યારે જ પતિનો શયનખંડ સાફસૂફ કરવાની ચીવટ રાખી. ચમન નિયમિત પેઢી પર જાય છે, નિયમિત સભા-સમિતિઓ તેમ જ કૉર્ટ-કચેરીઓમાં હાજરી આપે છે; નાહવું-ધોવું, સ્વચ્છ સુઘડ કપડાં પહેરવાં, હજામત કરાવવી, ઘરની જરૂરિયાતોની ખરીદી કરવી, મહેમાનોને સાચવવા: એક એક કામમાં ચમન નિયમિત અને અંગ્રેજીમાં જેને ‘નૉર્મલ’ કહે છે તેવો રહે છે. માત્ર સૂર્યાસ્ત પછી ચમન જુદી સૃષ્ટિનો માનવી બની રહે છે. એ સૃષ્ટિ એના ત્રીજા માળના ઓરડામાં વાસો કરે છે. આ દુનિયામાં પ્રવેશ કરવા માટે આલીશાન મકાનને પાછલે ભાગે બારણું આવેલું છે. દીવે વાટો ચડે છે, અને એ પાછલા બારણાનો અવરજવર મચી રહે છે. ત્યાંથી ચાલ્યા આવે છે — એ શહેરના સારા ન ગણાતા ચાર-છ જુવાનો પાનપટ્ટી ચાવતાચાવતા; પિચકારીઓ લગાવતાલગાવતા તેઓ જે દાદરથી ઉપર જાય છે તે ઘરમાં કામકાજ કરતી લાડકી વહુ જોઈ શકે છે; પોતાના બીજા માળના ઓરડાની બારીઓ પણ ચાડિયણો છે. એ ચાડિયણોને લાડકી બંધ કરીને ચુપ મરી રહેવાનું શીખવે છે. અને ‘આવો’ એવો જેનો મુખબોલ શહેરના ચમરબંધીઓને પણ દુર્લભ છે તે ગુલાબબા આ સર્વને સાંજે સત્કારતાં: ‘આવો, અફલાતૂનભાઈ, આવો! સતારભાઈ, આવો. આવ હઠિયા, આવ ચંદુડા!’ એવા બોલે લટી પડે છે. વહુ જ્યારે નીચે ઘરકામ કરતી હોય છે ત્યારે ગુલાબબાનો ચાકળો નીચે પરસાળમાં જ હોય છે. વહુને રેઢી મૂકીને ડગલું પણ દૂર થવું એ તો ઝવેરાતના દાબડાને ઉઘાડો રાખીને અળગા જવા બરોબર છે એમ પોતે સમજે છે. ‘રૂપ! માડી! અતિશે રૂપ તો સાપના ભારા છે’ એ ગુલાબબાનો મુદ્રાલેખ બની ગયો છે. ગુલાબબાની આ બીક, દિનપ્રતિદિન શરાફી વ્યાજ સાથે વધતી જાય છે. તેમાં પણ તેમનો દોષ નથી, દોષ લાડકી વહુનો છે. વહુનું શરીર ઊતરતું નથી, રૂપની કોર સુધ્ધાં સુકાતી નથી, વહુ તો સંપૂર્ણ સૌભાગ્ય ભોગવતી સદ્ભાગ્યવતી હોય તેવી નીતર્યા જ કરે છે. નથી ક્યાંય બહાર જતી-આવતી. નથી કોઈ જોડે બહેનપણાં, નથી કોઈ આવે તેની સાથે એકાંતે સુખદુ:ખની ગોઠડી કરતી, ને નથી કોઈને ‘આવો’ કહેવાનો પણ અધિકાર માગતી. નથી માંદી પડતી, નથી ઓછુંઅદકું અન્ન ખાતી, નથી ક્લેશ કરતી, રડતી કે વાદપ્રતિવાદ મચાવતી, નથી નિસાસા પણ નાખતી, નથી કોઈનાં છોરું દેખીને વલોપાતે ચડતી. આવી વહુના રૂપના તો શા ભરોસા! નહિ ને કોઈક દી ઓખર કરવા જાય તો! મોટા ઘરની કીર્તિ પર પાણી ફરી વળે. માટે