યાત્રા/તને વંદુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તને વંદુ

તને વંદું જ્યોતિ, જ્વલત હરિની શીતલ સુધા
સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણની સૃષ્ટિ રચવા
મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા,
અહો, ત્વત્ - પ્રાકટ્યે સુકૃત થઈ આ દીન વસુધા.

તને વંદું દિવ્યા ચરમ ચિતિ હે દિવ્યતમની!
મહદ્ દુર્ધર્ષા દુર્ઘટ-ઘટનામાં કૌશલ કશાં
કરાગ્રે તારે હા, કમલ દૃગજ્યોતેથી વિકસ્યાં
કશાં, ત્વત્ - સાંનિધ્યે મન મુકુલતાં ઊર્જિત બની.

તને વંદું જેણે મનુજમનનાં સ્વપ્ન સઘળાં
કર્યાં પોતાનાં ને પ્રભુહૃદયની ગૂઢ સ્ફુરણા
ધરી હૈયે, બેનો વિરચી ગરવો યોગ, કરુણા-
ભર્યાં ભર્ગે કેવાં ભવન કરિયાં વજ્રિલ ખડાં!

વજ્રને ધામ એ તારે દ્વારો માણિક્યમોતીનાં,
રાજતાં નેત્ર ત્યાં તારાં આમંત્રે કરુણાભીનાં.


માર્ચ, ૧૯૪૫