મોટીબા/એક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક

મોટીબા હજી છે, ૮૮ વર્ષેય અડીખમ. લાલ બુંદી જેવાં. પગની પાનીએ એકેય વાઢિયો નહિ. ગોરો વાન તે પાનીઓ રાતી રાતી દેખાય. થાય, ઘરનાં બધાંય સભ્યો કરતાં એમનું હિમોગ્લોબીન વધુ હશે. કમરેથી હજી વળી ગયાં નથી. લગભગ ટટાર ચાલે. લાડવા જેવું ગોળમટોળ મોં. ફૂલેલા ગાલ, નાનાં બાળક જેવાં. ચશ્માંના જાડા કાચના કારણે ખૂબ મોટી લાગતી આંખો, બૂચું નાક, પહોળાં નસકોરાં. થોડાક દાંત ને દાઢ હજી પડવાનાં બાકી છે. ચહેરા પર એકેય હાડકું ઊપસેલું દેખાય નહિ. કોણીનાં હાડકાંય બહાર નીકળી નથી પડ્યાં. હડપચી નીચે કે ગરદનમાં કે ક્યાંય પણ વધુ પડતી ચરબીય લટકતી ન દેખાય. જોકે, ચરબીનું પ્રમાણ થોડું વધારે તો ખરું. મગજમાં તો ભારોભાર ચરબી ને રાઈ પણ ખૂટી ખૂટે નહિ એટલી. ગમે તે ક્ષણે તતડી ઊઠે. મિજાજ બાર ખાંડી. ગમે તે ક્ષણે જ્વાળામુખી ફાટે. ગુસ્સે થયાં એટલે ખલાસ. જાણે તેલનો કૂવો સળગ્યો! એમનું મગજ હંમેશાં ખૂબ તેજ ચાલે. યાદશક્તિ તો કમ્પ્યૂટરનેય પાછળ પાડે એટલી. એમના જમાનાનો દરેકેદરેક પ્રસંગ એમને તારીખ-વાર-સમય સાથે દીવાની જ્યોત જેવો ચોખ્ખોચણક યાદ હોય. પણ હા, છેલ્લા થોડા વખતથી નજીકના ભૂતકાળની વાતો ભૂલી જાય છે. અડોશી-પડોશીને જ નહિ, ઘરે આવનાર સગાં-સંબંધીનેય તેઓ કહે — ‘ઘરમોં કેરી આઈ'તી… બધોંએ ખાધી. હું એકલી વધાર પડી. ખીચડીમોં ઘીય આલ તો આલ નકર હરિ હરિ. મહિને અચ્છેર ઘી તો પેટમોં જવું જોઈએ ક નીં? ઘી-દૂધ નં ફળફળાદિ પૂરતોં નોં મળ તો આ ઉંમરે શરીર હેંડ શી'તી? કૅ હેંડ.. આ ગઈ કાલની જ વાત. અનિલા કેળોં લાઈ'તી. પણ હમ ખાવાય મીં જો કટકો ચાખ્યું હોય તો… કેળું ક્યોં વધાર ચાવવું પડવાનું હતું ક કેળામોં ક્યોં ઠળિયા આવ્વાના હતા?’ તે પછી કેળાના ગુણ-દોષ વિશે એમનું આયુર્વેદ અડધો કલાક સુધી ચાલે. ઘરમાં કોઈ પણ ફળ આવે સૌપહેલું મોટીબાને આપ્યું હોય ને એમણે ખૂબ રસથી, નાના બાળકની જેમ ખાધુંય હોય, પણ પછી ભૂલી જાય ને બધાંયને કહ્યા કરે — ‘ઘરમોં ચીકુ આયોં’તો. હજી તો ઓંખો હાવ ફૂટી નથી ગઈ. ઓંય પલંગમોં બેઠે બેઠેય ખબર પડ ક શાકના છાબડામોં બટાકા સ ક ચીકુ. ચીકુ ખતમ થઈ ગ્યો ત્યોં હુદી એક ચીરીય મનં નોં ચખાડી… મારી તો અવ કશામોં ગણતરી જ નથી…’ આમ કહેતાં કહેતાં ચશ્માં કાઢી સાલ્લાના છેડાથી આંખોના ખૂણા લૂછે ને ઉમેરે, ‘હાચું કું સું, અવ તો ભગવોંન ઉપાડી લે તો હારું. આ કળજગ નથી સૅહવાતો…’ મોટીબા બધાંયને આવું કહે તે મા બિચારી ખૂબ દુઃખી થાય. અંદરના ઓરડામાં, એકાન્તમાં જઈ રડી લે. મોટીબા કોક આગળ આવી વાત કરતાં હોય ત્યારે જ, બાપુજી કહે, ‘ઉંમર થઈ ને એટલે હમણાં હમણાં બાને યાદ નથી રહેતું. સૌ પહેલાં બાને જ કેળું આપ્યું હોય પણ થોડી વાર પછી ભૂલી જાય ને જે આવે તે બધાંને આમ કહ્યા કરે.’ મોટીબા જરીકેય સાંભળતાં નથી પણ કોઈક રીતે આ વાતની એમને ખબર પડી હશે તે બાપુજીના ચાળા પાડતાં મને કહે, ‘ઉંમર થઈ ને એટલે હવે બાને યાદ નથી રહેતું…’ પછી કાળઝાળ થઈને ઉમેર્યું, ‘પૂછ તારા બાપને, એ ક્યારે નોકરીમોં ર્‌યો'તો એય યાદ સ ઇનં?’ બાપુજીને રિટાયર્ડ થયેય આઠેક વર્ષ થયાં તે બાપુજીનેય એ તારીખ ઝટ યાદ ન આવી. પણ મોટીબા, બાપુજીને નોકરી મળેલી એ તારીખ જ નહિ; તિથિ, વાર, ગુજરાતી મહિનો ને સાલ સુધ્ધાં બોલી ગયાં કડકડાટ! મોટીબાના હાથ-પગ હજી સલામત. કાને પહેલેથી ઓછું સાંભળતાં. પણ ૬૦-૬પની ઉંમરથી તો કાન બિલકુલ ગયા છે. એમના કાન પાસે બૉમ્બધડાકો થાય તોય એમના કાને પાંદડું હલ્યા જેટલોય અવાજ ન પહોંચે. પહેલેથી વાતોડિયો જીવ. આખાય ગામની ને નાત આખીયની પંચાત કરવા જોઈએ. પણ કાન સાવ ગયા તે થાય શું? જોકે, હોઠના ફફડાટ પરથી ઘણુંબધું પામી જાય. ઇશારાથી વાત કરો એય તરત જ સમજી જાય. અને ઇશારાથી ન સમજાવી શકાય એવી કંઈ વાત હોય તો પાટી-પેન એમની પાસે હોય જ. ‘કુણ આયું'તું નં કુણ ગ્યું નં હું વાતો કરી’ એ બધું જાણ્યા વિના મોટીબાને જપ ન થાય. ઇશારાથી સમજાવાય એટલું તો મા સમજાવે પણ રોજેરોજ પાટીમાં લખી લખીને તો કેટલી વાતો કરવી? ક્યાં લગી લમણાં ફોડવાં? તે લખવાથી મા કંટાળે ને મોટીબાને કોઈ પણ વાતની રજેરજ માહિતી જોઈએ. તે કહે, ‘લે, મનં લખીનં બતાય.’ પછી પાટીમાં લખેલું વાંચવા માટે તેઓ પલંગમાંથી ઊતરી જાળી પાસે અજવાળામાં જાય. (ટ્યૂબલાઇટ ન કરે. કારણ, લાઇટનું બિલ વધારે ન આવે?) અક્ષરો પાસે બિલોરી કાચ ધરે. એક એક અક્ષર ઊકલતો જાય તેમ તેમ બિલોરી કાચ આગળ સરતો જાય. ચહેરા પરના ભાવ બદલાતા જાય. વાંચી રહ્યા પછી મોં મલકી ઊઠે. ફૂલેલા ગાલ સહેજ વધારે બહાર આવે ને અડધા બોખા મોંમાંથી હસવાનો — આનંદનો ફુવારો છૂટે. ‘ઈંમ વાત સ તાર.’ અક્ષરેઅક્ષર બરાબર વંચાય છતાં હંમેશાં કહે, ‘મનં તો અવ ઓંખે બરાબર દેખાતું નથી. આ... તમે હોંમે ઊભા સો પણ જોંણે કોક પડછાયો ઊભો હોય એવું દેખાય. મોં-નાક-નકશો કશુંય કળાય નહિ.’ આવું કહે ખરાં, પણ ઘરે આવનાર દરેકેદરેકને તરત ઓળખી કાઢે. ક્યારેક તેઓ ઓટલે છીંકણી તાણતાં બેઠાં હોય ને દૂરથી કોક આવતું દેખાય તો એની ચાલ પરથીય ઓળખી કાઢે કે કોણ આવે છે.

‘કુણ? શારદીની ભોંણી ક? મનં તો અવ બળ્યું દેખાતું નથી પણ આઘેથી તનં આવતી જોઈ ને હૅડછા પરથી લાગ્યું ક આ તો શારદીની ભોંણી આવ સ.’