zoom in zoom out toggle zoom 

< યજ્ઞેશ દવેનાં કાવ્યો

યજ્ઞેશ દવેનાં કાવ્યો/આકાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આકાશ


-શું બહાર જ છે?
તો અંદર છે તે શું છે?

* *

આકાશમાં
માત્ર એક ટીંટોડીનું ક્રંદન
ને
આખો ને આખો દરિયો ઉલેચાય.

* *

દરિયાકાંઠે
આવ્યો છું નિરાંતે રહેવા
પણ જોને,
આ ભૂરો રંગ ક્યા જંપવા દે છે!

* *

પૂરો થયો છે વાદળોનો નાચ
આકાશ ચોખ્ખું કાચ.

* *

રસ્તા પરથી
ઊતરી એક કેડી,
ને ખોવાઈ ગઈ ઘાસમાં

* *

બારી બહાર એક પતંગિયું
હું બંદીવાન.



ઊડતું ઊડતું
આવ્યું એક પીછું ઘરમાં...

અને આકાશ ખંડિત.

* *

કારાગૃહની કાળમીંઢ દીવાલને
ફૂટી એક રતુંબડી કૂંપળ
ને
વાત બધી ફેલાઈ
આકાશે આકાશે.

* *

બધા
સ્થાપે છે દુર્ગનું મહત્ત્વ
ને
હું પ્રમાણું છું
તિરાડને.

* *

બધે ભગ્ન મંદિરો.
ખંડિત મૂર્તિ જ હવે લાગે પૂર્ણ
આખી એટલી અધૂરી