યુગવંદના/જાવાને –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જાવાને –

અણનોંધ્યા કો અતીતના ભળભાંખડામાં
તું અને હું બે મળ્યાં હતાં –
મારી વાણી ત્યારે તારી વાણીમાં
ને મારો પ્રાણ તારા પ્રાણમાં
વૃક્ષ-વેલી-શાં વીંટળાઈ ગયાં’તાં.
તારી હાકલને હૈયામાં વહેતો પૂર્વનો પવન
આકાશવાયુના ગાયેબી પંથે થઈને
તાલ-વનને વીંઝણે લહેરાતા મારા
ઉદયોજ્જ્વલ સાગર-તીરે એકદા આવ્યો હતો
ગંગાનાં પુણ્ય-સલિલે પ્રક્ષાલાતાં
મારાં મંદિરોના શંખનાદની સાથે
તારો એ સાદ ભળી ગયો હતો.
દેવાધિદેવ વિષ્ણુ અને દશભુજાળી ઉમૈયા,
તે દિને બોલ્યાં’તાં મારા કાનમાં,
કે ‘નૌકા સજ્જ કર તારી,
‘અને ભરી જા આપણા પૂજન-પ્રકારોને
‘અજાણ્યા ઉદધિને સામે પાર.’


ગંગાએ પ્રતાપી પ્રવાહમુદ્રાથી
પૂર્વસિંધુ પ્રતિ આંગળી ચીંધી હતી.
દિવ્યલોક થકી બે મહાસ્વરો બોલી ઊઠ્યા’તા –
એક હતો રામની વેદના-કીર્તિનો વૈતાલિક,
ને બીજો હતો અર્જુનના વિજય-ભુજનો બિરદાવણહાર:
બોલી ઊઠ્યા બન્ને કે વહી જા વારિધિની તરંગાવલી પર,
પૂર્વના દ્વીપાંગણે, અમારી મહાગાથાઓ.
અને મારા રાષ્ટ્રનું હૃદય-વિહંગમ
મારે કાને મર્મરી ઊઠ્યું’તું
કે ‘સુદૂરની એ સ્વપ્નભૂમિમાં
‘પ્રેમનો માળો બાંધવાની મને ધારણા છે, પંથી!’


વહાણું વાયું: સુનીલ જલ પર નૌકા નાચી રહી.
અનુકૂલ વાવડાનાં સુસ્વાગતે શ્વેત સઢ ફૂલી રહ્યા,
તારા તીરને એણે ચુંબન દીધું; તારા ગગન સોંસરી
પુલક ચાલી.
અને તારી વનદેવીના વક્ષ:સ્થલ પર
લીલો ઓઢણી-અંચલ લહેરાવા લાગ્યો.
રાત્રિની છાયા ઢળી,
જગત-અંધારનો પ્રહર ઊતર્યો,
ત્યારે આપણું મિલન થયું
સપ્તર્ષિની શુભાશિષોએ
પ્રશાંત સંધ્યાનાં હૃદય-તલ સ્પર્શ્યાં’તાં.
રાત્રિ વીતી; ને ઉષાએ કનક-કુંભ ઢોળ્યા
આપણા મિલન-પંથ પર.
આપણા બે સહયાત્રી પ્રાણ
વિરાટ સંકલ્પોની મેદની વચ્ચે થઈને
યુગયુગોને વટાવતા ચાલી નીકળ્યા.


સમય વીરમ્યો; રાત્રિના અંધાર-પટ ઢળ્યા;
ને આપણે પરસ્પરની ઓળખાણ ભૂલ્યા;
કાળનાં રથ-ચક્રે ઉરાડેલ રજ-ડમ્મરમાં
આપણું સિંહાસન દટાઈ ગયું.
વિસ્મૃતિનાં ઓટ-જળમાં ઘસડાઈને હું પછી
મારે એકલ કિનારે પાછો વળ્યો –
રિક્ત હસ્તે અને ઘેનઘેરી આંખડીએ
મારા ઘર સામેનો સમુદ્ર
પોતે નિરખેલ એ મિલન-રહસ્યની
ગોઠડી કરતો ચૂપ બન્યો.
ને ચિર મુખરિત સખી ગંગાએ પણ
પોતાના એ અપર-પારના સુદીર્ઘ રહસ-પથના
પ્રયાણ વિષે જળ-જબાન સીવી લીધી.


આજે ફરી એક વાર
એ વાચાહીન શતાબ્દીઓની વચ્ચે થઈને
તારો સાદ સંભળાય છે.
પુન: તારી પાસે આવું છું;
તારાં નયનોમાં નિહાળું છું,
ને દેખાય છે જાણે
તારી નિકુંજે થયેલા આપણા
પ્રથમ મિલનની વિસ્મય-પ્રભા
ને દેખાય છે જાણે
ત્યાર વેળાની કોલની એ સુખ-સમાધિ, જ્યારે આપણે
એકબીજાંને કાંડે મૈત્રીની કનક-રાખડીઓ બાંધેલી.
એ અતીતનું મૈત્રી-ચિહ્ન
રંગો એના ઉપટ્યા છ તોયે
તારે જમણે કાંડેથી સરી નથી ગયું હજુ
અને પુરાતન આપણો યાત્રાપંથ,
આજેય તારા શબ્દાવશેષોએ ગુંજરિત છે.
ભાંગ્યા-તૂટ્યા એ તવ બોલને, સગડે સગડે
તારા જીવનના ગોપન-ભવનનો માર્ગ
ફરીવાર મને સૂઝતો આવે છે –
એ વિસરાયલી મિલન-સંધ્યાનો આપણે સંગાથે
પેટાવેલો દીપક હજુ યે ત્યાં જલતો ભાળું છું.
મેં જેમ તને સંભારી કાઢી
તુંયે તેમ સંભારી જો મને,
અને પિછાની લે હું-માં
એ જ ગૂમ થયેલો પુરાતન,
પુનર્મિલનને માટે,
નવલો કરવાને કાજે.
૧૯૪૪