મોટીબા/‘મોટીબા’ વિશે થોડી વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘મોટીબા’ વિશે થોડી વાત

‘મોટીબા’ના નિમિત્તે કેફિયત તથા ચરિત્રના સ્વરૂપ વિશે થોડી વાત કરવાની તક આપવા બદલ હું ભાષાભવનનો આભાર માનું છું. ભાષાભવનમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રીડર હતા ત્યારની વાત યાદ આવે છે. લગભગ 1976માં, એક વાર હું એક ચરિત્રનિબંધ લઈને અનિરુદ્ધભાઈ પાસે ગયેલો ત્યારે એમણે કહેલું – તમે વાર્તા લખો, ચરિત્રનિબંધ લખવો અઘરો છે. પડકાર ઝીલી લેવાની પહેલેથી ટેવ. ત્યારે મારું એક પણ પુસ્તક પ્રગટ થયું નહોતું. સામયિકોમાંય ખાસ કંઈ પ્રગટ થયું નહોતું. કવિતાઓ થતી, ક્યારેક વાર્તા. એ સમયે તો અનિરુદ્ધભાઈની વાત માની ને પછી એ ચરિત્રને આધારે વાર્તા લખેલી – ગંગાબા. એ પછી થોડા ચરિત્રનિબંધોય રચેલાં ને થતું – સારી વાર્તા કે નવલકથા લખવા માટે પણ ચરિત્રનિબંધ લખવાનો રિયાઝ જરૂરી છે. આપણી મોટા ભાગની વાર્તાઓ તથા નવલકથાઓનાં ચરિત્રો જીવતાં-ધબકતાં નથી લાગતાં એનું એક કારણ ચરિત્રચિત્રણના કલાકસબની ઉણપ હોઈ શકે. ચરિત્રનિબંધના સ્વાધ્યાય-રિયાઝથી કદાચ પ્રતિભા હોય તો ચરિત્રચિત્રણનો કલાકસબ પાત્રોમાં પ્રાણ સીંચી શકે. સારો નિબંધ લખવો એ અઘરું છે ને સારો ચરિત્રનિબંધ લખવો એ કદાચ એથીય અઘરું. અને એકાદ ચરિત્ર પર આખું પુસ્તક કરવું એ તો એથીય અઘરું. કૃતિ કલાકૃતિ બને એની સભાનતા તો અંદર બેઠેલા સર્જકને હોય. વાર્તા કે નવલકથામાં તો તમે ઘટના, પ્રસંગો, પાત્રો, વિગતો વગેરે બાબતે તમારી કલ્પનાને ખપમાં લઈ શકો, જ્યારે ચરિત્ર લેખનમાં સચ્ચાઈને, નગ્ન સચ્ચાઈને વરવું પડે. સર્જકતાના આવેગ-આવેશમાં, કલ્પનાના જોરે કશુંક ઉમેરવાનુંય મન થઈ આવે, પણ તરત એ પૂર ખાળવા બંધ બાંધવા પડે. સત્યના ભોગે અને જોખમે આગળ વધી ન શકાય. એમાંય અંગત સ્વજનનું ચરિત્ર લખવું તો એથીય અઘરું પડે. અંદર સતત દ્વન્દ્વ ચાલ્યા કરે – પ્રેમ, લાગણી, આદર સતત કહ્યા કરે – આ બાબત નથી લખવી, આ વિગત નથી લખવી, ના આવું ન લખાય – એ સાથે જ ભીતરથી અવાજ ઊઠે – સર્જકે અત્યંત સંવેદનશીલ હોવાની સાથે સાથે અત્યંત નિર્મમ પણ બનવું પડે. ચરિત્રની ભીતર જવાની સાથે સાથે અત્યંત દૂર પણ જવું પડે... નિકટતા અને દૂરતાની વચ્ચે જાણે દળાવું પડે. સગાં શું કહેશે? નિકટના સ્વજનોને કેવું લાગશે? સ્વજનોની ભીતર કેવાક ઉઝરડા પડશે? – એ બાબતે નિર્મમ થવું એ પણ જાતની જ વાઢ-કાપ કરવા જેવું થઈ પડે. મારી મા તો જાણે નરી સંવેદનાનું જ સાક્ષાત સ્વ-રૂપ છે – એણે ‘મોટીબા’ વાંચ્યા પછી કહેલું – ‘અમે ન હોઈએ ત્યારેય અમારા વિશે કશું લખતો નહિ.’ અંગત અને બીન અંગત વચ્ચેની ભીંસ પણ ઓછી પીડાદાયક નથી હોતી. આ બધી જાણ છતાં અગ્નિમાં તપવાનું છે, પાછા વળવા માગતા ચરણ સાથે ફફડતા હૈયે મક્કમતાથી અગ્નિની આરપાર નીકળવાનું છે. 1981માં ‘સમુડી’ લખાઈ એ અગાઉ, મોટીબા વિશે એક દીર્ઘ ચરિત્રનિબંધ કરવાનું બીજ રોપાયેલું. પછી તો ભીતરથી એટલું બધું ફૂટતું જ ગયું કે થયું મોટીબા વિશે ચરિત્રનિબંધ નહિ, પણ અલગ પુસ્તક કરવું પડે. ‘સમુડી’ 1984માં પ્રગટ થઈ ત્યારથી મોટીબા વિશે લખવાનું મનોમન ચાલ્યા કરતું... પવન આવે, અંગારા પરથી રાખ હટી હઠી જાય ને અંગારો પ્રજ્વળવા લાગે તેમ મોટીબાનાં સ્મરણો પ્રજ્જ્વળવા લાગતાં – અજવાળું ય આપતાં ને દઝાડતાં ય ખરાં; પણ lifeforce સંકોરતાં... સાથે સાથે ઘણાં બધા પ્રશ્નોય ઊઠતા, કોઈ કોઈ બાબતોમાં દ્વિધા જાણે ઘંટીના બે પડ જેવીય બની જતી, સંકુલતા પ્રગાઢ થતી જતી, ક્યારેક અમાસ જેવું જ અંધારું ઘેરાઈ જતું ભીતર, પણ ત્યાં જ જાણે આભ ચીરતી વીજ ઝબૂકતી ને બધું થોડી વાર માટે ઝળહળી ઊઠતું ને વળી પાછું અંધારું છવાઈ જતું. પણ ભીતર કશીક ગૂઢ લિપિ અંકાતી જતી – એને ઊકેલવા મથીએ તો આંખોની જેમ હૈયુંય જાણે અંજાઈ જતું... ઘણું બધું વિખેરાતું જતું ને થોડુંક મારીય જાણ બહાર અંદર જળવાતું જતું... ઘણી વાર થતું – આ બધું મારે નોંધી લેવું જોઈએ, નહીંતર કદાચ ‘મોટીબા’ લખતી વખતે આ બધું યાદ નયે આવે. પણ કશી નોંધ કરતો નહોતો – બધું છોડી દેતો ભીતરની સર્જકભૂમિ પર, નીલશ્યામ મેઘ પર ને ક્ષણમાત્રમાં તેજ-લિપિ આંકી જતી વીજ પર. હું સમજણો થયો, હૃદય સ્મરણો સંઘરવા લાગ્યું એ અગાઉનાં ‘મોટીબા’નું શું? પિતાજી પાસેથી તથા ફોઈ પાસેથી એ બધી માહિતી મેળવાય; પણ પિતાજી કે ફોઈ પાસેથી પત્રકારની જેમ માહિતી મેળવી ન શકાય; એક સર્જકની જેમ પણ માહિતી ન મેળવાય; મારે મોટીબા વિશે કશુંક લખવું છે એનો અણસાર સુધ્ધાં પિતાજી કે ફોઈને ન આવે એનું ધ્યાન રાખવું પડે, એની પૂરતી અને પાકી કાળજી લેવી પડે. આવી કાળજી સાથે જ્યારે જ્યારે વાત નીકળે ત્યારે ત્યારે થોડી થોડી વિગતો કઢાવતા રહેવું પડે. લગભગ દસ-બાર વર્ષ આવું બધું ચાલ્યું. વળી કોઈ વિગતો મેં નોંધી નહોતી અને સ્વભાવ ભૂલકણો. ભૂલી જવુંય ક્યારેક મદદરૂપ પણ બને. થતું, કશું નોંધવું નથી. ભલે કેટલુંક ભૂલી જવાય. મારા ભાવકચિત્તમાં, સર્જકચિત્તમાં વધારે ઊંડે સુધી ઊતર્યું હશે એ તો લખતી વેળા સરવાણીની જેમ ફૂટી નીકળશે. અને જે મારા જ ભાવકચિત્તમાં વધારે ઊંડે સુધી ન ઊતર્યું હોય એ બધું સહૃદય વાચકોના ચિત્તમાં ઊંડે સુધી ક્યાંથી ઊતરવાનું?!

