< યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ
યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/અંતિમ ઇચ્છા
અંતિમ ઇચ્છા
ઍમ્બ્યુલન્સ ઘર પાસે આવીને ઊભી રહી. ધાબા પરના એન્ટિના પર બેઠેલો કાગડો જોર જોરથી ‘ક્રાં... ક્રાં...' કરવા લાગ્યો. આકાશમાં ચકરાવા લેતી સમડી ત્રાંસી થઈ, અર્ધગોળ મોટો ચકરાવો લઈને વધારે ઊંચે ચાલી ગઈ...
સ્ટ્રેચરમાં શાંતાબા દેખાતાંય નહોતાં. ખોબોએક હાડકાંને જાણે માનવદેહના આકારમાં ગોઠવીને ગળા સુધી ચાદર ઓઢાડી ન હોય! પણ અવાજ હજી ઘૂઘરા જેવો –
‘મનં મારા ઓઈડામોં લઈ જાવ.'
શાંતાબાના ઓરડામાં સ્ટ્રેચર પ્રવેશ્યું.
‘ઊભા રૉ, પલંગ ઓંમ ફેરવી નખોં. હૂતઅ્ હૂતઅ્ મનું હોંમે પેલી ઘડિયાળ દેખાય.'
પલંગ ફેરવી નાખ્યો. બાપુજીએ ચાદર સરખી કરી. પછી સ્ટ્રેચરમાંથી હાડકાંના માળાને જાળવીને પલંગમાં મૂક્યો. તોય પલંગ જાણે ખાલી! લાંબા-પહોળા પલંગની વચ્ચે, ત્રણ સાડા-ત્રણ ફૂટની લાંબી વાંકીચૂકી રેખામાં જ બધાં હાડકાં સમાઈ ગયાં.
‘ક્યોં ગ્યો સ જિમી? ઝટ બોલાવો ઈનં...'
જીન્સનો ચડ્ડો ને મિકી-માઉસના ચિત્રવાળું ટી-શર્ટ પહેરેલો જિમી આવ્યો.
‘ઓંય આય, બેટા... છેક મારી પાહે...’
શાંતાબાએ બેય હાથે જિમીનો ચહેરો દાબ્યો.
જિમીને એમનાં હાડકાં ખૂચ્યાં.
જિમીએ એના પપ્પા સામે એવી રીતે જોયું જાણે બહાર જવા માટે પૂછતો ન હોય!
જિમીના ગાલે શાંતાબાએ ચૂમી ભરી.
તરત જમીએ બાંય વડે ગાલ પરનું થૂંક લૂછી દીધું ને પપ્પા સામે જોયા વિના જ એ બહાર દોડી ગયો.
શાંતાબાના કરચલીવાળા ચહેરા પર પ્રસન્નતા ઊભરાઈ.
‘દાક્તરો ભલઅ્ છૂટી પડ્યા, પણ હું જિમીની જનોઈ જોયા વના જવાની નથી.'
બધાયને નવાઈ લાગતી કે નર્યા હાડકાંના માળામાં આ વાત કરવા જેટલી શક્તિ આવે છે ક્યાંથી?
‘નં અનિલ, જિમીની જનોઈનોં ક્યાડ છપાયોં?'
‘ના.’
શાંતાબાનો પૌત્ર અનિલ ખોટું બોલી ન શક્યો.
‘તનં ઈંમ ક કમૂરતોં પૂરોં થાય નં જિમીની જનોઈનો દા'ડો આવઅ્ એટલા દા'ડા બા નીં કાઢ, ખરું?'
બાના હાથ પર હથેળી મૂકીને અનિલે ‘હા' કહી. ઊપસેલાં હાડકાં અનિલની હથેળીમાં ખૂંચ્યાં.
‘તું ભલઅ્ અમેરિકામોં દાક્તરી કરતો હોય ક ગમે એટલો મોટો દાક્તર હોય, પણ હું તનં નપાસ કરું છું...'
ચહેરાનાં હાડકાંઓ વચ્ચેની બોખી દાબડી વધારે ખૂલી ને અંદરની ગુફામાંથી જાણે સાક્ષાત્ જીવન હસ્યું!
અવાજ વગરનું બોખી દાબડીનું હસવું થોડી ક્ષણ ચાલુ રહ્યું ને પછીની ક્ષણે ખુલ્લા મોં વાટે જાણે જીવ નીકળી જવાનો હોય એવી પીડાની ઊંડી રેખાઓ અંકાઈ ગઈ.
અનિલે તરત કોઈ પેઇનકિલરનું ઇંજેક્શન આપ્યું.
કોઈ પણ ક્ષણે શાંતાબા મૃત્યુ પામે એમ હતું. આથી જ અનિલને ફોન કરીને તાત્કાલિક અમેરિકાથી બોલાવેલો. પત્ની તથા જિમીનેય સાથે લઈ આવવાનું ખાસ કહેલું.
