zoom in zoom out toggle zoom 

< યાત્રા

યાત્રા/ગા ગા તું!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગા ગા તું!

ગા ગા તું મુરલિયા મત્ત બની,
ગા ગા તું અનાહત મંત્ર બની.

કેવી રાત હતી એ પૂનંમ તણી
કેવી કુંજ હતી એ કદંબ તણી,
કેવી પ્રીત ત્યારે પ્રગટી નમણી.
ગા ગા તું મુરલિયા મત્ત બનીo

કેવાં કોમળ કૃષ્ણનાં નેણ હતાં,
કેવાં આતુર રાધાનાં વેણ હતાં,
ગા ગા તું મુરલિયા મત્ત બનીo

કેવાં અંતરનાં તલ ત્યાં ઊઘડ્યાં,
કેવાં ચોઘડિયાં શુભ ત્યાં ગગડ્યાં,
કેવાં ગ્રંથન સર્વ સરી ત્યાં પડ્યાં.
ગા ગા તું મુરલિયા મત્ત બનીo

પછી અધર ગયા અધરો શું ભળી,
એક હૈયાની પ્રીત બીજામાં ઢળી,
ગા ગા તું મુરલિયા મત્ત બનીo

પછી ચંદ્રના ચરણ ગયા અટકી,
સારી સૃષ્ટિ થૈ ગોરસની મટકી,
લીલા એમ લસી મારા નટવરકી.
ગા ગા તું મુરલિયા મત્ત બનીo


૨૩ ઑક્ટોબર, ૧૯૪૪