રૂપનાં તો રખવાળાં કર્યે જ છૂટકો, મારી બાઈ; અતિશેં રૂપ કાંઈ સારાં છે, બાપુ! એક વાતનું મહાસુખ હતું. લાડકી વહુને પિયરમાં ચીતળના પાદર જેવું કોરું ધાકોર હતું. ન કોઈ કાગળની ચબરખીયે લખનાર કે ન કોઈ સારેમાઠે પ્રસંગે તેડું કરનાર. અડીને કોઈક કોઈક સગાં હતાં, તે શહેરમાં આવે ત્યારે હાઉકલો કરી જતાં. એમને ‘આવો!’ કહેનાર તો ગુલાબબા જ બેઠાં હોય ને બા આઘાંપાછાં હોય તો ‘આવો!’ ન કહેતાં તુરત લાડકી વહુ અંદર જઈ બાને જ તેડી લાવતી, બાના આવતાં સુધી મહેમાન ફળીમાં જ ઊભો ઊભો, સિગ્નલ બહાર ઊભી રહેલી રેલગાડીની દશાને યાદ કરતો. પણ પછી તો વાટ જોઈ જોઈને બેઠેલું ગામલોક પણ કંટાળ્યું. વાટ હતી લાડકી વહુના ‘ઓખર કરવા’ નીકળવાની. આજ પડશે, કાલ પડશે, પાંચેપંદરે પણ પડ્યા વગર થોડી જ રહેશે! એવું બોલનારા લોકો જર્મની-જપાનના પરાજયમાં બ્રહ્માંડ ફર્યેય ન માનનારાઓની માફક આખરે ભોંઠા પડ્યા, ને ‘એવું જો બને તો એમાં બાયડીનો વાંક પણ શો? મોટા મુનિવરોય તૂટ્યા છે અને સતી સાધ્વીઓના પણ ગર્વ છૂટ્યા છે’ એમ કહી હાટડે, દુકાને, કારખાને, લાતીમાં ને મંદિરોમાં, ઘાણીએ ને ચક્કીએ બેઠેલાં માણસો લાડકીને ઓળખ્યાપાળખ્યા વગર પણ એનો પક્ષ લેવાની તકની રાહ જોતા હતા. પણ મહિનોમાસ, છ-બાર માસ, વરસ વળોટ, બે-પાંચ વરસ — એટલી મુદત તો ગામના એકાદ અણદીઠેલ માનવીના સતના પારખાની વાટ જોવા કોણ નવરું હોય? ગુલાબબાના બાકીના દીકરાઓ પણ એક પછી એક સારે ઠેકાણે પરણી ગયા. પરણેલાની વહુઓની એક પછી એક અઘરણીઓ આવી ગઈ, નાનેરી વહુઓને ખોળે બેટડા રમતા થયા; એ લગ્નો, સીમંતો, પુત્રજન્મો આણાં-પરિયાણાં અને ઉજવણામાં પણ લાડકી વહુ એવી ને એવી ઊભી રહી. પછી તો વાટ જોઈ રહેનારાઓને ખાતરી થઈ કે લેવાદેવા વગરનાં આપણાં કામકાજ ખોટી થાય છે. બીડીઓ વાળનારા પણ પછી તો જુદી વાતોએ ચડી ગયા. આમ અગ્નિકુંડમાં જીવવું એ લાડકી વહુને માટે જેટલું મુશ્કેલ નહોતું તેટલું તો આ લોકોને લાડકી વહુનું અડગપણું માનવું મુશ્કેલ બની ગયું. છેવટે એક મતભેદ પર આવીને સૌ ઊભા રહ્યા: એક પક્ષ કહે કે વહુ પોતે જ છે બીજી જાનકી. ને બીજો પક્ષ કહે કે નહિ, એ તો અડીખમ ગુલાબ શેઠાણીની સાતથરી ચોકીને આભારી છે, ભોંમાં જીવતી ભંડારી દ્યે, જીવતી! જાણો છો? પોતાના સગા ધણી લેરા કપાસીને જ નો’તું પાઈ દીધું! અમથી કાંઈ વહુ સતી બનીને નથી બેઠી.
