મેટમૉર્ફોસીસ/૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગ્રેગોરને થયેલી આ ગંભીર ઇજાને પરિણામે તે એક મહિના સુધી પાંગળો રહૃાો, પેલું સફરજન એ ઘટનાની યાદ અપાવતું તેના શરીર પર ચીટકી રહૃાું કારણ કે એને લઈ લેવાની હિંમત કોેઈએ કરી નહીં – પણ આ ઇજાએ તેના બાપાનેય યાદ કરાવી આપ્યું કે ગ્રેગોર તેમના જ કુટુંબનો એક સભ્ય હતો, તેની અત્યારની દુર્ભાગી અને જુગુપ્સાકારક અવસ્થા છતાં તેની સાથે દુશ્મનની જેમ વર્તાવ કરવો ન જોઈએ અને એથી ઊલટું કુટુંબીજનોની તો ફરજ છે કે તિરસ્કારની ભાવના દબાવી દઈને ધીરજ કેળવવી જોઈએ, માત્ર ધીરજ. તેને થયેલી ઇજાઓેને કારણે કદાચ કાયમ માટે હલનચલન કરવાની તેની શક્તિ નબળી થઈ ગઈ હતી, થોડા સમય માટે તો તેના ઓરડામાં આમતેમ હરવાફરવા માટે કોઈ અપંગની જેમ ખાસ્સો સમય જોઈતો હતો, હવે ભીંત ઉપર સરકવાનો તો કોઈ સવાલ જ ન હતો અને છતાં તેની દૃષ્ટિએ આ વધારે વણસી ગયેલી સ્થિતિનું પૂરતું વળતર બીજી રીતે મળી રહેતું હતું. પહેલાં તો સાંજે કલાક બે કલાક બેઠકખંડના બારણા સામે તે આતુરતાથી જોયા કરતો હતો પણ હવે એ બારણું હંમેશાં સર્વસંમતિથી ખુલ્લું રાખવામાં આવતું હતુંં જેથી કરીને તે પોતાના ઓરડાના અંધકારમાં પડ્યા રહીને, બીજાઓ તેને ન જોઈ શકે એ રીતે, ટેબલ ઉપર મૂકેલા દીવાના પ્રકાશમાં તેમને વાતો કરતાં જોઈ શકતો હતો; કાન માંડીને ચોરીછૂપીથી સાંભળવાની જૂની પરિસ્થિતિ કરતાં આ સાવ જુદી હતી. ભૂતકાળમાં હોટલોના નાના નાના ઓરડામાં થાકીપાકીને તે ભેજવાળી પથારીઓમાં પડતું નાખીને હંમેશાં આતુરતાથી સ્વજનોની આત્મીયતાભરી જે વાતો યાદ કર્યા કરતો હતો એવી વાતો તે અત્યારે સાંભળતો હતો પણ એમાં પહેલાં જેવી જીવંતતા વરતાતી ન હતી. હવે તેઓ ઘણું કરીને મૂંગા રહેતા હતા. વાળુ પત્યા પછી તેના બાપા આરામખુરશીમાં ઊંઘી જતા; તેની મા ટેબલ પરના દીવાના અજવાળામાં નીચે નમીને કોઈ તૈયાર કપડાંની દુકાન માટે ઝીણું ઝીણું સીવ્યા કરતી; સેલ્સગર્લ તરીકે હવે નોકરી કરતી તેની બહેન પોતાની કારકિર્દી સુધારવા માટે સાંજે લઘુલિપિ અને ફ્રેન્ચ શીખતી હતી. ક્યારેક તેના બાપા ઝબકીને જાગી જતા અને જાણે આટલું બધું સૂઈ રહૃાાની ખબર જ ન હોેેય તેમ તેની માને કહેતા; ‘આજે તારું સીવવાનું બહુ લાંબું ચાલ્યું!’ અને ફરી પાછા ઊંઘી જતા; માદીકરી બંને એકબીજા સામે જોઈને પરાણે સ્મિત કરતાં. તેના બાપા ઘરમાં પણ ગણવેશ પહેરવાની જિદ કરતા હતા; તેમનો ડે્રસીંગ ગાઉન ખીંટી પર એમનોે એમ લટક્યા કરતો હતો અને જાણે ગમે તે ક્ષણે નોકરીએ ચઢી જવાનું હોય તથા ઉપરી અધિકારીના બોલાવતાંવેંત જવા તૈયાર હોય તેમ તે જ્યાં બેસતા ત્યાં જ પૂરેપૂરા સજ્જ થઈને સૂઈ રહેતા હતા. આને પરિણામે માદીકરી તેમના યુનિફોર્મની ખૂબ પ્રેમથી કાળજી લેતા હોવા છતાં તે અસ્વચ્છ દેખાવા માંડ્યો હતો, જોકે એ સાવ નવો તો ન જ હતો. ગ્રેગોર આખી સાંજ ખૂબ જ ચમકચમક કરતા સોનેરી બટનવાળા અને વચ્ચે વચ્ચે ચીકણા ડાઘાવાળા એ ગણવેશને જોયા કરતો, ખૂબ જ અગવડભરી સ્થિતિમાં અને છતાં અત્યન્ત શાંતિથી એ વૃદ્ધ બેઠા બેઠા જ એ ગણવેશમાં સૂઈ જતા હતા. ઘડિયાળમાં જ્યાં દસના ટકોરા પડે ત્યાં તેની મા તેના બાપાને હળવેથી ઉઠાડતી અને પલંગમાં સૂઈ જવા સમજાવતી કારણ કે ત્યાં બેઠા બેઠા ઊંઘવાથી પૂરતો આરામ મળે નહીં અને એ આરામની તેમને ખૂબ જરૂર હતી, સવારે છ વાગે તો કામ પર હાજર થવાનું હોય. પણ બેંકમાં સંદેશવાહક બન્યા હતા ત્યારથી જિદ્દી બનીને વધુ ને વધુ સમય ટેબલ આગળ ગાળતા હતા, અવારનવાર એ જ હાલતમાં તે નિયમિત રીતે ઝોકાં ખાતા હતા. છતાં તેમને માંડ માંડ આરામખુરશીમાંથી ઉઠાડીને પથારીમાં સુવાડવા પડતા હતા. માદીકરી હળવેથી ફરી ફરી યાદ અપાવે તો પણ પાએક કલાક તે આંખો મીંચીને માથું હલાવ્યા કરતા અને ઊભા થવાની ના જ પાડતા. મા તેમની બાંય પકડીને કાનમાં જરા ફોસલાવનારા શબ્દો કહેતી, તેની બહેન અભ્યાસ છોડીને તેની માની મદદે આવતી પણ ગ્રેગોરના બાપા એમ કંઈ સહેલાઈથી માને એવા ન હતા. તે પોતાની ખુરશીમાં વધુ ઊંડે સરી જતા. જ્યાં સુધી માદીકરી તેમને બાવડેથી પકડે નહીં ત્યાં સુધી તે આંખો ખોલે નહીં, પછી તે વારાફરતી એકબીજાની સામે જોતા અને ઘણું કરીને બબડતા; ‘આનું નામ જિંદગી. મારા ઘરડાપાની આ શાંતિ અને નિરાંત.’ બંનેનો ટેકો લઈને તેઓ ઊભા થતા, જાણે પોતે સાવ બોજ હોય તેમ તે મુશ્કેલીથી કણસતા અને બારણા સુધી માદીકરી પાસે જાતને દોરાવતા, પછી તેમનો ટેકો છોડી દઈને એકલા સૂવા જતા, તેમની પાછળ પાછળ દોડવા અને મદદ કરવા માટે માને સીવણકામ તથા બહેનને પોતાનોે અભ્યાસ બાજુ ઉપર મૂકવા પડતા. આ અતિશય વ્યસ્ત અને થાકેલા કુટુંબમાં ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ગ્રેગોર માટે સમય કોણ ફાળવી શકે? ઘરખર્ચ ઉપર વધારે ને વધારે કાપ મુકાવા માંડ્યો. નોકરાણી છોડી દીધી. એક ઊંચી, સૂકલકડી ને ફગફગતા સફેદ વાળવાળી બાઈ સવારસાંજ છૂટક કામ કરવા આવતી હતી, એ જ. બાકીનું બધું કામ તથા ઢગલેઢગલાં કપડાંનું સિલાઈકામ તેની મા જ કરી લેતી હતી. માબહેન વારતહેવારે અને મેળાવડામાં ગૌરવભેર જે જુદાં જુદાં આભૂષણો પહેરતાં હતાં તે પણ વેચી દેવાં પડ્યાં; એક સાંજે તેઓ એમાંથી કેટલી રકમ મળી તેની ચર્ચા કરી રહૃાાં હતાં ત્યારે ગ્રેગોરને આ વાતની ખબર પડી. તેમના અત્યારના સંજોગોમાં