યાત્રા/મધુર નર્મદા તીરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મધુર નર્મદા તીરે

આ મધુર નર્મદા નીરે,
હે આવ સુહૃદ, તું ધીરે.
આ રમ્ય સરિત વહી જાય,
ગભીરી ગહન સરિત વહી જાય,
પૃથ્વીનું હૃદય ભરી વહી જાય,
આપણે મંન ભરી આ મૈયા ચરણે
રમીએ રમણીય તીરે. આ મધુરo

આ ઘાટ ઘાટ પર ભૂતકાળને
સૂતેલો જઈ જોશું,
આ તીર્થ તીર્થમાં ભક્તચરણની
ભક્તિમાં મન પ્રોશું;
          ને નયન ભરી બે કાંઠા ભરતી
કુદરત તણા સમીરે,
હો રમશું રમણીય તીરે. આ મધુરo

હો આવ સહૃદ, આ નિર્મળ જળમાં
સામે પાર તરીશું,
હે ચાલ સુહૃદ, આ લઈ હલેસાં
સાગર મેર સરીશું,
ને હૃદય ભરી આ જીવન ભરતી
માના પ્રેમલ ચીરે,
હો રમશું રમણીય તીરે. આ મધુરo


૧૨ સપ્ટેમ્બર, ૧૯૪૭