મોહન પરમારની વાર્તાઓ/૧૦. ધૂળ
પ્રભા ચા-નાસ્તો લઈને મારા તરફ આવતી હતી, ને હું જરા ઊંચા સ્વરે બોલ્યો : ‘જરા પેલુ બારણું બંધ કરજે. જો ને! આ ધૂળના ગોટેગોટા ઘરમાં આવવા લાગ્યા! હું નાસ્તો કરું તો કઈ રીતે કરું?’... ‘તમારી તો આ રોજની રામાયણ છે.’ ‘ના, કરું તો શું કરું? આ હીરજી ધીરેધીરે વાળતો હોય તો આટલી બધી ધૂળ ના ઊડે!’ ‘રોડ વાળતાં ધૂળ ન ઊડે તો શું ફૂલ ઊડે?’... ‘તું કાયમ હીરજીનો પક્ષ લે છે!’ ‘કેમ ન લઉં? બિચારો રસ્તો વાળીને કેવો સાફસૂફ રાખે છે. આપણું ઘર રસ્તા પર છે તો ઘરમાં ધૂળ આવે. એમા એ બિચારો શું કરે?’ ‘સારું... સારું હવે!’ મેં પત્ની સામે કરડાકીભરી નજરે જોયું. એને મારી કરડાકી ગમી નહીં. નાસ્તો ટીપોય પર મૂકી, આંખો કાઢી બારણું બંધ કરીને રસોડા તરફ વળી. એના થનગ થનગ થતા પગ સામે જોઈ રહ્યો. ઝાંઝરનો ઝમકાર ગમ્યોય ખરો, પણ આ હીરજી...! મનમાં હીરજીની ધૂળ ઉડાડવાની રીત સામે નારાજ થઈ બેઠો. સવારના પહોરમાં તૈયાર થવાનું હોય... ઑફિસનું કામ થોડું બાકી હોય તો ઘરે લાવતો, તે પૂરું કરવામાં મને સવારનો સમય વધારે યોગ્ય લાગે ને તેમાં આ ધૂળની બીકને કારણે આ બારણું બંધ રાખવું પડે તે મને બિલકુલ પસંદ નહોતું. હીરજી અમારી સોસાયટીનો સફાઈ કામદાર. એની પત્ની કમળા સાથે કાયમ નિયમિત આવે. હું નાહી-ધોઈને પરવારું, પછી બારી-બારણાં ખોલી સવારની તાજી હવા ખાતો હોઉં, ત્યાં એ આવી ચડે. મારા તો મોતિયા મરી જાય. બાજુના ઘેર ધૂળ ઊડતી જોઈને જ ક્યારેક હું સાવધ થઈ જાઉં, બારી બંધ કરતાં કરતાં તો મારા બારણાની સામે એનું ઝાડુ જોશભેર ફરવા માંડે. બારણું બંધ કરું તે પહેલાં તો ખાસી ધૂળ-મારા રૂમમાં પ્રવેશી ચૂકી હોય. હું કડવુંવખ મોં કરીને હીરજીને ગાળો બોલું. હીરજી સમયસર આવતો હતો ત્યાં સુધી સારું હતું, કેમ કે, હું સાવધાન થઈને બારી-બારણા બંધ કરી દેતો. પણ હમણાંથી નિયમિત આવે જ નહીં. કોઈકવાર આઠ વાગે તો કોઈકવાર નવ વાગે. નક્કી નહીં, મને એવી ચીડ ચડી હતી કે આ સાલા વાળવાવાળાને કહી દઉં કે મારા ઘર આગળથી વાળવાનું બંધ કર. પણ પછી પ્રભા મને જીવવા દે ખરી?! સાલું, આ લોકો વગર ચાલે જ નહીં તે કેવું? દુનિયામાં ગંદકીનું ચેપ્ટ૨ જ ન હોત તો સારું થાત! કોઈ સફાઈ કરનારો નહીં ને કોઈ એના પર ગુસ્સે થનારો ય નહીં. મજા આવે... પણ એવું હોત તો, બીજું કંઈક હોત... પણ હોત હોત ને હોત... પણ હીરજી જેવા બીજાય હોત, જે કોઈને સુખેથી જીવવા જ ન દે. આ હીરજીએ તો મને ભારે પરેશાન કરી મૂક્યો છે. શું કરું? માંડ બહાર – તડકામાં બેઠો હોઉં ને એને