હૉસ્પિટલમાં દાખલ કર્યાં ત્યારે શાંતાબાએ જ કહેલું –
‘અવઅ્ મારો દીવો ગમે તારઅ્ ઓલવાઈ જવાનો. શગ જ સંકો૨ાય એવી નથી ૨ઈ. જીવાદોરી જ આઈ ૨ઈ સ. નં મારઅ્ જિમીની જનોઈ જોયા કેડી જીવ મૂકવો સ તે ઝટ અમેરિકા ફોન કરી દો.'
થાક ખાઈને તેઓ આગળ બોલવા લાગ્યાં –
‘મીં ના પાડેલી તોય અનિલ અમેરિકામોં પૈણ્યો. એ બોડી મરસીની નાત-જાતનીય કનં ખબર? તે જિમીનં વિધિસર જનોઈ દઈ દઈએ એટલઅ્ જિમી પાકો બોંમણ થાય નં અનિલનું ખાસ કૅજો ક મરસીનં લીધા વના નોં આવ. ઇન કૅજો ક બા મરસીનં કશું નીં બોલઅ્... જિમીનં જોવાનુંય બઉ મન સ...'
અનિલ આવ્યો. હૉસ્પિટલના ડૉક્ટરો સાથે એણે ચર્ચા કરી. શાંતાબાના બધા રિપૉર્ટ્ સ જોયા. એને નવાઈ લાગી કે હજી સુધી જીવ ટકી કઈ રીતે શક્યો.
અનિલ આવ્યો તે અગાઉ પણ ખબર કાઢવા આવનારા અંદર અંદર વાતો કરતાં –
– શરીરમોં કોંય રયું નથી. ઘીનો દીવો કરી દીધો સ નં થોડી થોડી વારે ગંગાજળ પઈં સી...
– બીજોં ઓળખીતોંનં કઈ દેજો ક શોંતાબાનં જોવોં હોય તો ઝટ જી આવઅ્. નકર પસ હરિ હરિ...
– અનિલ નં જિમીનં જોવા હારુ જીવ ટકઈ રાખ્યો હશે. મું તો કું સું ક જેવોં એ લોકો આવશે ન શોંતાબા ઓંખ ભરીનં જોઈ લેશે ક તરત જીવ નેંકળી જવાનો.
પણ બન્યું ઊલટું. શાંતાબાનો ક્ષીણ થઈ ગયેલો અવાજ અનિલને જોતાં જ ઊઘડી ગયો. ખોળિયામાંનો જીવ જાણે એમના અવાજમાં આવી ગયો.
‘આવ, અનિલ આવ... જિમીનં અનં વહુનં લાયો સ નં?’
‘બોડી'ના બદલે બાએ મર્સી માટે ‘વહુ' શબ્દ વાપર્યો એ અનિલને ગમ્યું, પણ હવે શું?
‘જિમીને લાવ્યો છું.’
‘અનં વહુ?’
પોતે ખોટું બોલે છે એ એના અવાજમાં ઉઘાડું ન પડી જાય એનું ધ્યાન રાખીને એણે કહ્યું –
‘એના બાપુજી ત્યાં માંદા છે, હૉસ્પિટલમાં છે એટલે એ ત્યાં જ રોકાઈ છે.’ મર્સી સાથેના ડિવોર્સની વાત અનિલે છુપાવી.
‘ઈંમ? ઠીક. હશે તારઅ્. જેવી ઈશ્વરની મરજી, પણ જિમીનં ઓંય કેમ નોં લાયો? ઈનં જોવા તો મારો જીવ કેટલો તરસ્યો થયો સ?'
‘એ ઘરે છે. છોકરાંઓને અહીં હૉસ્પિટલમાં ન લવાય.’
‘તો મનંય ઘેર લઈ જા. ચિંતા નોં કર. જિમીની જનોઈ હુદી મન કોંય નીં થાય.'
બોલતાં બોલતાં શાંતાબાને હાંફ ચઢી. હાંફ ઓછી થતાં વળી એ બોલ્યાં –
‘નં હોંભળ, જિમીની જનોઈનોં ક્યાડ છપઈ દે.' ને પછી પોતાને જાણે ઇચ્છામૃત્યુનું વરદાન હોય એમ ઉમેર્યું, ‘નં જનોઈ પતઅ્ ઈંના બીજા દા'ડ હું યમરાજાનં કયે ક લે હેંડ, અવઅ્ તનં નીં રોકું. લઈ જા.'
આટલું બોલવાથી તેઓ સખત થાકી ગયાં. તે થોડી વાર અટક્યાં. આંખો મીંચી. હાંફ ઓછી થતાં થોડા ઊંડા ભારે શ્વાસ લીધા પછી વળી કહેવા લાગ્યાં –
‘નં જનોઈનોં ક્યાડની જોડે મારા મરણનોં ક્યાડ છપાવવોં હોય તોય છપાઈ દે, જનોઈ પતઅ્ એ પછીની તારીખ ઈમોં નખજે.'
