યુરોપ-અનુભવ/સાઉન્ડ ઑફ મ્યુઝિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાઉન્ડ ઑફ મ્યુઝિક

The hills fill my heart with the sound of music…

સવારમાં હિમેલ હોફની ઊંચાઈએથી દૂર સુધી વિસ્તરેલી વિયેના નગરીને જોઉં છું, પણ, નજર તો વારંવાર જાય છે આછા ધુમ્મસથી આચ્છાદિત પેલી ટેકરીઓ ભણી. બિથોવન હિલ્સ હું તો કહીશ. આ મહાન સંગીતકારને એ ટેકરીઓએ પ્રેરણા આપી હતી. હજારો વર્ષ સુધી જે ગીતો ગાયાં હતાં તે ગીતોના સંગીતની સુરાવલી લઈ આ ટેકરીઓ સ્તબ્ધતાથી પડી છે. આ કદાચ પશ્ચાદ્‌વર્તી પ્રક્ષેપ લાગે, પણ પ્રસિદ્ધ ફિલ્મ ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’માં આવતા પહેલા ગીતની આ પહેલી પંક્તિ એ ક્ષણોની અનુભૂતિની નિકટતમ અભિવ્યક્તિ છે.

અવશ્ય, આ ટેકરીઓ વિયેનાની નહિ, પણ કદાચ સાલ્ઝબર્ગની છે. ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નું લોકેશન સાલ્ઝબર્ગ છે, જે બિથોવન નહિ પણ એનાય ગુરુ મોત્ઝાર્ટની જન્મભૂમિ છે. અને આજે અમારે એ જ સાલ્ઝબર્ગ થઈને જવાનું છે. શું એ ટેકરીઓ જોવા મળશે જે આપણા હૃદયને સંગીતની સુરાવલીથી ભરી દે? જેમ ભર્યું હતું ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની નાયિકા મારિયા(જુલી ક્રિસ્ટોફર?)ના હૃદયને? કદાચ એ સંગીત એ ટેકરીઓમાં નહિ, મારિયાના મુક્ત ચંચલ હૃદયમાં હતું. ટેકરીઓ પર એ નાચતી ગાતી જાય છે :

‘My heart wants to beat

Like the wings of the bird.’

વિયેનાની આ ટેકરીઓ સ્તબ્ધ છે. એમની સમાંતર કેથિડ્રલનો ડોમ, એક મિલની ઊંચી ધૂમ્રસેર છોડતી ચીમની, એક ચર્ચના બે ઊંચા મિનારા અને કેટલીક ઊંચી ઇમારતો નગરની સ્કાયલાઇન રચે છે. આકાશમાં આછાં વાદળ છે, જે પ્રસિદ્ધ વિયેનાવુડ્જની શ્યામલતા સાથે સ્પર્ધામાં રહી શકે એમ નથી.

અમે તૈયાર થઈ ટેબલ પર ગોઠવાઈએ છીએ. શ્રીમતી બિયેટ્રીસ આવી ગયાં છે. અમારું અભિવાદન પ્રસન્નવદને કરતાં, ગઈ કાલે નહિ હોવા બદલ, ક્ષમાયાચના કરી અમારી આજની સાલ્ડઝબર્ગ-ઇન્સબ્રુકની યાત્રાનું આયોજન સમજાવી રહ્યાં છે. ભરપૂર નાસ્તો જમીએ છીએ. પણ એ સાથે આખો દિવસ ચાલે એટલું પાથેય – બિસ્કીટ, જ્યૂસ, ચૉકલેટ, સફરજન વગેરે થેલીઓમાં એમણે ભરી દીધું છે. રતિભાઈ અમને ટ્રેનની બારીમાંથી જોવાનાં સ્થળોની માહિતી આપી રહ્યા છે. બિયેટ્રીસ અમને સ્ટેશને મૂકી જાય છે.