દૂરથી આવતો જોઉં કે ધડામ્ કરતો બારણું બંધ કરી દઉં. સવારે વહેલો ન આવે તો મને નિરાંત થાય. હું શાંતિથી નાસ્તો કરનારો જીવ પૂજાપાઠથી પરવારીને પ્રભા જે નાસ્તો મૂકી જાય કે ધીમે ધીમે હું નાસ્તાની મજા માણું. ને એવે વખતે રાહ જોઈને જ બેઠો હોય તેમ ઝાડું રોડ પર ઘસતો ઘસતો આવી ચડે. ઝડપથી ઊભો થઈને બારણું જોરથી બંધ કરે ત્યાં રસોડામાંથી પ્રભાનો અવાજ આવે. ‘બારણું ધીમેથી બંધ કરો.’ ‘તું તારું કામ કર...’ પ્રભા કામમાં હોય તો રસોડામાંથી જ મને જવાબ આપી દે. જો થોડી નવરી હોય તો કમર પર હાથ ટેકવીને મને ધમકાવતી હોય તેવા સૂરમાં બોલે. ‘રસ્તા ઉપર તમારા એકલાનું ઘર નથી. આપણી લાઇનમાં બીજાં દસ ઘર છે. ધૂળ બધાને ઊડે છે. તમારા જેવું તો કોઈ કશું કરતું નથી. એ તો સારું છે કે તમારી આ કચકચ હીરજીએ સાંભળી નથી. જાણશે ત્યારે બિચારો કેટલો દુઃખી થશે?’ ‘છો થતો... મને એ અળવીતરો લાગે છે. એને ખબર પડી ગઈ છે. નહીંતર બારી-બારણાં ખુલ્લા રાખું છું તે સમયે જ એ કેમ આવી ચડે છે?’ ‘તમને કેવી રીતે સમજાવું? કૂતરાની પૂછડી વાંકી તે વાંકી. તમે તો ઑફિસમાં જ સારા...’ પ્રભા ક્યારેક મારી મજાક કરી લેતી હતી તેની મને જાણ હતી એટલે વધારે જીભાજોડી ન કરું. હીરજી પર ખિજાતો ખિજાતો ઑફિસ જાઉં, ઑફિસમાં ચેન ન પડે. જાણે ઑફિસમાં ય ગોધૂલિટાણું થઈ ગયું હોય તેમ લાગે. ધૂળ મારા અંગેઅંગમા ભરાઈ ગઈ હોય તેમ ખંખેર્યા કરું. ધૂળ મારી પાછળ પડી હતી. કેડો જ મૂકતી નહોતી. થોડા દિવસ મારે ઑફિસકામે બહાર જવાનું થયું. આમેય હું હેડઑફિસનો અધિકારી એટલે તાબાની ઑફિસના કર્મચારીઓ ‘ત્રિવેદીસાહેબ’ ‘ત્રિવેદીસાહેબ’ એમ કહેતા પાછા ન પડે. ત્રણ દિવસ હીરજીની માયામાંથી છુટાયું એટલે સારું લાગ્યું. પાછો માન-મરતબોય એવો સચવાયો કે હીરજીને હું ભૂલી બેઠો, ઑફિસકામ દરમિયાન સચવાયેલો આ માન-મરતબો લઈને ત્રીજા દિવસે રાત્રે બાર વાગ્યે ગાડીમાં બેઠો. મનમાં હતું કે હીરજી રસ્તો વાળવા આવે તે પહેલાં ઘેર પહોંચી જાઉં. વહેલી સવારે સોસાયટીમાં પ્રવેશ્યો તો મારા ઘર આગળ હીરજીને ઝાડુ ફેરવતા જોયો. આટલોબધો વહેલો? કદાચ ઘરનું કંઈ કામકાજ હશે એટલે અહીંથી પતાવીને જલદી જવું હશે. મેં ડ્રાઇવરને મારી સોસાયટીના દરવાજે જ ગાડી ઊભી રાખવા કહ્યું. હું ઊતર્યો ને ડ્રાઇવર ગાડી લઈને ગયો. તે દરમિયાન મારી નજર મારા ઘર તરફ હતી. ઝડપભેર ઘેર જઈને જોયું તો હીરજી એવી રીતે વાળતો હતો કે જરાય ધૂળ ઊડતી નહોતી. હું મનમાં વીફર્યો ‘કેવો અવળચંડો છે! હું ઘેર હોઉં છું ત્યારે ધૂળના ગોટેગોટા ઉડાડે છે, ને આજે?’ મને મનમાં વસી ગયું કે હીરજી મને ચીડવવા માટે જ આમ કરે છે. મેં ઘરનો દરવાજો ખોલ્યો. હું દરવાજો બંધ કરું તે પહેલાં તો મારી આગળ આવીને ઊભો રહી ગયો.. ‘સાયેબ, સલોમ!’ મેં કરડાકીભરી નજરે એની સામે જોયું. એ તો ફીફીફી કરતો હસી રહ્યો હતો. મને મારો વહેમ સાચો લાગ્યો. મેં રસ્તા પર નજર કરી. બધું સાફસૂતરું... એકદમ ક્લિન... મને એણે સલામ કરી એટલે મને એના પર થોડું હેત આવ્યું. ‘અલ્યા હીરજી! કહેવું પડે... સફાઈ કરવામાં તું અવ્વલ નંબર છે.’ ‘સું સાયેબ! પણ તમને ક્યાં ગણજહ સે?’ ‘એવું કેમ બોલ્યો?’ ‘આ જગતને અમે કેવું સાફ રાખીએ છીએ તો ય તમે કદી એમ કીધું કે અલ્યા ભૈ, ચા-પાણી પીવા આવો. બસ, એકાદ થેપલું કે બે ગાંઠિયાય અમને આલ્યા?’ હું એની માગણી સ્વીકારું તેવો ગાંડો નહોતો. નાહકની ખોટી ટેવ પાડવી! વાત બીજે વાળવા હું ખડખડાટ હસી પડ્યો. એના કહેવાની રીત મને ગમી. એની પત્ની કમળા ઘેર મૂકેલું ડસ્ટબિન એની હાથલારીમાં ઠાલવી રહી હતી. એમાંથી આવતી દુર્ગંધે મને ટપાર્યો. કમળાને કશીય સૂગ જ ન હોય તેમ પતરાની સૂપડી વડે કચરો ભેગો કરી એ હાથલારીમાં નાખતી હતી. એના હાથ મેલાદાટ થયા હતા. મેં એના પરથી નજર ખસેડીને હીરજી સામે જોયું. હીરજી સાફ-સફાઈદાર કપડાં પહેરીને આવતો હતો. માથામાં કોપરેલની આખી બોટલ ઠાલવી હોય તેમ માથું તડકામાં તગતગતું હતું. સાઇડમાં પાંથી પાડીને વાળની પટ્ટી પાડતો. દેવાનંદની જેમ વચ્ચે વાળ થોડા બેસાડેલા. દેખાવમાં કમ નહીં. સૂટબૂટ પહેરાવ્યા હોય તો બ્રાહ્મણ જેવો લાગે. ઓત્તારી! મારા જેવો? ના, ના. શું ધૂળ અને ઢેફાં? આ અવતારમાં તો નહીં જ... હું કશું જ બોલ્યા વિના ઘરમાં પેઠો. એ મારા ઘર સામે જોતો જોતો કચરો વાળવા લાગ્યો. આ વખતે જાણે રીસે ભરાયો હોય તેમ એણે વધુને વધુ ધૂળ ઉડાડી, ને મેં ધડામ્ કરતુંક બારણું બંધ કર્યું. થોડા દિવસ પહેલા જ મારી સાળી અને સાઢુભાઈ રાતવાસા પર આવેલાં. નાહીધોઈને અમે બધા બેઠેલાં. બારીબારણાં ખુલ્લા રાખીને અમે નાસ્તો ઝાપટી રહ્યાં હતાં. ત્યાં ઝાડુનો કર્કશ અવાજ આવ્યો ને એકદમ હું ઊછળી પડ્યો. માર્યા! હવે શું થશે? હું કશું વિચારું તે પહેલા તો ધૂળના ગોટેગોટા... સવારનો તડકો મારા પલંગ પર પડતો હતો. તેમાં રજકણો એવી રીતે ઊડતા જણાયા કે સાળી ગુસ્સામાં બોલી પડી, ‘બનેવી, પેલા ભાઈને કહો કે ધીરે ધીરે વાળે...’ હું બહાર નીકળ્યો નહીં. મેં બારી બંધ કરી. બારણું બંધ કરવા જતો હતો ત્યાં સાળી તાડૂકી, ‘તમે પેલાને કહી શકતા નથી? બારણું શા માટે બંધ કરો છો? ઊભા રહો કહું...’ મારા અને પ્રભાના જીવ તાળવે ચોંટી ગયા. સાળીનો સ્વભાવ અમે જાણતાં હતાં, નાહકનો હીરજી સાથે ઝઘડો કરી મૂકશે. મેં એને વિનંતી કરી કે રહેવા દે બાપલા, એ માને એવો નથી. રોજ આવું કરે છે પણ શું કરીએ? ‘ના કેમ માને? આજે એની ખેર નથી...’ સાળી ઊભી થઈને બારણા લગોલગ આવી ગઈ હતી પ્રભાએ દોડીને એનો હાથ પકડી લીધો. બારણું બંધ કરીને પરાણે બેસાડી. તે દિવસે હીરજી સાથે ચડભડ થતી અટકી. પણ હીરજી ક્યાં અટકતો હતો? જાણીજોઈને મને ખીજવવા કરતો હોય તેમ કરે. એના નખરાં દિવસે દિવસે વધતા જતાં હતાં. મારું આંગણું વાળીને ગયો હોય તો મને નિરાંત થાય. હું બારીબારણાં ખુલ્લા મૂકી દઉં. ત્યાં ફરીથી પાછો ટપકી પડે. મારા ઘર આગળથી પસાર થતાં થતાં ભોંય પર ઝાડુ ઘસતો ઘસતો ચાલે. મને ધ્ર્રાસકો પડે. ક્યારેક તો મારા કમ્પાઉન્ડની જાળી પકડીને ઊભો ઊભો બૂમ પાડે. ‘સાયેબ... !’ મારી બારીમાંથી એ ચોખ્ખો દેખાય. હું ખિજાઈને કહું : ‘શું છે?’ ‘શું કરો સો?’ ‘તારે શું કામ છે?’ ‘થયું કે સાયેબને સલામ કરતો જાઉં.’ ‘સલામ શેના માટે, ભઈ!’ ‘તમે મારાથી નારાજ સો એટલે...’ એમ કહી ખડખડાટ હસીને પસાર થઈ જાય. લો. આ વસમી ઘડીઓની ફરિયાદ કોની આગળ કરું? પ્રભાદેવી તો મારું કહ્યું સાંભળતાં નહોતાં. અડોશપડોશનાં બધાં ધૂળથી ટેવાઈ ગયાં હતાં. ને આ મારો બેટો બેફામ બનતો જતો હતો. મનમાં તો કેટલીયે ગાળો બોલી બેઠો. એક દિવસે મારા ઘર આગળથી વાળીને બીજે ઘેર ગયો કે તરત જ હું બહાર નીકળ્યો. એની પત્ની કમળા ઘેર ઘેરથી કચરો ઉપાડતી ઉપાડતી લારી લઈને મારા ઘર આગળ આવીને ઊભી રહી. મને લાગ મળી ગયો. ‘કમળાબેન, અહીં આવો તો!’ ‘બોલો, સાયેબ!’ ‘આ હીરજીને તમે કેમ કાંઈ કહેતા નથી?’ ‘શું થયું?’ ‘જુઓ, ત્યાં કોઈના ઘર આગળ ધૂળ ઊડે છે?’ ‘તો મારા ઘર આગળ આવીને એ આટલી બધી ધૂળ કેમ ઉડાડે છે?’ ‘એવું એ કરે જ નહીં. થોડો ખાડો પડ્યોસ, ઈ વાળતાં વાળતાં અમને દમ આવી જાય સે ને ઉપરથી અમને ઠપકો આલો સો? વાળતાં વાળતાં ધૂળ તો ઊડે, સાયેબ!’ ‘પણ આટલી બધી?’ ‘જો એમ હોય તો વળાવવાનું બંધ કરો. તમે એને રાખધૂળ બોલો સો એ હું રોજ હાંભળું સું...’ લો, કમળાને શું કહેવું? આતો અવળી ફાટી! હું કશુંય બોલ્યા વિના ઘરમાં ઘૂસી ગયો. તે દિવસે ઑફિસમાં મન ચોટ્યું નહીં. માથું ભારેખમ થઈ ગયું હતું. કંટાળીને ઑફિસેથી વહેલો નીકળ્યો. આમ તો રોજ મારે ઑફિસેથી મોડા નીકળવાનું થતું. ઘેર આવું ત્યારે હીરજી વાળુ લઈને જતો રહે. કદી ભેટો જ ન થાય. આજે વહેલો આવ્યો એટલે એનો ભેટો થઈ ગયો. તેની પત્ની ખભા પર થાળ મૂકીને આગળ ચાલે અને એ થોડો જ આગળ હતો. મેં મારી ચાલ ધીમી પાડી. એની સાથે તો થવું જ નથી. કમળા મારા ઘેર પહોંચે તે પહેલાં અમારી સોસાયટીમાં રહેતો યુ.