યુરોપ-અનુભવ/યુરોપયાત્રાની પૂર્વસંધ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યુરોપયાત્રાની પૂર્વસંધ્યા

યુરોપ જવા અમદાવાદ છોડીએ એટલે યુરોપયાત્રા તો શરૂ થઈ ગઈ ગણાય. વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. ભારતીય આકાશમાં ચંદ્રોદય જોતાં એ વિચાર આવ્યો કે હવે પછી યુરોપના આકાશમાં ચંદ્ર જોઈશું, તારા જોઈશું, સૂર્ય જોઈશું. પણ ભારતીય આકાશ કે યુરોપીય આકાશ એ તો આપણાં માનસિક વિભાજનો સિવાય બીજું છે શું? આકાશ આકાશ છે, ચંદ્ર ચંદ્ર છે. પણ આજના આ ચંદ્રને ગૌતમ બુદ્ધનો સ્પર્શ છે એમ લાગ્યું.

નીકળવાના દિવસે મારા આ ધૂળિયા નગરને અતિ પ્રેમથી જોયું. અમદાવાદ ગમે તેવું હોય તોય મને ગમે છે. યુરોપ જઈ આવેલા મિત્રો કહે છે : ત્યાં જઈ આવશો પછી ભારત નહિ ગમે. અમદાવાદ ના ગમે એવું કેવી રીતે બને? કદાચ એવું પણ બને કે વિદેશ જઈ આવ્યા પછી મને મારો દેશ એની સમગ્ર મર્યાદાઓ સાથે વધારે ગમે. મારા દેશને કદાચ વધારે નિકટથી જાણું – એનાથી દૂર જઈને.

એવું માત્ર નગર કે દેશના સંદર્ભમાં નથી, સ્વજનોના સંદર્ભમાં પણ છે. સ્વજનોની વચ્ચે રહી એમને જેટલા ન જાણીએ એટલા એમનાથી દૂર જતાં જાણીએ. દૂર જવાનું તો ઘણી વાર બને છે, પણ આ વખતે તો રૂઢ પરિભાષામાં કહીએ તો સાત સમુદ્ર પાર જવાનું હતું, એટલે કદાચ એ અનુભવ જુદી અભિજ્ઞતા લાવે. આખા ઘરને જાણે વિદેશ જવાનું હોય તેમ યાત્રાની તૈયારીમાં બધાં જોડાઈ ગયાં હતાં. હજી તો ગઈ કાલ સુધી બેલ્જિયમમાં પ્રવેશ અંગે ચિંતા હતી, એથી વધારે ચિંતા જર્મનીમાં દાખલ થવાની હતી. વિસા આવી ગયા હતા, પણ જર્મનીમાં પ્રવેશ પમી જૂન પછીનો હતો અને અમારી પ્રવાસયોજનામાં તો અમારે જર્મનીની સરહદ ૨૪મી મેના રોજ ઓળંગી કોપનહેગન જવાનું હતું. જર્મન પોલીસ આ બાબતમાં ઘણી કડક હોય છે એવું વારંવાર સાંભળવા મળ્યું હતું આ દિવસોમાં.

બેલ્જિયમ, નેધરલૅન્ડ, લક્ઝમબર્ગ – આ ત્રણે દેશના વિસા એકસાથે મળે છે. જેને બેનેલક્સ વિસા કહે છે. એકમાં પ્રવેશ હોય તો બીજામાં પ્રવેશ મળે. પણ અમને નેધરલૅન્ડના વિસા મળેલા અને તે માત્ર એક વાર પ્રવેશવા. અમારે તો જોઈતી હતી મલ્ટિપલ એન્ટ્રી. અમારે લંડન પહોંચી, ત્યાંથી બીજા જ દિવસે ડોવર બીચથી બોટ પકડી બેલ્જિયમના ઑસ્ટેન્ડ બંદરે ઊતરી ત્યાંથી બ્રસેલ્સ જવાનું હતું. પણ, આ વિસા હોય તો અમને બેલ્જિયમમાં કદાચ પ્રવેશ જ ન મળે. યાત્રાની તૈયારી વચ્ચે આ ચિંતા હતી. ત્યાં વિસા સુધરીને આવ્યા. અમને બેનેલક્સની મલ્ટિપલ એન્ટ્રી મળી અને જર્મનીમાં ૨૦મી મેથી પ્રવેશ કરી શકીએ એવી સુધારેલી એન્ટ્રી પણ મળી ત્યારે ચિંતા ટળી.