અમને ખબર હતી કે, એક દિવસમાં સાલ્ઝબર્ગ અને ઇન્સબ્રુક કંઈ જોવાય નહિ. પરંતુ રેલમાર્ગે જઈ એ વિસ્તારને આંખમાં ભરી લેવો હતો. રેલવેમાં અહીંના માણસો સાથે ઘડી બે ઘડીનો મેળો પણ રચાઈ જતો હોય છે. કદાચ અમે સાલ્ઝબર્ગ સુધી જ ગયાં હોત, પણ અમે સાલ્ઝબર્ગ ન ઊતર્યા. વર્ષો પહેલાં અનિલાબહેન યુરોપની સફરે આવેલાં ત્યારે સાલ્ઝબર્ગમાં ફરેલાં. મોત્ઝાર્ટનું ઘર પણ એમણે જોયેલું. એમની પાસેથી સાલ્ઝબર્ગનું વર્ણન સાંભળતાં સાલ્ઝબર્ગ વટાવી દીધું. બારી બહાર એક વિશાળ સરોવર શરૂ થયું છે. સરોવરમાં હોડીઓ ફરે છે. કેટલીક સઢવાળી સેઇલબોટ પણ છે. સરોવરની પશ્ચાદ્ભૂમાં હરિયાળી ટેકરીઓ છે. સંગીત પીધેલી જ હશે ને?

વચ્ચે એક જર્મન ગામ પણ આવી ગયું. સારું થયું ગાડી ત્યાં થોભતી નથી. નહિતર પાસપૉર્ટ, વિસા, એન્ટ્રી, એક્ઝિટની વિધિ. રેલને સમાંતર એક નદી વહી જાય છે. એ નદી તે ઇન. થોડે થોડે દૂર બંને બાજુએ ગિરિમાળા છે. શરૂઆત થઈ ગઈ લાગે છે. નાનાં નાનાં ગામ આવી જાય. ગામનાં એક માળનાં નાનાં ઘર. ઘરની ફૂલોથી શોભતી બારીઓ અને ઝરૂખા. ઘણી વાર તો કલ્પનાનાં ગામ લાગે. ત્યાં દીપ્તિએ એક રમણીય ઘર તરફ સૌનું ધ્યાન દોર્યું. એને એ ખૂબ ગમી ગયેલું.

હવેની પર્વતશ્રેણી, આ નદી, આ હરિયાળી એકદમ અમને હિમાલયની યાદ અપાવી રહી. રૂપાએ કહ્યું : ‘બદ્રિનારાયણ જતાં અલકનંદા સાથે વહેતી આવે છે ને!’ અનિલાબહેન કહે : ‘નારાયણ આશ્રમ જતાં આવું જ લાગે છે.’ મને મનાલી અને ત્યાંની વિપાશાને તીરે ઊભેલી હિમાચ્છાદિત શિખરશ્રેણી સ્મરણમાં આવતી હતી. આલ્પ્સને અઢેલીને વાદળ જામ્યાં હતાં. સ્ટેશને ઊતર્યાં કે જાણે હવામાન બદલાયું. અમારે તો ઇન્સબ્રુકની ગલીઓમાં રસ્તાઓ ઉપર ફરતાં આલ્પ્સની સન્નિધિ માણવી હતી. કેટલાંક ઘર તો આલ્પ્સની કેડ પર રહેલાં છે. સ્ટેશનની બહાર અમે નીકળ્યાં. એક પાર્વત્યનગર, છતાં આધુનિક. કેટલાંક મકાનો ઉપર જૂની શૈલીનાં ચિત્રો છે, પથ્થરોમાં કોતરણી પણ. આલ્પ્સના ઉત્સંગમાં રહેલ ઇન્સબ્રુકનું આકર્ષણ વધી ગયું. કદાચ આલ્પ્સનું જ એ આકર્ષણ હોય!