પી.નો ભૈયો ફુલચંદ એને સામે મળ્યો. એની સાથે વાત કરવા એ રોકાયો. હવે હું સાવ ધીમે ચાલું તો ય એની આગળથી પસાર થયા વિના છૂટકો નહોતો. હું પાસે ગયો એટલે ફૂલચંદ ગુપ્તાએ મને ‘કેમ છો?’ એમ પૂછ્યું. એટલે મારે ફરજિયાત એની પાસે ઊભા રહેવું પડ્યું. આમેય હું બ્રાહ્મણ એટલે મારી સોસાયટીના ભૈયા મને પંડિતજી કહીને બોલાવે. માન-મર્યાદા સાચવે. ક્યારેક કથા કરવા બોલાવે. હું ઊભો રહ્યો. હીરજી મારી સામે જોઈને હસ્યો. પણ હું એની સામે કડવુંવખ મોં કરીને ફૂલચંદ સાથે વાતો કરવા લાગ્યો. ફૂલચંદને થોડા સમય પહેલા ઍટેક આવ્યો હતો, દવાખાને સમયસર દાખલ કર્યો એટલે બચી ગયો. કહે છે કે બે નળીઓ બ્લોક હતી ત્યાં સ્ટેન્ટ મૂકવા પડ્યાં હતાં. હું દવાખાને ખાસ સમય કાઢીને એની ખબર કાઢવા ગયેલો, એટલે અત્યારે વિવેક ખાતરેય એની તબિયત ન પૂછું તો નગુણો ગણાઉં. ‘ફૂલચંદ ભૈ, આપકો અભી કૈસા હૈ.’ ‘બહુત બઢિયા... અબ હટ્ટાકટ્ટા બન ગયા હૂં!’ ‘વેરી ગૂડ. કોઈ ચિંતા કરને કી જરૂરત નહીં હૈ.’ હું દિલસોજી વ્યક્ત કરવા લાગ્યો એથી ફૂલચંદને સારું લાગ્યું. હીરજી મૌન ઊભો હતો. એટલું સારું હતું કે એ અમારી વાતોમાં માથું મારતો નહોતો. આમેય એ વચ્ચે બોલ્યો હોત તો મને ગમ્યું ન હોત. ફૂલચંદ કંઈક વિચારી રહ્યો હતો. હુંય હીરજીના વિચારમાં હતો. પણ ફૂલચંદ બોલ્યો એટલે મારું ધ્યાન તે તરફ ગયું. ‘દેખો પંડિતજી, ઐસા હૈ કિ મન મજબૂત રખો તો કીસી ભી ઉપાધિ ટલ જાતી હૈ.’ હું એના સમર્થનમાં કશુંક બોલવા જતો હતો ત્યાં હીરજી ઊછળી પડ્યો. ‘ભૈયાજી, એ આપકી વાત સાચી નંઈ હૈ, એ તો પાંચ આંગળીઓ કા પુન ચાહિએ. આપને વો કિયા ઈસલિયે આપ બચ ગયે. કંઈ લોગ નઠોર યા કંજૂસ હોતે હૈ વો પુન કી વાત ક્યા જાને?’ કહીને એ મારી સામે કતરાતી નજર ફેંકીને ચાલવા લાગ્યો. મને એવી દાઝ ચડી હતી કે સાલાને પીસી નાખું. પુણ્ય-પાપની અમને ખબર હોય, તને નહીં. સમજ્યો... આખો જન્મારો તેં ધૂળ ઉડાડ્યા સિવાય શું કર્યું છે, અબુધ...!’ એ મારા ઘેર પહોંચે તે પહેલા મારે એને ખરુંખોટું સુણાવવું હતું. પણ હું પહોંચું તે પહેલાં વાળું લઈને ઝડપભેર આગળ નીકળી ગયો. મારું માથું ફાટફાટ થયા લાગ્યું. હવે? હવે તો ઘર, ઑફિસ કે બસ... બધી જગ્યાએ હીરજીને કઈ રીતે ઠારવો તેની યુક્તિઓ રચતો રહ્યો રાતે સપનામાં પણ હીરજી, ઝાડુ અને ધૂળ... ધૂળના ગોટેગોટા ઊડે. હું એનાથી બચવા ભાગંભાગ કરું. પણ ધૂળના વાદળ મારી