પાંચ વર્ષ વીતી ગયાં હતાં. આખું શહેર ચમન-લાડકીના લગ્નજીવનની લીલાથી વાકેફ હતું. આખા પ્રદેશને જાણ હતી કે લેરચંદ કપાસીનું મોત તે રાજકોટથી અવારનવાર આવનાર એક દાક્તર સ્નેહીને કારણે નીપજેલું કમોત હતું, ને એ નિપજાવનાર ગુલાબબા હતાં, કારણ કે કોઈ દી નહિ ને એક કમનસીબ કાળ-દિને લેરા કપાસીએ આ દાક્તર સ્નેહીના નિયમિત છેક રાજકોટથી થતા આવન-જાવન સામે અણગમો બતાવતી જરીક જીભ જ કચરી હતી. આખું શહેર આ ઘરની તલેતલ વાત જાણતું હતું. તે છતાં નવું ટીખળ વહેતું મુકાયું. “ગુલાબ બાજી!” સારા ઘરની એક સ્ત્રીએ જઈને સોયમાં દોરો પરોવ્યો: “આ તે કંઈ જીવને સારું લાગે?” “શું?” “ચમનભાઈનો વેલો જ શું વિનાકારણ બળી જાવા દેવો છે?” વીજળીની ચાંપ દબાઈ હોય તેમ ગુલાબ શેઠાણી ઝબક્યાં અને ઘીરે રહીને બોલ્યાં: “આપણે જાણ્યું કે આજ નહિ તો કાલ, કાલ નહિ તો પરમે, પાંચેપંદરે બધું સમું સુતર થશે ને શ્રીનાથજી સૌનું પેટ ઠારશે.” “ચમનભાઈ તો જોગંદર જેવા છે, ઈ તો આયખું કાઢી નાખશે, મોટી બાઈજી, પણ એના વેલાનો શ્યો વાંક?” “ચમનને સમજાવીએ, બાઈ! માને તો સારું.” ટીખળમાંથી તો ગંભીર તત્ત્વજ્ઞાન પાણીમાંથી બરફ જામી જાય તેમ જામી પડ્યું. ગુલાબ શેઠાણીએ ચમનભાઈનો નવો સંસાર મંડાવવાની વાત સાચેસાચ જોરશોરથી વહેતી મૂકી. અને આખા શહેરમાંથી એક કરતાં એક પણ માણસ ના પાડનારો ન મળ્યો. ઊલટું, ‘હા, શા સારુ નૈ! હજી તો ઊગીને ઊભો થાય છે ભાઈ! ને આ ઘરમાં ક્યાં સાંકડ થઈ જવાની છે?’ એવી ટાપસી પૂરનારાં સો જણ મળ્યાં. દુનિયા ખરેખર ટીખળી છે. એકાદ મહિનામાં તો ચમનભાઈને કન્યા દેનાર બાપ પણ જડી ગયો, અને ટીખળની અવધિ તો એ થઈ, કે ચાલીસ વર્ષના પુરુષને ચોવીસ વર્ષની કન્યા સાથે પરણતો અટકાવવા એ ‘કુમળી કળી’ના જે તારણહારો ‘પ્રચંડ ઝુંબેશ’ કરવા નીકળી પડતા તેમને આ ચમનભાઈનાં લગ્નની વાત પચી ગઈ. ત્રીજે દિવસે તો શ્રીફળ આવવાનું હતું. આ બધું લાડકી વહુએ પણ જાણ્યું. છતાં સાંજના રાંધણાના સ્વાદમાં કોઈએ કશો ફરક જોયો નહિ. સાંજે અફલાતૂન, સતારિયો વગેરે ચમનભાઈની મિત્રમંડળી પિચકારીઓ લગાવતી ઉપર ચડી તેમને માટે ખાણીપીણી બનાવીને પણ રોજની જેમ એણે મોકલી. રાતે એ સૂવા ગઈ, અને સવાર સુધી એના ઓરડામાંથી કશો નવીન સંચાર કોઈ કાન માંડવા છતાં સાંભળી શક્યું નહિ. પરોઢિયે એ ઊઠતી હતી