મેટમૉર્ફોસીસ/સ્વરૂપાંતર કોનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વરૂપાંતર કોનું

શિરીષ પંચાલ

અસ્વસ્થ કરી મૂકતાં સ્વપ્નોમાંથી જાગીને પોતાની આગળ જાતને ન જોનારો અને જગતને એવું ને એવું જ જોનારો આ ગ્રેગોર સામસા કોણ છે? આપણી સૃષ્ટિમાંથી ફ્રાન્ઝ કાફકાની સૃષ્ટિમાં ભૂલા પડેલા, સાવ સામાન્ય જીવન જીવતા અને એ રીતે આપણા સૌના પ્રતિનિધિ નાયકનો પરિચય થતાંવેંત ભયાનક આઘાતભરી અવસ્થામાં મુકાઈ જઈએ છીએ. એક રીતે કહી શકાય કે નાયક એક શારીરિક અવસ્થામાંથી ઊંચકાઈને બીજી શારીરિક અવસ્થામાં મુકાઈ જાય છે. એની સમાંતરે ભાવક શારીરિક નહિ, પણ એક મનોસ્થિતિમાંથી ઊંચકાઈને બીજી મનોસ્થિતિમાં મુકાઈ જાય છે. પરંપરાગત વાર્તામાં અંતે ચોટ કે આઘાતનો જે અનુભવ થતો હતો તે અહીં આરંભે થાય છે. ‘મેટમોર્ફોસીસ’ વાર્તા ત્રીજા પુરુષના કથનકેન્દ્રથી રચવામાં આવી છે, પરંતુ મોટે ભાગે ગ્રેગોર સામસાને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે અને એવે વખતે લેખકે ત્રીજા પુરુષ અને પ્રથમ પુરુષ કથનકેન્દ્ર વચ્ચેનો ભેદ શક્ય તેટલો ઓછો કર્યો છે. એટલું જ નહીં પણ ગ્રેગોર સામસા વંદા જેવા જે જંતુમાં રૂપાંતરિત થઈ ગયો છે તે જંતુના ચેતનાકેન્દ્રમાં પ્રવેશીને એ કેન્દ્ર વડે જગતને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે જરૂરી વાસ્તવવાદી નિરૂપણપદ્ધતિનો આધાર લીધો છે. ધારો કે વાર્તામાં આરંભે આવતી ઘટના બની જ ન હોત અથવા ગ્રેગોર સામસા પક્ષાઘાત જેવી બિમારીનો ભોગ બનીને પથારીવશ થયો હોત તો સમગ્ર કૃતિને નરી વાસ્તવવાદી તરીકે ઓળખાવી શકાત. વળી, આખી વાર્તાનું સ્થળ, માત્ર અંતિમ દૃશ્યને બાદ કરતાં, ઘરની ચાર દીવાલોની સીમામાં જ છે. વાર્તામાં આવતો સામસા પરિવાર કાફકાના જ જગતનો નહીં પણ આખા જગતનો હોય એ રીતે એનું આલેખન થવા પામ્યું છે. પણ આ વાસ્તવવાદી નિરૂપણ આપણને એક પ્રકારની ભયાનકતાનો અનુભવ કરાવે છે કારણ કે એ સમગ્ર પરિવેશને પેલી આરંભિક ઘટના બદલી નાખે છે. અત્યાર સુધીની કથાસૃષ્ટિમાં કાં તો કપોલકલ્પિત કાં તો વાસ્તવવાદી નિરૂપણરીતિ જોવા મળતી હતી. કાફકાની કથાસૃષ્ટિમાં આ બેના સમન્વય દ્વારા આપણને અપરિચિત એવી સૃષ્ટિનો અનુભવ થાય છે. કાફકા કપોલકલ્પિત કે અતિપ્રાકૃત તત્ત્વની સહોપસ્થિતિમાં વાસ્તવવાદી પરિવેશ યોજીને ભયાવહતાને પ્રત્યક્ષીકૃત કરી બતાવે છે એ આ રીતે સ્પષ્ટ થાય છે. આ પ્રયુક્તિને પાછળથી આયોનેસ્કો પોતાનાં એબ્સર્ડ નાટકોમાં અજમાવે છે. આ રચનાઓમાં સ્ટેજપ્રોપર્ટીથી માંડીને ઘણું બધું વાસ્તવવાદી છે અને નાટકોનાં કપોલકલ્પિત વિષયવસ્તુ એની પડછે યોજાય છે. આનું ઉત્તમ દૃષ્ટાંત ‘રાઇનોસરોસ’ નાટક પૂરું પાડે છે. પરંતુ આ નાટક અને કાફકાની