પાછળ પડે. હું રોકવા આડા હાથ ધરું, પણ કશીયે યુક્તિઓ ખપ લાગે નહીં. હારીથાકીને હું આંખો બંધ કરું. ખોલું ત્યારે સામે જ ઝાડુ હાથમાં પકડીને હીરજી ઊભો હોય. અરે, એકવાર તો હીરજીની સાથે સાથે એક માણસ માથે રૂમાલ બાંધીને રોડ વાળતો હતો. હાથપગ મેલાદાટ, બનિયાન-લૂંગી ફાટેલાં. હીરજી વારેઘડીયે એને ઝાડુની દાંડી વડે ગોદા મારતો હતો. પેલો હાથ જોડીને હીરજીને કરગરતો હતો. સૂર્યના તડકામાં પેલાનું મોં તગતગ્યું ને જોયું તો એ હું હતો...! હૃદય ફાટફાટ થવા લાગ્યું. હું પલંગમાં બેઠો થઈ ગયો. જોરજોરથી શ્વાસ લેવા માંડ્યો. બાથરૂમ જઈ આવ્યો. પલંગમાં આડો થયો. પણ ઊંઘ જ ન આવી. વહેલો ઊઠી ગયો. બહાર આંટાફેરા મારવા લાગ્યો. હવાની હેરફેર થાય તે માટે મેં બારી-બારણા ખોલી નાખ્યાં. એ આઠ અને નવની વચ્ચે આવે છે એટલે કંઈ ચિંતા નહોતી. હું નાહ્યો. બહાર થોડું તડકામાં શેકાયો. ઘરમાં આવીને નાસ્તો કર્યો. પણ એ દેખાયો નહીં. મને ચટપટી જાગી. ‘સાલો, કેમ દેખાતો નથી.’ હું મનમાં ગાળો બોલ્યો. આમેય મને આ નાત પ્રત્યે પહેલેથી નફરત... ખાસ તો ઑફિસમાં હરિજનો અનામતનો લાભ લઈને મારા સાહેબ બની ગયા તે મને ખૂબ ખટકતું હતું. તેની દાઝ હીરજી જેવા નમાલા માણસો પર કાઢતો હતો. એમ કરીને મારો અહમ્ સંતોષાતો હતો. એ સિવાય છૂટકો પણ ક્યાં હતો! પણ હીરજીને શું થયું? મોડું થાય તોય નવ વાગે તો આવી જ જાય. હું હારી-થાકીને ઘરમાં ગયો. બારી-બારણાં ખોલી નાખ્યાં. ને ઑફિસનું થોડું કામ બાકી હતું તે પતાવી, કપડાં પહેરતો હતો ત્યાં એનું ઝાડુ ફરતું સંભળાયું. ઓત્તારી, આ તો આ આવ્યો! ધૂળ ઊડી. બણબણતી માખી ઉડાડતો હોય તેવી રીતે ધૂળ ઉડાડવા લાગ્યો. બારી બંધ કરીને બારણા તરફ વળ્યો. ત્યાં વાળવાનું બંધ કરીને એ મારા ઘરનો દરવાજો ખખડાવતો હોય તેવું મને લાગ્યું. ‘સાયેબ... ઓ, સાયેબ!’ હું બારણા વચ્ચે ઊભો ઊભો તાડૂક્યો. ‘શું કામ છે? ઘાટા કેમ પાડે છે?’ ‘આમ તો તમારું મને શું કામ પડે? આ તો મારી ઘરવાળીએ કીધું કે તમે ધૂળ ઉડાડો સો એ સાયેબને ગમતું નથી. એટલે થ્યું કે સાયેબની માફી માગું...’ ‘અરે ભાઈ એવું કંઈ નથી. આ તો તારા ભલા માટે કહું છું. તું ધૂળ ઉડાડે અને ધૂળ ફેફસામાં જાય તો બીમાર પડાય. તું માસ્ક કેમ પહેરતો નથી?’ ‘જુઓ સાયેબ, ધૂળમાં રહેવું અને ધુપેલના શા હવાદ? ધૂળ ફેફસાંમાં જાય અને મરી જવાતું હોય તો એના જેવું એકેય રૂડું નઈ! આ અવતારનો ફેંસલો તો આવી જાય. ને ખાસ તો તમારા જેવા નફરત કરનારાથી તો છૂટાય...’ ધીમે પગલે એ ઝાડુ તરફ ગયો. હાથમાં ઝાડુ લઈને એ થોડીવાર ઊભો રહ્યો. પછી અવળો ફરીને એણે આંસુ લૂછ્યાં તે મેં જોયું. થોડીવાર તો મારું હૃદય ધડકી ગયું. અંતરમાં કશીક અવનવી લાગણી ઉદ્ભવી. પણ વળી પાછું થયું, ‘મારે શું?’ એવું થયા પછી મારા ફેફસાંમાં રક્તસ્રાવ થઈ રહ્યો હોય તેવું મને લાગ્યું. આ પ્રસંગ પછી હીરજી મારા ઘેર ખાસ ધૂળ ઉડાડતો નહોતો. સોસાયટીમાં ઝડપથી વાળતાં ધૂળ ઊડે. પણ મારા ઘેર આવે ત્યારે સાવ ધીરે ધીરે, ધૂળ ન ઊડે તેની તકેદારી રાખીને વાળે. મને હવે એનું આ વર્તન ગમવા લાગ્યું હતું. છતાં ક્યારેક એ કંટાળ્યો હોય ત્યારે એવું ઝાડુ ફેરવે કે બધું સાટું વાળી દે. મને થયું ‘આ પળોજણમાંથી ક્યારે છુટાશે?’ છેલ્લા કેટલાક સમયથી એનું વાળવા આવવાનું અનિયમિત થતું ચાલ્યું. કમળા ઘર આગળથી મોટું મોટું વાળી લેતી હતી. હીરજી ક્યારેક આવે, ક્યારેક ન પણ આવે. કમળાને પૂછ્યું તો કહે ‘એમની તબિયત સારી રહેતી નથી. દવાખાને દાખલ કરવા પડશે.’ મને થયું, ‘સારું થયું, ધૂળમાંથી તો બચાશે.’ મારા મનમાં એક થડકારો ઊપડ્યો. હું આ શું વિચારી બેઠો? બ્રાહ્મણોની કોરી આંખ હોય તે આ જ કે? સ્વાર્થ, નર્યો - સ્વાર્થ! મને મારી જાત માટે વધારે તો નહીં પણ થોડી શરમ આવી. એક અઠવાડિયું સળંગ કમળા વાળવા ના આવી. બીજા અઠવાડિયે પ્રભાએ ઘર સાફ કર્યું. ઘરમાં કચરો એકઠો થયો હતો. પ્રભાએ ટોપલીમાં ભેગો કરીને કમ્પાઉન્ડના ખૂણામાં મૂક્યો હતો. પ્રભા ઘરકામમાં મગ્ન હતી એટલે બે દિવસ કચરો એમ ને એમ પડી રહ્યો. મને થયું કે કમળા આવે તો આપી દઉં. હું કમળાની રાહ જોતો ઊભો રહ્યો. નવ વાગવા આવ્યા હતા તોય ન આવી એટલે હું વાંકો વળી વળીને સોસાયટીના દરવાજા ભણી જોવા લાગ્યો. એમ કરવા જતાં ગ્રિલ મારી દાઢીને વાગી. મારા મોંમાં ગાળ આવી ગઈ. છતાં સંયમ રાખીને ફરીથી જોયું. એક સફાઈ કામદાર ભોંય પર ઝાડુ ઘસડતો ઘસડતો આવી રહ્યો હતો. મેં ઝીણવટપૂર્વક જોયુંઃ ‘આ હીરજી તો નથી લાગતો. તો કોણ હશે?’ જરા વધારે નીચે નમ્યો. એનો નાક-નકશો સ્પષ્ટ થયો. એ હીરજી તો નહોતો. એ દરવાજેથી વાળતો વાળતો મારા ઘર સુધી આવી પહોંચ્યો. ધૂળ ઊડવા લાગી. ‘અલ્યા, આ તો મારો બેટો હીરજી કરતાંય વધારે ધૂળ ઉડાડે છે. શું કરવું?’ મેં પ્રભાને અત્યારે ચા-નાસ્તો લાવવાની ના પાડી. નવા સફાઈ કામદારની સફાઈ કામગીરીનો તાલ જોવા રોકાયો. હીરજી તો સાદો-સીધો હતો. આણે તો સાંકડી મોરીનું પેન્ટ પહેરેલું, ને ટૂંકી બાયનું શર્ટ... માથુંય ટાપટીપવાળું. મોં પર માસ્ક પહેરેલું. મને જોઈને રાજી થયો હોય તેમ ઝાડુ સ્થિર કરી, એની દાંડી પર દાઢી ટેકવીને ઊભો રહ્યો. મેં એની સામે તિરસ્કારભરી નજરે જોયું. એ મારી સામે એકીટશે જોઈ રહ્યો હતો. હું હમણાં જ નાહીને આવેલો એટલે લૂંગી અને બનિયાન પહેરેલાં. કદાચ એ મારી તિરસ્કારભરી નજરને પામી ગયો હશે. એણે મોં પરથી માસ્ક કાઢીને હાથમાં પકડ્યું. પછી મોટેથી બોલ્યો : ‘કેમ છો, ભગત!’ ‘ભગત...!’ ‘હા, મને તને ભગત જેવા લાજ્યા. હાચું કે’જો કે તમે ચીઈ નાતે?’ ‘બ્રાહ્મણ છું. પાકો બ્રાહ્મણ...’ એ ખડખડાટ હસી પડ્યો. મારી સામે ફાંગી આંખ કરીને એણે નકારમાં માથું હલાવ્યું. પછી છેક મારી નજીક ગ્રિલના સળિયા પકડીને બોલ્યો : ‘તમે બ્રાહ્મણ જેવા લાગતા નથી.’ ‘તો કોના જેવો લાગું છું?’ ‘અમારા જેવા. જોણી તમે અમારી નાતના હોય તેવું મને લાગ્યું. ચીઈ બાજુના સો?’ એ ગલગલિયાં કરવા લાગ્યો. મારી ભીતરમાં ક્રોધ ફૂંફાડા મારવા લાગ્યો. મારે એને બરાબર અપમાનિત કરવો હતો. એની સાત પેઢીને યાદ કરે તેવાં વેણ બોલીને એને અપમાનિત કરવો હતો. ‘સાલો, શું સમજે છે એના મનમાં? મને એના જેવો ગણ્યો?’ ક્રોધને લીધે હું ધ્રુજવા લાગ્યો. મારી સ્થિતિ જોઈને એ ફી ફી કરવા લાગ્યો. મેં એની સામે ઘુરકિયું કરવા જેવું કર્યું. ‘તને અહીં કોણે મોકલ્યો છે?’ ‘હીરજીએ... કેમ, પૂછવું પડ્યું.’ ‘હીરજી ક્યાં છે?’ ‘ઈને દવાખાને દાખલ કર્યો સે.’ હીરજીએ આ બલાને મારી સોસાયટીમાં કેમ ભટકાડી? ક્રોધ ભભૂકીને હાથમાં પ્રવેશ્યો. હું કોટની ગ્રિલ પર હાથ પછાડવા ગયો. પણ વાગશે એવી સભાનતા સાથે તરત જ હાથ પાછો ખેંચી લીધો. એ મારી સામે ત્રાંસી આંખ કરીને જોતાં જોતાં વાળવા લાગ્યો. ધૂળના ગોટેગોટા ઊડવા લાગ્યા. ‘ઓ, અક્કરમી ધીરે ધીરે વાળ. તારા કરતાં તો હીરજી સારો...’ પણ મારું કોણ સાંભળે? મારા પર ધૂળના ગોટા છવાયા. ધૂળ સામે આડા હાથ ધરીને મેં રોકવા કોશિશ કરી. ઘરમાં પ્રવેશી બારણું બંધ કરું તે પહેલાં તો મારો આખો દેહ ધૂળિયો થઈ ગયો. મેં જોયું તો એવો એ ધૂળના વાદળમાં આછો આછો દેખાતો હતો. મારા પગમાં ધૂળ ઘસાવા લાગી. જાણે હું ધૂળિયા નેળિયામાં ઊભો છું! મેં વાંકા વળી ભોંય પર નજર કરી. કમ્પાઉન્ડ આખું ધૂળ-ધૂળ. મેં સાવરણો હાથમાં લીધો. એવો એને સોઈ-ઝાટકી નાખવા માગતો હોય તેમ વાળવા લાગ્યો. મને થોડી ખંજવાળ ઊપડી. બનિયાન તરફ જોયું. મેલું દાટ, ઉઘાડા ખભા પર વારાફરતી ડોકું આડું-ત્રાંસું કરીને જોયું. હું છળી મર્યો, ખભા પર મેં જોરથી હથેળી ઠપકારી, ધૂળ ઊડી. લૂંગી ઝાટકી. સૂર્યના તડકામાં રજકણો ઊડતા મેં જોયા, હું નિઃસહાય થઈને સાવરણો ફેરવતો જ રહ્યો. વાળતાં વાળતાં મને થયું : ‘સાચે જ હું પેલાની નાતનો તો નથી ને?’