મેઘાણીની સમગ્ર નવલિકા 2/નિવેદન1

નિવેદન
[‘ચિતાના અંગારા’, ખંડ ૧]

ઘણા વખતથી ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળનો મનોરથ હતો કે મારે ટૂંકી કથાઓ લખવી. જેલમાં રહ્યે રહ્યે એ વિચારે મારા મન ઉપર જોર કર્યું હતું. બહાર નીકળ્યા પછી એ મંથનનું આ રૂપે પરિણામ આવ્યું છે. આ વાર્તાઓ લખાતી ગઈ તેમ તેમ ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં પ્રગટ થતી રહી છે. અને એ-નો એ જ ક્રમ જાળવી રાખીને આમાં છપાઈ છે. ક્યાંક ક્યાંક રંગો ઘેરા કરવા સિવાય લખાણમાં કે વસ્તુમાં મોટો ફેરફાર કર્યો નથી. એના મૂળ ગુણદોષો સાથે જ એ બહાર પડે છે. લેખકના નામના નિર્દેશ વિના જ એ છાપેલી. મારા તરફના પક્ષપાતથી રંગાયા વિનાનો મિત્રોનો અભિપ્રાય જાણવો હતો. એકંદર ઘણાખરાનો સત્કાર મળ્યા પછી જ પ્રગટ નામે બહાર પાડે છે. ખાસ કરીને ગ્રામસેવામાં પડેલા યુવક બંધુઓને આ ચિત્રો આવશ્યક લાગ્યાં છે. ગામડિયા સમાજની નજીકમાં નજીક હોઈ તેઓને આ સાહિત્યની યથાર્થતા વિશેષ દેખાઈ છે. હું તો કલાની કે સાહિત્યની દૃષ્ટિએ મારી આ વાર્તાઓના ગુણદોષ તપાસવા નથી બેઠો. આપ્તજનોના અભિપ્રાયને ભરોસે આ નાવ તરતું મૂકું છું. ચિતા જલે છે. એક-બે નહિ, લાખો શબો સામટાં સળગે છે. શબોની નહિ, જીવતાં કલેવરોની એ અગ્નિ-શૈય્યા છે. વાંચક! ભાઈ અથવા બહેન! અંગારા ઓલવાઈ ગયા છે એવો ભુલાવો ખાઈશ નહિ. તું જોઈ શકે નહિ માટે માની લઈશ મા, કે આ વાર્તાઓમાં રજૂ થયેલો જમાનો ગયો છે. ચિતા જલે છે; બુઝાવાની વેળા આઘી છે. કથાઓમાં અમુક સાચી ઘટનાઓનું માત્ર બીજારોપણ થયું છે, તે પછી એનાં ડાખળાંપાંદડાં તો એકંદર જીવનના નિરીક્ષણમાંથી ફૂટેલાં છે. કોઈ એક જ ઘટનાને સાંગોપાંગ નથી ઉઠાવી. બાકી રહેલી તેમજ નવી લખાયે જતી વાર્તાઓનો બીજો ખંડ થશે. રાણપુર: ૨૮-૯-’૩૧
ઝવેરચંદ મેઘાણી

[‘ચિતાના અંગારા’, ખંડ ૨]

આમાંની પહેલી ચાર વાર્તાઓ મારી સ્વતંત્ર છે. છેલ્લી ‘પરિત્યાગ’ની કથા તો શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની છે. એનો અનુવાદ મેં ‘ગુજરાત’માં પ્રગટ કરાવેલો. એ મહાન કલાકારની કૃતિ આંહીં મૂકવામાં મારી વાર્તાઓને હું કદાચ જોખમમાં ઉતારતો હોઈશ. પરંતુ જેના અનુવાદમાં મારા અંત:કરણે મૌલિક સર્જનનું મમત્વ અનુભવેલ છે, તેના સુખભોગમાં વાચકોને મારા બનાવવાનો મોહ મારાથી છોડી શકાયો નથી. મારી આ શિખાઉ વાર્તાઓ છે. સહુ સ્નેહીઓ અને શુભચિંતકોનું નિ:સંકોચ વિવેચન હું નોતરું છું. તેઓને ખાત્રી આપું છું કે તેઓની ખંડનાત્મક તેમજ મંડનાત્મક બન્ને પ્રકારની ટીકાઓનો આ કૃતિઓના ઘડતરમાં હિસ્સો છે. બોટાદ: ૨૪ માર્ચ ૧૯૩૨ લેખક