પછી અવાજ વગર તેઓ બિહામણું લાગે તેવું ખડખડાટ હસવા માંડ્યાં ને તરત મરણના ઓછાયાએ એ હાસ્યને જાણે કોઈ અતિ કરુણ સૂરમાં ફેરવી દીધું.
અનિલને જાણ હતી – બા કમૂરતાંનો લાંબો સમય ખેંચી શકે તેમ નથી. ડૉક્ટર હોવાથી એ જાણી શકતો હતો કે શાંતાબાને કેવી અસહ્ય પીડા થતી હશે... હાડકે હાડકું અંદરથી કેવું કળતું હશે... વગ૨ હિમાલય ગયે હાડ ધીરે ધીરે ગળતાં જતાં હતાં. માત્ર દવાઓ અને આત્મબળના કારણે જ આ હાડપિંજરમાં જીવ ટકી રહેલો.
બાની આ હાલત જોઈને અનિલને મર્સી કિલિંગનો વિચાર ઝબકી જતો, પણ પછી થતું, બાપુજીને આઘાત લાગશે. ઇન્ડિયામાં આવો વિચાર જ ન થઈ શકે. આમેય બાપુજી કશું બોલતા જ નથી. સાવ ચૂપ થઈ ગયા છે, આવનારા મરણ જેવા ચૂપ.
બા ક્યારેક કોઈ વાક્યો બોલે, થાકી-હાંફી જાય, વળી એકાદ વાક્ય બોલે એવી થોડીક ક્ષણોને બાદ કરતાં, બા જરીકેય બા રહ્યાં છે ખરાં? માત્ર કણસતાં મૂઠીએક હાડકાં છે... મૂંગું મૂંગું કણસતાં અસ્થિફૂલ..! વિસર્જનની રાહ જોતાં...
દવાઓ આપી આપીને શા માટે થોડા વધારે કલાક કે દિવસ ટકાવી રાખવું માત્ર આ શરીરને? વધારે પીડા-યાતના માટે? વધારે રિબાવા માટે? ક્ષણે ક્ષણે થોડું થોડું મરવા માટે? એના કરતાં તો...
શાંતાબાએ આંખો ખોલી. ઊંડા ગોળ ખાડામાં કીકીઓ આમતેમ હલીને સામેની ભીંતઘડિયાળ પર સ્થિર થઈ ગઈ.
શાંતાબાએ શરીરમાં રહીસહી બધી જ પ્રાણશક્તિ આંખોમાં એકઠી કરી. પોપચાં થોડાં સંકોચાયાં, પહોળાં થયાં ને વળી સંકોચાયાં. આંખો જરી ખેંચાઈ ને પછી અંધારા ગોખલામાં દીવો પ્રગટ્યો હોય એમ આંખો ચમકી.
‘અનિલ...!'
‘હં..!'
‘આ ઘડિયાળનં ચાવી આપવાનું ભુલાય નંઈ... આ ઘડિયાળ ચાલ સ ત્યોં હુદી મારા ધબકારા ચાલશે... નં જો આ ઘડિયાળ બંધ પડી તો પસ... જિમીની જનોઈ પૅ'લાં જ...'
શાંતાબાએ આંખો બંધ કરી. એમનાં પાંસળાં વધારે ફૂલ્યાં ને ખાસ્સી ક્ષણ પછી સંકોચાયાં.
હૉસ્પિટલમાં કે ઘરમાં, કોઈ પણ ક્ષણે મરણ નિશ્ચિત હતું. અશક્ત દેહમાં ઠેકઠેકાણે નળીઓ ભરાવી રાખીને નબળા શરીરની પીડાને વધારે લંબાવવાનો કશો અર્થ નહોતો. વળી શાંતાબાને ઘરે જવાની પ્રબળ ઇચ્છાય હતી. એમની જિંદગીમાં બસ, બે જ કામ બાકી હતાં – એક, જિમીની જનોઈ જોવી અને બીજું, ઘ૨માં જ ઇચ્છા મુજબ મરણ પામવું. આથી અનિલે હૉસ્પિટલના ડૉક્ટરોની વિરુદ્ધ જઈનેય બાને ઘરે લઈ જવાનો નિર્ણય કરેલો.
અનિલ પણ ડૉક્ટર હતો આથી બીજા ડૉક્ટરોએ વધારે વિરોધ ન કર્યો. ‘એઝ યુ વિશ...' કહ્યું ને પેશન્ટની પૂરેપૂરી જવાબદારી હવે પોતાની રહેશે એ મતલબના કાગળો પર અનિલની સહી લીધી. એક ડૉક્ટરે તો અનિલને કહેલું – તમે તો જાણો જ છો કે શાંતાબાને ઘરે લઈ જવાં એ એમના શરીરનો જીર્ણ દરવાજો ખટખટાવતા મોત માટે દરવાજો ખોલી આપવા બરાબર છે.
