યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/બડી દૂ...ર નગરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગિયાર
બડી દૂ...ર નગરી

‘Next, જીવણ ઝાપડિયા...’ ‘જી, શાએબ.’ ‘કયું ગીત ગાવાના છો?' ‘ભજન શાએબ.’ જૉસેફે ટેવવશ ઇલેક્ટ્રિક ઓર્ગન થોડું વગાડ્યું ને વિચાર્યું, જીવણ જે સૂરમાં ગાશે એ પ્રમાણે હું મેળવી લઈશ. ‘શરૂ કરો, એક-બે લીટી ગાઓ.’ ‘કાળી તૈણ, શાએબ.’ જીવણ બોલ્યો ને પછી એક હાથ કાને મૂકીને દોહો લલકાર્યો ને પછી ભજન ઉપાડ્યું –

‘કૈસે આવું રે કનૈયા,
તેરી ગોકુળનગરી...
હૈ બડી દૂ...૨ નગરી..’

‘એક મિનિટ.’ જીવણે અટકીને જૉસેફ સામે જોયું. ‘ગાતાં ગાતાં થોડી થોડી વારે મારી સામે જોતા રહેવાનું... હું હાથ આ...મ ઊંચો લઈ જઉં તો સૂર જરી ઊંચે લઈ જવાનો. ગાઓ આગળ...’ ‘જી, શાએબ.’

જમના જલ જાઉં કાના,
પાયલ મોરી બાજે...
ઝપટ ચલું તો મોરી છલકે ગગરી...
હૈ બડી દૂ...ર નગરી...
કૈસે આવું રે કનૈયા
તેરી ગોકુળ નગરી...'

સામે, સિલેક્શન કમિટીના સભ્યો સાથે બેઠેલા અને આંગળીઓથી ઢીંચણ ૫૨ ખોટો ખોટો તાલ આપતા પ્રિન્સિપાલે જૉસેફને પૂછ્યું – ‘જીવણ ચાલે એમ છે?’ ‘ચાલે એમ નહિ, સરસ ગાય છે...’ ‘જીવણ અમારા ટ્રેનિંગ સેન્ટરનો પાર્ટ ટાઇમ સ્વીપર છે.' ‘એમ! ખરેખર એ સારું ગાય છે. સૂર, તાલ, લય... બધુંય બરાબર.' ‘તો શાએબ, મું પસંદ થયો? મનં ઈસ્ટેજ પર ગાવા મળશે?' ‘યેસ, યુ આર સિલેક્ટેડ.' પ્રિન્સિપાલે અભણ જીવલા ૫૨ અંગ્રેજી ફેંક્યું. પણ પ્રિન્સિપાલના હાવભાવ પરથી જીવણ સમજ્યો કે પોતાની પસંદગી થઈ છે. ‘દયા સ, શાએબ.’ કહી જીવણે બે હાથ જોડ્યા. જીવણ ઝાપડિયા, ઉંમર ત્રીસેક. પણ પાતળો બાંધો તે વીસેક વર્ષનો લાગે. ઊંચાઈ પાંચેક ફૂટ. લંબગોળ કાળું મોં. સાવ સૂકો વાન. ચમકતી આંખો, માથે વેસ્ટ ઇન્ડિયન લોકોને હોય તેવા આછા, વાંકડિયા વાળનાં ગૂંચળાં. બેય હાથે ખસ થઈ હોય તેવી કરકરી, સૂકી, જાડી ચામડી. પણ અવાજ સ્નિગ્ધ, જરીક પાતળો ને મધુર. જાણે ભજનો ને લોકગીતો માટેનો જ અવાજ. ટ્રેનિંગ સેન્ટરમાં હું જોડાયો એ દિવસે બધા વર્ગો, લૅબોરેટરીઓ, લાઇબ્રેરી વગેરે જોવા નીકળેલા ત્યારે એક ખાલીખમ વર્ગમાં મેં જીવણને એક પાટલી પર બેસીને કંઈક લખતો જોયેલો. એને કોઈક ટ્રેઇની ધારીને મેં પૂછેલું –– ‘શેની ટ્રેનિંગમાં આવ્યા છો?' ‘હું તો પાર્ટ ટૅમ સીપર સુ શાએબ.' ‘શું નામ?’ ‘જીવણ કેશા ઝાપડિયા, શાએબ.' ‘અહીં બેસીને શું લખો છો?' ‘લેશન કરું છું, શાએબ.' ‘વાક્યે વાક્યે આમ સાહેબ કહેવાની જરૂર નથી.' ‘એ તો કેવું પડઅ્ શાએબ.' ‘મારી સાથે વાત કરતાં નહીં કહેવાનું.' ‘હારું શાએબ.’ ‘પાછું સાહેબ?’ ‘અવ નીં કઉં શાએબ.’ મને થયું, એની ‘શાએબ' કહેવાની ટેવ નહિ છૂટે. ‘શેમાં ભણો છો?' ‘હાતમામોં, શાએબ.' ‘સરસ. કઈ સ્કૂલમાં?' ‘રાત્રિશાળામોં શાએબ, મિરઝાપુરમાં, સેંટ ઝેવિયર હાઈસ્કૂલ.’ ‘ખૂબ સરસ. ભણવાનું પૂરું કરજો. વચ્ચેથી છોડી ન દેશો. ને હા, મારી સાથે વાત કરતાં આખો ઘડી શાએબ-શાએબ નહીં કરવાનું.’ ‘જી શાએબ.’ કહેતાં એને ટ્યૂબલાઇટ થઈ કે વળી ‘શાએબ’ કહેવાઈ ગયું તે એની આંખોમાં ઝબકાર થયો ને બોલ્યો, ‘ભૂલ થઈ ગઈ, શાએબ.. ઓ... ફરી પાછું શાએબ બોલઈ ગ્યું.' પસંદગી માટેનું રિહર્સલ હતું છતાં જીવણ નવું શર્ટ પહેરી લાવેલો. પણ સવારે મોટાં મોટાં ત્રણ બિલ્ડિંગોમાં ને કમ્પાઉન્ડમાં કચરો વાળ્યા પછી શર્ટની દશા કેવી થાય? તે નવું શર્ટ એણે એના દફતરમાં રાખેલું. સવારના ચાર ને સાંજના ત્રણ એમ સાત કલાકની ડ્યૂટી એને આપેલી. તે વચ્ચેના સમયમાં એ લેસન કરતો હોય. પ્રિન્સિપાલ જો ઇચ્છે તો એને કાયમી કરી શકે પણ એમને બીક છે કે કાયમી કર્યા પછી એ આવું કામ નહિ કરે. બે સ્વીપરનું કામ રોજ જીવણ એકલો કરે છે. એની ધૂનમાં કંઈ ગણગણતો એ ઊંધું ઘાલીને કચરો વાળતો હોય ને મનમાં હોય, ‘ઝટ પરવારું તો હટ લેસન કરવા બેહાય.' ક્યારેય કોઈ જ કામની ના નહિ. નહીંતર સરકારી ઑફિસોમાં તો – – મારું કામ તો ખાલી ટેબલો સાફ કરવાનું છે. પાણી માટે નહીં કહેવાનું. – મારું કામ તો પાણી પાવાનું છે, હું ટેબલ સાફ ન કરું. – મારું કામ તો કચરો વાળવાનું, બીજું કામ નહિ બતાવવાનું. – મારું કામ ખાલી ફાઈલો લાવવા-લઈ જવાનું... આવા જવાબો ‘કાયમી' થયા પછી હોય. કાયમી ન થાય ત્યાં સુધી ‘હા સાહેબ' ‘જી, સાહેબ’ કહેતાં બધુંય કામ કરે; રાત્રે સાહેબના ઘરે જઈને તેલમાલિશ ચંપીય કરી દે. ચોથા વર્ગના કુલ દસ-બાર કર્મચારીઓ. પણ એમાં જીવણ કેશા તૂટી મરે ને