યાત્રા/કસ્તૂરબા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કસ્તુરબા

ગાંધી તણા તપ્ત તપોવને તમે
ઇચ્છ્યાં અનિચ્છ્યાં તપ કૈં તપ્યાં ને,
તપસ્વીને એ લપસી જતાને
જગાવતાં જીવનને જપી રહ્યાં.

શ્રદ્ધા હતી ઈશ વિષે ભરી ભરી,
વિશુદ્ધિની ઉગ્ર હતી ઉપાસના,
ને કાયની છાંય સમી બની જઈ
જવા હતી તત્પરતા પતિ પથે.

ગૃહસ્થનો આશ્રમ ઊજળો કર્યો,
ને ભેખ લેતા જનસેવનાના
પતિ પુંઠે નિષ્કિંચનતા વરી લઈ
સફેદ વસ્ત્રે ભગવો ય સંઘર્યો.

બાપુએ ‘બા’ કહી બોધ્યાં, તેથી ‘બા’ સહુનાં બન્યાં,
રડતાં કૈંકને મૂકી – બા, બા, – કાં અહીંથી પળ્યાં?

જગતની ઘટમાળ સદા ફરે,
જલ ઘટે ભરઢોળ થયા કરે,
પણ અરે ઘટ કોક વિષે ખરે
તમ સમાં જલ મિષ્ટ પ્રભુ ભરે.

ઘડૂલો હરિનો એવો ધરતીકણથી ઘડ્યો,
પાણીડાં સૃષ્ટિને પાઈ હરિધામે ભલે ચડ્યો.


માર્ચ, ૧૯૪૪