[‘આપણા ઉંબરમાં’]

જાતમહેનત કરનારાં ઉદ્યમી જનોની એક આખી દુનિયા આપણા ઉંબરમાં જ — આપણી પડખોપડખ જ — જીવે છે, જીવનસંગ્રામ કરે છે, ને મરે છે પણ આપણા ઉંબરમાં, છતાં આપણે અને એ પરસ્પર પરદેશી જેવાં બન્યાં છીએ. એમની સમસ્યાઓ આપણાથી સમજાતી નથી. કાં તો આપણે એની ઘૃણા કરીએ છીએ, ને કાં દયા ખાઈએ છીએ. દયા ખાવી એ પણ તિરસ્કારનું જ એક સ્વરૂપ છે. આંહીં રજૂ થતાં ચિત્રોમાં કોઈ શ્રમજીવી-મૂડીદાર વચ્ચેના વિગ્રહની ફિલસૂફી નથી વણાઈ. એ પ્રશ્ન તો લેખકને માટે ગહન છે, ને ખાસ અભ્યાસ માગી લે છે. ‘ફક્કડ વાર્તા’ અમેરિકાના ‘નૅશન’ પત્રના ‘નાઈસ સ્ટોરી’ નામના શબ્દચિત્ર પરથી ઉતારેલ છે. બાકીનાં ચિત્રો સ્વતંત્ર છે. ‘ગંગા, તને શું થાય છે?’નું સ્ફુરણ વિલાયતના કોઈ એક ન્યાયમૂર્તિએ, બનતાં સુધી તો જસ્ટીસ મેકકાર્ડીએ, એક કુમારિકાએ કરેલા ગર્ભપાતના ગુના પર આપેલ ફેંસલામાંથી નીપજેલું છે. ટૂંકી વાર્તાની કલાને ધોરણે કસતાં આ વિચારી વાર્તાઓને ‘વાર્તા’ નામ નહિ આપો તો પણ ચાલશે. આ તો ચિત્રો છે. અનર્થ નીપજાવ્યા વિના રેલગાડીનાં મુસાફરોની વાટ ખુટાડવામાં ખપ લાગે તો બસ છે. બોટાદ: ૨૩-૫-’૩૨ ઝવેરચંદ મેઘાણી

center>[‘આપણા ઉંબરમાં’, આ. ૩]

