યોગેશ જોષીની કવિતા/ઝરમર વરસે ઝીણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઝરમર વરસે ઝીણી

ઝરમર વરસે ઝીણી
થાય મને કૈ લઉં પાંપણથી વીણી

વર્ષાની ધારાઓ સાથે
આભ પીગળતું ચાલે,
ધણ વાદળનાં વીજ-ચાબખે
પવન હાંકતો ચાલે.

માટીમાંથી સુગંધ ફોરતી ભીની
ઝરમર વરસે ઝીણી

ઘેરાયા આ મેઘની વચ્ચે
રહી રહી ઢોલ ઢબૂકે,
હૈયામાં ગોરંભા વચ્ચે
રહી રહી વીજ ઝબૂકે !

રોમે રોમે અગન ઊઠે છે તીણી
ઝરમર વરસે ઝીણી