રચના વચ્ચે એક મૂળગામી ભેદ છે. કાફકાની કૃતિમાં સ્વરૂપાંતર પામેલો નાયક સાચા અર્થમાં છેક સુધી માનવીય રહે છે. જ્યારે આયોનેસ્કોેના આ નાટકમાં રૂપાંતર પામેલાંઓ અમાનવીય બની ગયાં છે, માત્ર એક જ વ્યક્તિ સ્વરૂપાંતર પામ્યા વિનાની રહી જાય છે. રૂપાંતર પામેલાંઓ બચી ગયેલાંઓને રૂપાંતર માટે ધમકાવે છે, લલચાવે છે. લાક્ષણિક અર્થમાં તો ગ્રેગોર સામસા સિવાયનું જગત અને ‘રાઇનોસરોસ’ના નાયક બરાંઝે સિવાયનું જગત એકસરખાં જ છે. બંને જગત અમાનવીય છે, બંને જગત સંવેદનશીલ નાયકોની અસ્વીકૃતિ કરવાના મિજાજમાં છે. ગ્રેગોર સામસા પોતાના કામકાજથી અસંતુષ્ટ છે અને જે વ્યવસ્થાતંત્રમાં ગોઠવાયો છે ત્યાં તે પોતાની જાતને પરાયો ગણીને ચાલે છે. એટલે આ રૂપાંતર થયું તે પહેલાંય તે પોતાની જાતને આ તંત્રમાં તો ગોઠવી જ શક્યો ન હતો. અધૂરામાં પૂરું આ ઘટના બની, એને કારણે તે વળી વધારે દૂર નીકળી ગયો, કુટુંબથી પણ વેગળો પડી ગયો. આમ તંત્ર અને કુટુંબ – બન્નેથી છેદાઈ ગયેલો નાયક બેવડી હદપારી ભોગવે છે અને એ નિયતિ સ્વીકારી લીધા સિવાય બીજો કોઈ ઉપાય નથી. છતાં તે આ પરિસ્થિતિ સ્વીકારવા જરાય તૈયાર નથી અને આ ઘટનાને તે એક પ્રકારના આભાસ તરીકે ઓળખાવે છે, તે પોતાની આવી સ્વરૂપાંતરિત અવસ્થામાં પણ ઓફિસે જવા તૈયાર છે. આવા માનવીની દ્વિધાને કાફકા ‘પણ’ના અનેક ઉપયોગ કરીને આલેખે છે. તેનાં ઘણાં દૃષ્ટાંતો આ વાર્તામાંથી મળી રહેશે. એક બીજી વિગત પણ નોંધવા જેવી છે. ગે્રગોરના નિત્યક્રમનો ક્યાંય ભંગ થાય તે વેઠવા એનાં કુટુંબીજનો તૈયાર નથી. જે યાંત્રિકતા અથવા વ્યવસ્થાતંત્રને તોડવા માગે તેને અહીં કોઈ સ્થાન નથી. પરિવારની એકેએક વ્યક્તિ આ બાબતની પૂરેપૂરી ખાત્રી કરી લેવા માગે છે. આમાં માત્ર નિર્દોષતા નથી, એક પ્રકારનો, છૂપો તો છૂપો, સત્તાવાહી સૂર છે : ‘બીજા એક બારણા આગળ આવીને ગે્રગોરના બાપા ધીમેથી પણ મુઠ્ઠીઓ વડે ઠોકવા લાગ્યા.’ પાછળથી જોઈશું કે તેઓ આ સત્તાના ઇશારે, તેમને ખબર ન પડે એ રીતે, નાચે છે અને ગ્રેગોરને હેરાન કરે છે. આ જે જુગુપ્સાકારક ઘટના બની તેની પાછળ કયું કારણ રહેલું છે? માનવીને માનવીમાંથી ક્ષુદ્ર જંતુની કક્ષાએ ફેરવી નાખનાર છે યંત્રવ્યવસ્થા. દાયકાઓ પછી આ વાતનો સ્પષ્ટ ખ્યાલ હવે તો સૌ કોઈને આવી જ ગયો છે, આ અવસ્થામાં મુકાયા છતાં માનવી એની ગરિમા ત્યજવા માગતો તો નથી એ વાત આલ્બેર કેમ્યૂએ ‘ધ આઇટસાઇડર’ નવલકથામાં અને એના ભાષ્યરૂપ લખાયેલા ગ્રંથ ‘મીથ ઓફ સિસિફસ’માં કરી હોવાના કારણે આપણને અતિપરિચિત બની ગઈ છે. આ તંત્રનો ઓથાર કેવો છે તે મૂર્ત કરવા કાફકા આ નાની રચનામાં વિગતો ઠાંસીઠાંસીને ભરે છે, સાદી ઘટનાઓ અને બારીક વિગતોને એવી રીતે આલેખે છે કે એની ભીંસથી વાચક