૧૯૩૨માં આ વાર્તાઓની પહેલી આવૃત્તિનું દર્શન કર્યા પછી છેક આજે એનાં પ્રૂફ વાંચતાં વાંચતાં પુનર્દર્શન પમાયું. વચલી આવૃત્તિ મારી ગેરહાજરીમાં થઈ ગઈ હતી. પ્રૂફો વાંચતો હતો ત્યારે એવી લાગણી થતી હતી કે જાણે કોઈ નવરુધિરવંતાં સાત બાળકોનો ફરીવાર અણધાર્યો ભેટો થયો છે. એ સાત બહેનો સાથેના મેળાપમાંથી મોટામાં મોટો આનંદ તો આ મળ્યો: કે સાતેય જણીઓ એમને મેં પહેલીવાર દુનિયામાં રમવા મોકલી તે દિવસના જેટલી ને જેટલી જ સ્ફૂર્તિભરી આજે પણ લાગી. આ સાત બહેનોના જ એક વિખુટા પડી ગયેલા ભાંડરુ સમી આઠમી ‘કાનજી શેઠનું કાંધું’ મારી ભૂલથી ‘ચિતાના અંગારા’ (ભાગ ૧)માં ચડી ગઈ હતી. એને મેં એના ભાંડુ-સાથમાં લાવી મૂકેલ છે. શરૂમાં થોડાંક ઢોરનો ધણી ગોવાળ થોડાં વર્ષે જ્યારે બહોળી પશુ-સંખ્યાનો સ્વામી બને ત્યારે એ કાંઈ એકેય પશુની વ્યક્તિત્વને વીસરી જઈ ભુલાવામાં પડી જતો નથી. હું પણ આજે લાંબી ને ટૂંકી બેઉ પ્રકારની કથાઓની ઠીક ઠીક સંખ્યાનો સર્જક બન્યો હોવા છતાં મારા નવલિકા-સર્જનની પ્રારંભ વેળાની આ ‘બકરીઓ’ને, પ્રત્યેકને, વ્યક્તિવાર પિછાની શકું છું. એવી ઓળખાણને શક્ય બનાવવા પૂરતું તાજાપણું તેમનામાં જ હોવું જોઈએ ને! એકલી એ ગોવાળની ઓળખ-શક્તિ શા કામની? ઓચિંતાનો આ કુટંબ-મેળાપ કરાવનાર પ્રસંગ તો એ બન્યો કે છેક મધ્યપ્રાંત અને વરાડમાં હાઇસ્કૂલ બૉર્ડની સરકારી મીંજી તરપથી થોડા દિવસ પર એક કાગળ મળ્યો લખ્યું હતું કે ‘આપણા ઉંબરમાં’ નામની તમારી ચોપડી આંહીં અમારે ત્યાં હાઇસ્કૂલોની પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે મૂકેલ છે. પણ એ કોઈ ઠેકાણે મળતી કેમ નથી? ગુજરાતની બહાર છેક મધ્યપ્રાંત વરાડમાં મારી નાનકડી પુસ્તિકાને પાઠ્યપુસ્તકનું સ્થાન! આશ્ચર્ય થયું. છેક એટલે દૂર કોણે આ વાર્તાઓને વિદ્યાર્થીયોગ્ય તરીકે ઓળખી અને ઓળખાવી હશે? કોનો આભાર માનું? હજુય ખબર નથી. બીજો ચિંતાભર્યો વિચાર તૂર્ત હાજર થયો, કે ભાઈ, પાઠ્યપુસ્તક થનારું ચોપડું જો એને ફરજિયાત ભણતર લેખે ભણનાર વિદ્યાર્થીઓને કંટાળો આપનાર બન્યું ને, તો તેઓ તારી સાત પેઢીને મનમાં મનમાં શાપ આપશે! ને તારા વાર્તાલેખક તરીકેના નામ પર જ ચોકડી મૂકશે. ઉપરાંત તેમાંનો એકાદ મોટપણે જો વિવેચક બન્યો, તો તો તારા સાહિત્યનાં ભીંગડાં જ ઉખેડી નાખશે. પાઠ્યપુસ્તકોમાં તારા પુસ્તકનું મુકાવું, એટલે ૯૯ ટકા તો વિદ્યાર્થીઓના કટક સાથેનું ગુપ્ત વૈર બંધાવું એમ જ સમજી લેવું, બચ્ચા લેખક! પણ પાઠ્યપુસ્તકમાં પ્રવેશ કરવાની દુષ્ટબુદ્ધિ કેટલી જોરાવર હોય છે! મરાઠી મધ્યપ્રાંતના સો-બસો ગુજરાતી છોકરાઓમાં મશહૂર બનવાની તાલાવેલીએ મારે માટે “ભાઈસાહેબ, પાઠ્યપુસ્તકના શાપમાંથી મને બચાવો!” એટલું લખી મોકલવાની હિંમત ન રહેવા દીધી. મેં તો ઉલટું એ તાબડતોબ છપાવી બહાર પાડી દીધી છે. આ ચોપડી મૂળ તો ચાર આનાની, પણ એમાં એક વાર્તા વધારી, અને કાગળો સારા વાપર્યા એટલે છ આના મૂકવા પડેલ છે. આભાર માનજો મારો કે રૂ. એકની કિંમત ફટકારી દઈને વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત થોડું રળી લેવાની લાલચ મેં રોકી લીધી. ઉપરાંત, મૂળ વિચાર ‘ચિતાના અંગારા’ના બે ભાગને તથા આ ચોપડીને ભેગાં કરી અઢીસો-ત્રણસો પાનાંનું પુસ્તક કરવાનો છે, છતાં આની થોડીક જુદી પ્રતો, વિદ્યાર્થીઓ માટે કઢાવી લીધી તે પણ પૈસા રળવાની દૃષ્ટિએ મેં ખોટું કર્યું એનો હવે મને પસ્તાવો થાય છે. આવી વાતો ચોડેધાડે કહી દેવી એ દુનિયાદારીમાં એક મોટી બેવકૂફી છે એવો વિચાર પણ છેલ્લે છેલ્લે આવે છે. ને બેવકૂફીના કળશરૂપે એ છેલ્લા વિચારને પણ આંહીં ટાંકું છું, કે જેથી કદાચ કોઈક બીજા લઘુવાર્તાકારને આ પરથી એકાદ નવલિકાનો વિષય મળી રહે. ને ખરે જ શું પાઠ્યપુસ્તકમાંથી કમાણી કરવાની કરામતો એકાદ લઘુવાર્તાનો વિષય નથી? રાણપુર: ૨૦-૧૧-’૩૮
ઝવેરચંદ મેઘાણી