બાકીના ફરતા ફરે. પોતાનું શોષણ થાય છે ને કાયમી કરાતો નથી એનો જીવણને જરીકે રંજ નહિ. એ તો એની ધૂનમાં ઊંધું ઘાલીને ભજન ગણગણતો કચરો વાળતો હોય. કોઈ એને પૂછે, ‘શું જીવણ, મજામાં?' તો હંમેશાં એનો જવાબ હોય – ‘દયા સ, શાએબ.' એનો ચહેરોય હંમેશાં કોરોકટ, જાણે પાષાણમાંથી કોર્યો હોય. સુખની કે દુઃખની જાણે કશી અસર જ નહિ! એની સાવરણી ફર્શ પરનો કચરો વાળતી એની સાથે જાણે એની ભીતર પણ ફરતી ન હોય! પણ હા, વાર્ષિક કાર્યક્રમમાં ભજન ગાવા બાબતે મેં પહેલી વાર એના કોરા ચહેરા પર ઉત્સાહ ઊમટતો જોયેલો. રિહર્સલના સમય અગાઉ એ ખૂબ વહેલો આવી ગયેલો ને ટ્રેનિંગ સેન્ટરના હૉલના સ્ટેજ ૫૨ ઓ૨કેસ્ટ્રાનો સામાન ગોઠવાવ્યો. સાઉન્ડ સિસ્ટમની સામગ્રી ગોઠવવામાંય એણે હોંશે હોંશે મદદ કરી. હરિજનવાસમાં હારમોનિયમ ને તબલાં સાથે તો જીવણ ઘણીય વા૨ ૨ાતે મોડા સુધી ભજન ગાતો. પણ એ સપનાં જોતો કે ઑરકેસ્ટ્રા સાથે પોતાને કો'ક વાર ગાવા મળે તો?! બબ્બે જણાં ઇલેક્ટ્રિક ઑર્ગન વગાડતા હોય, બે-ત્રણ જણ ઇલેક્ટ્રિક ગિટાર ને કોંગો-બોંગો ને સાથે ડ્રમ ને સેક્સાફોન ને ક્લેરોનેટ ને ઢોલ-ઢોલક ને વાંસળી ને આહા... સ્ટેજ પર જાતભાતનાં રંગોનાં અજવાળાં પ્રગટતાં, બુઝાતાં, ઘૂમતાં, ઝબકતાં-ધબકતાં હોય ને પોતે આમ હાથમાં માઇક પકડીને ગાતો હોય ને સ્ટેજ પર આમથી તેમ જતો હોય ને પ્રેક્ષકોનાં માથાં ને હાથ રિધમ સાથે ઝૂમતાં હોય... આ વખતે પોતાની પસંદગી થઈ એટલે વર્ષો જૂનું એ સપનું સાકાર થશે. વળી આ વખતે તો પ્રોગ્રામ શહેરના સૌથી મોટા ગાંધી હૉલમાં થવાનો છે. પ્રિન્સિપાલને ચિંતા હતી કે ગાંધી હૉલ પસંદ તો કર્યો છે પણ જો અડધોય ભરાશે નહિ તો ફિયાસ્કો થશે. એમાંય ઉદ્ઘાટન માટે જી. એમ. સાહેબને બોલાવ્યા છે. હૉલ ખાલી ન રહે માટે તો આટલો ખર્ચ કરીને ઑરકેસ્ટ્રાવાળા ને ધંધાદારી ગાનારાઓનેય બોલાવ્યા છે. એ લોકો મૂકેશ ને રફી ને કિશોરકુમારના અવાજમાં ફિલ્મી ગીતો ગાશે. એના આકર્ષણથી ઑડિયન્સ ખેંચાઈ આવશે ને હૉલ ભરેલો લાગશે. ગયે વર્ષે તો ટ્રેનિંગ સેન્ટરના હૉલમાં જ પ્રોગ્રામ થયેલો. પણ ખૂબ સારું ગાતો હોવા છતાં જીવણને ગાવા મળ્યું નહોતું. કારણ? સૂર-લય-તાલમાં ગાતાં ન આવડતું હોવા છતાં કેટલાંક