મોહન પરમારની વાર્તાઓ/૭. સોનકીડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. સોનકીડી

કલ્યાણરાય આજે મને માથાના દુખાવા જેવા લાગ્યા. પત્નીએ ઘેર વહેલાં આવવાનું ફરમાન છોડ્યું હતું. મોડામાં મોડા સાત વાગ્યે તો ઘરે આવી જ જવું તેવો પત્નીનો આદેશ હજીયે મનમાં અમળાતો હતો, પણ છ અને ત્રીસ મિનિટે ઘેર જવાની તૈયારી કરતો હતો ત્યાં કલ્યાણરાયે મને ચૅમ્બરમાં બોલાવી કહી દીધું, ‘તમારે જમનાશંકર કોઠારીની પેઢીમાં જવાનું છે. બીજા કોઈને નહીં, જમનાશંકરને હાથોહાથ કવર આપવાનું છે. પેઢીમાં ન મળે તો પોળમાં એમના ઘરે જઈને આજે ને આજે આ કામ પતાવવાનું છે.’ મને ભારે ખીજ ચઢી. ના પાડવાનું મન થયું. પણ એમ ના કહેવાય. આ તો શેઠ... તરત જ કહી દે કે કાલથી કામે ના આવતા. એકબાજુ પત્ની અને બીજી બાજુ શેઠ. ઘણાં વર્ષોથી શેઠની પેઢી સાથે જોડાયેલો છું. કામમાં પાવરધોય ખરો. અગત્યના કામમાં શેઠ મારા પર વિશ્વાસ પણ મૂકે. એ માટે મારે ગર્વ લેવો જોઈએ. તો પછી કામ પરથી કાઢી મૂકવાનો ડર શાનો? સાલું, ગમેતેમ તોય શેઠને ના પાડી શકાતી નથી. સાળાની વર્ષગાંઠ હતી, ને ત્યાં આઠ વાગ્યે પહોંચવું જરૂરી હતું. જલદી નહીં પહોંચું તો પત્ની પાછી ધમાલ ધમાલ કરી મૂકશે. શું કરવું? પાછી મોટી ઉપાધિ તો એ હતી કે મારે પહેલીવાર જમનાશંકરની પેઢીએ જવાનું થતું હતું. ને આમેય મારે જમનાશંકર સાથે ખાસ પરિચય નહીં. એટલે પેઢીએ ના મળે તો પોળમાં એમનું ઘર શોધવામાં મોડું થાયેય ખરું. પણ પોળનું નામ સાંભળીને મારો રૂવાડાં ખડાં થઈ ગયા એનું શું? એ જ પોળ... કદાચ ત્યાં જ... મને બરાબર યાદ છે. એક વખતે પોળ આગળથી નીકળવાનું થયું ત્યારે અચાનક... દૂરથી જોયેલી. એની આંખમાં વ્યથા જોઈને દ્રવી ઊઠેલો, કારણોવસાત્‌ એને મળી શકેલો નહીં. પણ આજે... થયું કે જમનાશંકર પેઢીએ ના હોય તો પોળમાં જવાનું થશે જ થશે. પણ આ પત્ની! શું જવાબ આપું એને! મને-કમને શેઠ પાસેથી કવર તો લઈ લીધું હતું. પત્નીને જાણ કરવી જરૂરી હતી. મોબાઇલ જોડ્યો. વાત કરી, તો પત્ની ધૂંઆપૂંઆ. ‘તમારા શેઠ એવા તે કેવા છે કે કો’ક દા’ડોય વહેલાં આવવા ના દે.’ ‘ભઈ, અગત્યનું કામ છે. તું એમ કર, છોકરાંને લઈને રમણને ઘેર પહોંચ, હું સીધો જ ત્યાં આવું છું.’ પત્ની માનતી નહોતી. પરાણે મનાવીને હું નચિંત થઈ ગયો. હવે? મેં કવર ઊલટસૂલટ ફેરવી જોયું. હશે કંઈ ધંધા-બંધાની વાત. એમાં મારે મગજ બગાડવાની જરૂર નહોતી. બાઇક લઈને હું સીધો જ જમનાશંકરની પેઢીએ ગયો. જેવું ધાર્યું હતું તેવું જ થયું. જમનાશંકર તો બે કલાક પહેલાં ઘેર ચાલ્યા ગયા હતા. શેઠેય કેવા છે? એમની પેઢીનો ફોન નંબર આપ્યો હોત તો ખબર પડી જાત કે એ પેઢી પર નથી. સીધો પોળમાં જ જાતને...! નાહકનો ધક્કો અને સમયની બરબાદી... હવે જે પળો આવવાની હતી તે પળો મને અંકુશની બહાર લઈ જનારી લાગી. પોળમાં જવાનું નક્કી હતું. રૂંવાડાં ઊંચાનીચાં થતાં હતાં ને પગ પાછા પડતા હતા. બંને ક્રિયાઓ ઊલટસૂલટ થઈને મારી આત્મીયતાને પડકારતી હતી. કદાચ એ મળે અને નાયે મળે. ઘર ચોક્કસ ક્યાં છે તેની તો ક્યાં ખબર હતી! એનાં લગ્ન થયાં ત્યારે કલ્યાણરાયે એક અગત્યના કામે મને મુંબઈ મોકલેલો. મુંબઈથી ઘરે આવ્યો ત્યારે ભારે ધ્રાસકો પડેલો. બે દિવસ ઉદાસ ઉદાસ ફર્યા કર્યો. માએ મને ઉધડો લીધો, ‘તું આમ ઉદાસ ઉદાસ રહ્યા કરીશ તો અમારું કોણ?’ મારે શો જવાબ આપવો? કશું ભૂલી શકાય તેમ નહોતું. અઠવાડિયું તો એ ટી.વી.ના શૉ રૂમમાં નોકરી કરતી હતી ત્યાં રખડ્યા કર્યો. પોળની માત્ર એંધાણી. બેત્રણ દિવસ સાંજે ઘેર જતી વખતે એની પોળ તરફ અચાનક બાઇક વળી જતું. શું કરતી હશે, સુખી હશે કે કેમ? ગરીબ હતી બિચારી. કેવો વર મળ્યો હશે એને? ગમે તેમ તોય એ નોકરી તો નહીં છોડે. નોકરી પર આવે તેની રાહ જોઈને બેઠેલો. પણ શૉ રૂમમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એણે રાજીનામું આપી દીધું છે. ને બધું ધબોધબ થઈ ગયેલું. થૂંકવું નહોતું તો ય હું થૂંક્યો. મોં ખારું ખારું થઈ ગયું. એનો ચમકતો ચહેરો અલપઝલપ થયા કર્યો. પણ પાછું મન ગડમથલ કરવા લાગ્યું. પોળમાં હશે ને! તાલાવેલી કેમ લાગી? અંદરથી હું ખુદને રોકી રહ્યો હતો. હવે ઝાંવાં મારવાં રહેવા દે. યાદ કર, તું સાવ પોચટ. સગાઈ થયેલી તોય એણે તો હિંમત બતાવેલી. સગાઈ કેમ કરવા દીધી તે કારણે તું નારાજ હતો. એ તો સગાઈ પછી નોકરીએ આવેલી. બે દિવસ તું એ બાજુ ફરકેલોય નહીં. એ સામેથી પેઢીએ આવેલી. આવતાંવેત રડી પડેલી. ‘ચાલ આપણે...’ ‘પણ...’ ‘પણબણ કશું નહીં. આજેજ રાતે...’ મેં ડોકું હલાવી હા પાડી હતી, પણ પછી ઘરમાં વૃદ્ધ મા-બાપની હાલત જોઈ ઠરી ગયેલો. મેં મોબાઇલ જોડી એને થોડી ધીરજ રાખવા વિનંતી કરેલી. ભારે ધૂંઆપૂંઆ હતી. મને તતડાવી માર્યો હતો. હું તો બિલકુલ નમાલો થઈને સાંભળી રહેલો. ગુસ્સામાં એણે મોબાઇલ સ્વિચ ઑફ કરી દીધેલો. પછી જાણેલું; તો એની સગાઈ થઈ તે બીજવર હતો. પત્ની હતી, પણ બાળકો માટે... મને હતું કે બે દિવસમાં મને પેઢીએ મળવા આવશે. ફોન કરશે. એવું કશું થયું નહીં, ને તાત્કાલિક લગ્ન... ઓહો, સાચે જ હું નમાલો છું. મેં પગ પછાડ્યો. મેં મનને કાબૂમાં રાખ્યું. હવે એના સંસારમાં આગ ચાંપીને શું મેળવવાનું... નથી જવું મારે એના ઘેર... હું જમનાશંકર શેઠનું ઘર શોધતો શોધતો પોળમાં ઘૂમતો રહ્યો. છેવટે જમનાશંકર કોઠારીના હવેલી જેવા ઘરની એંધાણી મળી ખરી. એક જગ્યાએ બાઇક પાર્ક કરી, ધીમે ધીમે હવેલી તરફ ચાલવા લાગ્યો. પોળની મેડીઓની નીચે મારાં પગલાં ઊલટસૂલટ પડતાં હતાં. તે દરમિયાન મારા માથા પર પાણીના છાંટા પડ્યા. મેં ચમકીને ઊંચે જોયું. એક સ્ત્રી મેડીની બારી આગળ સંકોચાઈને ઊભી હતી. મેં એની સામે ક્યાંય સુધી જોયા કર્યું. એની આંખો ધ્રૂજી રહી હતી. મને કંઈ સમજ પડે તે પહેલાં તો એ બારી આગળથી ખસી ગઈ. હું હસીને આગળ વધ્યો. હવે હું લીમડાનાં છિદ્રોવાળા પડછાયા પર ચાલતો હતો. થોડે દૂર કદ કદ કૂદકા મારતી એક ચકલી ઊડીને પાડોશના ખાટલા પર બેઠી. ખુલ્લા ભાગમાં એક છોકરો દોડવા જેવું ચાલતો હતો. એના પગ બળતા હતા. એ વારેઘડીએ એક પછી એક પગ અધ્ધર કરતો કરતો એક ઘરના છાંયે ઊભો રહ્યો મને એની દયા આવી. પણ મારી દયા કોઈએ ક્યાં ખાધી? આવડી મોટી પોળમાં મને આશ્વાસન આપનાર કોઈક તો છે, પણ ક્યાં? કામ પતાવીને એને ઘેર જવું તેવું મનમાં પાકું કર્યું. એંધાણીને આધારે જમનાશંકરના હવેલી જેવા મકાનના ઓટલા આગળ આવીને ઊભો તોય મનમાં એનું રટણ હતું. જૂનું બધું એકસામટું હૃદયમાં ઊભરી આવ્યું. મને થયું કે હૃદયના બંધ તૂટી ન જાય તો સારું... કદાચ એવુંય બને... ન બને તો સારું. ને બને તો કોણ રોકી શકે? હવે તો એનાય હાથની વાત ક્યાં રહી હતી? થોડીવાર ઓટલા પર બેઠો. ક્યાંકથી ઊડતું ઊડતું એક ફૂદું આવીને મારા પગ પર ચોંટી ગયું. મેં એને પકડવા કોશિશ કરી, પણ એ તો પાંખો ફફડાવીને ઊડી ગયું. હું જોતો જ રહી ગયો. ઊભો થયો. દીવાલ પર હાથ ટેકવીને પેલો છોકરો ઊભેલો તે તરફ જોવા લાગ્યો. છોકરો ત્યાં નહોતો, મેં જમનાશંકરની હવેલી પર નજર માંડી. ભારે દબદબો. નીચે થોડી દુકાનો. ઉપર રહેણાંક હશે કદાચ. મારી નજર દાદર પર પડી. પહેલાં તો સડસડાટ દાદર ચઢી જવાનું મન થયું, પણ કશુંક યાદ આવતાં મેં ખીસામાંથી કવર કાઢ્યું. કવર ઊલટસૂલટ ફેરવીને તપાસી લીધું. પછી હાથમાં કવર લઈને હું દાદર ચઢવા લાગ્યો. દાદર પૂરો થયા પછી મેં મેડી પર પગ મૂક્યો એવો જ અવાક્‌ થઈ ગયો. સિંહાસન જેવા સોફા પર પગ ફેલાવીને એક આધેડ વયનો પુરુષ કશીક ફાઇલોમાં ખોવાયેલો હતો. મેં મેડી પર બધે નજર ફેરવી લીધી. મેડી સુશોભિત હતી. રાચરચીલું વ્યવસ્થિત. મેડીની અંદરની બાજુ ઘણાબધા