યુગવંદના/ફૂલમાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ફૂલમાળ

[ઢાળ: ‘તોળી રાણી! તમે રે ચંપો ને અમે કેળ્ય’]
વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,
રોપાણાં ત્રણ રૂખડાં* હો...જી;
વીરા! એની ડાળિયું અડી આસમાન:
મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી.
વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીર:
ઇંધણ તોય ઓછાં પડ્યાં* હો...જી;
વીરા મારા! સતલજ નદીને તીર,
પિંજર પૂરાં નો બળ્યાં હો...જી.
વીરા! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો...જી;
વીરા! તારી નહિ રે જંપે પ્રાણઝાળ:
ઠારેલી ભલે ટાઢિયું હો...જી.
વીરા! તારા પંથડા વિજન ને અઘોર:
ઓરાણો તું તો આગમાં હો...જી;
વીરા! તારાં વસમાં જિગરનાં જોર:
લાડકડા! ખમા ખમા હો...જી.
વીરા! તારે મુખડલે માતાજી કેરાં દૂધ,
ધાવેલાં હજી ફોરતાં હો...જી;
વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.
વીરા! તારા ગગને ઊછળતા ઉલ્લાસ,
દુનિયાથી દૂરે દોડવા હો...જી;
વીરા! તારે અચળ હતા વિશ્વાસ,
જનમીને ફરી આવવા હો...જી.
વીરા! તારે નો’તા રે દોખી* ને નો’તા દાવ*
તરસ્યોયે નો’તો રક્તનો હો...જી.
વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ,
માભૂમિ કેરા ભક્તનો હો...જી.
વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ:
પે’રીને પળ્યો પોંખણે હો...જી;
વીરા! તારું વદન હસે ઊજમાળ,
સ્વાધીનતાને તોરણે હો...જી.
૧૯૩૧