યોગેશ જોષીની કવિતા/માનો વા૨સો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માનો વા૨સો

(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)

જના૨ની સાથે
ચાલ્યું જતું નથી બધુંય
(ઘણુંય
રહી જાય છે બાકી
પાછળ
જિન્સમાં, DNAમાં..)

મા ગઈ એ પછી
એનું ચાંલ્લાનું પૅકેટ, બંગડીઓ,
એનાં કપડાં, ચંપલ, સ્લીપર.....
બધું આપી દીધું
કામવાળી તથા વાળુવાળીને,
હકોબાની સફેદ સાડી રાખી વહુએ,
ક્યારેક કોઈકના બેસણામાં પહેરવા
એની સોનાની વસ્તુઓ
વહેંચી લીધી
વહુ અને દીકરીએ, હોંશે હોંશે!
માની મિલકત
વહેંચાઈ ગઈ સરખે ભાગે
કોઈ જ મનદુઃખ વિના.
ઑક્સિજનનો સામાન
પાછો આપી દીધો,
નેબ્યુલાઇઝર રહેવા દીધું.
વધેલી દવાઓ
દુકાને પાછી આપી આવ્યા.
જે સ્ટ્રિપ્સ તોડી નહોતી.
એના તો રોકડા પૈસા આપ્યા પાછા,
ગુલાબનો હાર પહેરાવીને
બેસણામાં મૂક્યો હતો એ ફોટો
મૂકી દીધો માળિયે....
‘હવે ઘરમાં કોણ પૂજા કરવાનું છે?’
કોઈને ટાઇમ જ ક્યાં છે?!
તાંબાની તરભાણી, પિત્તળના લાલજી,
નાનકડા ગોળમટોળ લિસ્સા લિસ્સા શાલિગ્રામ,
(પૌત્ર ભાંખડિયે ચાલતો ત્યારે એને
દડી સમજીને રમતો...)
તાંબાની આચમની, લોટી, પિત્તળની ઘંટડી, દીવી.....
બધું ચઢાવી દીધું માળિયે....

દીકરાએ પૂછ્યું -
બાની આ બધી દવાની ફાઈલો
અને રિપોટ્‌ર્સ કાઢી નાખું?
ચેસ્ટ ફિઝિશિયનની તો ખાસ્સી જાડી ફાઈલ,
સ્ટ્રોક્સ આવ્યો એ પછીની ન્યૂરોલૉજિસ્ટની ફાઈલ,
કાર્ડિયોલૉજિસ્ટની ફાઈલ,
એક્સ-રે, MRI અને બીજા અનેક રિપોટ્‌ર્સ...

દીકરાને
‘હા’ કહેવા જતો’તો.
ત્યાં થયું –
વારસામાં મને
માનો ‘અસ્થમા’ તો મળ્યો છે,
ભવિષ્યમાં મને કંઈ થાય
ને ડૉક્ટરને
જિનેટિક હિસ્ટરી
જણાવવાની જરૂર પડે તો?!

જનારની સાથે
ચાલ્યું જતું નથી બધું....
બધુંય...