રૂમ હશે કદાચ. વૈભવ, માત્ર વૈભવ. મને હવે યાદ આવ્યું કે જમનાશંકર તો તેલના મોટા વેપારી છે. અહોભાવમાં રાચતો હું આગળ વધ્યો. પેલા પુરુષના પગ પાસે એક આધેડ વયની સ્ત્રી બેઠી બેઠી એને વીંઝણો નાખી રહી હતી. પુરુષથી એ પાંચેક વર્ષ નાની હશે કદાચ. એના જાજરમાન ચહેરા પર ધનની લકીરો ખેંચાયેલી મને દેખાતી હતી. પેલો પુરુષ જાણે સોપારી ચાવતો હોય તેમ એનું મોં વારેઘડીયે હલતું હતું. પેલી સ્ત્રી એના હાલતા મોં સામે એકીટશે જોઈ રહી હતી. પેલા માણસની ધોળી મૂછોમાં અને અનેક રહસ્યો ગૂંચવાયેલાં લાગ્યાં. એની મૂછો સ્થિર હતી. ક્યારેક વીંઝણાનો પવન મૂછો તરફ આવતો ત્યારે થોડી ફરરરફર થઈને પાછી સ્થિર થઈ જતી હતી. મને જોઈને પેલી સ્ત્રીએ એનાં વસ્ત્રો સરખાં કરી લીધાં. એણે પુરુષ સામે સીસ સીસ કર્યું. પેલા પુરુષે ફાઇલોમાંથી દૃષ્ટિ ખસેડી, ‘કોણ?’ એવું બોલી, મારી સામે જોયું. મેં અનુમાન કર્યું કે આ જ જમનાશંકર હશે. ખાતરી કરવા મેં પૂછ્યું, ‘આપ જ જમનાશંકર શેઠ છો?’ ‘હા, આવો.’ ‘મને કલ્યાણરાયે મોકલ્યો છે.’ મેં હસીને બે હાથ ભેગા કરી નમસ્તે કર્યું. જમનાશંકર મૂછોમાં થોડું હસ્યા. એ મને બેસવાનું કહે તે પહેલાં તો સામેની ખુરશી પર બેસી પડતાં બોલ્યો, ‘લાઇટ નથી કે શું?’ ‘હમણાં ગઈ.’ ‘ફ્યુઝ ઊડી ગયો લાગે છે.’ મેં હાસ્યમિશ્રિત એવી વેધક દૃષ્ટિથી જમનાશંકર સામે જોયું કે એમને કંઈક શંકા પડી. એ તો ઘડીકમાં મારી સામે તો ઘડીકમાં પેલી સ્ત્રી સામે વારાફરતી જોવા લાગ્યા. પેલી સ્ત્રીનો ચહેરો વિલાયો. વીંઝણો નાખવાનું પડતું મૂકીને એ બીજા રૂમમાં જતી રહી. બીજા રૂમમાં કશીક ગુસપુસ થતી હોય એવું મને થોડું સંભળાયું. તરત જ દોડતી આવીને પાછી એ જમનાશંક૨ના પગોમાં બેસી પડી. એની દૃષ્ટિ હવે માત્ર જમનાશંકરના ચહેરા પર હતી. જમનાશંકર પ્રશ્નાર્થભરી નજરે મારી સામે જોઈ રહ્યા હતા. હું એમનો કરચલિયાળો ચહેરો પેલી સ્ત્રીના ચહેરા સાથે સરખાવવાનું કરતો હતો ત્યાં જમનાશંકર સત્તાવાહી અવાજે બોલ્યા, ‘કલ્યાણરાયે તમને શું કામે મોકલ્યા છે?’ ‘ખાસ કંઈ નથી. લો, આ કવર. મેં કવર આપવા હાથ લંબાવ્યો. જમનાશંકરે ઝડપથી મારા હાથમાંથી કવર ખૂંચવી લીધું. કવરની અંદરનો કાગળ વાંચતાં એમના ચહેરાની રેખાઓ ઊલટસૂલટ થવા લાગી. એમને મૂઝાયેલા જોઈ પેલી સ્ત્રી બોલી : ‘શું છે?’ ‘તને ખબર ના પડે, બેસ છાનીમાની.’ તે દરમિયાન સામેના રૂમમાંથી લગભગ મારી ઉંમરની એક યુવતી રૂમઝૂમ કરતી પાણી લઈને આવી રહી હતી. હું જોતો જ રહી ગયો. એની ચાલમાં એક પ્રકારની માદક ગતિશીલતા હતી. ને આંખોમાં મોતી મઢ્યાં હોય તેવી કીકીઓ હતી. ભરતગૂંથણની સાડીનો ઝગમગાટ છાયો, અને ઝાંઝરનો ઝણકાર આખી હવેલીમાં ગુંજી ઊઠ્યો જાણે... એક પળ તો બધું હાલકડોલક થઈ ઊઠ્યું. હું ગડથોલું ખાઈ જ જાત, પણ સમયસૂચકતા વાપરી મેં બંને પગ ઉપર લઈ લીધાં, ને ખુરશીમાં ઉભડક બેઠો. યુવતીની દૃષ્ટિ સાથે મારી દૃષ્ટિ ટકરાઈ... ને મને પૂર્વજીવનનું ભાન થયું. બારીમાંથી પવનની એક લહેરખી આવી ને એની ભરતગૂંથણની સાડી સહેજ ફરફરી. એમાંથી છૂટેલી સુખની સોડમ મેડીમાં બધે પથરાઈ ગઈ. ને હું રાજી રાજી થઈ ગયો. એની આંખો મારા હૃદયમાં ઊતરી પડી. હૃદયમાંથી અનેક સ્પર્શનાં મોજાં ઊછળવા લાગ્યાં. હોઠ અને ગાલ પર પડેલા નિશાન ફંફોસતી મારી આંખો બિલકુલ સ્થિર. મને ચટપટી ઊપડી. મને જોઈને એના ચહેરા પર આવેલી મૃદુતાએ મારામાં હલચલ મચાવી મૂકી. એ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ મારી અંદર સ્પર્શનાં મોજાં બમણા વેગે ઊછળવા લાગ્યાં. મારી સ્થિતિને એ પારખી ગઈ હશે કે શું, એણે આડો હાથ ધરી મારી વૃત્તિઓને દબાવી દીધી. એનો ચહેરો હવે ગંભીર દેખાતો હતો. એના મૃદુ હોઠ કટાક્ષમાં સહેજ વંકાયા. મને પાણીનો પ્યાલો આપતાં મારા હાથને એના હાથનો સહેજ સ્પર્શ ન થઈ જાય તેની તકેદારી રાખી. હું અવાચક્‌! મારી સૂધબૂધ ઠેકાણે લાવતી હોય તે રીતે એ બોલી : ‘ચા પીશો કે કૉફી?’ ‘હું શું પીઉં છું તેની તો તમને...’ પાણીનો ખાલી ખાલો મારા હાથમાંથી લઈ લેતાં આકળવિકળ થઈ ઊઠી. પછી જમનાશંકરને કશી ગંધ ન આવે તે રીતે મારી સામે આંખો કાઢીને મને ડારી દીધો. હું મૂંગોમંતર, માત્ર સ્થિર આંખે એને રૂમઝૂમ કરતી રૂમમાં જતાં જોઈ રહ્યો. હજી તો મારું આશ્ચર્ય શમે તે પહેલાં તો કૉફી લઈને હાજરાહજૂર. કદાચ એણે મને જોઈને પહેલેથી કૉફી બનાવી રાખી હશે, નહીંતર આટલી ઝડપે! એની રૂમકઝૂમક ચાલે મને ડગાવી દીધો. મેં હેતાળા સ્મિત રેલાવ્યું. એના મોંના હાવભાવ સ્થિર. કશી લાગણીઓનું નામોનિશાન નહીં. ચહેરો એકદમ સખત, સિમેન્ટની દીવાલ જેવો. હાથમાં ટ્રે લઈને મારી સામે ઊભી રહેતાં એની નજર મારા પગ પર પડી. એની નજરમાં રહેલો ઠપકો પારખતાં મને વાર ન લાગી. હું ખુરશી પર ઊભડક બેઠો છું તેનું મને ભાન થયું. હું મારી સ્થિતિ બદલું તે પહેલાં તો એ બોલી પડી, ‘એય મિસ્ટર’ હું ચમક્યો. આજુબાજુ જોવા લાગ્યો. એની નજર તો મારી સામે જ હતી. સખત અને કઠોર અવાજ. પેલો આજીજીપૂર્ણ અને ગરીબડો અવાજ ક્યાં? હવે એ અવાજ મને ક્યાં મળે? હું ફાંફે ચઢ્યો. દીવાલ પર ટીંગાડેલા વડવાઓના ફોટાની ચાંદી મઢેલી ફ્રૅમમાં મને સખત અવાજનો રણકો સંભળાયો. તે દરમિયાન એક કડક આંગળી મારા તરફ ચીંધાયેલી મેં જોઈ. સાચે જ એ મારા તરફ આંગળી ચીંધીને કહી રહી હતી : ‘હું તમને કહું છું. સીધા બેસો. આ તમારી પેઢી નથી, કોઈ શેઠિયાનું ઘર છે, સમજ્યા!’ હું તો બિલકુલ ચૂપ. પણ મારા પગ આપોઆપ ભોંય પર મૂકાઈ ગયા. કઈ વૃત્તિઓએ મને એમ કરવા પ્રેર્યો? સમજાતું નહોતું. પેલું નિર્દોષ મુખડું શોધવા મેં પ્રયત્ન કર્યો. એ કૉફીની ટ્રે ટીપોય પર મૂકવાનું કરતી હતી ત્યાં બીજા રૂમમાંથી નોકર દોડતો આવ્યો. યુવતીના હાથમાંથી ટ્રે લઈ લીધી. યુવતીના ભવાં ખેચાયાં. એ રુક્ષ અવાજે બોલી : ‘તમને લોકોને કશું ભાન છે કે નહીં? તું અત્યાર સુધી ક્યાં હતો? નોકરો તો કાયમ નોકર રહેવાના...’ કપાળ પર હાથ આઘોપાછો કરતાં કરતાં એની વેધકનજર તો મારા પર જ મંડાયેલી હતી. જાણે નોકરને બદલે મને જ બધું સંભળાવી રહી હતી. મારી ભીતરમાં નોકર સળવળ્યો. હું નોકર અને એ? શેઠાણી! વર્ષોથી કલ્યાણરાયની પેઢીનો કારોબાર સંભાળી રહેલો હું નોકર? પેઢીની સઘળી બાબતોનો જાણકાર. મારા વિના શેઠનું કોઈ કામ આગળ ન વધે. પેઢીના અનેક કાર્યક્રમોનો હું સંચાલક. એનેય હું ઘણા કાર્યક્રમોમાં બોલાવતો. ગરીબડી ગાય જેવી ખૂણામાં સંકોચાઈને ખુરશીમાં બેસે, હવે? એક રૂઆબદાર શેઠાણી? ઓત્તારી... મારી અંદર કશું ધમાલ કરવા લાગ્યું. હવે એ મારે માટે ‘એ રહી નહોતી. માત્ર યુવતી. એક મોટા શેઠની પત્ની. એ યુવતી હવે જમનાશંકરની સાવ નજીક સોફા પર બેઠી બેઠી કલ્યાણરાયે આપેલો પત્ર વાંચી રહી હતી. જમનાશંકર એની સામે એકીટશે જોઈ રહ્યા હતા. એમના ચહેરા પર ઊપસી આવેલાં હેત-બિન્દુ ખણી નાખવાનું મને મન થયું. મેં યુવતીની આંખોમાં જોયું. પત્ર વાંચતાં વાંચતાં એની દૃષ્ટિ કોઈકવાર મારી પર પડી જતી હતી. એની મોતી મઢી આંખો ઊછળીને મારા હૃદયમાં સ્થિર થઈ. હું નોંધારો થઈને એના દર્શન મટે તળેઉપર થઈ ઊઠ્યો. પણ વ્યર્થ. મારી આંખોએ તાંડવ રચ્યું. પણ અંદરના તાંડવનું શું? મારી અંદર તણખા ઝરવા લાગ્યા. પત્રને હાથમાં આઘોપાછો ફેરવતાં યુવતીએ જમનાશંકર સામે લટૂકડા શરૂ કર્યા. જાણે મને ચીડવતી હોય તેમ બાણની જેમ તીરછી નજર મારી તરફ ફેંકતી રહી. હવે હું જ મારા વશમાં રહ્યો નહીં. અંદર ઝનૂન ઊપડ્યું. મેં ઝનૂનપૂર્વક એની તીરછી દૃષ્ટિ પર તણખા વેર્યા. મારા તણખાની સામે એની તીરછી નજર ભોંઠી પડતી જતી મને લાગી. મેં વેરેલા તણખા તીરવેગે હવેલીમાં ઠેર ઠેર ભોંકાયા. તેમાંથી એક તણખો