ખૂબ જ મોટા લાગતા આ ફલેટને તેઓ બદલી શકતા ન હતા કારણ કે ગે્રગોરને ખસેડવાનો માર્ગ તેમને મળતો ન હતો અને આ વાતથી તેઓે સૌથી વધારે દુઃખી હતા. પણ મારે કારણે ફલેટ બદલવાની મુશ્કેલી પડતી હતી એવું ગે્રગોર માનતો ન હતો; કાણાંવાળી એક પેટીમાં તેને ગોઠવીને ખૂબ સહેલાઈથી મકાન તો બદલી શકાય. ખરેખર તો તેમને ઘેરી વળેલી આ હતાશા તથા તેમના કોઈ સગાસબંધી કે પરિચિતોના જીવનમાં આવી ન પડ્યું હોય એવું દુર્ભાગ્ય તેમના એકલાના જીવનમાં આવી પડ્યું એ કારણે જ તેઓ ફલેટ બદલી શકતા ન હતા. ગરીબ લોકો પાસે દુનિયા જે કાંઈ મહેનત મજૂરી કરાવે તે બધી તેઓ કરતા હતા; બેંકમાં નીચલી પાયરીના કારકુનો માટે તેના પિતા નાસ્તો લઈ આવતા, અજાણ્યા લોેકો માટે અંદર પહેરવાનાં કપડાં સીવવા પાછળ તેની મા પોતાની બધી શક્તિઓ ખર્ચી નાખતી હતી, તેની બહેન ગ્રાહકોને સાચવવા માટે આમથી તેમ દોડાદોડ કર્યા કરતી હતી; આનાથી વધારે કશું કરવાની શક્તિ તેમનામાં હતી નહીં: તેના બાપાને પથારીમાં સૂવડાવ્યા પછી મા અને દીકરી પોતાના ઓરડામાં આવી, કામકાજ બાજુ પર મૂકી, એકબીજાની સોડમાં ભરાઈને ગાલે ગાલ અડાડીને બેસી રહેતાં; પછી તેની મા ગે્રગોરનો ઓરડો ચીંધીને કહેતી : ‘ગે્રટે, હવે એ બારણું બંધ કર.’ પછી ગ્રેગોર અંધકારમાં એકલો પડી જતો અને બાજુના ઓરડામાં બંને સ્ત્રીઓ આંસુ સારતી કે ટેબલ સામે સુકાઈ ગયેલાં આંસુવાળી આંખે તાક્યા કરતી અને ત્યારે ગ્રેગોરની પીઠ પરના ઘા તેને નવેસરથી પીડવા માંડતા. રાતે કે દિવસે ગે્રગોર ભાગ્યે જ સૂતો હતો; તેના મનમાં અવારનવાર વિચાર આવતો હતોે કે હવે જ્યારે બારણું ખૂલશે ત્યારે તે પહેલાંની જેમ કુટુંબનો વહીવટ સંભાળી લેશે. વચગાળાના લાંબા વિરામ પછી ફરી એક વાર તેના મનમાં સાહેબ, મુખ્ય કારકુન, ધંધોપાણી કરતા મુસાફરો, શીખાઉ લોકો, સાવ મૂરખ એવો એક પોર્ટર, બીજી પેઢીઓમાં કામ કરતા બેત્રણ મિત્રો, ગામડાગામની એક હોટલમાં કામ કરતી બાઈ; સ્ત્રીઓની ટોપીઓ વેચતી દુકાનમાં કેશિયર તરીકે કામ કરતી જે યુવતીને તે ખૂબ જ આતુરતાથી ચાહતો હતો પણ જેની સાથે સંબંધ મંદ ગતિએ આગળ વધતો હતો, એ યુવતીની મીઠી અને છટકિયાળ સ્મૃતિ – આ બધું તેના મનમાં ઊમટી આવ્યું, એ ઉપરાંત અજાણ્યા તથા સાવ વિસ્મૃત થઈ ગયેલા લોકો પણ તેની આંખ આગળ તરવર્યા, પણ આ બધા તેને કે તેના કુટુંબને મદદરૂપ થવાને બદલે સાવ દૂર રહૃાા હતા; તેમની છબિઓ અદૃશ્ય થઈ ત્યારે તેને આનંદ થયો. સામાન્ય સંજોગોમાં તો તેણે પોતાના કુટુંબની પરવા કરી ન હોત; તેઓ અત્યારે તેની જે રીતે ઉપેક્ષા કરી રહૃાા હતા એનાથી તેને ભયાનક ગુસ્સો આવતો હતો; તેને શું ખાવું છે એનો કોઈ જ ખ્યાલ તેને ન હતો છતાં રસોડાના કબાટ પાસે જઈને પોતાના ભાગનું ખાવાનું લેવાની યોજનાઓ ભૂખ ન હોય તો પણ ઘણી વાર કરતો હતો. તેને ખૂબ જ ગમી જાય એવી વાનગીઓ લાવવાનો વિચાર હવે તેની બહેનને આવતો ન હતો; પણ સવારે અને બપોરે કામ પર જતાં પહેલાં તે ગ્રેગોરના ઓરડામાં જે કંઈ ખાવાનું હોય તે પગ વડે ધકેલી દેતી અને સાંજે સાવરણી લઈને સાફસૂફી કરી નાખતી, પછી એમાંથી ખાધુંપીધું છે કે નહીં એની જરાય ચિંતા કરતી નહીં, મોટે ભાગે તો એ ખાવાનું એમ ને એમ પડી રહેતું હતું. એના ઓરડાની સાફસૂફી હવે તે હંમેશાં સાંજે ખૂબ ઉતાવળે કરી લેતી હતી, ભીંતો આગળ ધૂળના ડાઘા દેખાતા હતા, આમતેમ ગંદકી અને ધૂળના ઢગલા પડ્યા હતા. શરૂઆતમાં તો ગે્રગોર કોઈ ગંદા ખૂણામાં ગોઠવાઈ જતો જેથી તેની બહેન આવે ત્યારે તેને ઠપકો આપી શકાય પરંતુ અઠવાડિયાંઓ સુધી એમ જ બેસી રહૃાો હોત તો પણ ગ્રેટાના વલણમાં સહેજ પણ સુધારો ન થાત, ગ્રેગોરની જેમ તે પણ ધૂળના ઢગલા જોતી હતી પરંતુ એણે મનોમન નક્કી કરી લીધેલું કે એ બધું ભલે એમનું એેમ પડ્યું રહે; તેના સ્વભાવમાં હવે આળસ પ્રવેશી ગઈ હતી અને એનો ચેપ આખા કુટુંબને લાગ્યો હતો, અને છતાં ગ્રેગોરના ઓરડાની સંભાળ રાખવાનો એક માત્ર અધિકાર તેણે પોતાની પાસે જ રાખી મૂક્યો હતો. એક વખત તેની માએ ગે્રગોરનો ઓરડો પૂરેપૂરો સાફ કરાવ્યો, પાણીની કેટલીક ડોલો ભરીને એ કામગીરી પૂરી કરી; આ ભેજને કારણે ગ્રેગોર પણ અસ્વસ્થ થઈ ગયો હતો, તે સોફા પર ચિડાઈને ચુપચાપ પહોળો થઈને પડ્યો રહૃાો. પણ તેની માને આ બદલ ખાસ્સું વેઠવું પડ્યું. એ સાંજે તેની બહેને ગ્રેગોરના ઓરડાની આ બદલાયેલી સ્થિતિ જોતાંવેંત તે બેઠકખંડમાં ગુસ્સે થઈને ધસી ગઈ અને તેની માએ હાથ ઊંચા કરીને વિનંતિઓ કરી છતાં ગ્રેટા મોટે મોટેથી રડવા લાગી, તેના બાપા ખુરશીમાંથી સફાળા ચોંકીને ઊભા થઈ ગયા, એ બંને શરૂઆતમાં તો ડઘાઈ જ ગયાં; પછી તેઓ પણ આમાં જોડાયા. ગે્રગોરના ઓરડાની સફાઈની જવાબદારી ગ્રેટા ઉપર નાખવી કે એના નિર્ણયનોે અધિકાર મારો પોતાનો છે એમ કહી બાપાએ માને ઠપકો આપ્યો; ડાબી બાજુએ ઊભેલી દીકરીને બરાડીને કહૃાું: ‘હવે પછી કદી ગે્રગોરના ઓરડાની સફાઈ તારી મા પાસે કરાવવાની નથી.’ તેઓ વધારે પડતા ઉત્તેજિત થઈ ગયા હતા એટલે મા તેમનો હાથ ઝાલીને સૂવાના ઓરડામાં લઈ ગઈ. ડૂસકાં ભરતી તેની બહેને ટેબલ પર પોતાના હાથની મૂઠીઓ પછાડવા માંડી; અને ગ્રેગોર ગુસ્સાથી નિ:શ્વાસ નાખવા લાગ્યો કારણ કે આટલા બધા ઘોંઘાટ અને તમાશામાંથી તેને ઉગારી લેવા માટે કોઈ કરતાં કોઈને બારણું બંધ કરવાનો વિચાર જ આવ્યો નહીં. દરરોજના કામકાજને કારણે સાવ થાકી જતી તેની બહેન પહેલાંની જેમ ગ્રેગોરની સંભાળ લઈ ન શકતી હોય તો પણ તેની માએ વચ્ચે પડવાનો કે ગ્રેગોરની ઉપેક્ષાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં, પેલી બાઈ તો હતી જ. એ મજબૂત બાંધાની વિધવા પોતાના ખરાબમાં ખરાબ લાંબા જીવનની બધી મુશ્કેલીઓ વેઠીને ટકી ગઈ હતી, એને ગ્રેગોર પ્રત્યે જુગુપ્સા પણ થતી ન હતી. એક વખત જરાય જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાયા વિના તેણે ગ્રેગોરના ઓરડાનું બારણું ખોલ્યું અને ચોંકી ઊઠેલો ગ્રેગોર કોઈ એની પાછળ પડ્યું ન હતું છતાં આમથી તેમ દોડાદોડ કરવા માંડ્યો, એ બાઈ અદબ વાળીને ત્યાં ને ત્યાં ઊભી જ રહી. ત્યાર પછી તે હંમેશાં શરૂઆતમાં સવારસાંજ બારણું જરા ખોલતી અને એની સામે જોતી ઊભી રહેતી. શરૂઆતમાં તો તે ગ્રેગોરને સ્નેહભર્યાં સંબોધનોથી બોલાવતી હતી. ‘ચાલ જોઈએ, બુઢ્ઢા વાંદા.’ ‘અરે આ બુઢ્ઢા વાંદાને તો જુઓ.’ આવાં સંબોધનોનો કોઈ પ્રતિભાવ આપ્યા વિના ગ્રેગોર જાણે બારણું ખૂલ્યું જ નથી એમ માનીને જ્યાં હોય ત્યાં ને ત્યાં સ્થિર રહેતો. એ બાઈ મન થાય ત્યારે નિરર્થક રીતે મને હેરાન કરે છે એને બદલે મારો ઓરડો દરરોજ સાફ કરવાનું એને કેમ કહેતા નથી? એક વહેલી સવારે વસંત ઋતુ હવે આવી પહોંચી છે એના સંકેત રૂપે ધોધમાર વરસાદ બારીઓના કાચ સાથે અફળાતો હતો ત્યારે આ બાઈએ ગ્રેગોરને બોલાવ્યો, તે એટલો બધો ચિડાઈ ગયો કે જાણે તેના પર હુમલો કરવા માગતો હોય તેમ તેની સામે ધીમેથી અને મરતાં મરતાં દોટ મૂકી. પણ ગભરાયા વિના તે બાઈએ બારણા પાસે પડેલી ખુરશી જ માત્ર ઊંચકી અને મોં ખુલ્લું રાખીને ઊભી રહી ગઈ, ગ્રેગોરની પીઠ પર ખુરશી ફંગોળશે ત્યારે જ એ મોં બંધ કરવાની છે એવો ભાવ તે સૂચવવા માગતી હતી. ગ્રેગોર પાછો ફર્યો એટલે તેણે કહૃાું : ‘તારે બહુ નજીક આવવાનું જ નહિ, શું?’ અને ચુપચાપ ખુરશી ખૂણામાં મૂકી દીધી. ગ્રેગોર હવે ભાગ્યે જ કશું ખાતો હતો. એને માટે મૂકી રાખેલી વાનગીઓ પાસેથી તે જ્યારે પસાર થતો ત્યારે જ માત્ર શોખ ખાતર કશુંક ચાખતો, એકાદ કલાક મોંમાં મૂકી રાખતો અને પછી થૂંકી કાઢતો. શરૂઆતમાં તો તેને એમ લાગ્યું કે પોતાના ઓરડાની પરિસ્થિતિને કારણે તે ખાઈ શકતો નથી પણ પછી થોડા જ સમયમાં તે ઓરડામાં થયેલાં પરિવર્તનોથી ટેવાઈ ગયો. જે વસ્તુઓ માટે બીજે ક્યાંય જગ્યા ન હોય એ વસ્તુઓ તેના ઓરડામાં ધકેલી દેવાની તેના ઘરનાંઓને આદત પડી ગઈ હતી અને એક ઓરડો ત્રણ જણને ભાડે આપ્યો હતો એટલે હવે ઘણી બધી વસ્તુઓ તેના ઓરડામાં આવી ગઈ હતી. ગ્રેગોરે એક વખત બારણાની તિરાડોમાંથી જોયું હતું તો આ ત્રણે યુવાનો દાઢીવાળા હતા; તેઓ માત્ર તેમના ઓરડાને જ નહીં પણ આખા ઘરને, ખાસ તો રસોડાને સુઘડ જોવા માગતા હતા કારણ કે હવે તેઓ આ ઘરના સભ્યો જેવા બની ગયા હતા. અસ્વચ્છ વસ્તુઓ જ નહીં, વધારાની વસ્તુઓ પણ તે સાંખી શકતા ન હતા. વળી તેઓ પોતાની સાથે મોટા ભાગની જરૂરી સાધનસામગ્રી લઈને આવ્યા હતા. આ કારણે જે બધી વસ્તુઓ વેચી દેવાનો કોઈ અર્થ ન હતો તથા ફેંકી દેવાય એવી ન હતી તે બધી જ વસ્તુઓ ગ્રેગોરના ઓરડામાં આવી ચઢી. રાખનો ડબ્બો, રસોડાની કચરાટોપલી, જે વખતે જેનું કામ ન હોય તે બધી જ વસ્તુઓ બાઈ ફેંકી જતી. એ બધું જ ઉતાવળે ફંગોળ્યા કરતી. સદ્ભાગ્યે ગ્રેગોર સામાન્ય રીતે જે તે વસ્તુ અને એને પકડનારો હાથ જ જોતો હતો. કદાચ સમય અને તક મળે તો એ બધી વસ્તુઓ પાછી લેવાનો વિચાર તેના મનમાં હશે અથવા એક સાથે બધું ફેંકી દેવા માગતી હશે. પરંતુ એ બાઈએ જે વસ્તુઓ જ્યાં ફેંકી હોય ત્યાં જ પડી રહેતી, સિવાય કે ગ્રેગોર એના ઢગલામાંથી પોતાનો રસ્તો કરવા જતાં એને થોડી ખસેડી નાખે. એના ઓરડામાં હલનચલન માટે જગ્યા જ ન હતી. એટલે શરૂઆતમાં તે જરૂરિયાતને કારણે, પણ પાછળથી વધુ ને વધુ આનંદ માટે ફર્યા કરતો હતો પણ આવા પ્રત્યેક સાહસ પછી તે દુઃખી થઈ જતો અને કંટાળી જતોે એટલે કલાકો સુધી સ્થિર પડી રહેતો. અને એે યુવાનો ઘણી વાર વાળુ બેઠકખંડમાં લેતા હતા એટલે એનું બારણું મોટે ભાગે સાંજે બંધ રહેતું હતું; છતાં બંધ રહેતા આ બારણાને ગ્રેગોરે પૂરી સ્વસ્થતાથી સ્વીકારી લીધું કારણ કે ઘણી વાર સાંજે જ્યારે તે ખોલવામાં આવે ત્યારે એની તરફ સહેજેય ધ્યાન આપ્યા વિના તે પોતાના ઓરડાના સાવ અંધારા ખૂણામાં પડ્યો રહેતો, તેનાં કુટુંબીજનોની નજર એ બાજુ જતી જ ન હતી. પણ એક વખત બાઈથી બેઠકખંડનું બારણું થોડું ખુલ્લું રહી ગયું. પેલા યુવાનો વાળુ માટે આવ્યા, દીવા થયા ત્યારે પણ એ ખુલ્લું જ રહૃાું. જ્યાં એક જમાનામાં ગે્રગોર, તેના માબાપ ભોજન માટે બેસતા હતા ત્યાં છેડે યુવાનો બેઠા હતા, તેમણે નેપકીન પાથર્યા અને હાથમાં છરીકાંટા લીધા. તે જ વખતે તેની મા બીજા બારણે હાથમાં માંસની વાનગી ભરેલી તાસક લઈને ઊભી રહી ગઈ; તેની બહેન તેની મા પાછળ જ બટાટાથી ઠસોઠસ ભરેલી તાસક લઈને ઊભી હતી. વાનગીઓમાંથી પુષ્કળ વરાળ નીકળતી હતી. પેલાઓ સામે મૂકેલી વાનગીઓ સૂંઘવા ઝૂક્યા, જાણે ખાતાં પહેલાં એને ચકાસી જોવા માગતા હતા; બીજા બે યુવાનો કરતાં વધુ વર્ચસ્ ધરાવતા વચ્ચે બેઠેલા યુવાને તાસકમાં મૂકેલા માંસમાંથી એક ટુકડો લીધો, સ્વાભાવિક રીતે જ એ નરમ છે કે નહીં અને જો નરમ ન હોય તો રસોડામાં પાછો મોકલી શકાય માટે જ તે આ ટુકડો તપાસવા માગતો હતો. તેને સંતોષ થયો; ગે્રગોરનાં મા અને