કચડાવા માંડે છે. આ ઓથાર સર્જનારો છે કોણ? કાફકા એને દેખાડતો નથી. પરંતુ એની સત્તા બધે જ અનુભવાય છે. તેની બીજી કૃતિઓમાં પણ આવી અદૃષ્ટ સત્તા, દૂર રહૃો રહૃો, ચલાવતી કોઈક અમાનુષી શક્તિ આલેખાઈ છે. એ શક્તિમાં અને પરંપરાગત રીતે અદૃષ્ટ રહીને સત્તા ચલાવતી ઈશ્વરી પ્રકારની સત્તા વચ્ચે ભેદ છે. આ કૃતિમાં જેની સત્તા છે તે ભયાવહ છે, માનવનું ગૌરવ કરવાને બદલે એને જંતુમાં રૂપાંતરિત કરીને એને અવમાને છે, એને તિરસ્કારે છે. વાર્તાને ત્રણ ખંડમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલા ખંડમાં જે મુખ્ય ઘટના છે તે તો માત્ર પહેલા ખંડની જ નહિ પણ સમગ્ર કૃતિની મુખ્ય ઘટના છે. પહેલા ખંડની આ ઘટના પછી આપણી સમક્ષ આ સ્વરૂપાંતર સામે અને સાથે ટકી રહેવાના નાયકના પુરુષાર્થની નાની મોટી વિગતો આલેખાઈ છે. ત્યાં બહારના જગતમાંથી એક પરિબળ મુખ્ય કારકુનના રૂપે પ્રવેશે છે. એક વિગતના સંદર્ભે મુખ્ય કારકુનના આગમનની ઘટના જોવા જેવી છે. ગ્રેગોર સામસા સવારે પાંચ વાગ્યાની ટ્રેન ચૂકી ગયો એના સમાચાર તરત જ પેલા અદૃષ્ટ સૂત્રધાર પાસે પહોંચી ગયા અને એને પરિણામે મુખ્ય કારકુન વીજળીવેગે ત્યાં આવી ગયો. એ રીતે માત્ર સમયસર હાજર ન રહેવાનો અપરાધ સાંખી ન શકનાર તંત્ર કેટલી ચાંપતી નજર રાખે છે એની અહીં પ્રતીતિ થાય છે. વળી જ્યારે મુખ્ય કારકુન પ્રવેશદ્વારે ઘંટડી વગાડે છે ત્યારે ગ્રેગોર સામસા કેટલી બધી ખાતરીપૂર્વક કહે છે કે ગોદામમાંથી કોઈ આવ્યું લાગે છે અર્થાત્ બીજા કોઈના આગમનની અહીં જરાય શક્યતા જ ન હતી. અહીં એક બીજી હકીકત નોંધી શકાય. સ્વરૂપાંતરની સ્થિતિનો પૂરેપૂરો ખ્યાલ ગે્રગોરને તો આવી જ ગયો છે. ‘વાસ્તવમાં તો તે બારણું ખોલીને મુખ્ય કારકુન સાથે મોઢામોઢ થવા માગતો હતો. જો તે મને જોઈને છળી મરશે તો પછી એની જવાબદારી મારી નહીં.’ ‘...તેણે થોડો ખોંખારો ખાધો પરંતુ શક્ય તેટલો ધીમેથી, કારણ કે તેની દૃષ્ટિએ આ અવાજ પણ કદાચ માનવઅવાજ ન લાગે.’ આમ છતાં તે પોતાના માનવીય અધિકારો, માનવ તરીકેનું નિત્ય જીવન ત્યજવા તૈયાર નથી. કાફકાને પોતાના આ પ્રકારના નાયકો પ્રત્યે ઉષ્માપૂર્વકનો સદ્ભાવ છે, પેલી અદૃષ્ટ આસુરી સત્તા સામે સર્જક તરીકે પોતાની સત્તા સ્થાપે છે. મુખ્ય કારકુન એને ત્યાં આવી ચઢે છે અને ગ્રેગોર કલ્પના કરે છે – ધારો કે મારા જીવનમાં જે બન્યું છે તે આ કારકુનના જીવનમાં બને તો – ‘પણ આવી કલ્પનાના તોછડા ઉત્તરરૂપે મુખ્ય કારકુન બાજુના ઓરડામાં દૃઢતાથી ડગ ભરવા માંડ્યો અને તેના ખાસ ચામડાના બુટમાંથી અવાજ આવવા લાગ્યો.’ આ ચામડાના બુટ કારકુનની વિદાય સાથે કાયમી વિદાય લઈ લે છે ખરા? ના, એ બુટ આ ઘરમાં જ રહે છે. વાર્તાના બીજા ખંડમાં ગે્રગોરને ડરાવવા માટે જ્યારે તેના બાપા આગળ આવે છે ત્યારે : ‘જેકેટના છેડા પાછળ રાખીને, પાટલૂનના ખિસ્સામાં હાથ નાખીને ગે્રગોરની દિશામાં ભારેખમ ચહેરે આગળ વધ્યા. તેમને પોતાને એ શું કરવા માગતા હતા એની કશી જાણ ન હોય એ શક્ય હતું; ગમે તેમ પણ પોતાના પગ વધુ પડતા ઊંચા કરી કરીને મૂકતા હતા; તેમના જોડાના તળિયાનું વિશાળ કદ જોઈને ગ્રેગોર તો સાવ ડઘાઈ ગયો હતો પણ તેમની સાથે તે ઊભા રહેવાની હિંમત કરી શકે તેમ ન હતો.’ આના પરથી સૂચવાઈ ગયું કે મુખ્ય કારકુનના વ્યક્તિત્વનું રૂપાંતર ગ્રેગોરના બાપામાં થઈ ગયું – એ રીતે પેલી અદૃષ્ટ સત્તાનો દોર ઘરમાં અને ઘરની બહાર ચાલુ રહૃાો. વળી, મુખ્ય કારકુનની સમજાવટને ધ્યાનમાં રાખીશું તો સમજાશે કે આરંભે જે મૈત્રીભર્યો સૂર સંભળાતો હતો તે તો ઘડી પૂરતો જ હતો, તરત જ એ સૂર માત્ર કરડાકીભર્યો નથી બનતો પણ એથી વિશેષ એ સર્વવ્યાપી બનવા જાય છે – ‘હું તમારા માબાપ વતી અને આપણા સાહેબ વતી કહી રહૃાો છું.’ આમ ગ્રેગોર સામસા વિરુદ્ધ વ્યાપક ધોરણે મોરચો મંડાતો જાય છે. મૈત્રીભર્યા સૂરનું કરડાકીભર્યા સૂરમાં રૂપાંતરિત થવું જેવી ઘટનાઓ ધીમે ધીમે બનવા માંડે છે એટલે સ્વરૂપાંતર કોનું? ગ્રેગોર સામસાનાં સ્થૂળ પાસાં (અવાજ વગેરે) ભલે બીજાઓ સુધી પહોંચી શકતાં ન હોય પણ તે બીજાઓનો અવાજ સાંભળી સમજી શકે છે; તેની બહેન ગ્રેટા જ્યારે કપડાં બદલે છે ત્યારે એની સળોનો અવાજ સુધ્ધાં તે સાંભળી શકે છે; સાથે સાથે આ અવસ્થામાં પોતાની સમગ્ર ચેતનાને કેન્દ્રિત કરીને આસપાસના જગતનું આકલન કરી શકે છે. આ અતિશય સંવેદનપટુ જીવ મરણિયો બનીને પોતાના કુટુંબીજનો ઉપર આવનારી આપત્તિ નિવારવા માટે મુખ્ય કારકુનને વિનંતિ કરવા આગળ વધે છે; એમાં નરી લાચારી છે, નરી આજીજી છે પણ એની એ ભાવનાને સમજ્યા કર્યા વિના એ કુટુંબના વડીલ એને તેના ઓરડાની ચાર દીવાલોમાં ધકેલી દેવા આતુર છે. છેવટે તે ઓરડામાં ભારે પુરુષાર્થને અંતે પહોંચે છે પરંતુ લોહીલુહાણ થઈને. અહીં પહેલો ખંડ પૂરો થાય છે. બીજા ખંડમાં ગ્રેગોર સામસાની દૈનિક જીવનચર્યા નાનીમોટી વિગતો સમેત આલેખાઈ છે, એક મધ્યમ વર્ગનું કુટુંબ જે રીતે આથિર્ક મુશ્કેલીઓ વેઠીને જીવન જીવે તેની અતિપરિચિત વિગતો નોંધવામાં આવી છે. અહીં અસામાન્ય તો કશું જ બનતું નથી વળી, ગ્રેગોર સાથેનો સમ્બન્ધ માત્ર આથિર્ક જરૂરિયાત પૂરતો જ હતો. અહીં પાત્રોના સન્દર્ભે કશી ચૈતસિક ઘટનાઓ આલેખવામાં આવી નથી. જે કંઈ બને છે તે માત્ર સ્થૂળ ભૂમિકાએ. પહેલા ખંડની જેમ અહીં પણ એક મહત્ત્વપૂર્ણ દૃશ્ય જોવા મળે છે. ગ્રેગોરના ઓરડામાંથી તેની બહેન બધું જ રાચરચીલું લઈ લેવા માગે છે. ગ્રેગોરને એ ઓરડામાં રહેલી બધી જ ચીજવસ્તુઓ સાથેનાં સાહચર્યોથી તદ્દન મુક્ત કરી દઈને