યાત્રા/તવ સંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તવ સંગ

પ્રભો! તવ કર ગ્રહું, શિશુ યથા પિતાનો ગ્રહે,
ગ્રહી વિચરું વિશ્વના અખિલ ભવ્ય મેળામહીં,
તવોન્નત ઉદાર દૃષ્ટિ તણી દોર આલંબીને
નિહાળું તવ સંગ રંગરમતોની લીલા બધી.

પ્રભાત મધુરાં સુવર્ણી, કુસુમોની શી સૌરભો,
મહાન મધ્યાહ્નના પ્રખર તેજના ઉત્સવો,
પ્રચંડ જગવ્હેણના તરલ રમ્ય કૈં બુદ્‌બુદો,
અખંડ વણઝાર વિશ્વ તણી રત્નપોઠો લહું.

ઢળે દિવસ, શાંત કોમળ છવાય સંધ્યા અને
પિતા! હું તવ સંગ ઉન્નત હિમાદ્રિશૃંગે ગ્રહુ
વિરામ, તવ ઊર્ધ્વ આસનની પાસ આસીન હું
બની, ચરણ તાહરે હું તવ ધ્યાનભાગી બનું.

અનંત તવ વિસ્તરે ફલક વિશ્વનો સંમુખે,
અને તું નિજ દે પ્રભુત્વ તણી શીખ તારે મુખે.


માર્ચ , ૧૯૪૮