મોટીબા/પચીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પચીસ

મારાં માશી, માની સગી નાની બહેનનું અવસાન થયું ત્યારે અમદાવાદથી મેં જ માને ફોન કરેલો. ત્યારે મોટીબા ઘરમાં તો હરીફરી શકતાં. માએ સમાચાર જણાવી અમદાવાદ જવા માટે મોટીબાને પૂછ્યું, તો કહે — ‘કાગળ આયો સ તે જવું સ? હમાચાર જોંણ્યા તે નઈ નખ એટલઅ્ પત્યું…!’ છેવટે મોટીબાની ‘ના’ છતાં મા-બાપુજી અમદાવાદ આવ્યાં. તો બીજે દિવસે જ વિસનગરથી ફોન આવ્યો — તારાબા હરિજી પાસે પડી ગયાં છે. મોટીબા છેલ્લાં ચારેક મહિનાથી ઘરની બહાર બિલકુલ નીકળતાં નહોતાં ને મા-બાપુજી નહોતાં ત્યારે મંદિર જવાનું સૂઝ્યું! આટલી ઉંમરે રસ્તામાં પડી જાય તો હાડકું-બાડકું ભાંગે કે છોલાય કે લીલાં ચકામાં પડી જાય એવો બેઠો માર વાગે કે કંઈક તો થાય ને! પણ આ તો કંઈ જ થયું નહોતું! પોતાની ‘ના’ છતાં મા ગયેલી માટે એમણે જાળવીને પડી જવાનું નાટક કર્યું?! અને આ નાટક માટે સ્થળની પસંદગીય કેવી? તો કે, હરિજીનું મંદિર! ને સમયની પસંદગી કેવી?! તો કે, સવારની આરતી પૂરી થવાનો! કોક વાર માએ કંઈક ગળ્યું બનાવ્યું હોય ને મોટીબાની ખોપરી ઠેકાણે ન હોય તો તરત ભાંડવા માંડે, ‘આજે કયો તૅવાર સ તે ગળ્યું બનાયું સ?’ અથવા તો કોક વાર કોઈ તહેવાર હોય ને જો રોટલી-દાળ-ભાત-શાક બનાવ્યું હોય તોપણ થાળી હડસેલી દે — ‘કનો શોક સ તે કોંઈ ગળ્યું નથી રોંધ્યું?! તૅ'વારના દા’ડે આવું ખાવાનું?’ એક વાર ‘નથી ખાવું’ કહીને થાળી હડસેલી દીધી. માએ પૂછ્યું, ‘શું ખાવાનું મન છે? તમે કહો તે બનાવી આપું.’ તો કહે, ‘મારઅ્ તો અપ્પા કરવો સ.’ અડધો એક કલાક પછી ધીમેથી તેઓ બોલ્યાં હશે, ‘ઈંમ કર તાર, થોડા બટાકાપૌંઆ બનાય.’ પણ માએ ટીવીના મોટા અવાજમાં સાંભળ્યું નહિ. તે મોટીબા ઊભા થઈને ગયાં રસોડામાં, પથારીમાંથી ઊભાં થતાં જ ચક્કર આવતા હતા તે છતાં! મા ઊંચા જીવે રસોડામાં દોડી કે મોટીબા ક્યાંક પડે નહિ. ‘કીધું'તું ક થોડા બટાકાપૌંઆ કર તો હોંભળતી નથી.. તારા બાપની કમોંણીનું નથી ખાતી હું… નં હજી તો મારા હાથ-પગ ભાંગી નથી ગ્યા…’ આવડી મોટી સાઠ-પાંસઠ વર્ષની માનેય મોટીબા ‘તારી મા’ ને ‘તારો બાપ’ કહીને બોલતાં વિચાર ન કરે. માની આંખોમાં આંસુ આવી જાય. પણ ચૂપચાપ સહન કરી લે. ને ખૂબ અકળાય ત્યારે કહે — ‘આમને તો થોડો વખત ઘરડા-ઘરમાં મૂકી દેવાં જોઈએ, ખબર પડે.’ ખબર નહિ, ભગવાને કઈ કઈ માટીથી ને કેવી ઘડીએ ઘડ્યાં હશે મોટીબાને?! એક વાર મોટીબા સંડાસ ગયેલાં. ઊભા થતાં ચક્કર આવ્યાં ને પડી ગયાં. નળની ચકલી પર પડ્યાં તે ચકલી તૂટી ગઈ. ને પાઇપમાંનું પાણી એમની ઉપર પડતું રહ્યું તે થોડી વાર પછી ભાનમાં આવ્યાં. ગયે વરસે તેઓ ખૂબ માંદાં થઈ ગયેલાં. ઊભાં થાય કે પથારીમાં બેઠાંય થાય કે તરત ચક્કર ચાલુ. ડૉક્ટરે કહ્યું કે હવે આમ જ રહેશે, સારું નહિ થાય. બેસી બેસીને, ખસતાં ખસતાં ખસતાં તેઓ બાથરૂમ સુધી તો જાય. પણ સંડાસ ઘરની બહાર અને એકાદ પગથિયા જેટલું ચઢીને સંડાસ જવું પડે. તે પથારીમાં જ ઝાડો-પેશાબ કરાવવા માટેનાં ટબ લાવ્યાં પણ ચારેક દિવસ થયા છતાં એમણે ટબ માગ્યું નહિ કે કશું કહ્યું પણ નહિ! માએ લખીને પૂછ્યું, ‘ચારેક દિવસથી કબજિયાત રહે છે? એનીમા માટે દાક્તરને કહેવડાવવું છે?’ ‘ના રે.. હું તો બાથરૂમમોં જ બેહી જઉં છું! નં પસઅ્ ખાળની જાળી ખોલનં બધું સાફ કરી દઉં છું. મારી ‘આવી’ સેવા કોઈની પાહે કરાવવી પડે એ મનં નોં ગમ. ઈંના કરત ભગવોંન મનં ઝટ ઉપાડી લે એટલ છૂટું.' થોડા દિવસની દવા પછીયે જરીકે ફેર ન પડ્યો. બેઠાં થતાં જ સખત ચક્કર આવે ને શરીર આખુંયે સતત દુઃખે, હાડકે-હાડકું કળે. દુઃખાવોય ઓછો ન થાય. તે ફૅમિલી ડૉક્ટર શંકરભાઈએ કોઈ એમ.ડી. થયેલા ડૉક્ટરને બતાવવા કહ્યું. એ ડૉક્ટરેય સ્પષ્ટ કહ્યું કે હવે સારું નહિ થાય. મગજ સુધી લોહી પહોંચતું નથી. ને દવાઓ લખી આપી. દસેક દિવસ પછી મોટીબા કહે, ‘દહ દાડા થયા તોય હજી કેમ એક ઓંનીય ફેર નથી પડતો?’ ‘મોટા દાક્તરેય કહેલું, હવે આવું જ રહેશે, સારું નહિ થાય.’ ‘કપાળ ઈંના બાપનું.’ પછી ઘરે જે કોઈ મોટીબાની ખબર પૂછવા આવે એને કહ્યા કરે, ‘ઓ રે.. ઓ માડી… સહન નથી થતું રે… અવઅ્ તો મારાથી બેઠુંય થવાતું નથી તોય કોઈ હારા દાક્તરને બતાવતુંય નથી... હારી દવાય લાવતું નથી. સેળભેળવાળી સસ્તી દવાઓ લાવ તે પસ ક્યોંથી ફેર પડ? પૅ’લાં શંકરભૈની દવા લાવતોં એય અવઅ્ તો બંધ કરી… નં  પૈસા ઓછા થાય તમોં કોઈ હારા દાક્તરનં બતાવવાના બદલે કોક નવા નેંહાળિયાનં બતાયું!’ અતિશય દુઃખાવાના કારણે તેઓ ‘ઓ રે… ઓ માડી… મરી ગઈ રે..’ એમ મોટેથી બૂમો પાડ્યા કરે. શરીર આખુંય દુઃખતું હશે, હાડકેહાડકું કળતું હશે એની ના નહિ પણ કોઈ ખબર કાઢવા આવે ત્યારે એમની આવી બૂમો ને પીડા વધી જાય! ડૉક્ટરે કહેલું હવે સારું નહિ થાય. છતાં, દવાઓના થોડાક ટેકાથી ને વધારે તો દૃઢ મનોબળથી મોટીબા થોડાં સારાં થયાં. સારાં એટલે ભીંતનો ટેકો લઈને બાથરૂમ કે સંડાસ સુધી જઈ શકે એવાં. એ સિવાય સતત પથારીમાં. મોટીબા બાથરૂમ જવા ઊભાં થાય ને મા જો હાથ પકડે તો ધુત્કારી કાઢે – ‘છોડી દે મારો હાથ. ભેંતનો ટેકો લઈનં હું મારઅ્ જએ..’ જેમ જેમ મોટીબાની ઉંમર વધતી જાય છે તેમ તેમ વધુ ને વધુ સ્વભાવ બગડતો જાય છે. હમણાં જ ખાધું હોય ને થોડી વાર પછી ભૂલી જાય ને કહે, ‘બધોંએ ખઈ લીધું. પણ મનં તો કોઈએ પૂછ્યુંય નંઈ! જોણે મારા નોંમનું બધોંએ નઈ નખ્યું...! ઓંના કરતઅ્ તો ઘઈડાઘર હારું. વખતસર ખાવા તો મળઅ્…’ ક્યારેક મારી સાથે તેઓ ખુશમિજાજમાં ખિલખિલાટ હસતાં હસતાં કશી વાત કરતાં હોય ને ઓચિંતું ભપકે ને મા તથા બાપુજીને ભાંડવા માંડે — ‘ઘઈડોં મોંણસ તો કોઈનં ગમતોં જ નથી... મારું દુઃખ હું તનં શું કઉં યોગેશ. તારી મા મનં ખાવાય આલવું હોય તો આલઅ્ નકર હરિ હરિ. રાતદા'ડો બેહી રૅ ટીવી હોંમે… પોંણી માગું તો, હોંભળવું હોય તો હોંભળ નકર પસ હરિ હરિ… ઑના કરતઅ્ તો કૅ તારી માનં ક તારા બાપનં કૅક શીશી લઈ આવ તો એ પીનં હૂઈ જઉં તે પાર આવ..’ પછી ચશ્માં કાઢીને પાલવથી આંખો લૂછે, નસકોરાં લૂછે. પછી ઓશીકા નીચેથી છીંકણીની ડબી લઈ છીંકણી તાણે ને આગળ ચલાવે — ‘કોં તો ભગવોંન મોંત આલ તોય હારું. તારી મા નં તારો બાપ છૂટ મારાથી. તારી માની બેય બુનોની હાહુઓ ક્યારનીયે મરી ગઈ સ નં હું હજી મરતી નથી તે ખમાતું નથી તારી માથી!’ ‘ખોપરી ઠેકાણે ન હોય તે મોટીબા તો ગમે તે બકવાસ કર્યા કરે, આપણે મન પર કશું ન લેવું.’ એમ માને કહીએ. છતાંય મા ઉંમર વધવાની સાથે સાથે વધુ ને વધુ સંવેદનશીલ થતી જાય છે. મોટીબા કંઈક બોલે ને મા સખત દુઃખી થાય ને છાનું છાનું રડી લે. આ ઉંમરેય મોટીબાને સાંજેય ખીચડી ખાવી નથી ગમતી! ખૂબ મોંણ નાખીને ને સરસ શેકીને બિસ્કિટ જેવી ભાખરી મા રોજ બનાવી આપે. ઉપરાંત વાર-તહેવારે મોટીબા ખાઈ શકે તેવું કંઈ ગળ્યુંય બનાવે. છતાં મોટીબા કહે — ‘મનં પેટમોં ચૂંક આવઅ્ તમોં તારી મા હાથે કરીનં ભાખરીઓય કાચી રાખ સ..’ રોજ આમ કહેવાનું ને ભાખરીની કિનારીના કે વચમાંથીયે થોડાક ટુકડા જુદા કાઢી રહેવા દેવાના. ‘આટલી ઉંમરે આવોં કાચો ભાખરોં શી'તી ખવાય મારાથી? તારી મા હરખું રોંધતીય નથી... ડોળો જ આખો દા’ડો ટીવીમોં હોય... કોં તો ખાવાનું કાચું હોય કાં તો દાઝી ગયું હોય.. પૂરું ઘી-દૂધેય નોં આલઅ્ મનં. રિબાઈ રિબાઈનં તારી મા મારવા બેઠી સ મનં વગર મોંતે.. કનં કઉં હું તો…’ વળી પાલવથી આંસુઓ લૂછે. ‘મારા ઘરે રહેવા ચાલો.’ હું પાટીમાં લખું. ‘એ વાત જ નોં કર. તનં કહ્યું તો સ ક ચાર જણા મનં ઉપાડીનં લઈ જશી તારઅ્ આ ઘર હું છોડે.’ રાતેય મોટીબા અસહ્ય પીડાથી વારે વારે બૂમો પાડ્યા કરે — ‘ઓ રે… ઓ રોંમ… ઓ માડી રે… નથી સૅ’વાતું રે… કયા જનમનોં પાપ નડ સ આ… ક પસ આ જનમનોં જ સ… ઓ રે… હજી ક્યોં હુદી ભોગવવાનું સ.. અરે રોંમ...’ ખબર કાઢવા આવનારને કહે — ‘અવઅ્ તો બળ્યું ઊભુંય નથી થવાતું.. હાડકેહાડકું દુઃખ સ. માથામોં ધમ્ ધમ્ હથોડા વાગ સ... ઊભી થઉં એવા જ ચક્કર આવ સ.. દુઃખાવાની આ ગોળીઓય જરીકે અસર નથી કરતી... જોઈઅ એવી મારી દવાય નથી થતી. કનં કઉં હું તો... આ તો તમે ઘરનોં છો તે કઉં છું.. ક મનઅ્ પૂરતું ખાવાય નથી મળતું… ઘી-દૂધ પૂરતું નોં મળ તો પસ ટોંટિયા હેંડ શી'તી? મહિને વધાર નંઈ તો શેર ઘીય પેટમોં જવું જોઈઅ ક નીં?’ આમ તો મોટીબા કહે, ‘મનં તો અવઅ્ ઊભું જ નથી થવાતું.’ પણ મા-બાપુજી સવારે દર્શન કરવા જાય ત્યારે મોટીબા ઊભાં થાય. પાંજરું ખોલી દૂધની તપેલી ઉઘાડી એમાંથી બધીયે મલાઈ ખાઈ જાય! ઘીનું ડોલચું ખોલી આંગળાં નાખતાંક ઘીનો લપકો લઈ ખાઈ જાય! એક વાર મા દર્શન કરવા નીકળી પણ કંઈક યાદ આવતાં થોડેક સુધી જઈને પાછી ફરી. ઘરે આવીને જુએ છે તો મોટીબાએ ગૅસ સળગાવેલો ને ગૅસ પર ઘીનું ડોલચું! શિયાળામાં થીજેલા ઘીમાંથી પોતાનાં આંગળાંની પ્રિન્ટ ભૂંસવા સ્તો! જાતે ઊભાં થઈને રસોડામાં પાંજરા સુધી જઈ શકે એવી જરીકેય શક્તિ મોટીબાના શરીરમાં નથી. પણ એમનો દૃઢ સંકલ્પ, મિજાજ અને ઝનૂન કદાચ એમના શરીરને પાંજરા સુધી લઈ જાય છે ને પાછાં પથારી સુધી લઈ આવે છે. કોઈ કોઈ વાર તો આમ ઊભાં થઈને જતાં કે આવતાં મોટીબા ચક્કર આવવાથી પડીયે જાય છે ને થોડા સમય માટે ભાન જતુંય રહે છે. છેલ્લા ઘણા વખતથી મોટીબા દિવસેય ખૂબ ઊંઘે છે. એનું કારણ અસહ્ય પીડાથી કદાચ રાતે પૂરતી ઊંઘ થતી નથી. ઊંઘે ત્યારે તો જોરદાર નસકોરાં બોલે ને જાગતાં હોય ત્યારે અસહ્ય પીડાના કારણે બૂમો પાડ્યા કરે — ‘અરે રોંમ… હે ભગવોંન.. ઓ રે… આટલી કાઠી છું તોય અવઅ્ સહન નથી થતું રે… અવઅ્ મનં ઉપાડી લે... શી ખબર ક્યા જનમનોં પાપ... ઓ રે ઓ રોંમ રે..' ખબર પૂછવા આવનાર સાથે મોટીબા જો વાતે વળગ્યાં તો પછી આશ્ચર્ય થાય એ રીતે આવી બૂમો ઓચિંતી જ બંધ થઈ જાય! ને બૂમો પાડતી વેળાના એમના અવાજમાંની પીડા ને દર્દ પણ ગાયબ થઈ જાય! અત્યારે હું વિસનગર આવ્યો છું. મોટીબાની તબિયતમાં થોડો સુધારો લાગે છે. બાથરૂમ-સંડાસ જાતે જઈ શકે છે. તથા દુઃખાવાના કારણે જે બૂમો પાડતાં એય હવે ઓછી થઈ છે. ગઈકાલે રાત્રે જ મોટીબા કહેતાં'તાં — ‘લ્યા બટકા... મારું એક કોંમ કરે?’ ‘શું?’ ‘જિંદગીનોં મારોં બધોંય કોંમ પૂરોં થઈ ગયોં સ… છેલ્લે જીવતક્રિયા ઊજવવાની ઇચ્છા થઈ તે એય ઊજવી. અવઅ્ મારઅ્ બીજી કશી ઇચ્છા નથી. બસ, એક ઇચ્છા બાકી સ અનં એ તારઅ્ પૂરી કરવાની સ.’ પછી નાક પર નીચે સરી ગયેલાં ચશ્માં સરખાં કરી મારી આંખોમાં તાક્યું. છીંકણી તાણી ને ડબીમાંથી બીજી ચપટી ભરીને હાથમાં રાખી ને આગળ બોલ્યાં — ‘મારા મર્યા કેડી કોઈએ રોવાનું નંઈ. મીં જિંદગી આખીય ધોળો જ લૂગડોં પૅ’ર્યો સ તે મારા મર્યા કેડી કોઈએ છીંદરી ક ધોળો કપડોં પૅરવાનોં નંઈ. જરીયે શોક રાખવાનો નંઈ… અનં મારા મર્યા કેડી નાત કરવાની. તારી મા નં તારો બાપ નૂતરું આવ ક નાતમાં ખાવા આ… દોડતોં પણ તારી જનોઈ કેડી આપડઅ્ કોઈનં જમાડ્યોં નથી. અનં મરણ પછીની નાત સ તે લાડવા જ કરવા એવું નંઈ, જોંણં લગનની નાત હોય એવી બધી વસ્તુઓ બનાવડાવજો. નં નાત જમાડજો. બસ, આટલી ઇચ્છા હજી બાકી રઈ ગઈ સ. બોલ, પૂરી કરે ક નંઈ?’ મેં ડોકું હલાવી હા પાડી. ‘ઈમ દઈશેરો હલાવ્યું નંઈ ચાલ. મનં વચન આલ.’ કહી મોટીબાએ હાથ લંબાવ્યો. મેં મારો હાથ એમના હાથમાં મૂક્યો. બેય હાથે મારો હાથ દબાવીને મોટીબાએ સંતોષનો શ્વાસ લીધો. વળી પાછી છીંકણી તાણી, પાલવના છેડાથી નસકોરાં લૂછ્યાં. એમનો ચહેરો સ્વસ્થ–પ્રસન્ન લાગતો હતો. ‘થાય સ ક અવઅ્ ભગવોંન મનં ઝટ ઉપાડી લે તો હારું… હુંયે છૂટું નં તારી મા નં તારો બાપેય છૂટ મારાથી. પણ હુંયે શું કરું? કોઈ મનં ઝેર લઈ આલ તો આ ગટગટઈ જઉં... મનં કોંય દુઃખ સ માટે નંઈ પણ જિંદગીનો મારોં બધોં કોંમ પૂરોં થઈ ગયોં સ નં મારઅ્ અવઅ્ વિદાય લેવી સ માટઅ્. પણ મારું એવું ભાગ્ય ક્યોં સ? ‘અત્તાર હાલ જો મોત આવનં તોય મનં એવું તો વા'લું લાગઅ્ ક નોં પૂછો વાત. અનં યમરાજા વખત સ નં મનં લેવા માટ કોઈનં મોકલવામોં મોડું કર તોય વોંધો નંઈ, અક્ષયનં હારી નોકરી મળઅ્ એય હું જોઉં ને ઈનોં લગન નં મૌલિકની જનોઈ પણ જોઈનં પસ જઉં.. ‘હું આટઆટલા જપ કરું છું તે ભગવોંન કદાચ… વખત સ નં પરસન્ન થઈનં મનં કૅ ક માગ માગ તારા, જે માગઅ્ એ આલું… તો હું શું માગું ખબર સ?’ ‘શું?’ ઇશારાથી મેં પૂછ્યું.

‘જનમોજનમ ઇચ્છામૃત્યુ.’