[‘મેઘાણીની નવલિકાઓ’, ખંડ ૨]

ઈતિહાસ-દૃષ્ટિએ આ બીજો ખંડ પહેલો ગણાય. મારું સ્વતંત્ર વાર્તા-લેખન ૧૯૩૧માં, આ ખંડની વાર્તા ‘કિશોરની વહુ’થી, આરંભાયું. તે વખતના સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’માં બબે હપ્તે આમાંની કેટલીક કથાઓ પ્રકટ થએલી, અને કેટલીએક બીજી ૧૯૩૨-૩૩માં, ‘ફૂલછાબ’ નાનકડા સાહિત્યપ્રધાન સામયિકરૂપે નીકળતું તેમાં, અને તે પછી ‘ચિતાના અંગારા’ (ભાગ ૧-૨) અને ‘આપણા ઉંબરમાં’ નામના લઘુસંગ્રહોમાં બહાર પડેલી. એ બધાં લોકપ્રિય નીવડેલાં. ‘દરિયાપરી’ની છેલ્લી મૂકેલી લાંબી નવલિકા સ્વતંત્ર નથી, પણ ઇબ્સનકૃત નાટક ‘લેડી ફ્રૉમ ધ સી’ પરથી આલેખાઈ છે. ‘ઘૂઘા ગોર’ અને ‘ગરાસ માટે’ ત્રણેક વર્ષ પૂર્વે લખીને વર્તમાન ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં આપી હતી. ‘ગરાસ માટે’ એ સાચી ઘટના છે. નવલિકા-લેખનના પ્રદેશમાં મારું ભણતર કેવા ક્રમે થયું તેનો ટૂંકો ઇતિહાસ અસ્થાને નહિ ગણાય. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે મુખ્યત્વે તો સાહિત્ય-પ્રકાશનો કરવા માટે મારું જોડાણ થયું. તે વખતે હું ‘ડોશીમાની વાતો’ની હસ્તપ્રત સાથે લઈને જ ગયેલો. તે પૂર્વે ‘બાલમિત્ર’ નામના બાળકોના માસિકમાં અંગ્રેજી બે પુસ્તકો ‘સ્ટોરીઝ ફ્રૉમ પ્લાન્ટ લાઇફ’ અને ‘સ્ટોરીઝ ફ્રૉમ એનિમલ લાઈફ’માંના સીધા કથેલા વિષયો પરથી વાર્તાઓરૂપે મેં ભમરી, ઈયેળ, ગોકળગાય, પતંગિયું, વરસાદનાં ટીપાં વ. આલેખેલાં. એટલે કક્કા ઘૂંટ્યા આ પ્રાણીશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રને લગતી વાર્તાઓ દ્વારા, બારાખડી શીખ્યો બાળકોની વાર્તાઓ દ્વારા, અને કંઈક આગળ ચાલ્યો કવિવર ટાગોરની ‘કથા ઓ કાહિની’ નામની પદબંધી કથાઓ પરથી ‘કુરબાનીની કથાઓ’નું આલેખન કરતો કરતો. બીજો તબક્કો: તે પછી તુરતમાં જ, એટલે કે ૧૯૨૨-૨૩માં, સૌરાષ્ટ્રી મધ્યયુગના પ્રેમશૌર્યના કિસ્સાઓ વાર્તાકારોને કંઠેથી સાંભળી સાંભળીને ‘સૌરાષ્ટ્રની રસધાર’ માંહેની કથાઓ આલેખવા બેઠો. આ પાંચેય ભાગની સવાસો જેટલી કથાઓની માંડણી સાંભળેલ કિસ્સાઓ પર થઈ છે, પણ વાર્તાશિલ્પ મોટે ભાગે મારું છે. તે પછીના ‘સૌરઠી બહારવટિયા’ના ત્રણ ખંડોમાં પણ પ્રાપ્ત કિસ્સાઓની રજૂઆતમાં વાર્તા-રંગો પૂરવાનો અને સંકલના આણવાનો મહાવરો પડતો ગયો. ‘કંકાવટી’ની વ્રતકથાઓએ પણ લોકવાણીનાં વાર્તાબળો શીખવામાં સહાય કરી. રૂપેરી પરદા પર જે ચિત્રપટો જોયાં તેને વાર્તારૂપે ઉતારીને આ કલામાં વધુ રસ લેવાના પ્રયાસો ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ નામના બે સંગ્રહો દ્વારા કર્યા. આ વાર્તાઓ વિદેશની હતી; પુરાંત, તેની રૂપેરી પરદા પરની રજૂઆત ગ્રંથસ્થ વાર્તાથી અનોખા પ્રકારની, અનેરા જ કલાવિધાનોથી ઓપતી હતી. તેનું શબ્દલેખન તદ્દન જુદી કલાને માગી લેતું હતું. ‘વેરાનમાં’ નામના મારા ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં જેને આપણે નાની લઘુકથાઓ કે ટુચકાઓ કહી શકીએ તેવા નજરે નિહાળેલા કેટલાક પ્રસંગો આલેખ્યા છે. મુંબઈ યુનિવર્સિટીના ઉપલા વર્ગોના ગુજરાતી અભ્યાસક્રમમાં લઘુકથાઓનું સ્વરૂપ શીખવા માટે મારી નવલિકાઓની જે ભલામણ થઈ છે, તેને લક્ષમાં રાખીને જ આટલો ઇતિહાસ આપેલ છે. બાકીના વાચક-સમૂહને સારુ એ બિનજરૂરી ગણાય. ‘ચિતાના અંગારા’ (ભાગ ૧-૨) તેમ જ ‘આપણા ઉંબરમાં’ એ ત્રણેય નાનકડા સંગ્રહોને આ પુસ્તકમાં અને ‘ધૂપછાયા’ને પહેલા ખંડમાં શામિલ કરી દઈને મેં મારી ઘણીખરી નવલિકાઓને, આમ, ખીલે બાંધી છે. બાકીની જે બહાર વેરણછેરણ છે તેમાં જો, અને જ્યારે, નવી નવલિકાઓ લખીને ઉમેરવાનો સમો આવશે તો, ત્યારે, એ ‘મેઘાણીની નવલિકાઓ’ના ખંડ ત્રીજા તરીકે અપાશે. રાણપુર: ૯-૮-’૪૨
ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

