યાત્રા/તને જોવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તને જોવી

તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી,
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી,
અદીઠા અબ્ધિનાં જલ નિવહતી, શી અમ પરે
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે!

તને જોવી જોવી : અચલ ચલ આંખોની પલકે,
ઉઠંતા અદ્રિ શા હૃદયજલની મત્ત છલકે,
ધસી જાવું તારા પ્રતિ, શિશુ-ઝરાના કલરવે,
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે.

તને જોવી જોવી : સ્ફુટિત કરવી કોમલ કુંળી
અમારી ઈપ્સાની જ્વલિત કરવી તેજસ-કળી,
સ્ખલંતા પાયોમાં નવલ બલ આધાન કરવું,
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું.

તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું,
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું.

એપ્રિલ, ૧૯૪૩