ઊડીને યુવતી અને જમનાશંકરની વચ્ચે રોપાઈ ગયો. તણખાની અગનઝાળથી જમનાશંકર આખું શરીર વલૂરવા લાગ્યા. એ યુવતી તરફ હાથ લંબાવી સહારો શોધવા મથ્યા, પણ એમના હાથ પર તણખાએ આક્રમણ કર્યું. હાથ દાઝી ગયો હોય તેમ એમણે પાછો ખેંચી લીધો. પછી યુવતીના કામણ પર તણખાએ વાર કર્યો. યુવતીના લટૂકડાં બંધ થયાં. એણે પત્ર સોફા પર મૂકી દીધો. તણખાના ઝનૂનને એ પારખી ગઈ હશે કદાચ. એકાએક એને કશું સૂઝ્યું કે એ ધીમે ધીમે તણખાને પંપાળવા લાગી. પછી હેતાળ નજરે મારી સામે જોયું. મારું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. સંવેદનોની સેર વછૂટી. દયાપૂર્વક મેં તણખો પાછો ખેંચી લીધો. હું હળવો થઈ, ખુરશી પરથી ઊભો થઈ હજી તો કઠેરા તરફ આગળ વધું તે પહેલાં તો પેલી યુવતી બોલી પડી, ‘કલ્યાણરાયને કહેજો કે આવા મહત્ત્વના કામ માટે જાતે આવે. અમારે ચર્ચા કરવી હોય તો કોની સાથે કરીએ? બોલો, તમારી સાથે?’ હી હી હી કરીને એ કટાક્ષભર્યું હસી. ને પછી એવી રીતે મોં મચકોડ્યું કે હું ખળભળી ઊઠ્યો. ઝનૂન ચડ્યું. પણ હવે તો તણખાય ક્યાં બચ્યા હતા? હું કઠેરા આગળ આવીને ઊભો. મેં જમનાશંકરની હવેલીમાં નજર ફેરવી. સંપત્તિ જાણે ઠાંસી ઠાંસીને ભરી હોય તેવી તેની રોનક હતી. મને ઘડીભર તો થઈ આવ્યું કે સાચે જ હું નોકર છું. હું ઓશિયાળો થઈ ગયો. રહીસહી ચાલવાની હામ ગુમાવી બેઠો. લથડતી નજર આડેધડ સોફા પર પડી. સોફામાં જમનાશંકરની આજુબાજુ ગોઠવાઈને બંને સ્ત્રીઓ જમનાશંકરને વીંઝણો નાખી રહી હતી. જમનાશંકરને ખુશ ક૨વાની બંને વચ્ચે જાણે હોડ રચાઈ હતી. જમનાશંકર હર્ષથી પુલકિત. ત્રણેય એકમેકમાં મગ્ન. પેલી યુવતીનું ધ્યાન ખેંચવા કઠેરા આગળ સહેજ ઊભો રહ્યો. મારા અસ્તિત્વની જાણે બધાં ઠેકડી ઉડાડી રહ્યાં હતાં. જમનાશંકર પરસેવે રેબઝેબ. યુવતી દોડીને કપડું લઈ આવી. મને એ જમનાશંકરના શરીરનો પરસેવો લૂછતી દેખાઈ. ત્યાં એકાએક લાઇટ આવી. ઝળાંહળાં. પણ મને તો બધે જ અંધારપટ છવાયો હોય તેવું લાગ્યું. હું દાદર ઊતરવા લાગ્યો ધીરે ધીરે... દાદરનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં જાણે પર્વત પરથી ઊતરી રહ્યો હોઉં તેવું મને લાગવા માંડ્યું. એકાએક મારા ડાબા હાથ પર ખંજવાળ ઊપડી. મેં ખમીસની બાંય ઊંચી કરીને જોયું તો એક સોનકીડી હાથ પર ચટકા ભરતી ઉપર ચઢી રહી હતી. મેં ઝાટકો મારીને એને ખંખેરી નાખી. ભોંય પર હલબલતી કીડી સામે હું ક્યાંય સુધી જોઈ રહ્યો. પછી મેં લીમડાના પડછાયાના છિદ્રો ભણી જોયું, તો તે મોટાં થતાં જતાં હતાં.