યુગવંદના/ઝંડાવંદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઝંડાવંદન

તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં –
ઝંડા! અજર અમર રે’જે:
વધ વધ આકાશે જાજે.
તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;
તારે ભાલ નથી આલેખ્યાં સમશિર-ખંજર-છૂરી –
ઝંડા! દીન કબૂતર-શો
ઉરે તુજ રેંટીડો રમતો.
જગ આખા પર આણ ગજવતી ત્રિશૂલવતી જળરાણી;
મહારાજ્યોના મદ પ્રબોધતી નથી તુજ ગર્વનિશાની –
ઝંડા! ગભરુ સંતોષી
વસે તુજ હૈયામાં ડોશી.
નહિ કિનખાબ-મુખમ્મલ-મશરૂ કેરી તારી પતાકા;
નહિ જરિયાની હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા –
ઝંડા! ભૂખરવો તોયે,
દિલો કોટિ તુજ પર મોહે!
પરભક્ષી ભૂતળ-નૌદળના નથી તુજ ધ્વજફફડાટા;
વનરમતાં નિર્બલ મૃગલાં પર નથી નથી શેરહુંકાટા –
ઝંડા! ઊડજે લહેરાતો:
વ્હાલના વીંઝણલા વાતો.
સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે;
ખંડખંડની આશિષછોળો ઉદધિતરંગો છાંટે –
ઝંડા! થાકેલા જગનો
દીસે છે તું આશાદીવડો.
નીલ ગગનથી હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતો:
પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો –
ઝંડા! કરજે જગતેડાં:
પ્રજા સઘળીના અહીં મેળા.
નીલ ગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી;
અરુણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી –
ઝંડા! શશી-દેવે સીંચી,
ત્રિલોચન! ધવલ આંખ ત્રીજી.
એ ત્રણ આંખ ભરી તેં દીઠાં તુજ ગૌરવ-રખવાળાં;
શ્રીફળના ગોટા સમ ફૂટ્યાં ફટફટ શીશ સુંવાળાં –
ઝંડા! સાહિદ રહેજે, હો!
અમારા મૂંગા ભોગ તણો.
કુમળાં બાળ, કિશોર, બુઝર્ગો – સહુ તુજ કાજે ધાયાં,
નર-નારી નિર્ધન-ધનવંતો – એ સબ ભેદ ભુલાયા;
ઝંડા! સાહિદ રહેજે, હો!
રુધિરનાં બિન્દુ બિન્દુ તણો.
કો માતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો;
કપાળનાં કંકુડાં હારી તેને પણ બળ દેતો –
ઝંડા! સાહિદ રહેજે, હો!
હજારો છાનાં સ્વાર્પણનો.
તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં;
તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ-તરસ વીસરિયાં –
ઝંડા! કામણ શાં કરિયાં!
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં.
આજ સુધી અમ અવળી ભક્તિ: જૂઠા ધ્વજ પર ધાયાં;
રક્તપિપાસુ રાજકુલોના નેજા કાજ કપાયાં –
ઝંડા! નિમકહલાલીનું
હતું એ કૂડ-બિરદ જૂનું.
પંથ પંથ ને દેવ દેવની પૂજી ધજા નિરાળી;
એ પૂજન પર શીશ કપાવ્યાં: હાય! કથા એ કાળી –
ઝંડા! વીત્યા યુગ એવા,
સકલ વંદનનો તું દેવા.
તું સાચું અમ કલ્પતરુવર: મુક્તિફળ તુજ ડાળે;
તારી શીત સુગંધ નથી કો માનસ-સરની પાળે –
ઝંડા! જુગ જુગ પાંગરજે;
સુગંધી ભૂતલ પર ભરજે!
રાષ્ટ્ર-દેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરુકે;
સબ ધર્મોના એ રક્ષકને સંતનૃપાલો ઝૂકે –
ઝંડા! આજ ન જે નમશે,
કાલ તુજ ધૂલિ શિર ધરશે!
આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે, ઉમંગી!
સાવધ રહેજે, પહેરો દેજે, અમે ન રહીએ ઊંઘી –
ઝંડા! સ્વરાજના સંત્રી!
રહો તુજ ઝાલર રણઝણતી!
૧૯૩૧