એને નર્યા ખાલીપાની વચ્ચે જાણે તે રાખવા માગે છે. આ અવસ્થામાં જે નાની મોટી વિગતો વર્ણવાય છે, વાતચીતો સંભળાય છે તે પણ સાવ નીરસ છે; બહારના જગત સાથેનો કોઈ કરતાં કોઈ સંપર્ક નથી. ભૂતકાળના જીવનની એવી કોઈ સમૃદ્ધિ નથી – કાફકા જે જગતનું આલેખન કરે છે અને જે વિગતોનો પુરસ્કાર કરે છે તેને આધારે આવું એક ચિત્ર ઊપજે છે. મા અને દીકરી ગ્રેગોરના ઓરડામાંથી બધું ફનિર્ચર હટાવી રહૃાાં છે અને એ પગલું ગે્રગોરને નામંજૂર છે, બીજું કંઈ નહીં પણ એક ચિત્રથી તે અંજાઈ જાય છે. એ કોઈ કળાકૃતિ નથી, એની વિગત આરંભે આવી ગઈ હતી: જે ટેબલ પર કાપડના નમૂનાઓ ખોલીને પથરાયેલા હતા તેના પર હમણાંના જ કોઈ સચિત્ર સામયિકમાંથી તેણે કાપેલી ને સરસ સોનેરી ફ્રેમમાં મઢાવેલી તસવીર લટકતી હતી. ગ્રેગોર સામસા સેલ્સમૅન હતો. રૂંવાની ટોપી અને દુપટ્ટો પહેરેલી એક સ્ત્રી ચિત્રમાં ટટ્ટાર બેઠી હતી અને તેણે જોનારની સામે રૂંવાવાળું મોટું મોજું ધર્યું હતું, તેમાં એનો આખો હાથ ઢંકાઈ ગયો હતો. બીજા ખંડમાં આની વિગત જાણે પહેલી વાર ઉલ્લેખાતી હોય એવી રીતે જોવા મળે છે. ‘પછી સામી ભીંતે રૂંવામાં ખાસ્સી એવી લપેટાયેલી સ્ત્રીના એક ચિત્રથી તે અંજાઈ ગયો.’ આ ચિત્રને એ વળગી રહેવા માગે છે; છેલ્લા ખંડમાં તે ગ્રેટાના વાયોલિન વાદનને પણ એ જ રીતે વળગી રહેવા માગે છે. એ જેટલી ઉત્કટતાથી આ બધાંને વળગી રહે છે એટલી જ ઉત્કટતાથી એની બહેન એની પાસેથી આ બધું છિનવી લેવા માગે છે. આમ છતાં આરંભથી એને કોઈની સાથે વિશેષ કરીને બનતું હોય તો તે એની બહેન સાથે જ. એના બાપામાં એક પ્રકારનો સત્તાવાહી સૂર સંભળાતો હતો પણ બહેન તો ‘નિર્દોષ અને નિર્મળ’ રીતે જ એની સાથે સંબંધ બાંધીને બેઠી હતી. આ બહેન દ્વારા જ ગ્રેગોરનો કુટુંબ સાથેનો સમ્પર્ક ટકી રહૃાો હતો. પણ ફનિર્ચર હટાવવાની ઘટનાથી આ ભાઈબહેન વચ્ચેના સંબંધમાં ઓટ આરંભાય છે અને ત્રીજા ખંડમાં એ સંબંધ પૂરી રીતે વણસે છે. આ દૃશ્યમાંં પણ ગ્રેગોર ઘવાય છે, પહેલાં ગ્રેટાના હાથમાંથી પડીને ફૂટી ગયેલી દવાની શીશીની કરચથી અને ત્યાર પછી ચિડાઈ ગયેલા બાપા એને ડરાવવા માટે જે સફરજનોનો મારો ચલાવી રહૃાા છે તેમાંનું એક સફરજન એના શરીરમાં ખૂંપી જાય છે અને એનો ઘા એક રીતે જીવલેણ પુરવાર થાય છે. ગ્રેગોર કુટુંબીજનોના આ સ્વભાવપરિવર્તનને એક તબક્કે તો સ્વીકારી શકતો નથી. તેના બાપાની જે છબિ ભૂતકાળમાં તેણે જોઈ હતી તેનાથી સાવ વિરોધી છબિનો તે સાક્ષી બની રહૃાો છે. જે લાચારી, વિનમ્રતા, દીનતા પૂર્વે હતાં તે અત્યારે નથી. એમનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે ફરી જુઓ - અત્યારે તો તેઓ ખૂબ જ સજ્જ થઈને ઊભા હતા; બેંકના પટાવાળા પહેરે છે તેવો સોનેરી બટનવાળો ભૂરો ગણવેશ તેમણે પહેર્યાે હતો. જેકેટના અક્કડ અને ઊંચા કોલર પર તેમની અણિયાળી અને ભરાવદાર હડપચી બહાર નીકળી આવી હતી. ભરાવદાર ભ્રમરો નીચેથી કાળી આંખો તાજગીભર્યા અને વેધક દૃષ્ટિપાતો ફેંકતી હતી. એક જમાનામાં વેરવિખેર રહેતા ધોળા વાળ અત્યારે બરાબર વચ્ચેથી પાંથી પાડીને ગોઠવેલા હતા અને ચમકતા હતા.’ ત્રીજા અને અંતિમ ખંડમાં આ સ્વરૂપાંતરની ઘટના બધા જ અર્થમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. સાથે સાથે આ કુટુંબનું જીવન વધુ ને વધુ નીરસ બનવા માંડે છે. એમના જીવનમાં બહારના જગતનો ખાસ પ્રવેશ થતો નથી. આજીવિકા માટેનો સંઘર્ષ વધારે આકરો બને છે, પહેલા ખંડના આરંભે આવતી અત્યન્ત ચમત્કૃતિપૂર્ણ પરાકાષ્ઠા અને ત્રીજા ખંડની લાક્ષણિક પરાકાષ્ઠા વચ્ચે અન્ય વિગતોની યોજના કરવામાં આવી છે. ત્રીજા ખંડમાં ગ્રેગોરના બાપા સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે તે જુઓ, ‘તેના બાપા ઘરમાં પણ ગણવેશ પહેરવાની જિદ કરતા હતા; તેમનો ડે્રસીંગ ગાઉન ખીંટી પર એમનો એમ લટક્યા કરતો હતો અને જાણે ગમે તે ક્ષણે નોકરીએ ચઢી જવાનું હોય તથા ઉપરી અધિકારીના બોલાવતાંવેંત જવા તૈયાર હોય તેમ તે જ્યાં બેસતા ત્યાં જ પૂરેપૂરા સુસજ્જ થઈને સૂઈ રહેતા હતા.’ અત્યાર સુધી ગ્રેગોરે શરણાગતિ સ્વીકારી હતી અને પેલી અદૃષ્ટ સત્તાએ એને લાક્ષણિક અર્થમાં પહેલાં અને પાછળથી સ્થૂળ અર્થમાં રૂપાંતરિત કરી નાખ્યો હતો. એ જ અદૃષ્ટ સત્તાએ હવે જાણે ગ્રેગોરના બાપાને સકંજામાં લીધા છે. ગ્રેગોરને નગણ્ય ગણવાની વૃત્તિ વિસ્તરતી જાય છે; ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય એટલા માટે હવે અહીં ભાડૂતો તરીકે ત્રણ યુવાનોને રાખવામાં આવ્યા છે; બહારના જગતમાંથી થોડા સમય માટે આવી ચઢેલા આ યુવાનો વિશે બીજી કશી માહિતી મળતી નથી; સંગીતની સૂઝ ન હોવા છતાં એવો દાવો કરતા આ યુવાનોએ સામસા કુટુંબ પર થોડા સમય માટે કબજો લઈ લીધો હતો! એમની ઇચ્છા પ્રમાણે સામસા વર્તવા મથે છે. એમને કારણે જ ગ્રેગોરનો ઓરડો હવે ઉકરડામાં ફેરવાઈ ગયો છે; એના શરીર પર ધૂળ ફરી વળી છે અને આવી હાલતમાં, બીજાઓનો કશો વિચાર કર્યા વિના તે ગ્રેટાનું વાયોલિનવાદન સાંભળવા આવી ચઢે છે; ફરી એક વાર તે અનિચ્છનીય વ્યક્તિ પુરવાર થાય છે; પેલા યુવાનો સત્તાવાહી સૂરમાં સામસા કુટુંબના ‘ઘૃણાસ્પદ વાતાવરણ’નો વિરોધ કરે છે. એમની સત્તા સામે ગ્રેગોરના બાપા ઝૂકી જાય છે. ત્રીજા ખંડમાં મહત્ત્વપૂર્ણ ઘટના ગ્રેટા દ્વારા થતા ગ્રેગોરના તિરસ્કારની છે, તે હવે ગ્રેગોરની ઉપસ્થિતિને સાંખી શકતી નથી. આ ઘરમાંથી ગ્રેગોરને કાઢી મૂકવા માગે છે. હવે ગ્રેગોર સામસા પાસે મૃત્યુ સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી. વિરતિ પરાકાષ્ઠાએ પહોંચે છે. સ્વાભાવિક ક્રમમાં પણ હવે મૃત્યુ સિવાય બીજો વિકલ્પ ગ્રેગોર માટે રહૃાો નથી; કાફકા માટે પણ રહેતો નથી. આ અંત કેવી રીતે આવે છે તે જોવા જેવું છે : શૂન્યતા અને શાંતિમય ધ્યાનાવસ્થામાં તે ટાવરમાં સવારના ત્રણના ડંકા પડ્યા ત્યાં સુધી પડી રહૃાો. બારી બહારના જગતમાં ફરી એક વખત પરોઢનું અજવાળું થયુું તે તેની ચેતનામાં પ્રવેશ્યું. પછી તેનું માથું જમીન પર જાતે જ ફસડાઈ પડ્યું અને તેનાં નસકોરાંમાંથી છેલ્લો શ્વાસ નીકળ્યો. મૃત્યુની આગલી ક્ષણ સુધી તેની ચેતના જગતનું આકલન કરતી રહે છે. જંતુની કક્ષાએ જઈ પહોંચેલો હોવા છતાં તેનામાં જે માનવસંવેદના હતી તેનાથી શક્ય તેટલી રીતે આસપાસનું સર્વ કંઈ ગ્રહણ કરતાં કરતાં જીવવું એ સિવાય બીજું કશું તે સ્વીકારવા માગતો નહોતો. લગભગ તો તે જે કોઈના સંપર્કમાં આવ્યો તે બધાં જ સ્વાર્થી પુરવાર થયાં, સૌથી વધારે વિશ્વાસ તે પોતાની બહેન પર રાખીને જીવન જીવતો હતો. તેના સંગીતની કદર તે એકલો જ કરી શક્યો હતો અને છતાં ત્યાંથી જ તેને જાકારો મળ્યો. આ અવમાનના તે વેઠી ન શક્યો અને જાણે તે આ જગતમાંથી સ્વેચ્છાએ હદપારી સ્વીકારી લે છે. સમગ્ર વાર્તામાં ક્યાંય કોઈ પણ પ્રકારના પારમાથિર્ક પરિબળને તે વચ્ચે લાવતો નથી. આ મૃત્યુ સાથે જ સામસા કુટુંબના વડીલની સત્તા ફરી પાછી આવી ગઈ. પેલા યુવાનોને તે ઘરમાંથી કાઢી મૂકે છે. મરણોત્તર વિધિનો કોઈ પ્રશ્ન અહીં છે જ નહીં કારણ કે નોકરબાઈએ એ નિર્જીવ વસ્તુનો ક્યારનો નિકાલ કરી દીધો હતો. ગ્રેગોરનું મૃત્યુ આ કુટુંબને પહેલી વખત ઘરની બહાર આણે છે. પહેલી વખત તેઓ બહાર ફરવા નીકળે છે; આલ્બેર કેમ્યૂના ‘ધ આઉટસાઇડર’નો નાયક માના મૃત્યુ પછી નિરાંતે કોફી પીએ છે, પ્રિયતમા સાથે ફરવા જાય છે. અહીં આ લોકો ગ્રેગોરના મૃત્યુ પછી એવી જ હળવાશથી જીવતા થાય છે, એટલું જ નહીં એક રોમેન્ટિક વાતાવરણ આગળ કૃતિનો અંત આવે છે. આમ કૃતિનો આરંભ અને કૃતિનો અંત, એક છેડે અતિપ્રાકૃત તત્ત્વ અને બીજે છેડે રોમેન્ટિક જીવન, અત્યાર સુધીનું વાતાવરણ અને અંતે ગ્રેટાના યૌવનપ્રવેશને સૂચવતું વાતાવરણ – આ બધાંનો જાણે એકબીજા વડે છેદ ઊડી જાય છે. કૃતિના આરંભે ગ્રેગોર સામસાનું રૂપાંતર મસમોટા જંતુમાં થાય તે પહેલાં એને અસ્વસ્થ કરી મૂકે એવાં સ્વપ્નોનો ઉલ્લેખ આવે છે, એમની બીજી કોઈ વિગતો જોવા મળતી નથી. ધારો કે આ વાર્તાનો અંત ‘એલિસ ઇન વન્ડરલૅન્ડ’ના જેવો હોત તો! ‘ગ્રેગોર સામસાએ ચાના ટેબલ પર બેસીને પોતે સ્વપ્નમાં મોટા વંદામાં રૂપાંતરિત થઈ ગયો હતો એની આખી કથા વિગતે કહી. અને કુટુંબીજનો એ સ્વપ્નની વાત ખૂબ ભય સાથે સાંભળતા તો હતા પણ પછી ગ્રેગોરે વાતના અંતે હસવા માંડ્યું એટલે બીજાં બધાં પણ ખડખડાટ હસવા લાગ્યાં.’ આપણને સૌને અંગત રીતે ગમે એવો આ પ્રકારનો અંત કાફકાએ રચેલા સમગ્ર સાહિત્યને ધ્યાનમાં રાખીએ તો શક્ય નથી. તે તો આપણા યુગની વિભીષિકાની વાત કરવા માગે છે એટલે આવા કોઈ સ્વપ્નિલ અંત ન ચાલે. પરંતુ વાર્તામાં ગ્રેટાના યૌવનના નવઉઘાડની અને કુટુંબીજનોનાં નવાં સ્વપ્નો તથા શુભાશયોની વાત આવે છે તેનું શું? કૃતિનો અંત આવો છે : શૂન્યતા અને શાંતિમય ધ્યાનાવસ્થામાં તે ટાવરમાં સવારના ત્રણના ડંકા પડ્યા ત્યાં સુધી પડી રહૃાો. બારી બહારના જગતમાં ફરી એક વખત પરોઢનું અજવાળું થયું તે તેની ચેતનામાં પ્રવેશ્યું. પછી તેનું માથું જમીન પર જાતે જ ફસડાઈ પડ્યું અને તેનાં નસકોરાંમાંથી છેલ્લો શ્વાસ નીકળ્યો. કાફકા એ પૂર્વે આપણને એક યાતનામય સંસાર દેખાડે છે. એમાં કોઈ નવાં સ્વપ્ન સંભવી ન શકે, અને હોય તો તે આરંભે આવતાં દુઃસ્વપ્ન જ. એ દુઃસ્વપ્ન જ વાસ્તવ છે, આવાં સ્વરૂપાંતર જ વાસ્તવ છે. અને આ વાસ્તવ પેલા સ્વપ્નજગતનો, શુભાશયોથી ભરેલા જગતનો છેદ ઊડાડે છે. અહીં શૅક્સપિયરની બે રચનાઓનો અંત યાદ કરીએ. ‘મૅકબૅથ’નો અંત કેટલો બધો યાતનાપૂર્ણ છે! પણ ત્યાં અંતે દુઃસ્વપ્નનો અંત સૂચવતું એક વાક્ય આવે છે : & Time is free. મૅકબૅથના અંગત જીવનની આ કરુણાંતિકા ગણાય પરંતુ બીજાઓને માટે તો ઉત્સવ છે. ‘હેમલેટ’માં પણ દારુણ યાતનાઓ છે, મૃત્યુ પામતાં પામતાં હેમલેટ બોલે છે : And in this harsh world draw thy breath in pain / To tell my story. અહીં કોઈ ઉત્સવને અવકાશ નથી. ફ્રાન્ઝ કાફકા પણ આપણી સામે આ કઠોરતા ધરે છે. એ ફરી ફરી આવતી જ રહેશે. ગ્રેગોર અને ગ્રેટા – બંને નામના આદ્યાક્ષરોમાં આકસ્મિક સામ્ય હશે પણ કદાચ ગ્રેગોરની કથાનું સાતત્ય ગ્રેટામાં જોવા મળે પણ ખરું, ગ્રેટાનું ભવિષ્ય તો ભાવકના આંતરજગતમાં ઊઘડવાનું છે, એ રીતે પણ આ કથાનો કોઈ અંત નથી. આમ જોવા જઈએ તો વ્હાલસોઈ બહેન ગ્રેટાના જાકારા પછી જ ગ્રેગોરના જીવનનો – ભલે એ જીવન જંતુની કક્ષાનું કેમ ન હોય – અંત આવે છે. અને એટલે જ નથી તો એલિસ ઇન વન્ડરલૅન્ડ જેવું જગત ઊભું થતું કે નથી આ ત્રણે પાત્રો દેવળમાં જઈને ગ્રેગોરના આત્મા માટે ઈશ્વર સામે શાંતિનાં વચનો ઉચ્ચારતાં. આમ આરંભનું દુઃસ્વપ્ન ગ્રેગોરના મનુષ્યજીવનનો છેદ ઉડાડે છે, આ સ્વરૂપાંતર ગ્રેટાના જીવનની નવવસંતનો છેદ ઉડાડે છે કારણ કે એ નવવસંતને ગ્રેગોરની યાતનાનો કાયમી વણછો લાગેલો રહેશે. અને એટલા માટે જ ભાવક પણ ‘મૅકબૅથ’નાં પાત્રોની જેમ ઉત્સવઘેલો બનતો નથી, બની શકતો પણ નથી, ભલે ગ્રેટા આનંદમાં આવી જઈને નવજીવનની પ્રતીક્ષા કરતી કેમ ન હોય!

(પ્રથમ પ્રકાશન : એતદ્, જાન્યુઆરી-માર્ચ, 1996; આ અનુકથન અહીં સુધારીને)