આ લઘુકથાઓને એના જોગું સ્થાન મળ્યું તે માટે વાચક-સમૂહનો ઋણી છું. ટૂંકી વાર્તાના આલેખનનો ઘણા સમયથી અટકી પડેલો પ્રવાહ ‘ઊર્મિ’ના સંપાદક મારા સ્નેહી શ્રી ઈશ્વરલાલના ઉત્સાહ તેમ જ પ્રોત્સાહનના પરિણામે ફરી ‘ઊર્મિ’ માસિકમાં વહેતો થયો, અને એ વહેણને ભાઈ ઈશ્વરલાલ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક તરફ વાળી ગયા. પરિણામે નવો લઘુકથા-સમૂહ, ‘વિલોપન’ નામથી, ‘પ્રજાબંધુ’ની ૧૯૪૬ની વર્ષભેટ તરીકે, ગ્રંથસ્થ બન્યો છે. ‘નવલિકાઓ’નો ખંડ ત્રીજો આપવાની ’૪૨ની સાલની ઉપરલખી ઉમેદ, એ રીતે, ‘વિલોપન’ દ્વારા બર આવે છે. આસ્તિકોને મન જે ઈશ્વર-કૃપા છે, પ્રારબ્ધવાદીઓ જેને પરમ ભાગ્ય કહી પિછાને છે, અને પુરુષાર્થવાદીઓ જેનો નિજસિદ્ધિ લેખે ગર્વ કરે છે, તે વસ્તુત: તો શું હશે? કોણ જાણે. જનમ્યા-જીવ્યાની થોડીઘણી સાર્થકતા એ જ જીવનનું શેષ છે, અને એ મારી યોગ્યતા મુજબ મને લાધ્યું છે તેમ સમજું છું. શક્તિના કરતાં ઊંચેરું નિશાન કદી તાક્યું નથી તેને માટે તો આટલું જ ગનીમત ગણાય.