વિયેનાથી સ્વિટ્ઝર્લૅન્ડના બલિસ જતી યુરોસીટી ટ્રેન સવારના નવ વાગ્યે ઊપડી. શહેર પસાર થતાં જ થોડું જંગલ. એ જંગલ વચ્ચે એક કેડી જતી જોઈ. ગાડીમાંથી ઊતરી જઈ ત્યાં ચાલવાનું મન થાય, પાછી લીલીછમ ટેકરીઓ શરૂ થઈ. ટેકરીઓના ઢોળાવ પર નાનાં પણ રમણીય ગામ રમણીયતર લાગે. એક ગામની પાદરે રેલગાડીમાં બેઠેલા અમ યાત્રીઓ તરફ હાથ ફરકાવતી ત્રણ સ્ત્રીઓની તસવીર યાદ રહી ગઈ. ભૂરી ડાન્યુબ પસાર થઈ. અમારી પાસે સમય હોત તો આ ડાન્યુબનાં ભૂરાં જળમાં નૌકાવિહાર કરત. અમારી યુરેઇલ ટિકિટમાં ડાન્યુબનો, જેમ જર્મનીની રાઇન નદીનો નૌકાવિહાર આવી જાય. બારીઓ – મોટી મોટી સ્વચ્છ કાચની બારીઓ-ની બંને બાજુ વેરાયેલા સૌંદર્યને અતૃપ્ત આંખે જોયા જ કરીએ.

ગાડીએ લિન્જ નગરમાં પ્રવેશ કર્યો અને ત્યાં ઊભી. સ્ટેશન પર કશો ઘોંઘાટ નહિ. થોડાંક યાત્રીઓ ઊતરે-ચઢે. અમારા ડબ્બામાં એક નાનકડી સૂટકેસ અને હૅન્ડબૅગ લઈ એક તરુણીએ પ્રવેશ કર્યો. નહિ, તરુણી તો ન કહેવાય. ઉમર થોડી વધારે હશે. શાંત ઠરેલ લાગે. કદાચ એની બહેન હશે જે સ્ટેશને એને મૂકવા આવેલી. ગાડી ઊપડી ત્યારે એની આંખ ભીની હતી.

થોડી વાર પછી એમની સાથે વાતો શરૂ કરી. એમનું નામ હેલ્ગા. પોતે ઑસ્ટ્રિયન છે, છતાં એક સ્વિસને પરણ્યાં છે. વળી એ પોતે પ્રોટેસ્ટંટ ઈસાઈ છે, પતિ કેથોલિક. મા છે, ભાઈ મૃત્યુ પામ્યો છે. મા અને બહેનને મળવા લિન્જ આવ્યાં હતાં. હવે બસિલ જતાં હતાં. ઘણાંબધાંના ફોટા કાઢ્યા. ત્યાં બસિલમાં એક ઑફિસમાં કામ કરે છે. ‘આઇ ઍમ અ લિટલ સેક્રેટરી’ – જર્મનભાષી છતાં ખપ પૂરતું અંગ્રેજી બોલી લે છે. અમારામાંથી નિરુપમા પાસે જ માત્ર પરિવારના ફોટા હતા. એમણે બતાવ્યા. ગઈ કાલે રતિભાઈ અમને પૂછતા હતા : ‘કુટુંબના ફોટા લાવ્યા છો? બિયેટ્રીસ જરૂર પૃચ્છા કરશે.’ અમને થયું કે પરિચય થયા પછી એકબીજાના પરિવાર વિષે આ જાણવા – જણાવવાની ઔપચારિકતા હોવી જોઈએ.

ખેતરો પસાર થતાં હતાં, ક્યાંક ચરિયાણોમાં ગાયો ચરતી હતી. ખેતરોમાં ચાડિયા ખોડેલા જોઈ આશ્ચર્ય થયું. ચાડિયાને લાલભડક રંગનાં કપડાં હતાં. હરિયાળી વચ્ચે લાલ રંગ.

હવે સાલ્ઝબર્ગ આવવામાં છે. સાલ્ઝબર્ગ ઐતિહાસિક, દર્શનીય નગર છે. જૂનો કિલ્લો છે. જૂની ઇમારતો. પણ અહીં પેલી ટેકરીઓ હોવી જોઈએ :

The hills that lie with the sound of music with songs they have sung for a thousand years…

