યાત્રા/સો મેરા હથિયાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સો મેરા હથિયાર

         અજાયબ સો મેરા હથિયાર,
         નહિ સો બંદૂક, નહિ તલવાર.

નહિ ઉગામવું, નહીં વીંઝવું, નહિ ફેંક્યાનું કામ,
વણ દારૂ, વણ જામગરી, એના અણધાર્યાં અંજામ.
                   અજાયબ સો મેરા હથિયાર.

આંખ મીંચું ત્યાં ચડે ગગન ને પળ પૂગે પાતાળ,
મનવેગે વહેતું એ વીંધે ચૌદ ચૌદ બ્રહ્માંડ,
                   અજાયબ સો મેરા હથિયાર.

પરમાણુનું પરમ અણુ એ, વિરાટનું વૈરાટ,
મંત્ર તંત્ર ને જંત્ર આવી સૌ બેઠાં એને ઘાટ.
                   અજાયબ સો મેરા હથિયાર.

પરમ ગુરુએ મને દીધું પલકમાં, ગગન ગગન ટંકાર,
હરિદરશનનું એહ સુદર્શન એના પરમ પરમ જેકાર.
                   અજાયબ સો મેરા હથિયાર.


૧૬ સપ્ટેમ્બર, ૧૯૪૫