અમદાવાદથી નીકળતાં બીજી તૈયારી તો યુરોપની યાત્રા દરમ્યાન શું શું જોવું, કેવી રીતે જોવું એની નોંધ પણ તૈયાર કરી લેવાની હતી. ઘણા મિત્રો એવું માને છે કે, એકદમ કોરી ચેતના સાથે નવી ભૂમિનું દર્શન કરવા જવું જોઈએ. પહેલી વાર તાજમહેલ જોયો ત્યારે એવું થયું જ નહિ કે તાજમહેલ પહેલી વાર જોઉં છું. સભાન થવા છતાં ‘થ્રિલ’નો અનુભવ થાય જ નહિ એટલું બધું તાજમહેલ વિષે વાંચ્યું હતું, એની તસવીરો જોઈ હતી. યુરોપના કલાસંગ્રહો અદ્ભુત છે. ઘણાં પ્રસિદ્ધ ચિત્રોની તસવીરો જોઈ છે. શું એવું બને ખરું કે પૅરિસમાં લુવ્ર મ્યુઝિયમમાં મોનાલિસાની પ્રસિદ્ધ કલાકૃતિ પહેલી વાર જોતાં એની કોઈ થ્રિલ થાય જ નહિ! કદાચ બને. માત્ર એટલો સંતોષ લઈએ કે મૂળ કૃતિ જોઈ. તેમ છતાં અનેક દેશના કલાસંગ્રહો વિષે જાણકારી નોંધી, જેથી કોઈ ઉત્તમ કલાકૃતિ જોવાની રહી જાય નહિ.

યુરોપની યાત્રાએ જઈ આવેલ પ્રવાસીઓ કહે : ત્યાં ખાવાની બહુ અગવડ પડશે. મસાલામરચાં વિનાની ત્યાંની શાકાહારી વાનગીઓ મોંમાં નહિ જાય. ત્યાંનાં ચીઝ પણ જુદી જાતની ‘સ્મેલ’ ધરાવતાં હોય છે. બ્રેડ અનેક પ્રકારની, પણ સખત. પાણી પીવા માગો તો કદાચ મળે કે ન પણ મળે. આના ઉપાય તરીકે તો અહીંથી થોડું ભાથું બાંધી લેવું. આ અદ્યતન યુગમાં જૂના યુગના ‘પથિક’ બની પાથેય સાથે લઈ જવું – બીજી રીતે આધુનિક. આ બાબતમાં અમારો ઉત્સાહ એટલો બધો હતો કે થોડા દિવસો ચાલે એવી ખાદ્ય સામગ્રીથી અમારી પેટીઓ ભરાઈ ગઈ. એનું વજન અમને ચિંતા કરાવતું હતું. છૂંદા, મેથીના મસાલા વગેરે રાખવાનું તો અનેક ભુક્તભોગી યાત્રીઓએ કહ્યું, નહિતર મોઢામાં મોળછા આવી જાય. ‘ટ્રાવેલ લાઇટ’ની ફિલોસોફીમાં માનવા છતાં ‘હેવી’ બની ગયા. સામાન ગોઠવી ગોઠવીને ઓછા કરવાનો પ્રયત્ન કર્યો, પણ પરિગ્રહ છૂટે નહિ. ‘આ તો જોઈએ, આ વિના તો નહિ ચાલે.’ એમ કરીને બૅગ માંડ ઊંચકી શકાય એ રીતે સ્ફીતોદર બનાવી દીધી.

ખરી વાત તો એ હતી કે, અમારે તો યુરેઇલ મારફતે યાત્રા કરવાની હતી. એટલે દરેક યાત્રાના સ્થળે ઊતરી, જાતે જ નગરની પદયાત્રા કરવાની કે ત્યાંની ઓમ્નીબસો કે ટ્યુબ ટ્રેનોમાં ફરવાનું. એટલે વધારે વજનની આ બૅગો અમારે માટે અંતરાય બનશે એવી ચિંતા થઈ. કેટલીક વાર તો યાત્રાનાં સ્થળો જોયા કરતાં ખાવા-રહેવાના આયોજનમાં આપણાં મન-કર્મ લિપ્ત થઈ જાય. છેવટે એમ વિચાર્યું કે બૅગો તો સ્ટેશનો ઉપરના લૉકર્સમાં મૂકી, હૅન્ડબૅગ કે શોલ્ડરબૅગ લઈ પછી નીકળી પડવું. જોઈએ શું થાય છે?