તરુણવયે સાધ્વીઓના મઠમાં પ્રવેશેલી મારિયા કઈ ટેકરીઓ પર ગાતી નાચતી હશે? કદાચ એ તો કોઈ કાલ્પનિક કથાની નાયિકા હશે, પણ વિખ્યાત સંગીતકાર મોત્ઝાર્ટ? આ જ નગરમાં ૧૭૫૬માં મોત્ઝાર્ટ જન્મ્યા હતા, સંગીતકાર માતાપિતાને ત્યાં. પણ નાની વયથી જ સંગીતકલામાં ડૂબેલા મોત્ઝાર્ટને ટેકરીઓમાં દોડવાનો સમય મળ્યો હશે? મોત્ઝાર્ટની જે છબી મનમાં આવે છે, તે તો ‘અમેડિયસ’ ફિલ્મમાં જે મુગ્ધ નિર્દોષ રીતે તે હસી પડે છે તે. ‘અમેડિયસ’ એનું જ નામ છે અને એ નામે બનેલી ફિલ્મનું સાલ્ઝબર્ગમાં સ્મરણ થાય. એનું મૃત્યુ અત્યંત દરિદ્ર અવસ્થામાં વિયેનામાં થયેલું. દફનવિધિ વખતે હાજરી હતી માત્ર ઘોર ખોદનારની. બરફ પડતો હતો એ દિવસે. એ ફિલ્મનું દૃશ્ય પણ યાદ આવે છે. જમણી તરફ ચાલીએ તો હિમાચ્છાદિત આલ્પ્સ બહુ દૂર નથી. પણ જોરથી વાતો ઠંડો પવન અમને ધ્રુજાવી દેવા લાગ્યો. વાદળ તો પડું પડું. તોયે નગરના માર્ગો પર આવ્યા. વચ્ચે વચ્ચે આલ્પ્સ દેખાયા કરે.

વરસાદ ભીંજવી દે એ પહેલાં અમે સ્ટેશને પાછાં આવી ગયાં. વિયેના જતી ગાડી થોડી મિનિટોમાં જ આવવામાં છે. ફ્રાન્ઝ શુબર્ટ એક્સપ્રેસ. શુર્બર્ટ પણ પ્રસિદ્ધ સંગીતકાર. એટલે ગાડીના અવાજમાં પણ સાઉન્ડ ઑફ મ્યુઝિક સંભળાય! કોઈ કદાચ કહેશે કે આખું ઑસ્ટ્રિયા એ જ સાઉન્ડ ઑફ મ્યુઝિક! વાદળોને લીધે રોજ કરતાં સાંજ વહેલી પડતી લાગી. આકાશમાં વાદળ છે અને ધુમ્મસ પણ.

અમારા ડબ્બામાં એક તરુણ યુગલ હતું અમેરિકાથી. હમણાં જ પરણ્યાં છે. અહીંથી હંગેરી જવાનાં છે. ટી .વી ના કાર્યક્રમો તૈયાર કરે છે. ચાલતી ગાડીએ એમણે એમના અને અમારા કૅમેરા પર ફોટા લીધા. સાંજ વહેલી આવી. પણ લંબાતી ચાલી. પેલા ચીની કવિની સાંજ :

Evening lingers

Like the feelings of my heart…

ગાડી તો દોડતી જ જાય છે, વાદળ છંટાય છે, સૂરજ ડોકાય છે અને એના તડકામાં દીપ્તિનો ચહેરો દીપ્ત થઈ ઊઠે છે. એ સાન્ધ્ય સૂર્ય હતો અને પસાર થતી ડાન્યુબ પર એનો પ્રકાશ પથરાયેલો જોઈ મન પ્રસન્નતાથી ગાઈ ઊઠ્યું. કદાચ આ દૃશ્ય બતાવવા જ સાંજ લંબાઈ હતી. એ પછી તો સૂર્ય ટેકરીઓ પાછળ સંતાઈ ગયો. ટેકરીઓનું સંગીત સાંભળતો એ હવે ડૂબી જશે. વિયેનાનું પાદર આવી ગયું. અમને થયું કે આ ગાડી હિમેલ હોફ નજીકના સ્ટેશનેથી પસાર થશે. અમે ઝટપટ તૈયાર થઈ એ સ્ટેશને ઊતરી ગયાં.

સ્ટેશનેથી ફોન કર્યો. શ્રીમતી બિયેટ્રીસે કહ્યું : ‘થોડી વારમાં લેવા આવું છું. પુલ ઊતરીને ઊભાં રહો.’