મોટીબા/ચાર
પૉર નહિ ને પરાર, બેસતા વર્ષે મોટીબા સૌ પહેલાં નાહીધોઈને, નવો ધોળો સાલ્લો પહેરી, આરામ-ખુરશીમાં માળા કરવા બેઠાં. માળાના મણકા ફરતા જાય પણ મન રાહ જુએ – બેય વહુઓ ક્યાર તૈયાર થાય નં ક્યાર મનં પગે લાગવા આવ... બેય વહુઓ તૈયાર થઈ ને પગે લાગવા ગઈ. પહેલાં તો માથે-ગાલે સ્નેહથી હાથ ફેરવી આશીર્વાદ આપ્યા. ને પછી ઉમેર્યું, ‘જુઓ, અમં આવતી દિવાળી હું ભાળું ક નોં ભાળું... તારા હાહરાના નં ફઈજીના લગનમોં હોનું વપરાયું, પસઅ્ તમનં બેયનં નં પસઅ્ ભોંણીઓનં લગન વખતે આલ્યું નં ઈંમ હોનું ઓછું થતું ગયું. અવઅ્ મારી ફાહે બસ, આ બે બંગડીઓ રઈ સ..’ બેય કાંડેથી બંગડીઓ ઉતારી. ‘લો, તમનં બેયનં મારા હાથે એકેક બંગડી આલતી જઉં… મનં પંચ્યાસી તો થયોં... અમં આવતી દિવાળીએ હું હોઉં ક નોં હોઉં… તે મીંકું તમનં બેયનં એકેક બંગડી મારા હાથે જ આપતી જઉં…’ પણ એ પછીની બે દિવાળી મોટીબાએ બધાં સાથે આનંદથી ઊજવી. અને આવતી દિવાળી ઊજવશે. મારો સૌથી નાનો ભાઈ અક્ષય ઘણી વાર કહે છે, ‘સદી પૂરી કર્યા સિવાય બાની વિકેટ પડે તેમ નથી. બા તો યમરાજાની બૉલિંગનેય ઝૂડી નાખે.’ અમે ત્રણેય ભાઈઓ મોટીબાને ‘બા', બાપુજીને ‘ભાઈ’ તથા માને ‘બેન’ કહી બોલાવીએ. બા ઘણી વાર કહે છે, ‘હું તો બસ, અવઅ મોતની રાહ જોઉં છું… હું રાહ જોઉં છું તો મોત આવતું નથી નં ઘણોં જુવોંનજોધનં મોત ઉપાડી જાય સ… ઓંમ બોલતી-ચાલતી, હરતી-ફરતી હોઉં નં મોત આઈનં કૅ ક તારા... હેંડ.... નં હું મોંતનો હાથ ઝાલીનં ઓં...મ હેંડવા મોંડું…’ તો, ક્યારેક કહે છે, ‘અક્ષયનું લગન જોયા વના હું જવાની નથી.’ આ દિવાળી વખતે મોટીબાએ કહ્યું, ‘મારા ગયા કેડી આ ઘરમોં કોઈ રૅવાનું નથી… આ તો હું છું તે તારા બાપનં નં માનં ઓંય રૅવું પડઅ્ સ. મારા ગયા કેડી જો આ ઘર કાઢી નાખો તો એ પૅલાં હું બતાવું એ એ જગ્યાએ ખોદાવજો. વખત સ નં ધન નેંકળ. પૈસાદાર વૉણિયા ફાહેથી આ ઘર ખરીદેલું. તે ધન ક્યોંક દાટેલું હશે એ નક્કી. જોકે, વૉણિયો વેચતી વખતે ધન દાટેલું રૅવા નોં દે. પણ વખત સ નં વૉણિયાના બાપ-દાદાનું દાટેલું હોય નં ઈંનં ખબર નોં હોય નં રઈ ગયું હોય નં જો તમારા નસીબમોં હોય તો મળય ખરું. ‘પેલાના જમોંનામોં બૅંકો ન'તી. નં બૅંકો શરૂ થઈ તોય એ વખતે લોકનં બૅંકો પર ભરોસો ન’તો. તે હૌ ધન ચરુમોં ભરીનં ઘરમોં દાટતું. ક ભેંતોમોં ખાતોં કરતું.. ચોર ક ધાડપાડુ આવ તોય ઘરમોં જે બા'ર હોય એ લૂંટી જાય. પણ હોનું-ચોંદી નં બીજું ધન દાટેલું હોય એની ચિંતા નંઈ. એ જમોંનામોં સિક્કાય અત્તાર જેવા નંઈ, ચાંદીના સિક્કા, ખાસ્સા વજનદાર. એ વખતનું હોનુંય હારું. અત્તાર જેવું ચૌદ કેરેટનું ક ભેળસેળવાળું નંઈ. તે ચરુમોં ભરી ભરીનં લોક ધન દાટી રાખ. વધાર ધન હોય તો થોડું થોડું જુદી જુદી જગાએ દાટ્યું હોય. આવો મારી જોડે પરહાળમોં નં ઓઈડામોં, ઘર વેચી મારો તો ક્યોં ક્યોં ખોદવાનું એ બતાડું...’ ‘ઓઈડો' એટલે સૌથી છેલ્લો ઓરડો. ઘર ખૂબ લાંબું. સીધી રેખામાં એક પછી એક એવા ચાર ખંડ અને બહાર ઓટલો જેને મોટીબા ‘પૅલ્લો' કહે. ચારેક પગથિયાં ચઢીને, કોતરણીવાળી લાકડાની બારસાખ નીચેથી ઘરમાં પ્રવેશો એટલે પહેલો લાંબો ખંડ તે ‘ખડકી’. પછીનો ખંડ તે ‘ચૉક'. ચૉકના માથે છત નહિ. પણ લોખંડની જાળી. જેમાંથી પવન, વરસાદ, ટાઢ, તડકો, આકાશ ને બધીયે ઋતુઓ ઘરમાં પ્રવેશે. ‘ચૉક’ પછી ‘પરસાળ' ને છેલ્લે ‘ઓઈડો’. ખૂબ અજવાળાથી તે અંધારા સુધીની આખી રેન્જ ઘરમાં મળે. સૌથી વધુ હવા-ઉજાસ ને તડકાથી ઝગમગતા અજવાળાવાળો ‘ચૉક'. એનાથી ઓછું અજવાળું ‘ખડકી’માં, ‘પરસાળ’માં થોડું અંધારું ને ‘ઓઈડા'માં ઘેરું અંધારું. શીતળ અંધારું આપણને આપણી ભીતર લઈ જાય ને અંદરની યાત્રા કરાવે. અજવાળું આપણને ‘બહાર’ ખેંચી જાય. અમારા ઘરમાં બધાય ખંડની પહોળાઈ પણ જુદી જુદી! વચ્ચે વચ્ચે ખાંચા પડે ને પહોળાઈ વધે કે ઘટે! આથી, નાનો હતો ત્યારે મને તો આવું લાંબું ઘર જ જાણે શેરી જેવું લાગતું. ઘરનું સૌથી જૂનું સ્મરણ છે હું ત્રીજામાં ભણતો ત્યારનું. બાપુજીની ઊંઝાથી વિસનગર બદલી થયેલી ને વતનના આ ઘરમાં આવેલા. ‘ખડકી’માં ઈંટોની ફર્શ, ઈંટોની હાર સિમેન્ટથી પૂરેલી તે ભૂખરી લંબચોરસ ચોકડીઓમાં કિરમજી ઈંટોની ભાત આંખને ગમતી. ખડકીની દીવાલો ખૂબ ઊંચી. ઉપર પહેલો માળ હોય એટલી ઊંચી દીવાલો, પણ પહેલો માળ પણ નહિ કે માળિયું કે ડાગળોય નહિ. દીવાલો પર છ ફૂટ સુધી જ ચૂનાનું પ્લાસ્ટર. એથી ઉપર પ્લાસ્ટર નહિ. ખૂ…બ ઊંચે વળીઓની બનેલી છત ને ઉપર દેશી નળિયાં. છતની નીચેના ભાગમાં, દીવાલ પરની કિરમજી ઈંટો પર ખાસ્સાબધાં સુકાયેલા કાદવ જેવાં ભૂખરાં ચામાચીડિયાં ઊંધા માથે લટકે! ખડકીમાંથી કચરો વાળો ત્યારે ઉંદરની હોય તેવી ચામાચીડિયાંની ખાસ્સી લીંડીઓ નીકળે. મોડી રાતે ઉપર જુઓ તો બધાંય ચામાચીડિયાં ગાયબ! ને સવારે ઊઠીને જોઉં તો બધાંય ચામાચીડિયાં દીવાલ પર હાલ્યાચાલ્યા વગર એવી રીતે લટકતાં હોય કે જાણે મરેલાં ચામાચીડિયાં દીવાલે ટીંગાડ્યાં ન હોય! કોઈ કોઈ ચામાચીડિયાં તો લાંબો વાંસ પહોંચે એટલી ઊંચાઈએ જ ઊંધાં લટકતાં હોય. તે એ ખરેખર મરેલાં તો નથી ને એની ખાતરી કરવા હું વાંસ અડકાડું તો સહેજ ખસીને વળી પાછાં લટકી રહે, વીજળીના તાર પર લટકતા મરેલા કાગડાની જેમ. ઊંઝાથી અહીં રહેવા આવ્યાં ત્યારે શરૂ શરૂમાં તો આમ વાંસ અડાડતાં અડાડી તો દઉં પણ ચામાચીડિયું જેવું ખસવાનું શરૂ કરે ત્યાં તો કશું યાદ આવતાં જબરદસ્ત બીક લાગે ને તરત હથેળીથી નાક સંતાડી દઉં! નળિયાં વચ્ચેની જગ્યામાંથી કંઈ કેટલાંય ચાંદરણાં ઘરમાં રમવા ઊતરી આવે.
ઘણીયે વાર મોટીબા મને આ ઘર જેવાં જ લાગ્યાં છે!