યાત્રા/ગઈ ભલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગઈ ભલે

સરોવર તટે તદા અજબ સાન્ધ્ય રંગો તણી
કમાનશિખરે ચઢ્યાં નયન આપણાં જોડમાં,
અને ઉચરિયાં ‘અહા!’ ઉભય સાથમાં આપણેઃ
સ્રવી સરખી કાં ગિરા ભટકતાં અજાણ્યાં તણી?

અને ઘડિક એકમેક નિરખી રહ્યાં આપણે,
હઠાવી દૃગ લિધાં, હું દૃગ ઢાળી ચિંતી રહ્યો :
‘અહો, ઉજવી સાથમાં ક્ષણિક સાંજ તેવી જ જો
ઉજાવી શકીએ કદી ઉભય જિન્દગીસાંજ, તો—’

વળ્યાં કદમ તાહરાં, કદમ માહરાં યે વળ્યાં,
અને હૃદયની નિશીથ મહીં શોચતો પ્રાર્થું હુંઃ
ગઈ! ગઈ ભલે, અને સકળ સાર જીવ્યા તણો
લઈ જ ગઈ સાથ, તો ય કરતી જજે આટલું :

મુક્યું મિલનનું ભલે સ્મરણ ના, જજે મૂકી તો
ચિરંતન વિદાયના સ્મરણહીન ઝંકાર કો.

એપ્રિલ, ૧૯૩૫