પિતાજી તથા ફોઈબા જન્મ્યાં નહોતાં એ પહેલાંના ‘મોટીબા’નું શું? એ સમયની વિગતો ક્યાંથી મેળવવી? – એની કેટલીક વિગતો તો પિતાજી પાસેથી મેળવી – જે એમણે એમના મામા તથા માશીઓ પાસેથી સાંભળેલી. એ બધા વૃદ્ધજનોમાંથી જે હયાત હતા એમની પાસેથી મળી તેટલી વિગતો મેળવી. મોટીબાનાં સીધાં સગાં ન થતા હોય એવાં વૃદ્ધજનો પાસેથી પણ વિગતો મેળવી. હવે બીજો પ્રશ્ન એ પણ થાય કે સાંભળેલી વાતો સત્યથી વેગળી પણ હોઈ શકે. અહીં મારી સર્જકતા પણ મદદે આવી. મારી સર્જકતાની મદદથી હું જાણે જે તે સમયમાં પહોંચી જતો અને સાંભળેલી વાતોની ઘટનાઓ નિહાળતો. જે તે સમય ઉપરાંત તે સમયનાં મોટીબાની ભીતર પણ જાણે હું પહોંચી જતો અને બધું અનુભવવા મથતો પછી સાંભળેલી વાતોથી અંદરના સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરતો. આમ સત્યના સોનામાં થોડું તાંબુ ઉમેરાઈ જાય એ પણ સ્વાભાવિક છે. પણ ઉમેરાતા તાંબાની માત્રા, ઘાટ ઘડવા પૂરતું જેટલું તાંબુ ઉમેરવું પડે એનાથી વધી ન જાય એનો ય વિવેક જાળવવો પડે. વળી સ્મરણો સમયના ક્રમમાં તો ઉભરાતાં ન હોય, સ્મરણો તો random ઉભરાવાનાં. આથી આ પ્રકારના ચરિત્રલેખનમાં સંકલન-સંયોજન પણ પૂરી કસોટી કરે. આ બધામાંથી પાર ઊતરવાનું સરળ નહોતું. પણ પડકાર ઝીલવાનો સંકલ્પ પાકો હતો, અગ્નિમાં જાતને પણ તપાવવાની હતી, અને ઘાટ ઘડવા માટે કાચા સોનાનેય તપાવવાનું હતું... આમાં મોટીબાનો ઘાટ ઘડાતો જાય તેમ તેમ મારા હોવાના ઘાટમાંય ફેરફાર થતા જતા. જન્મજાત લાગણીશીલ અને અત્યંત સંવેદનશીલ એવો હું મોટીબા લખતાં લખતાં કેટલી હદે નિર્મમ થતો ગયો એ યાદ કરતાં અત્યારેય કંઈક થવા લાગે છે સ્વસ્થ-તટસ્થ રહીને કોઈ જ પક્ષપાત વિના, subjectivity અને objectivityની સમતુલા પૂરી જાળવીને લખવું એ સહેલું નહોતું. વળી, આ લખતાં લખતાં, મોટીબા સિવાય માનાં – પિતાનાં – ફોઈનાં તથા અન્ય સ્વજનોનાંય અનેક સ્મરણો કાગળ પર અવતરવા માટે ઉભરાવા લાગે – એ સ્મરણોનેય ખાળવાં પડે, ને ફોકસ મોટીબા પર જ રહે અને અન્ય પાત્રો મોટીબાના ચરિત્રને ઉપસાવવા પૂરતાં જ ખપમાં લેવાનાં છે એ બાબત પણ સર્જકતાના પૂરમાં તરતાં તરતાં યાદ રાખવી પડે. વળી એ પણ યાદ રાખવું જ પડે કે સર્જકતાના પૂરમાં તરવાનું છે, તણાવાનું નથી. વળી મારી જ સર્જકતાનું પૂર મારા માટેય રહસ્યમય છે. મારી જ સર્જનપ્રક્રિયાનાં રહસ્યોને હુંય પૂરાં જાણતો નથી.

— યોગેશ જોષી