અનિલ પણ જાણતો હતો – ઘરે પહોંચ્યા પછી કદાચ કૉમા અને પછી મોત.
જિમીની જનોઈ સુધી શરીરને ટકાવી રાખવાના શાંતાબાના દૃઢ સંકલ્પના કારણે જ કદાચ જીવ જતો નહોતો. અનિલને નવાઈ લાગતી – દૃઢ સંકલ્પ પણ આવા દેહને, આ ઉંમરે ને આવા રોગ સામે કઈ રીતે ટકાવી શકે?
જૂનું ઘડિયાળ બંધ પડવાની સાથે પલ્સ પણ બંધ થઈ જશે એવા વિચારથી બાના સંકલ્પના ગઢનો એક કાંગરો અનિલને ખરતો દેખાયો. બાની અંતિમ ઇચ્છા અધૂરી રહી જાય એ પણ ઠીક નહિ.
‘બા...’ અત્યાર સુધી સાવ ચૂપ થઈ ગયેલા બાપુજી બોલ્યાં, ‘કમૂરતાં તો કમૂરતાં. જિમીને કાલે જ જનોઈ દઈ દઈએ.'
એકાદ ક્ષણની મથામણ પછી શાંતાબાએ બાપુજી સાથે નજર મેળવી, ઠેરવી.
‘તમારઅ્ મનં ઝટ વિદાય કરી દેવી સ? મારી સેવા-ચાકરી કરીનં કંટાળી ગ્યા? ચિંતા નોં કરો, જિમીની જનોઈ કેડી એક દા'ડોય વધા૨ નીં ૨ઉં, હોં...' પછી અનિલ સામે જોઈ ઉમેર્યું, ‘નં તનં અમેરિકા પાછા જવામોંય મોડું નીં થાય.'
છેલ્લું વાક્ય બોલતાં અવાજ હોલવાતી જ્યોતની જેમ ફડફડ્યો. વળી એમણે નજર ઘડિયાળ તરફ સ્થિર કરી – જાણે કશાક અદૃષ્ટને તાકી રહ્યાં હોય એમ ને ધીમા સાદે ત્રુટક ત્રુટક બોલ્યાં –
‘વખત સ નં મારો જીવ જતો રૅ તો પસઅ્ તરત જિમીનં જનોઈ દઈ દો. પસઅ્ કમૂરતોં કે હૂતકેય નોં જોશો, બસ?'
વળી આંખોના ઊંડા ગોખમાં કોઈક તારો ચમક્યો.
‘કૅ સ ક બારમાનું નોં હરાવઅ્ ત્યોં હુદી જીવ બધું જોઈ હકઅ્. તે મારા મર્યા કેડીય હું જિમીની જનોઈ જોયે.’
છેલ્લા વાક્યમાં એમનો અવાજ વળી ઘૂઘરા જેવો થઈ ગયો, પણ ચહેરા પર અંતિમ થાકની રેખાઓ ઊપસી આવી. હાડકેહાડકાંની અંદર પ્રવેશી ગયેલા, પણ જીવને લઈને હજી બહાર નહિ આવેલા મરણની છાયા પણ ચહેરા પર ઊપસી. એમની નજર લોલક પર સ્થિર થઈ હતી. લોલક હાલે એમ એમની કીકીય આમથી તેમ હાલ્યા કરતી હતી.
થોડી વાર પછી આંખો થાકી ગઈ. હાલતું લોલક જાણે ઓગળી જઈને હવામાં ફેલાઈ ગયું.
શાંતાબાએ આંખો મીંચી. પોપચાં પર પહાડ પડ્યો હોય એવું લાગતું હતું. કીકીઓય અંગારાની જેમ બળતી હતી. માથાની અંદર જાણે અનેક નગારાં વાગતાં હતાં. ધ્રિબાંગ ધડમ્ ધ્રિબાંગ...
આંખો મીંચેલી જ રાખીને એમણે સમગ્ર પ્રાણશક્તિને બેય કાનના પરદા પાસે એકઠી કરી. થોડી ક્ષણ પછી કાને અવાજ પડયો –
ટક્ ટફ્ ટક્ ટક્... ધબ્ ધબ્ ધબ્ ધબ્
ટક્ ટક્ ટક્ ટક્... ધબ્ ધબ્ ધબ્ ધબ્
લોલકની ગતિ ખાસ્સી ધીમી થઈ ગયેલી તે અનિલે નવી ચાવી ભરી.
‘ટક્ ટક્' અવાજ ધીમો થઈ ગ્યો સ? ના, ના, બરાબર સ...
