યુગવંદના/પરાજિતનું ગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરાજિતનું ગાન

પરાજિતનું ગાન
ગા, મન, પરાજિતનું ગાન –
એકલ પરાજિતનું ગાન.
પરાજિત સેનાપતિનાં
પંથ ને મેદાન સૂનાં!
શમ્યાં છે સન્માન જૂનાં!
વિજન પુરની ગલીગલીએ
તોય ગાજે ગાન –
ઓ મન, પરાજિતનું ગાન!
પરાજિત પાછો વળે સજવાં નવાં આયુધ;
જનેતાને સ્તનેથી પીવા અભયનાં દૂધ:
કોણ સૂતા, કોણ જાગે?
કોણ જખમી દવા માગે?
– પૂછતો પ્રેમાળ રાગે ભમે છે મહેમાન:
ગા, મન, પરાજિતનું ગાન!
પરાજિતનો ચાંદલો કંકુ તણો:
પરાજિતનાં છત્ર-ચામર-વીંઝણો:
પરાજિતના લખોમુખ યોદ્ધાગણો
સહુ વિરમ્યાં: એક નવ વિરમો
કવિજન-ગાન!
ગા, મન, પરાજિતનું ગાન –
એકલ પરાજિતનું ગાન.
૧૯૩૪