બહેન એના તરફ ચિંતાથી જોઈ રહૃાાં હતાં; તેમણે નિરાંતનો શ્વાસ લીધો અને ચહેરા પર સ્મિત ફરકાવ્યું. કુટુંબીજનો તો રસોડામાં બેસીને ભોજન કરતાં. આમ છતાં રસોડામાં જતાં પહેલાં ગે્રગોરના બાપા બેઠકખંડમાં આવતા. લાંબી બો, હાથમાં કૅપ સાથે તે ટેબલને એક આંટો મારતા. ત્રણે યુવાનો ઊભા થઈ જતા અને મનોમન કશું ગણગણતા. ફરી જ્યારે તેઓ એકલા પડતા ત્યારે લગભગ ચુપચાપ જમી લેતા. ટેબલ પરથી જ જાતજાતના અવાજો આવતા હતા તેમાંથી ચાવવાના દાંતનો અવાજ હંમેશાં જુદો પાડી શકાતો હતો એ વાત ગે્રગોર નોંધી શક્યો; જાણે ગે્રગોરને આ દ્વારા સમજાયું કે ખાવા માટે દાંત જોઈતા હોય છે અને દાંત વગરનાં જડબાં ગમે તેટલાં સારાં હોય તો કોઈ ખાઈ ન જ શકે. ગ્રેગોર દુઃખી થઈને બબડ્યો : ‘હું ભૂખ્યો થયો છું. પણ એ પ્રકારનું ભોજન નથી જોઈતું. આ લોકો ઠાંસી ઠાંસીને ખાઈ રહૃાા છે અને અહીં મારે ભૂખમરો વેઠવાનો.’ આ બધા સમય દરમિયાન ક્યારેય વાયોલિન સાંભળ્યાનું ગ્રેગોરને યાદ ન હતું; તે સાંજે રસોડામાંથી વાયોલિનનો અવાજ આવ્યો. યુવાનો પોતાનું ભોજન પતાવીને બેઠા અને વચ્ચે બેઠેલાએ છાપું વાંચવા લીધું, બીજા બંનેને એક એક પાન વાંચવા આપ્યું, હવે તેઓ નિરાંતે અઢેલીને છાપું વાંચતા હતા અને સિગારેટ પીતા હતા. જ્યારે વાયોલિનનો અવાજ આવ્યો ત્યારે તેમણે કાન સરવા કર્યા, ઊભા થયા અને હળવેથી હોલના બારણા આગળ એકબીજાની અડોઅડ ઊભા રહી ગયા. તેમની આ હલનચલનનો અણસાર રસોડામાં આવ્યો ખરો કારણ કે તેના બાપાની બૂમ સંભળાઈ; ‘અરે ભાઈઓ, આ વાયોલિનનો અવાજ તમને નડતરરૂપ તો નથી ને! તો હમણાં જ બંધ કરી દઈએ.’ એટલે વચલાએ કહૃાું : ‘ના રે ના, પણ કુમારી સામસા આ ઓરડામાં અમારી સાથે બેસીને વગાડી ન શકે? અહીં મોકળાશ છે અને સગવડ પણ છે.’ ગે્રગોરના બાપા પોતે વાયોલિનવાદક હોય તેમ બોલી ઊઠ્યા: ‘કેમ નહીં?’ તેની મા સ્વરલિપિ લઈને તથા બહેન વાયોલિન લઈને આવી પહોંચ્યાં. તેની બહેને તરત જ બધી તૈયારી કરીને વાયોલિન વગાડવા માંડી. તેના માબાપે આ પહેલાં કોઈને ઓરડો ભાડે આપ્યો ન હતો. તેમના મનમાં આવા ભાડૂતો માટે અતિશયોક્તિભર્યા સૌજન્યનો ખ્યાલ હોઈ ખુરશી પર બેસવાનું સાહસ ન કર્યું. તેના બાપા બારણાને અઢેલીને ઊભા રહૃાા. બરાબર ભીડેલા કોટનાં બે બટન વચ્ચે જમણો હાથ રાખ્યો હતો; પણ એક યુવાને તેની માને બેસવા ખુરશી આપી, જ્યાં એ મૂકી હતી ત્યાં જ એક ખૂણામાં તેના ઉપર તે બેઠી. ગ્રેગોરની બહેને વગાડવાની શરૂઆત કરી; બંને બાજુએ ગોઠવાયેલા માબાપે તેના હાથની ગતિ આતુરતાથી નિહાળવા માંડી. વાયોલિનના અવાજથી આકર્ષાયેલા ગે્રગોરે આગળ આવવાની હિંમત કરી અને બેઠકખંડમાં તેનું નાનકડું માથું પ્રવેશ્યું પણ ખરું. બીજાઓનો વિચાર કરવાની તેની ઇચ્છા ધીમે ધીમે ઓછી થતી જતી હતી એ બદલ તેને ભાગ્યે જ અચરજ થયું. એક જમાનામાં બીજાઓનો વિચાર તે કરતો હતો અને તે બદલ ગૌરવ અનુભવતો હતો. અને છતાં આ પ્રસંગે તે બીજાઓની નજરે ન પડે એ માટેનાં પૂરતાં કારણો હતાં; એના ઓરડામાં ધૂળના થર પર થર ચઢી ગયા હતા અને જરા સરખી હિલચાલને કારણે ઊડતી ધૂળથી એ પણ છવાઈ ગયો હતો. પીંછાં, વાળ અને વધેલા ખોરાકના ટુકડા પણ તેની સાથે સાથે ઘસડાતા હતા; એની પીઠ પર, એના પડખા પર એ બધું પણ પડ્યા કરતું હતું; કોઈ પણ બાબતે તેની ઉદાસીનતા એટલી બધી હતી કે હવે પાછા જઈને શરીરે ચોંટેલી બધી ગંદકી પહેલાંની જેમ કેટલીક વાર જાજમ પર ખંખેરી નાખી સ્વચ્છ થવાની ઇચ્છા જરાય થઈ નહીં; પહેલાં તો દિવસમાં કેટલીય વાર તે આ રીતે કરતો હતો. તેની હાલત આવી હોવા છતાં બેઠકખંડની સ્વચ્છ ફરસ પર આગળ વધવાનો સહેજેય સંકોચ ન થયો. કોઈનેય તેની હાજરીનો ખ્યાલ આવ્યો નહીં; ઘરનાં બધાં વાયોલિન સાંભળવામાં ખોવાઈ ગયા હતા; યુવાનો પહેલાં તો ખિસ્સામાં હાથ રાખીને મ્યુઝીક સ્ટૅન્ડની પાછળ અડીને સ્વરલિપિ વાંચી શકાય એવી રીતે ગોઠવાઈ ગયા હતા, એની બહેનને એ કારણે મુશ્કેલી પડતી હોવી જોઈએ પણ થોડી જ વારમાં તેઓ બારી પાસે જઈને નીચે મોઢે ગુસપુસ કરતા ઊભા રહૃાા; તેના બાપાએ આતુરતાથી તેમની સામે જોયું. તે યુવાનો સ્પષ્ટ રીતે સૂચવવા માગતા હતા કે સરસ અને કર્ણપ્રિય સંગીત સાંભળવાની તેમની આશા ફળી ન હતી, સહી શકાય એના કરતાં વધારે પ્રમાણમાં તેમણે વાયોલિન સાંભળી લીધી હતી અને હવે માત્ર સૌજન્ય ખાતર જ તેઓ તેમને જોઈતી શાંતિના ભોગે આ વેઠી રહૃાા હતા. તેઓ જે રીતે હવે મોં ઊંચું રાખીને સિગાર પીતાં પીતાં નાક અને મોંમાંથી ધુમાડા કાઢતા હતા એ જોતાં કોઈ પણ તેમનું મન વાંચી શકે. અને છતાં ગે્રગોરની બહેન ખૂબ સરસ વગાડી રહી હતી. તેનું મોં બાજુએ ઢળેલું હતું અને આંખો આતુરતાથી તથા શોકમગ્નતાથી સંગીતની લિપિ વાંચી રહી હતી. ગે્રગોર થોડો વધુ આગળ સરક્યો અને માથું જમીનસરસુંુ એવી રીતે લપાવી દીધું કે તેની અને તેની બહેનની આંખો ચાર થઈ શકે. સંગીતની અસર તેના ઉપર જ્યારે આટલી બધી થઈ રહી હોય તો એ પ્રાણી કેવી રીતે હોઈ શકે? જે અજાણ્યા પોષણ માટે તે ઝંખી રહૃાો હતો તે માટેની જાણે કોઈ દિશા ખૂલી રહી હોય એમ તેને લાગ્યું. તેણે પોતાની બહેન બેઠી હતી ત્યાં સુધી આગળ વધવાનો, તેના સ્કર્ટનો છેડો ખેંચી વાયોલિન લઈને પોતાના ઓરડામાં આવવાનું કહેવાનો વિચાર આવ્યો કારણ કે તેની જેમ વાયોલિનવાદનની કદર અહીં બેઠેલામાંથી કોઈ કરી શકવાનું ન હતું. તે ગ્રેટાને પોતાના ઓરડાની બહાર કદી પગ મૂકવા નહીં દે, ઓછામાં ઓછું તે જીવે ત્યાં સુધી તો નહીં જ. તેનો આ કદરૂપો દેખાવ પહેલી વાર ઉપયોગી બનશે. તે પોતાના ઓરડાનાં બધાં બારીબારણાં ઉપર નજર રાખશે અને આવી ચઢનારાઓ સામે થૂંકશે; પણ તેની બહેનને એવાં કોઈ બંધનો નહિ રહે; તે સ્વેચ્છાથી તેની સાથે રહેશે; તેની બાજુમાં તે પોતે બેસશે અને એની વાતો ધ્યાનથી સાંભળશે : ‘હું તો તને જો આ દુર્ઘટના બની ન હોત તો સંગીતશાળામાં મોકલવા માગતો હતો.’ છેલ્લી નાતાલે આની જાહેરાત પણ કરવા માગતો હતો અને કોઈનાય વિરોધને ચલાવી ન લેત. કદાચ તેની આ કબૂલાત બહેનને એટલી બધી સ્પર્શી જાત કે તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડત; ગે્રગોર પછી એના ખભા સુધી ઊંચો થાત અને તેની ગરદન ચૂમી લેત; અત્યારે તે નોકરી કરે છે એટલે ગરદન પર કોઈ રીબીન કે કોલર લગાવતી નથી. વચલા યુવાને ગ્રેગોરના બાપાને બૂમ પાડી : ‘ંમિ. સામસા!’ અને બીજું કશું બોલ્યા વિના ધીમે ધીમે આગળ આવી રહેલા ગે્રગોર સામે આંગળી ચીંધી. વાયોલિન વાગતી બંધ થઈ ગઈ, પેલાએ પહેલાં તો માથું હલાવીને તેના મિત્રો સામે સ્મિત કર્યું ને પછી ફરી ગે્રગોર સામે જોયું. તેના બાપાએ તેને ત્યાંથી હાંકી કાઢવાને બદલે આ યુવાનોને શાંત કરવાની જરૂર છે એવું વિચાર્યું. જોકે એ યુવાનો જરાય અસ્વસ્થ થયા નહીં, વાયોલિનવાદન કરતાં ગે્રગોર વધારે મનોરંજન હોય એમ લાગ્યું. ગ્રેગોરના બાપા ઉતાવળે તેમની પાસે ગયા અને હાથ ફેલાવીને તેમણે પોતાના ઓરડામાં જવા વિનંતી કરી અને એ જ વખતે ગ્રેગોર તેમની આંખે ન પડે એવી રીતે ઊભા રહી ગયા. હવે તેમને જરા ચીઢ ચઢી, ગ્રેગોરના બાપાની આવી વિચિત્ર વર્તણૂંકને કારણે તેઓ ચિઢાયા કે બાજુના ઓરડામાં ખૂબ સ્વાભાવિક રીતે ગ્રેગોર જેવો પડોશી રહે છે એ વાતનો અચાનક તેમને ખ્યાલ આવ્યો એ કારણે ચિઢાયા એ કોઈ કહી ન શકે. તેમણે ગ્રેગોરના બાપા પાસેથી ખુલાસા માગ્યા; તેમની જેમ તેમણે પણ હાથ લાંબા કર્યા, અસ્વસ્થતાથી દાઢી પંપાળ્યા કરી, બહુ જ અનિચ્છાથી તેઓ પોતાના ઓરડામાં ગયા. આ દરમિયાન વાયોલિનવાદન અચાનક બંધ પડી જવાને કારણે સ્તબ્ધ થઈને ઊભી રહી ગયેલી ગ્રેગોરની બહેન હવે સળવળી; થોડી વાર તો વાયોલિન અને ગજ અસ્વસ્થતાથી ધ્રૂજી રહેલા હાથમાં પકડીને ઊભી રહી અને સ્વરલિપિને તાકી રહી; પછી શ્વાસ ચઢ્યો હોવાને કારણે સખત હાંફી રહેલી તેની માના ખોળામાં વાયોલિન મૂકી દીધી અને હવે પહેલાં કરતાં વધુ ઝડપથી તેના બાપા પેલા યુવાનોને તેમના ઓરડા તરફ ધકેલી રહૃાા હતા ત્યાં દોડી ગઈ. તેના ટેવાઈ ગયેલા કુશળ હાથ વડે પથારીઓ, ઓશીકાં, ધાબળા ઝાટકીને વ્યવસ્થિત કરતી હતી એ સ્પષ્ટ જોઈ શકાતું હતું. તે યુવાનો હજુ તો તેમના ઓરડામાં અંદર દાખલ થાય તે પહેલાં તો તેમની પથારીઓ વ્યવસ્થિત કરીને બહાર નીકળી ગઈ. તેના બાપા પોતાના અડિયલ અને જિદ્દી સ્વભાવને એટલા બધા વશ થઈ ગયા હતા કે પોતાના ભાડૂતો પ્રત્યે દાખવવા જોઈતા આદરભાવને તેમણે બાજુ પર મૂકી દીધા. તેઓ તેમને ધકેલતા ધકેલતા તેમના ઓરડાના ઉમરા સુધી લઈ ગયા, છેવટે વચલા યુવાને ધડ કરતો પગ ફરસ પર પછાડ્યો અને એ રીતે તેમને અટકાવ્યા. તેણે પોતાનો હાથ ઊંચો કર્યો; ગે્રગોરની મા અને બહેન સામે બોલ્યો : ‘મારે જણાવવું પડે છે કે આ મકાનમાં અને કુટુંબમાં જે ઘૃણાસ્પદ વાતાવરણ જોવા મળે છે’ – આટલું બોલીને તે ખૂબ જ ગુસ્સેથી જમીન પર થૂંક્યો : ‘તે જોઈને હું હમણાં ને હમણાં તમને નોટીસ આપું છું. તમને એક પણ પૈસો આપવાનો નથી, અત્યાર સુધી જેટલા દિવસ રહૃાા એ પેટે પણ નહીં આપું. એથી ઊલટું હું તમારી સામે નુકસાનીનો દાવો માંડીશ; બહુ સહેલાઈથી હું આ બધું સાબીત કરી આપીશ; હું ખરેખર કહું છું.’ તે બોલતો બંધ થઈ ગયો અને ગ્રેગોરના બાપા સામે જાણે કશીક અપેક્ષાએ તાકી રહૃાો. તેના બે મિત્રો પણ તરત જ આ ઝઘડામાં જોડાઈ ગયા: ‘અમે પણ તમને હમણાં ને હમણાં જ નોટિસ આપીએ છીએ.’ તે વખતે તેણે બારણાંનું હેંડલ પકડ્યું અને ધડાક કરતું વાસી દીધું. ગ્રેગોરના બાપા હાથ ફંફોસતા આગળ લથડ્યા અને પોતાની ખુરશીમાં ઢળી પડ્યા; સાંજની નિયમિત ઊંઘ લેવા લાંબી તાણીને બેઠા હોય એવું લાગ્યું. પણ જાણે તેમનું માથું બેકાબૂ બની ગયું હોય એમ આંચકા ખાતું હતું એટલે સ્પષ્ટ જણાતું હતું કે તે ઊંઘી ગયા ન હતા. જે સ્થળે ભાડૂતોએ ગ્રેગોરને તિરસ્કારી કાઢ્યો હતો ત્યાં તે આખો વખત ચુપચાપ પડી રહૃાો. પોતાની યોજના નિષ્ફળ ગઈ એની નિરાશાને લીધે તથા કદાચ અતિશય ભૂખને કારણે આવેલી નબળાઈને લીધે તે હાલીચાલી ન શક્યો. તેને ચોક્કસ ખાત્રી હતી કે ગમે તે પળે હવે આ તંગદિલી તેના પર સંયુક્ત આક્રમણને પ્રેરશે, અને તે રાહ જોતો પડી રહૃાો. તેની માના ધ્રૂજતા હાથને લીધે ખોળામાં રહેલી વાયોલિન નીચે પડી ગઈ. તેના અને તારના સંભળાયેલા ધ્વનિ પ્રત્યે પણ તે સાવ બેપરવા રહૃાો. તેની બહેને ટેબલ પર હાથ પછાડીને કશુંક પ્રાસ્તાવિક કહી રહી હોય તેમ શરૂ કર્યું: ‘અરે વ્હાલા વડીલો, આમ ચલાવી નહીં શકાય. તમને કદાચ આનો ખ્યાલ નહીં આવે પણ મને તો લાગે જ છે, આ પ્રાણીના દેખતાં હું મારા ભાઈનું નામ પણ ન બોલું; એટલે હું તો આટલું કહીશ : આપણે આમાંથી છુટકારો મેળવવો જોઈએ. આપણે એની આટલી બધી કાળજી લીધી, માનવતાની દૃષ્ટિએ જેટલું કરી શકાય એ બધું કર્યું; મને નથી લાગતું કે કોઈ આપણો જરાય વાંક કાઢી શકશે.’ ગ્રેગોરના બાપા મનોમન બબડ્યા: ‘એની વાત પૂરેપૂરી સાચી છે.’ હજુ પણ શ્વાસ લેવા ફાંફા મારી રહેલી તેની માની આંખોમાં વિચિત્ર ભાવ હતો અને તેણે મોં આગળ હાથ રાખી ખોખરા સાદે ઊધરસ ખાવા માંડી. તેની બહેન તરત જ મા પાસે દોેડી ગઈ અને તેનું માથું ઝાલ્યું; તેના બાપા ગ્રેટાના શબ્દો સાંભળીને એના વિચારોમાં જ ખોવાઈ ગયા; એ વધારે ટટ્ટાર બનીને બેઠા. ભાડૂતોની એંઠી તાસકો આગળ પડી રહેલી પોતાની કૅપને આંગળીઓ વડે રમાડતા રહૃાા અને અવારનવાર ગ્રેગોરના સુસ્ત આકારને જોતા રહૃાા. ‘હવે તો આપણે આમાંથી છુટકારો મેળવવો જ જોઈએ.’ તેની બહેને સ્પષ્ટ શબ્દોમાં મોટેથી કહૃાું. કારણ કે તેની માની ઊધરસના અવાજમાં કશું સંભળાતું ન હતું : ‘આમ ને આમ તો બંને મરી જશો એમ મને લાગે છે. એક બાજુ આપણે બધા આટલી મહેનત કરીએ છીએ અને એ ઓછું હોય તેમ સતત આ ત્રાસ વેઠવાનો? મારાથી તોે આ વેઠાશે જ નહીં.’ તે એટલાં બધાં હીબકાં ભરવા લાગી કે તેનાં આંસુ માના મોં પર પડ્યાં, યંત્રવત્ તેણે તે આંસુ લૂછી નાખ્યાં. ગ્રેગોરના બાપા સહાનુભૂતિથી અને પૂરી સમજથી બોલ્યા : ‘હા, પણ આપણે શું કરી શકીએ?’ શરૂઆતમાં જે આત્મવિશ્વાસ હતો તેના વિરોધે હવે આ અશ્રુપાત દરમિયાન છવાઈ ગયેલી લાચારી સૂચવવા તેની બહેને માત્ર ખભા ઉલાળ્યા. તેના બાપાએ કહૃાું : ‘જો તે આપણી હાલત સમજી શકતો હોત ...’ તેમની વાતમાં પ્રશ્નાર્થ પણ હતો. હજુ પણ ધ્રૂસકાં નાખી રહેલી ગ્રેટાએ એ વાત સાવ અશક્ય છે એ સૂચવવા હાથ જોરજોરથી હલાવ્યો. તેના બાપા ફરી બોલ્યા: ‘જો તે આપણી હાલત સમજી શક્તો હોત...’ પણ એ વાત અશક્ય છે એવી ગ્રેટાની વાત પર વિચાર કરવા તેમણે આંખો બંધ કરી દીધી. ‘તો કદાચ આપણે એની સાથે થોડી સમજૂતી કરી શકત. પણ એ જે...’ તેની બહેન બરાડી ઊઠી : ‘તેણે અહીંથી જવું જ પડશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ ગે્રગોર છે એ વાત જ તમારા મનમાંથી ભૂંસી નાખવાની. આપણે અત્યાર સુધી આ વાત માનતા રહૃાા એ જ આ બધી મુશ્કેલીઓનું કારણ છે. આ ગ્રેગોર હોઈ શકે ખરો? જો તે ગ્રેગોર હોત તો માણસો આવા પ્રાણી સાથે રહી જ ન શકે એ વાત એને અત્યાર સુધી સમજાઈ ન હોત? તે પોતે જ ક્યારનો અહીંથી જતો રહૃાો હોત. પછી કોઈ ભાઈ રહૃાો ન હોત, આપણે આપણી રીતે જીવતા હોત અને તેની સ્મૃતિ સાચવી રાખત. અત્યારે તો આ જંતુ આપણને હેરાનપરેશાન કરી નાખે છે; આપણા ભાડૂતોને ભગાડી મૂકે છે: આખું મકાન એને એકલાને વાપરવા જોઈએ છે, એ તો એવું ઇચ્છે છે કે આપણે બધા ગટરમાં સૂતા થઈએ. તમે જુઓ તો ખરા.’ તેણે તરત જ ચીસ પાડી, ‘ફરી તેણે પોતાની રમત શરૂ કરી.’ ગે્રગોર સમજી જ ન શકે એવા ગભરાટની મારી તે પોતાની મા પાસેથી દૂર સરી ગઈ, ગે્રગોરની નજીક રહેવાને બદલે તે માની ખુરશી પાછળ ભરાઈ ગઈ, જાણે તે માને શહીદ થવા દેવા તૈયાર હતી અને તેના બાપા પાસે જતી રહી. તેઓ ઊભા થયા, ગે્રટાની અસ્વસ્થતાથી દુઃખી થયા અને જાણે તેને બચાવી લેવી હોય તેમ હાથ પ્રસાર્યા. આમ છતાં કોઈને ગભરાવી મૂકવાનો ગ્રેગોરનો આશય જરાય ન હતો, તેની બહેનને તો નહીં જ. પોતાના ઓરડામાં જવા માટે તેણે હજુ તો પાછા ફરવાની માંડ શરૂઆત કરી હતી. પણ પોતાની નબળાઈને કારણે પાછા વળવાનું અઘરું હલનચલન કરી શકતો ન હતોે. એટલે આ હિલચાલ જોવી એ અચરજભર્યું હતું; તે માત્ર પોતાનું માથું ઊંચું કરી શકતો હતો અને અવારનવાર જમીન પર પછાડી શકતો હતો. તે જરા અટક્યો અને આસપાસ જોયું. તેના સારા ઇરાદાઓની જાણ થઈ હોય એમ લાગ્યું. એ ચિંતા થોડા સમય પૂરતી જ હતી, અત્યારે બધાં તેને દુઃખી થઈને મૂંગા મૂંગા જોઈ રહૃાા. તેની મા ખુરશીમાં પડી રહી; તેના પગ અક્કડ થઈને લંબાયેલા હતા અને બંને પગ એકબીજા સાથે દબાઈને રહૃાા હતા; આંખો પુષ્કળ થાકને લીધે લગભગ મીંચાયેલી હતી. તેના બાપા અને બહેન એકબીજાની પાસે બેઠા હતા. તેની બહેનનો હાથ બાપાના ગળે વીંટળાયેલો હતો. ગ્રેગોરે વિચાર્યું, કદાચ હવે મારાથી પાછા વળી શકાશે, તેણે ફરી મહેનત કરવા માંડી. તે માંડ માંડ શ્વાસ લઈ શકતો હતો અને વચ્ચે વચ્ચે અટકી જવું પડતું હતું. કોઈ તેને હેરાન કરતું ન હતું, કોઈ તેનું નામ લેતું ન હતું. તે જ્યારે પૂરેપૂરો અવળો ફરી ગયો ત્યારે તરત જ આગળ સરકવા માંડ્યું. પોતાના ઓરડા અને તેની વચ્ચે રહેલા અંતરની નવાઈ લાગી, આવી નબળી હાલતમાં આટલું અંતર કેવી રીતે કાપી શક્યો અને એનો ખ્યાલ પણ ન આવ્યો એ બદલ તેને આશ્ચર્ય થયું. શક્ય તેટલી વધુ ઝડપે તે સરકવા આતુર હતો એટલે ઘરનાં એ દરમિયાન એકે શબ્દ બોલ્યા ન હતા, એકે ઉદ્ગાર તેમણે કાઢ્યો ન હતો એનો ખ્યાલ ભાગ્યે જ તેને આવ્યો. તે જ્યારે પોતાના ઓરડાના ઉમરા આગળ આવ્યો ત્યારે જ તેણે ડોક ફેરવીને જોયું, પણ પૂરેપૂરી નહિ કારણ કે એની ગરદન આગળના સ્નાયુઓ અકડાઈ ગયા હતા, પણ એટલું જોઈ શક્યો કે તેની બહેન ઊભી થઈ હતી, એ સિવાય કશું બદલાયું ન હતું, તેણે છેલ્લી નજર મા ઉપર ફેંકી, હવે તે ઊંઘી ગઈ હતી. તે હજુ તો એના ઓરડામાં માંડ પેઠો હતો ત્યાં એકદમ બારણું બંધ થઈ ગયું, આગળો વસાઈ ગયો અને તાળું લાગી ગયું. તેની પાછળ થયેલા અવાજે તેને એટલો બધો ચોંકાવી દીધો કે તેના નાના પગ ફસડાઈ પડ્યા. આટલી બધી ઉતાવળ કરનાર તેની બહેન હતી. તે રાહ જોતી ઊભી જ હતી અને આગળ હળવો કૂદકો લગાવ્યો પણ ગ્રેગોરને તેના આવવાની ખબર પણ ન પડી, તાળું મારીને તેણે માબાપને કહૃાું : ‘હાશ!’ ગ્રેગોર અંધારામાં આમતેમ જોતો મનોમન બબડ્યો : ‘તો હવે શું?’ તેને એ વાતનો ખ્યાલ આવ્યો કે શરીરનો કોઈ ભાગ તે હલાવી શકતો ન હતો. તેને એ વાતનું અચરજ ન થયુું. આ નાનકડા નબળા પગ વડે તે ચાલી શક્યો એ વાત જ તેને અસ્વાભાવિક લાગી. બાકી તો પ્રમાણમાં તેને રાહત હતી. એ વાત સાચી કે તેનું આખું શરીર દુઃખતું હતું પણ ધીમે ધીમે વેદના ઓછી થઈ રહી હતી અને અંતે એ અદૃશ્ય થઈ જશે; એની પીઠમાં સડી રહેલું સફરજન અને એની આસપાસનો રાતોચોળ ભાગ – આ બધાં ઉપર ફરી વળેલી ઝીણી ધૂળ, પણ હવે એ બધાંની કશી અસર થતી ન હતી. તેણે ઘરનાઓને પ્રેમ અને સ્નેહથી યાદ કર્યા. જો શક્ય હોય તો મારે અહીંથી જતા રહેવું જોઈએ. પોતાની બહેન કરતાં પણ વધારે દૃઢતાથી આ નિર્ણય કરી લીધો. શૂન્યતા અને શાંતિમય ધ્યાનાવસ્થામાં તે ટાવરમાં સવારના ત્રણના ડંકા પડ્યા ત્યાં સુધી પડી રહૃાો. બારી બહારના જગતમાં ફરી એક વખત પરોઢનું અજવાળું થયુું તે તેની ચેતનામાં પ્રવેશ્યું. પછી તેનું માથું જમીન પર જાતે જ ફસડાઈ પડ્યું અને તેનાં નસકોરાંમાંથી છેલ્લો શ્વાસ નીકળ્યો. વહેલી સવારે નોકરબાઈએ પોતાનામાંથી બહાર ઊભરાઈ જતી શક્તિ વડે ઘરનાં બારણાં પછાડવા માંડ્યા; તેને આમ નહીં કરવા વારંવાર કહેવામાં આવ્યું હતું પણ તેના આવ્યા પછી કોઈ કરતાં કોઈ નિરાંતે ઊંઘી શકતું નહિ. દરરોજની જેમ તેણે ગ્રેગોરના ઓરડામાં ડોકિયું કર્યું ત્યારે કશું જ અસામાન્ય તેને લાગ્યું નહિ. તેને લાગ્યું કે ગે્રગોર જાણીજોઈને આમ ચુપચાપ પડી રહૃાો છે, ઢોંગ કરીને પડી રહૃાો છે, બધા જ પ્રકારની ચતુરાઈ ગે્રગોરમાં છે એવું માનતી હતી. તે વખતે તેના હાથમાં લાંબા હાથાવાળી સાવરણી હતી એટલે ઉમરા પર ઊભા રહીને જ એનાથી તેને ગલીપચી કરવા મથી, એનું કોઈ પરિણામ ન આવ્યું એટલે તેને ગુસ્સે થઈને એને સાવરણીનો ગોેદો જરા જોેરથી માર્યો; જ્યારે તેને થોડો ધક્કો દેવા છતાં પણ કશો સળવળાટ થયો નહીં ત્યારે તે થોડી ચોંકી. પરિસ્થિતિ સમજતાં તેને ઝાઝી વાર ન લાગી અને તેની આંખો પહોળી થઈ, મોંમાંથી એક સિસકારો નીકળી ગયો, પણ વધારે સમય ન બગાડતાં તેણે સામસાના ઓેરડાનું બારણું ધડાક કરતું ખોલ્યું અને અંધારામાં મોટો ઘાંટો પાડતાં કહૃાું: ‘અરે જરા જુઓ જુઓ, એ મરી ગયો; લાકડાની જેમ એ પડી રહૃાો છે.’ સામસા દંપતી તેમના મોટા પલંગમાંથી બેઠા થઈ ગયા; બાઈની વાતનો ખ્યાલ આવે તે પહેલાં એના આઘાતમાંથી કળ વળતાં તેમને વાર લાગી. પણ તેઓ બંને પલંગ પરથી ઊભા થઈ ગયા. સામસાએ ખભા ઉપર ધાબળો નાખ્યો, શ્રીમતી સામસાએ નાઇટગાઉન સિવાય કશું પહેર્યું ન હતું; તેઓ એવી જ હાલતમાં ગ્રેગોરના ઓરડામાં દાખલ થયા. એ દરમિયાન ગે્રટા પણ બેઠકખંડમાંથી બહાર આવી, ભાડૂતોના આવ્યા પછી ત્યાં સૂઈ રહેતી હતી; તે જાણે પથારીમાં સૂતી જ ન હોય એ રીતે સંપૂર્ણ સજ્જ હતી; તેના ફિક્કા ચહેરાથી પણ તેનો ઉજાગરો સૂચવાઈ જતો હતો. નોકરબાઈ સામે પ્રશ્નસૂચક દૃષ્ટિથી જોતાં શ્રીમતી સામસાએ પૂછ્યું : ‘મરી ગયો?’ તેઓ જાતે પણ એની તપાસ કરી શક્યા હોત અને તપાસ કર્યા વિના પણ આ વાત તો સ્પષ્ટ જ હતી. બાઈએ કહૃાું : ‘હા.’ પોતાની વાત સાચી પુરવાર કરવા ગ્રેગોરના શબને સાવરણી વડે એક બાજુ ખસેડ્યું. શ્રીમતી સામસા એને અટકાવવા ગયા પણ જાત પર સંયમ રાખ્યો. સામસા બોલ્યા : ‘ચાલો, ભગવાનનો પાડ માનો.’ શરીરે ક્રોસની નિશાની કરી અને ત્રણે સ્ત્રીઓએ તેમની જેમ જ કર્યું. શબ પર જ નજર તાકીને ઊભેલી ગ્રેટા બોલી : ‘એ કેટલો બધો દૂબળો પડી ગયો હતો! કેટલાય દિવસથી તેણે કશું જ ખાધું ન હતું. ખાવાનું જેવું મૂકતા એવું ને એવું જ પાછું લઈ લેવું પડતું હતું.’ અને ખરેખર ગ્રેગોરનું શરીર સાવ સૂકું અને ચપ્પટ થઈ ગયું હતંુ, હવે પગનો કશો આધાર હતો નહીં એટલે એ જોઈ શકાતું હતું; કોઈ નજીક જઈને પણ એની ખાત્રી કરી શકે. શ્રીમતી સામસાએ ધ્રૂજતા સ્મિત વડે કહૃાું : ‘ગ્રેટા, થોડી વાર અમારી સાથે આવ.’ ગે્રટા શબ સામેથી નજર ખસેડ્યા વિના તેના માતાપિતાની પાછળ પાછળ તેમના શયનખંડમાં ગઈ. બાઈએ બારણું વાસી દીધું અને બારી ખોલી. ખૂબ જ વહેલી સવાર હોવા છતાં તાજગીપૂર્ણ વાતાવરણમાં થોડી નરમાશ વરતાતી હતી. છેવટે તોે આ માર્ચના છેલ્લા દિવસો હતા. ત્રણ ભાડૂતો તેમના ઓરડામાંથી બહાર આવ્યા અને ટેબલ પર નાસ્તો ન હતો એટલે નવાઈ પામ્યા; તેમનો નાસ્તો ભુલાઈ ગયો હતો. વચલા ભાડૂતે ચિઢાઈને બાઈને પૂછ્યું : ‘અમારો નાસ્તો ક્યાં છે?’ પણ તેણે હોઠ પર આંગળી મૂકી ઇશારાથી તેમને ગ્રેગોરના ઓરડામાં જવા કહૃાું. મેલાઘેલા કોટના ખિસ્સામાં હાથ રાખીને તેઓ ગ્રેગોરના શબની પાસે ઊભા રહી ગયા, ઓરડામાં હવે સવારનું અજવાળું પૂરેપૂરું પથરાઈ ગયું હતું. એટલામાં સામસાના ઓરડાનું બારણું ખૂલ્યુું અને સામસા પોતાનો ગણવેશ પહેરીને બહાર આવ્યા, તેમની એક બાજુએ શ્રીમતી સામસા હતાં અને બીજી બાજુએ ગ્રેટા હતી. તેઓ બધા જાણે રડતા હોય એવું લાગ્યું; અવારનવાર ગ્રેટા તેનું માથું તેના પિતાના ખભે ઢાળી દેતી હતી. સામસા બોલી ઊઠ્યા : ‘હમણાં ને હમણાં મારા ઘરમાંથી ચાલ્યા જાઓ.’ પત્ની અને દીકરીથી અલગ પડ્યા વિના તેમણે બારણું ચીંધ્યું. વચલા ભાડૂતે જરા ડઘાઈ જઈને, છોભીલા હાસ્ય વડે પૂછ્યું : ‘એટલે?’ બીજા બે તેમના હાથ પાછળ રાખીને મસળતા રહૃાા, જાણે તેઓ સ્પર્ધામાં વિજેતા બનીને આવવાના હોય તેવી અપેક્ષા રાખીને બેઠા હતા. ‘એમાં કશું ન સમજ પડે એવું છે જ નહીં!’ સામસા એટલું બોલીને પોતાના પરિવારની સાથે ભાડૂતોની બરાબર સામે આગળ વધ્યા. તે શરૂઆતમાં તોે સ્વસ્થતાથી ઊભા રહૃાા. ‘તો પછી ચાલો અહીંથી જઈએ.’ આ નિર્ણય ઉપર ફરી જાણે મહોર મારવાની રાહ જોતો હોય તેમ એકાએક અતિ નમ્ર બનીને તે સામસા સામે જોઈ રહૃાો. સામસાએ માત્ર એક બે વખત અર્થપૂર્ણ દૃષ્ટિથી તેમની સામે જરા જરા જોઈ લીધું; એ જોઈને પેલો વચલો યુવાન લાંબા પગલે હોલમાં ગયો, તેના બંને સાથીઓ આ વાર્તાલાપ સાંભળી રહૃાા હતા અને થોડી વાર માટે હાથ મસળવાનું બંધ રાખ્યું હતું. સામસા તેમની પણ પહેલાં હોલમાં દાખલ થઈ જશે અને તેમને પોતાના અગ્રણીથી અલગ પાડી નાખશે એ બીકે તેઓ ઉતાવળે ઉતાવળે તેની પાછળ ગયા. હોલમાં ત્રણેએ રેક પરથી હેટ લીધી, છત્રીસ્ટૅન્ડ પરથી છત્રીઓ લીધી, મૂંગા મૂંગા માથું ઝુકાવીને ફલેટમાંથી બહાર નીકળી પડ્યા. સામસા અને બંને સ્ત્રીઓ પાછળથી ખોટી પુરવાર થયેલી શંકા મનમાં આણીને તેમની પાછળ દાદર સુધી ગયા. કઠેડાને અઢેલીને જોયું તો ત્રણે યુવાનો ધીમે ધીમે પણ લાંબો દાદર તો ઊતરી જ રહૃાા હતા, દરેક માળ ઉપર અમુક જગ્યાએ એકાદ બે ક્ષણ માટે તેઓ દેખાતા બંધ થઈ જતા અને ફરી પાછા દેખાતા; જેમ જેમ તેઓ દૂર થતા ગયા તેમ તેમ સામસા પરિવારનો રસ પણ ઘટતો ગયો; જ્યારે ખાટકીનો છોકરો માથા ઉપર ટ્રે લઈને તેમની આગળથી ગર્વભેર પસાર થયો ત્યારે સામસા અને માદીકરી ઘરમાં આવી ગયાં, જાણે તેમના માથા ઉપરથી એક બોજ ઊતરી ગયો. આજનો દિવસ આરામ કરવામાં અને ફરવા જવામાં વીતાવવો એવું તેમણે નક્કી કર્યું. કામમાંથી તેઓ થોડો આરામ મેળવવા માગતાં હતાં; એટલું જ નહિ, એ જરૂરી પણ હતો. એટલે તેઓ ટેબલ આગળ બેઠા, ત્રણ વિનંતિપત્રો લખ્યા. સામસાએ તેમની સંસ્થામાં પત્ર લખ્યો, શ્રીમતી સામસાએ તેઓ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં અને ગ્રેટાએ તેના સાહેબને. તેઓ લખતા હતા ત્યારે બાઈ ઉમરા પર હસતાં હસતાં ઊભી રહી, જાણે તે કોઈ સારા સમાચાર જણાવવા માગે છે પણ સરખી રીતે પૂછો નહિ ત્યાં સુધી એકે શબ્દ નહીં કહે. બાઈએ પહેરેલી હેટમાં શાહમૃગનું સીધું ખોસેલું પીંછું બધી દિશાઓમાં લહેરાતું હતું. શ્રીમતી સામસાએ પૂછ્યું: ‘કેમ, શું કંઈ કામ છે?’ ઘરમાં બીજાઓ કરતાં શ્રીમતી સામસા માટે તે બાઈને વધુ આદર હતો. તેણે કહૃાું : ‘ના...ના...’ ‘એ તો...’ અને એવી ખિલખિલ હસવા લાગી કે સરખી વાત કરી જ ન શકી. ‘હું તો એટલું જ કહેવા માગતી હતી કે બાજુના ઓરડામાં પડેલી વસ્તુનો નિકાલ કેવી રીતે કરવો એની ચંતાિ કરવાની તમારે જરૂર નથી. એ કામ પતી ગયું છે.’ કામમાં ખૂબ જ રોકાયેલા હોય એ રીતે શ્રીમતી સામસાએ, ગ્રેટાએ ફરી પત્રો લખવા માંડ્યા. એ બાઈ બધી વાત માંડીને કરવા આતુર છે તેનો ખ્યાલ સામસાને આવી જતાં હાથનો ઇશારો કરીને તેને અટકાવી. એને વાત કરવા ન દીધી એટલે તેને ખ્યાલ આવ્યો કે પોતે તો ખૂબ ઉતાવળમાં છે. સ્વાભાવિક રીતે જ તેને ખૂબ માઠું લાગ્યું હતું. તે બોલી : ‘જઉં છું ત્યારે, આવજો.’ આક્રમક મિજાજમાં મોં ફેરવ્યું અને તે ધડાધડ બારણાં પછાડતી ચાલી ગઈ. સામસાએ કહૃાું : ‘આજે રાતે એને રજા આપી દેવી પડશે.’ પણ તેમની પત્ની કે દીકરીમાંથી કોઈએ કશો જવાબ આપ્યો નહીં. માંડ માંડ બધું સમુંસૂતરું ગોઠવાયેલું હતું ત્યાં આ બાઈએ બધી બાજી બગાડી નાખી. માદીકરી બારી પાસે એકબીજાને વળગીને થોડી વાર ઊભાં રહૃાાં. સામસાએ તેમની સામે જોવા ખુરશીમાં બેઠા બેઠા માથું ફેરવ્યું અને થોડી વાર ચુપચાપ તેમની સામે જોયા કર્યું. પછી તેમણે બૂમ મારી : ‘ચાલો હવે, જે થઈ ગયું તે થઈ ગયું. તમારે મારો વિચાર પણ કરવાનો છે.’ બંને એ વાત માનીને તરત જ એમની પાસે ગયાં અને ભેટ્યાં; પત્રો ઉતાવળે પૂરા કર્યા. પછી તે ત્રણે સાથે બહાર નીકળ્યાં. મહિનાઓ થઈ ગયા હતા સાથે નીકળ્યાને; શહેરની બહાર ખુલ્લા વિસ્તારમાં જવા ટ્રામ પકડી. ટ્રામમાં તેમના સિવાય બીજા કોઈ પ્રવાસીઓ હતા જ નહીં. અંદર હૂંફાળો સૂર્યપ્રકાશ હતો. પોતાની બેઠકો પર નિરાંતે પીઠ ટેકવીને ભાવિ યોજનાઓ વિષે વાતો કરી, અને લાંબી ચર્ચાને અંતે તેમને ખ્યાલ આવ્યો કે પરિસ્થિતિ કંઈ એવી ખરાબ ન હતી. ત્રણેની પાસે જે કામધંધા હતા તે સંતોષકારક કહી શકાય એવા હતા, અત્યાર સુધી એ વિશે તેમણે એકબીજા સાથે કશી વાતચીત કરી ન હતી. ભવિષ્ય ઊજળું હતું. તેમની સ્થિતિમાં સૌથી મોટો સુધારો તો મકાન બદલવાથી જ આવી શકે. ગ્રેગોરે પસંદ કરેલા આ ફલેટ કરતાં નાનો, સસ્તો પણ વધુ સારા વિસ્તારમાં આવેલો અને સહેલાઈથી નભાવી શકાય એવો ફલેટ તેમને જોઈતો હતો. આ રીતે વાતો ચાલતી હતી તે જ વખતે સામસાને અને તેમની પત્નીને એકસાથે પોતાની દીકરીના વધતા જતા ઉત્સાહને જોઈને ખ્યાલ આવ્યો કે તાજેતરમાં બનેલી દુર્ઘટનાને કારણે તેના ગાલ ફિક્કા પડ્યા હોવા છતાં તે વધુ સુંદર અને સુડોળ લાગવા માંડી હતી. તેઓ હવે વધારે ધીમેથી વાતો કરવા લાગ્યાં અને અર્ધસંપ્રજ્ઞાતપણે જ એકબીજા સાથે આંખોથી વાતચીત કરીને એવા તારણ પર આવ્યાં કે હવે ગ્રેટા માટે સારો છોકરો શોધી કાઢવો જોઈએ. તેમનો પ્રવાસ પૂરો થયો એટલે સૌથી પહેલાં ગ્રેટા ઊભી થઈ ગઈ અને પોતાની યુવાન કાયાને લચકાવી; તેમનાં નવાં સ્વપ્ન અને શુભ આશયો ઉપર એનાથી મ્હોર વાગી ગઈ.