શાંતાબા વધારે એકાગ્રતાથી સાંભળવા લાગ્યાં. નાડી પકડી નહોતી તોય હોલવાતાં પહેલાં તરફડતી - ફડફડતી જ્યોત જેવા ધબકારાય ચોખ્ખા સંભળાતા હતા. ઘડિયાળનો ‘ટક્ ટક્' અવાજ અને ધબકારા જાણે એકમેકમાં ભળી-ઓગળી જઈને ઓરડામાં વિસ્તરતા જતા ને બારી બહાર અવકાશમાં ચાલ્યા જતા...
હવે ઘડિયાળનો અવાજ ઝાંખો-ધૂંધળો સંભળાવા લાગ્યો. કાનના પરદા થાકી ગયેલા. ચેતનાની શગ પર જાણે ધીરે ધીરે મોગરો ગંઠાતો જતો હતો, ખંખેરી ન શકાય તેવો.
અનિલ પણ એ જૂનાપુરાણા ઘડિયાળ તરફ જોઈ રહ્યો. સીસમની ષટ્કોણ આકારની કોતરણીવાળી ફ્રેમ. આટલાં વર્ષો થયાં છતાંય ડંકાનો રણકો હજીય એવો ને એવો જ છે.
અનિલને યાદ આવ્યું –
પોતે ફાઈનલ એમ.બી.બી.એસ.માં હતો ત્યારે બા આ ઘડિયાળ રિપેર કરાવવાની બાબતે ઝઘડેલાં બાપુજી સાથે –
– દુકાનવાળો કહે છે કે હવે આ ઘડિયાળ રિપેર નહિ થાય. નવું લાવી દઈશું?
– એ દુકોંનવાળો ના પાડઅ્ તો બીજાનં બતાવો. હોંચ નોં કેમ થાય?
– પણ એટલા ખર્ચામાં તો નવું ઘડિયાળ આવી જશે.
– મૂઓ ખરચ થાય તો થાય. નવોં પચ્ચી ઘડિયાળ આવ્અ એટલો ખરચ થાય તોય શું?
– પણ ગુજરીમાં નાખી આવવા જેવી ઘડિયાળ પાછળ શું કામ વધારે ખર્ચ કરવો?
– તો ઈંમ કરો., ઘડિયાળ `ભેગી મનંય નખી આવો ગુજરીમોં... પાર આવઅ્... નં મારી પાછળેય ખરચ નોં કરતા.
પછી બાપુજી કશું બોલ્યા નહોતા. ઘડિયાળ રિપેર કરાવી આવેલા. ને ફરી પાછા ડંકા પડવા લાગ્યા ત્યારે બાના ચહેરા પર નવજીવન પામ્યા જેવો આનંદ હતો.
એ ઘડિયાળ સાથેનો શાંતાબાનો લગાવ અનિલ સમજી શકતો. શાંતાબા ઘણી વાર અનિલને કહેતાં –
‘પૈણ્યા પછીના મારા પે'લા જનમદા'ડે તારા દાદા લાયા 'તા આ ઘડિયાળ.'
હવેલી જેવડું મોટું ઘર. મોટા મોટા ઓરડાઓ. ઝરૂખાઓ. લાકડાનું કોતરણીવાળું ફર્નિચર. મોટાં મોટાં ઝુમ્મરો.
શાંતાબાના પતિને અવારનવાર બહારગામ જવાનું થતું. તે ખાલીખમ ઘરમાં અડધા અડધા કલાકે પડતા ડંકા શાંતાબાને પિયરના કોક સ્વજન જેવા લાગતા. ઘણી વાર તેઓ કહેતાં –
‘ઘડિયાળના ડંકા પડતા રૅ તે આવડા મોટા ઘરમોં કોંક વસતિ જેવું લાગઅ્.’
‘અનિલ... આ ઘડિયાળનં તારા દાદા નિયમિત ચાવી આલતા... તારા બાપુજી હાતમા-આઠમામોં ભણતા 'તા નં તારા દાદા...'
પછી સાલ્લાના છેડાથી શાંતાબાએ આંખો લૂછીને ઉમેરેલું —
‘તારા દાદાના ગયા કેડી આ ઘડિયાળનંય જોણં અડધા અંગમોં લકવો થઈ ગયો સ.'
એ વખતેય અનિલ સમજી શકતો હતો કે ઘડિયાળના ડંકાના એ રણકાર હવેલી જેવડા ઘરના ખાલીપણાને જ નહિ, શાંતાબાની ભીતરની હવેલીના ખાલીપણાનેય ભરી દેતા હશે.
ઘડિયાળમાં ડંકા પડવા શરૂ થયા.
અનિલે શાંતાબા સામે જોયું.
ડંકાનો રણકાર શાંતાબાના કાન સુધી નથી પહોંચતો કે શું?
બાએ શ્રવણશક્તિ ગુમાવી? તો, આ કૉમાની શરૂઆત...
અસહ્ય પીડાના સૉળ જાણે અંદરથી ઊઠતા હતા ને શાંતાબાના ચહેરા પર અંકાતા જતા હતા. કણસવાનો અવાજ પણ ગળામાં જ ગળફાની જેમ ચોંટી ગયો હતો.
