યાત્રા/અગ્નિવિરામ
અહો સુહૃદ! શું પ્રભાત કમનીય વાસંતી એ!
હતો મરુત મંદ શીત મધુરા પરાગે ભર્યો,
હતાં ગગનમાં કંઈક શશવૃન્દ શાં વાદળાં,
હતી રજત દીપ્તિ સૂર્યકિરણોની કૂંળી મૃદુ.
અને પટ વિશાળ તે સરિતને હતો, કેવી એ
મનોરમ ઘડી ઉમંગભર ટ્હેલવાની હતી–
કરોકર મિલાવી અંતર ઉકેલવાની, તહીં
પસંદ કર્યું તે થઈ શબ અમારી કાંધે ચડી,
જવાનું જલઘાટ અગ્નિશરણે. ન જાણું કશે?
પસંદ કર્યું? કે અનિચ્છિત મળ્યું તને મૃત્યુ એ? ૧૦
અમારી સહ તે હુલાસ ભરી ભેટતો તું હતો,
અને કંઈક સ્વપ્ન સેવી રમતો તું આ જીવને,
છતાં ઉરગુહા વિષે કશીક ગુપ્ત ધારી ઘૃણા
રહ્યો તું, ઝડપી લઈ તક, ગયો શું ઠેકી બધું?
ગયું ઝડપી મૃત્યુ વા, તવ મને ચણ્યાં કોટડાં
મહીં ન કંઈ પેખી માલ, નિજ એક ફૂંકે અહા
ધરાશયિત દુર્ગ આ તવ કર્યો અને પ્રેષીને
ક્યહીં અવર ભોમમાં તુજ નિવાસ યોજ્યો નવો?
સવાલ પર હા સવાલ! જલવ્હેણમાં વીચિ શા,
ન અર્થ, નહિ સાર, કેવળ તરંગ આ ચિત્તના? ૨૦
અહો, દરદની દવા જગતને જડી ના હજી,
વિચારી મન વાળવાનું બસ આટલેથી જ શું?
વિલાપી ઉર ઠારવાનું સ્મરણોની રાખોડીમાં?
તને – નહિ, ભુલ્યો, શરીર તુજનું સમર્પી તહીં
કઠોર કટુ કાષ્ટ અંક અનલોની જ્વાળા વિષે,
પખાળી નિજ દેહ શીત સરિતાની આછી છબે,
જવું ઘર ભણી વળી, મન પરોવવું ચાકડે
સદાની ઘટમાળના, ધન તણી, ધનાશા તણી,
સુમિત્ર તણી, દેહની, તરસ-ભૂખની તૃપ્તિમાં,
અને જલથી ઊછળી ઘડીક બ્હાર સ્હેલી જતી ૩૦
અમારી મન-માછલીની કવિતા-કલા-સેવના-
તણા ક્ષણિક ક્રીડને શું બસ આટલી જિંદગી?
અહો સુહૃદ! એક બાજુ તન ભસ્મ હ્યાં ઊડતી,
અને અવર બાજુ કંકર ઉડાડતા કાજના,
શ્વસી ભમી અહીં રહ્યા સહુ ય–આટલા અર્થ શું,
તને હું ચહું જીવવા? નહિ નહીં, ઘડી તો દિસે
કર્યું ઉચિત કર્મ તેં–અધિક અર્થ જો લાધવો
ત્યહીં જવનિકા પુંઠે અમ અદીઠ નેત્રોથી કો!
‘અરે અવરભૂમિ! કોણ બકવાદ એવા કરે?’
ફડાક કરતો તું કુર્સીનું તજી વામ ઊંચે કુદે, ૪૦
અને તવ બિરાદરો કંઈ કઠોર કોલાહલે
ગજાવી ગગનો મુકેઃ ‘શબદ કેરી જંજાળ શી!
અકર્મરત ચિત્તની વિકૃત ઝંખના-જાળ શી!’
સદાની તકરાર એ અમ વિષે રહી. શાંત તું,
હવે નહિ ઉચારવા વચન વાદનાં તું અહીં,
ન છેડું ત્યહીં વૈખરી. તવ નિરુત્તરી મૌનને
ઘટે નહિ જ ખંડવું. હૃદયના-નહિ, એથી યે
નિગૂઢ અનુભૂતિના અગમ કોક ઓવાર પે
નિવેડી લઈશું જ એ અકળની કળા. કિંતુ રે
મને લઘુ સવાલ થાય : યદિ જિંદગી-વ્હેણ આ ૫૦
બનેલ અણુકોશની સતત કોક રાસાયણી
ક્રિયાથી : ઉર-ઊર્મિ, ચિંતન, કલા, મહા ભાવના,
પ્રચણ્ડ જનસંઘના પ્રબળ ઉગ્ર આંદોલનો–
બધું અણુ તણી જ કેવલ બનેલ લીલા સ્ફુરે,
બઢે, વિકસતી રહે વિલસતી અને અંતમાં
જતું વિરમી એ બધું અણુની સંગ – એથી કંઈ
હતું ન પુરવે, હશે નહિ પછી, જડા પૃથ્વીના
કણો સ્ફુરિત થાય, બુદ્બુદ યથા સમુદ્રે, અને
નવા નિત નવા બને, ગત સદા ગતો થૈ રહે!
ભલે ! પણ સવાલ થાય : ઘટમાળ આ મધ્યની ૬૦
થતી વિલય સર્વથા ? ન અવશિષ્ટ ઉચ્છિષ્ટ વા
રહે કંઈ જ મધ્યની સભર રંગલીલા તણું?
અરે તવ જડાણુઓ થકી રચાયેલો પુદ્ગલ
કશાં મુદ તણાં, સુધા-ઋત તણાં, કરી શક્તિનાં
મચ્યો સતત સોણલે, કશી અદમ્ય એ ઝંખના,
કશું તરલ તીવ્ર એ સ્ફુરણ દીપ્ત ચૈતન્યનું,
મહા રણકતી સુરાગ ઘનઘોષ ઘંટા સમું,
પ્રતીતિ સઘળી જ એ જડથી ભિન્ન કો તત્ત્વની
બધી ય ગઈ લુપ્ત થૈ, બસ ઘડી જ આ બે મહીં?
ક્ષણો અણગણી, દિનો અણગણ્યા, વસંતો તણાં ૭૦
પ્રભાત, શરદોની કૈંક રજનીની વેદી પરે
અસંખ્ય ગણના અતીત પળના મહા પુંજમાં
કણેકણ કરી વિકાસ ગ્રહનાર, સંસ્કારનો
મહા નિચય સાધનાર, જગવ્યાપતી ઝંખના-
તણો અનલ ધારનાર, નભ આંબતી શક્તિનો
મહા અનિલ પ્રેરનાર તવ ચૈત્યનો રાશિ શું
થતાં વિલય આ સમુચ્ચય અણુ તણો મટ્યો?
ખરે, અણુની માત્ર સ્થૂલ ઘટનાની સાથે જ શું
રહ્યું છ સઘળું જડાઈ? જડથી નર્યું ભિન્ન જે,
પ્રચેતસભર્યું પ્રફુલ્લ તવ સ્પષ્ટ વ્યક્તિત્વ, તે ૮૦
થતાં અણુ વિશીર્ણ હા થયું જ શીર્ણ શું સર્વથા?
‘નહીં, નહિ વિશીર્ણ થાય.’ શ્રવણે પડે સાદ કો–
વદે તું ત્યહીં મૃત્યુપીઠ પર સાધી આરોહણ?
વદે અવર કોઈ મૃત્યુ-કરથી અમી આચમી?
ભલે કુસુમ વૃક્ષ-ડાળ વિકસે, રસો તેહના
પરાગ ખિલવે નવા, રસ વસેલ જે મૂળમાં
ન તેહ રસ પુષ્પમાં, અવર રૂપ તે જે લિયે,
કરામત અનન્ય કોઈ તહીં,– ભિન્નતા જે રચે,
રચે નવ વિકાસ; સૂર્ય તણી ઝીલી ઉષ્મા, શ્વસી
અનેક મરુતો, ધરાતલની મિટ્ટી ભક્ષી, જલો ૯૦
નભેથી ઝરતાં, વહંત તલગર્ભમાં વા ચુમી,
કશીક નવલી વિસૃષ્ટિ બનતી; બધું વૃક્ષમાં
દિસે વિકસતું, અરે પણ પરાગ એ પુષ્પનો
પરાગ રહી જાય જો ભ્રમર કો ન આવે તહીં;
ફળે કુસુમ, તે કળા ભ્રમરસ્પર્શની માત્ર ને?
તમામ જગપુષ્પ વૃક્ષ પર હો ખિલેલાં ભલે,
પરંતુ અલિ કો અગમ્ય ચડી પુષ્પકે આવીને
ફલદ્રુપ કરે પરાગ–ઉરને સુસંયોજતો.
પરાગ-કણ અન્ય સંગ; વિરચે સદા નીડ હ્યાં
સુદૂર તણું પંખી કો કંઈ તૃણોની સૃષ્ટિ થકી, ૧૦૦
વસે, ટહુકી જાય, અંડ ધરી જાય. એ પંખીડું–
પરાગ રસનો પિપાસુ ભમરો, જુદો પુષ્પથી
સદા ય, નિજ રંગથી જગતને રહે રંગતો,
અનોખી નિજ ગુંજનાથી વન-કર્ણ ગુંજારતો,
ભમે ગગન-ગુંબજે, અણુની માત્ર લીલા ન એ.
વિરાટ જનનીની એ અણુ સહેની સંયોગિતા...
દિમાગ ચકરાય, થાય મતિ મૂર્છિતા, થાય કે
હું યે તવ સહે કરું શયન અગ્નિના અંકમાં,
વિલોપું ઘટમાળનાં વમળ ઘોરની વેદના.
અરે, પણ કદી ય એમ બનતો શું સંવાદ કો? ૧૧૦
અનાદિ યુગથી અગણ્ય જન અગ્નિ-અંકે શમ્યા,
છતાં નહિ સજીવ ચિત્ત પર અંક એકે પડ્યો
વદંત યમરાજની અકળ પલ્લવીની કળા.
અહો નહિ શું અગ્નિ કો અમ સજીવને જે ગ્રહે,
દહે અમ અનાથતા, અસહ મૂઢતા, દેહને
રસે દ્યુતિલ ઓજસે, અમરતાની કો અર્ચિષે
પ્રદીપ્ત કરી જાય જીવન તણી તમિસ્રાવલિ,
અને વિરચી જાય આ અમ ભભૂકતી આગનો
વિરામ નિજ માતૃગર્ભ સમી પ્રાણદા આંચમાં? ૧૨૦
૧૯૪૪