તે પ્રમાણે જ ઊઠી અને ચાપાણી પત્યા પછી ચમનભાઈને બદલવાનાં કપડાં પણ એણે આપ્યાં, કોટના બટન ઘાલતી વેળા એકાદી વાર કડી પડી પણ ગઈ નહિ. ઘરમાં જે જે લાવવાકરવાનું કહેવાનું હતું તે પણ સાસુની મારફત કહેવરાવ્યું અને બાકીની દિનચર્યા પણ આખો દિવસ સૂર્ય જે નિયમિતતાથી આકાશને આંટો લઈ રહે છે તે જ નિયમિતતાથી ચાલુ રહી. પછી તે રાતે ચમનના ઊંઘવા ટાણે લાડકીએ પતિના શયનખંડમાં પગ દીધો ત્યારે એના પગનાં તળિયાં હેઠળથી એક હજાર આઠસો ને ત્રીસ રાત્રીઓ સળવળી ઊઠી. પાંચ વર્ષે પોતે આ સ્થળે, ધણીની હાજરી હોય ત્યાર વેળાના રાત્રીના પ્રહરમાં, બીજી વાર પ્રવેશ કરતી હતી. ચમન ચોંકી ઊઠ્યો. એ જાણે મારવા આવી હતી, ખંજર લઈ આવી હતી, અગર ધણીની રૂબરૂ પોતે જ પ્રાણ કાઢવા આવી હતી! ભયભીત બની ઊઠ્યો ને દૈવતવિહોણી એની અમાણસાઈ બોલી ઊઠી: “પણ — પણ — શું છે તે —!” “બીઓ મા.” લાડકીએ કહ્યું. પત્ની તરીકેનું આ એનું, જીવનમાં પહેલું સંભાષણ હતું: “હું એટલું જ કહેવા આવી છું, કે એકનો ભવ તો બગાડ્યો, હવે બીજીનો શીદ બગાડવા ફર્યા છો?” અને એ બોલતાં બોલતાં એની આંખના ધુમાડામાંથી બે જળબિંદુઓ બંધાઈ ગયાં. બેબાકળો પુરુષ — સત્તાવીસ વર્ષની વયનો છતાં એક બીધેલા બાળકની જેમ બોલી ઊઠ્યો: “તું – તું – તું – શું કહી દઈશ સૌને?” “રામ રામ કરો. હું કોઈને નહિ કહું. મારા કહેવાની બીક બતાવવા નથી આવી. હું તો કોઈને નહિ કહું, તમને પરણવા જ દઈશ, ગીતો પણ ગાવા સૌ ભેળી બેસીશ. માટે મારાથી બીશો નહિ. તમારી જાતથી જ બીજો. બીજીનો ભવ શું બગાડવો છે?” એટલું કહીને એ દાદર ઊતરી ગઈ ને પોતાને ઓરડે જઈ સૂઈ રહી. પ્રભાતે ઊઠીને એ પચીસ-ત્રીસ પરોણાઓને માટે કબાટમાંથી કપરકાબી કાઢતી હતી, ગુલાબદાની વગેરેની સજાવટ કરતી હતી, ગોર આવી પહોંચ્યો તેને માટે કંકુ, ચોખાની થાળી અને ગોળધાણાનો ખૂમચો ભરતી હતી, તે વખતે ચમને બહારથી આવીને ચાકળા પર બેઠેલાં અડીખમ રાજરાણી જેવાં ગુલાબબાને કહ્યું: “બા, બધું બંધ રહ્યું છે. હું જઈ આવ્યો કાકાની પાસે, અને કહી આવ્યો.” “તું શું કહી આવ્યો?” “કે બંધ રાખ્યું છે.” “તું! તું! તું — તું આ શું બોલ છ? તું ઊઠીને કહી આવ્યો — તું ઊઠીને? કપાતર!” દરમ્યાન તો પસીને રેબઝેબ થતો ચમન ઉપર ચડી ગયો અને ગુલાબબાની તથા લાડકી વહુની આંખો સામસામી સો-સો તલવારો અફળાવી રહી.