થોડા વધારે ડંકા પડતા ગયા તેમ તેમ પીડાની રેખાઓ ઓછી થતી ગઈ. પછી એમણે ધીરેથી આંખો ખોલી.
હા... શ, કૉમા પાછળ ઠેલાયો.
‘કેમ આ લોલક આટલું ધીમું હાલ સ?' અસ્પષ્ટ અવાજે શાંતાબા બબડ્યાં. પછી બાપુજી સામે જોયું ને પછી અનિલ સામે. પછી લગભગ ચીસ જેવા અવાજે કહ્યું —
‘મારો જિમી ક્યોં? ઈંનં કેમ લાયો નથી?’
અનિલને થયું, બા હવે સ્મરણશક્તિ ગુમાવતાં જાય છે... થોડી ક્ષણ પછી કોઈનેય ઓળખશે નહિ ને કૉમામાં ચાલ્યાં જશે ને પછી મરણ – અંતિમ ‘હા... શ' જેવું.
જિમીને બોલાવ્યો.
સફરજન ખાતા જિમીને શાંતાબા એકીટશે તાકી રહ્યાં. પછી કશુંક બોલવા મથ્યાં, પણ અવાજ ન નીકળ્યો. માત્ર હોઠ ફફડ્યા.
બાપુજીએ કહ્યું, ‘આપણે કાલે જ જિમીને જનોઈ દઈ દઈએ. તાર-ટેલિફોન કરીને બધાને તાત્કાલિક બોલાવી લઈએ ને જનોઈની તૈયારી શરૂ કરી દઈએ.’
શાંતાબાની અંતિમ ઇચ્છા પૂરી કરવા બીજે જ દિવસે જિમીની જનોઈનું નક્કી થયું. તાર-ટેલિફોન-ફૅક્સથી સંદેશો પહોંચાડાયો. જનોઈની બધી તૈયારીઓય યુદ્ધના ધોરણે થવા લાગી.
સાંજથી તો કેટલાંક સગાં આવવાય માંડ્યાં. સૌ પહેલાં માશીબા આવ્યાં. આવતાં જ કહે, ‘તાર આયો તે થયું શોંતાબા ગયોં... પણ પસઅ્ તાર વંચાયો તો જિમીની જનોઈનો. કમૂરતો સ તોય ઓંમ ઓચિંતી જનોઈ રાખી તે થયું, અવઅ્ શોંતાબા જાય એવો હશી... હારું, ઈંમના જીવતજીવ જનોઈ દેવઈ જાય... જિમીની જનોઈમાં જીવ રઈ નોં જાય...'
જે સગાં આવે તે પહેલાં શાંતાબાની ખબર કાઢવા એમના ઓરડામાં જાય પછી ચૂપચાપ એમને જોઈ અથવા તો સાવ ધીમા સાદે કશી ગુસપુસ કરી બહાર આવી જાય ને પછી બાજુના ઓરડામાં ચાલતી જનોઈની તૈયારીમાં કે વાતોમાં લાગી જાય.
શાંતાબાના ઓરડામાં ડિમલાઇટ છે ને બાજુના હૉલ જેવા મોટા ઓરડામાં બધી જ ટ્યુબલાઇટો ને ઝુમ્મરોમાં લાઇટોનો ઝળહળાટ.
જનોઈ માટે હૉલ બુક થઈ ગયો છે. રસોઈ, મંડપ, ડેકોરેશન વગેરેનો કૉન્ટ્રેક્ટ અપાઈ ગયો છે. હૉસ્પિટલમાં દાખલ કર્યા અગાઉ શાંતાબાએ કહેલું એ પ્રમાણેનો વહેવાર કરવા માટેની ચીજો – સાડીઓ, ઘરેણાં વગેરે પણ ખરીદાઈ ગયું હતું. એમાં શાંતાબાના પૈસામાંથી ખાસ ખરીદાયેલો મર્સી માટેનો સોનાનો સેટ પણ છે.
શાંતાબાએ જ કહેલું, ‘મારી ના છતોં અનિલ અમેરિકામોં પૈણ્યો તે હું રિહોંણી 'તી તમોં ઈંની વહુનં મીં લગનનુંય કોંય આલ્યું નથી તે અવઅ્ જિમીની જનોઈ ટાણે મારા પૈસામોંથી મરસી માટઅ્ ખાસ હોનાનો સેટ કરાવજો.’