લંડન ૨૨મી મેને દિવસે પહોંચીશું, પણ ૨૩મીએ જ લંડનથી નીકળી યુરોપમાં બેલ્જિયમથી પ્રવેશી જઈશું. આમ તો અમારી યાત્રાનો રૂટ આ પ્રમાણેનો છે. વારંવાર સમયપત્રક બનાવીને અને મિત્રોને એની વાત કરી કરીને એ મોઢે થઈ ગયો છે.. અમદાવાદથી મુંબઈ, મુંબઈથી ૨૨મીએ ૧-૩૦ વાગ્યે વહેલી સવારે એરઇન્ડિયા દ્વારા લંડન. ઘડિયાળનો ટાઇમ બદલાશે. પાછળ જશે. એટલે એ જ તારીખે ત્યાંના ૬-૩૦ વાગ્યે સવારે અમે લંડન પહોંચીશું. લંડનમાં શાંતિભાઈ વૈદ્ય લેવા આવશે. એ ઉપરાંત લેસ્ટર રહેતાં પ્રીતિબહેન પણ આવશે. લંડનથી ૨૩મીએ સવારે નીકળી, ડોવરના સાગરકાંઠેથી બોટ લઈ ઑસ્ટેન્ડ ઊતરી બેલ્જિયમના બ્રસેલ્સમાં. બ્રસેલ્સથી આમસ્ટરડામ, ત્યાંથી કોપનહેગન. કોપનહેગનથી બર્લિન, ફ્રાન્કફર્ટ, કૉલોન, મ્યુનિક, હાઇડેલબર્ગ, બ્લૅક ફૉરેસ્ટ અને રાઇનના વિસ્તારમાં ભ્રમણ. જર્મનીથી ઑસ્ટ્રિયાવિશેષે વિયેના. ત્યાંથી ઇટલીમાં – ફ્લૉરેન્સ, વેનિસ, પીસા, રોમ અને ત્યાંથી કૅપ્રી સુધી. ઍથેન્સ જવાનું વિચારેલું તો છે જ જોઈએ શું થાય છે! સૌથી વિશેષ એનું આકર્ષણ રહેલું છે, પણ ઇટલીથી સ્વિત્ઝર્લૅન્ડ. ત્યાંથી ફ્રાન્સ થઈને સ્પેન અને પછી ફરી ફ્રાન્સમાં પૅરિસ, પછી ફરી લંડન..

આજે તો મુંબઈ આવી ગયાં છીએ. ‘સી પૅલેસ’માં સાગરની સન્નિધિમાં બેસીને લખું છું. જુહુ તટે આવેલા આ નિવાસ ઉપરથી થોડી થોડી મિનિટોમાં વિમાનો પસાર થાય છે. એ વિમાનોનો અવાજ સાગરસંગીતમાં ભળી જાય છે. હમણાં જ, મુંબઈમાં કોટ વિસ્તારમાં ‘જન્મભૂમિ’ કાર્યાલયમાં કવિ હરીન્દ્ર અને સુરેશ દલાલ સાથે વાર્તાલાપ કરીને આવ્યો છું. સુરેશ દલાલ મને શુભેચ્છાઓ આપવા તાજ હોટલની ‘સી લાઉન્જ’માં લઈ ગયા. ત્યાંથી ‘ગેટ વે ઑફ ઇન્ડિયા’ જોતાં અંગ્રેજોના આગમન અને ગમનના ઐતિહાસિક પ્રસંગો યાદ આવ્યા. મુંબઈને પણ હું નવી નજરે જોતો હતો. ‘મુંબઈ જુઓ, પછી લંડનમાં નવું નહિ લાગે’ એમ કેટલાક મિત્રો કહેતા. અમારો અનુભવ કેવો હશે એ તો આવતી કાલે, આ સમયે લંડનમાં પહોંચ્યા પછી જ ખબર પડશે. જુહુનો સાગર ઊછળી રહ્યો છે. આવતી કાલે સમુદ્રોલ્લંઘન.