સ્ત્રીઓનું ટોળું એ સેટ અને બીજાં ઘરેણાં જોવામાં ને વહેવારની વાતો ક૨વામાં તલ્લીન છે. બાજુના જ ઓરડામાં મરવા પડેલાં શાંતાબા જાણે કોઈનેય યાદ નથી, બાપુજી સિવાય. શું શું આવી ગયું ને શું બાકી રહ્યું, કયું કામ કોને સોંપ્યું ને કયાં કામ સોંપવાનાં બાકી વગેરે તૈયારી કરતા બાપુજી થોડી થોડી વારે બાજુના ઓરડામાં આંટો મારી આવે છે. હા, ઘરે લાવ્યા ત્યારથી શાંતાબાની સારવાર માટે અનિલ એમની પાસે જ રહ્યો છે. હૉસ્પિટલના ડૉક્ટરોની હવે કોઈ જ જવાબદારી નથી. હવે બધી જ જવાબદારી અનિલની છે – શાંતાબાના જીવનની અને મરણનીય, શાંતાબાને મરણની નજીક ને નજીક લઈ જતી ક્ષણોનીય. ઘડિયાળ અટકવા જેવી થાય એટલે થોડી થોડી વારે એ ચાવી આપતો રહે છે. એનાથી જાણે શાંતાબાની જીવાદોરી લંબાતી ન હોય!
હવે તો ગમે તેવા પેઈન કિલરનીય કશી જ અસર થતી નહોતી. મરણના વિરાટ પંજામાં શાંતાબાનું હાડકેહાડકું જકડાતું-કચડાતું હતું. ઘેનનાં ઇંજેક્શનનીય કોઈ જ અસર નહોતી. હવે આખુંય શરીર કૉમા તરફ જઈ રહ્યું હતું. છતાંય શરીર પર અસહ્ય પીડાની રેખાઓ એવી તો ઊપસતી કે લાગતું કે શાંતાબા હવે આ પછીની ક્ષણે મરણને જન્મ આપશે?!
અનિલને થયું, સા૨વા૨ માટેય હવે તો માત્ર એક જ વિકલ્પ રહ્યો છે – મર્સી કિલિંગ...
ચૂપચાપ એક ઇંજેક્શન આપી દેવું ને બધું પતાવી દેવું...
વળી શાંતાબાના હોઠ ફફડવા લાગ્યા. અનિલ એ હોઠ પાસે કાન લઈ ગયો, પણ ઉચ્છ્ વાસમાં કોઈ જ શબ્દો નીકળતા નહોતા... હવે અવાજ ગયો... બસ, હવે એકાદ-બે કલાક. મેં અનેક પેશન્ટોને મરતા જોયા છે. આ હાલત પછી કોઈ જ એક-બે કલાકથી વધુ ટકતું નથી. શાંતાબાએ પીડા-યાતના સહન કરીનેય આટલા દિવસ તો કાઢ્યા, પણ અત્યારે તો હાલત મરણથીયે બદતર છે. પણે ખૂણામાં ઘીનો દીવો ભલે ટમટમે છે, પણ શાંતાબાની ઇન્દ્રિયો એક પછી એક હોલવાતી જાય છે... હવે કદાચ મગજ હોલવાઈ જશે... પાણીથી દૂર ફેંકાઈ ગયેલી ને છતાં મરણ નહિ પામતી માછલીની જેમ એમનું શરીર તરફડે છે ને છતાં આ અંતિમ તરફડાટ લંબાતો જાય છે... ઝટ જીવ જાય તો સારું... નહિ તો પછી...
મર્સી કિલિંગ માટે અનિલે ઇંજેક્શન તૈયાર કર્યું. થોડી ક્ષણ એ ઇંજેક્શન સામે જોઈ રહ્યો, પણ પછી શાંતાબાના શરીરમાં દાખલ કરવાને બદલે એણે બારીની બહાર પિચકારી મારી ને પછી ઇંજેક્શન પણ કચરાટોપલીમાં નાખ્યું.
બેય હાથે માથું પકડીને અનિલ ખુરશીમાં બેસી પડ્યો.
બા રિબાય તો ભલે રિબાય... કાલ જનોઈ સુધી દેહ ટકે તો ટકે ને ન ટકે તો ન ટકે... બધું ઈશ્વર પર છોડી દેવું...
અમેરિકામાં તો ક્યારેય ઈશ્વર-બિશ્વર યાદ આવ્યો નહોતો. શાંતાબા તો અનિલને પહેલેથી જ નાસ્તિક કહેતાં.
બાપુજી વળી ઓ૨ડામાં આવ્યા. કશું બોલ્યા નહિ. શાંતાબાના તરફડતા શરીરને જોઈ રહ્યા, પણ એમના ચહેરા પર શાંતાબા માટેની ચિંતાની કોઈ જ રેખા નહોતી કે જનોઈની તૈયારીની એકેય રેખા નહિ!
એમનો ચહેરો સાવ ભાવશૂન્ય, જરઠ થઈ ગયેલો.
દ્વિધાને કારણે અનિલના ચહેરા પર કેટલીક નસો ઊપસી આવેલી. જનોઈના સમય સુધી હવે શાંતાબાનો જીર્ણ દેહ નહિ ટકી શકે.
અનિલને માશીબાની વાત યાદ આવી.
માશીબાનાં લગ્ન વખતે, આગલી રાતે જ કોક નિકટના સગાનું મરણ થયું તો એ લોકોએ વાત છાની રાખીને લગ્ન પતી ગયા પછી શબ કાઢ્યું.
અનિલને વળી એક તુક્કો સૂઝો –
શાંતાબાના શબને તો સંતાડીને રાખવાની જરૂર નહિ. જનોઈ જોવા માટે એમના શબને તો શણગારીને આરામખુરશીમાં ગોઠવી શકાશે.
કિક આઉટ ઑલ સેન્ટિમેન્ટલ ટ્રેશ – અનિલે જાતને કહ્યું.
ઇન્ડિયા આવ્યા પછી પોતે કેમ આમ સેન્ટિમેન્ટલ થઈ ગયો છે? સામેની દીવાલ પરથી પોપડા ખરતા હોય એવો આભાસ કેમ થાય છે? બારીમાંથી દેખાતા પેલા ખીચોખીચ પાંદડાંવાળા ઝાડ ૫૨ જાણે છેલ્લું પાન જ બાકી રહ્યું હોય એવું કેમ લાગે છે? સ્ટ્રીટલાઇટનું અજવાળું કેમ ધીરે ધીરે કાળું પડતું જાય છે? સતત ઉજાગરાઓના કારણે કદાચ પોતાનું મગજ બહેર મારી ગયું છે...
વળી ઘડિયાળમાં ડંકા પડવા શરૂ થયા.
શાંતાબાએ આંખો ખોલી. જ્યોત હોલવાઈ ગયા પછી થોડી ક્ષણ દિવેટ ચળકતી રહે એમ શાંતાબાની આંખો ચમકી રહી હતી.
ઘડિયાળ અને આંખોની વચ્ચે જાણે ધુમ્મસ જેવું બાઝી ગયેલું. બેય હાથો વડે ધુમ્મસ આઘું કરવાનો વિચાર તો આવ્યો, પણ પથારીમાં પડેલા લાકડી જેવા હાથ ઊંચા થઈ શક્યા નહિ. એ હાથ કોકના હોય એવું લાગ્યું. ત્યાં તો કશો ચમત્કાર થયો હોય એમ ધુમ્મસમાં જરી બોગદું પડ્યું ને ઘડિયાળ દેખાઈ!
હા... શ! જીવું તો છું...
ત્યાં હાલતું લોલક પણ દેખાયું.
ઊંડા કરચલિયાળા ગોખમાં કીકી આમથી તેમ હાલવા લાગી.
વળી એમણે આંખો મીંચી.
મરણ અગાઉનાં અંતિમ તરફડિયાં ક્યારનાં શરૂ થઈ ગયેલાં, પણ જીવ જતો નહોતો. કપાયેલા બકરાના પેટની જેમ છાતી-પેટ હાલતાં હતાં. બોલવું બંધ થઈ ગયેલું. પણ એમની ચેતના હોલવાતાં પહેલાં ફાનસ ભપકે એમ ભપકતી હતી હજીય. મરણનો ઓછાયો શરીર ૫૨ પથરાયેલો હતો. મોં સાવ વાંકું થઈ ગયેલું.
અનિલ શાંતાબાના પલ્સ જોતો બેઠો હતો.
અંતિમ ઘડીઓ ગણાતી હતી. વચ્ચે વચ્ચે થોડી ક્ષણો માટે પલ્સ બંધ થઈ જતા ને વળી પાછા ચાલવા લાગતા. શ્વાસ અટકી અટકીને ચાલતો. જીવ એ ગયો... એ ગયો... એમ લાગતું હતું પણ આવી અસહ્ય પીડા ને તરફડાટ છતાંય જીવ કેમેય જતો નહોતો.
અનિલને મન થઈ આવતું –
લોલક અટકાવી દેવાનું. પણ એના બદલે એણે વિચાર્યું, થોડી થોડી વારે પોતે ઘડિયાળને ચાવી આપ્યા કરતો હતો એ હવે બંધ કરી દઉં.
ત્યાં બાપુજી પ્રવેશ્યા. શાંતાબા સામે જોયું. પછી પેલી ઘડિયાળ પાસે ગયા. કાચનું શટર ખોલીને એમણે હાલતા લોલકને અટકાવી દીધું.
કોણ જાણે કેમ, પણ એ પછી શાંતાબાએ આંખો ખોલી.
ખાસ્સી મથામણ પછી નજર સ્થિર થઈ. જીવ જાણે નીકળી જવા માટે આંખો સુધી આવી ગયો હોય એવી આંખોએ લોલકનું અટકી જવું ઉકેલ્યું અને ડોળા ફાટી ગયા...
અનિલે શાંતાબાની ખુલ્લી રહી ગયેલી આંખો બંધ કરી... ઓરડામાં એક-બે આંટા માર્યા ને પછી ઘડિયાળ પાસે જઈને તર્જનીથી લોલકને ધક્કો માર્યો.