ઑફિસરોને ઑરકેસ્ટ્રા જોઈને ફિલ્મી ગીત ગાવાનું મન થઈ ગયેલું ને સમય વધી જતો હતો તે જીવણ અને બીજા બે પટાવાળાની બાદબાકી થઈ ગયેલી. ચીફ ગેસ્ટે પણ એ ઑફિસરોનાં ગીતોને ‘બીલો સ્ટાન્ડર્ડ' કહેલાં એ સારું થયું. જેથી એ લોકોએ આ વર્ષે ભાગ નહોતો લીધો. જીવણ ‘ચીફ ગેસ્ટ'નો ખોટો ઉચ્ચાર કરતો – ‘ચીપ ગેસ્ટ’. આમંત્રણ કાર્ડ માત્ર સો જ છપાવેલાં, મોટા ઑફિસરોને રૂબરૂ આપવા માટે. બાકી કાગળના નાના ચોરસ ટુકડાઓ પર ગોળ સિક્કો મારીને રિક્રિએશન ક્લબના સેક્રેટરીની સહી કરાવેલી. બસ, એ જ પાસ. ગાંધી હૉલ ભરાય એ માટે આવા પાસ થોકબંધ વહેંચવામાં આવેલા. છેવટે જીવણ આતુરતાથી જેની રાહ જોતો હતો એ પ્રોગ્રામનો દિવસ આવ્યો. પ્રોગ્રામમાં ભાગ લેનારા, ટ્રેનિંગ સેન્ટરના ઑફિસરો, સ્વાગત કમિટી ને અન્ય કમિટીઓના સભ્યોએ, બે-ત્રણ રંગોના ચળકતા કાપડમાંથી બનાવેલા ગોળ બિલ્લા ભરાવી આમથી તેમ ફરતા હતા. સ્ટેજ શણગારવાના કામમાં બીજાઓની સાથે જીવણ પણ લાગી ગયેલો. નેવી બ્લ્યુ રંગનું ટ્રેનિંગ સેન્ટરનું બેનર પરદા પર ભરાવ્યું. ને એની બંને બાજુ હજારી ગોટાના પીળચટાં કેસરી ફૂલોની પાંચ પાંચ ઊભી હાર ને વચ્ચે લાંબી પાતળી પાંખડીઓવાળાં સફેદ ફૂલોની હાર ને બેનરની ઉપર ગુલાબનાં ફૂલો ભેરવીને લખેલું – વેલકમ. કોટ કે સફારીમાં સજ્જ સ્વાગત કમિટીના સભ્યો હૉલના દરવાજા પાસે આમથી તેમ આંટા મારતા હતા. પણ હજી પ્રેક્ષકો આવવાની શરૂઆત થઈ નહોતી. ત્યાં તો દૂરથી પચીસ-ત્રીસનું ટોળું આવતું દેખાયું. સ્ત્રીઓએ લાલ-પીળા ભપકાદાર રંગોવાળી, ચળકતી બૉર્ડરવાળી લગનમાં પહેરવાની સાડીઓ પહેરેલી ને બધાંએ માથે ઓઢેલું. કેટલાંકે તો પોણો ચહેરો ઢંકાઈ જાય એવી લાજ કાઢેલી. પુરુષોય નવાં કપડાંમાં રૂઆબભેર ચાલતા હતા. એ લોકોને જોઈ જીવણ સ્ટેજ પરથી કૂદતોકને દોડ્યો. ‘આવો, આવો... કઈ બસમોં આયોં?' તાણેલા ઘૂમટામાંથી કોઈ બોલ્યું, ‘અમે તો સ તે રિક્ષામોં આયોં.' ‘રિક્ષાના તો બઉ પૈસા થાય. લાલ બસમોં આબ્બું 'તું ક...' ‘અમારો જીવલો ઇસ્ટેજ પર ગાવાનો હોય નં પસઅ્ પૈસા હોમું હું જોવાનું?' ‘હારું હારું... હડો અવઅ્... ના, ના... ઓંય કણઅ્ નોં બેહ લ્યા રોંમલા... આપડઅ્ ઓંય આવો, મું બેહાડું આ છેલ્લી લેંનમાં બેહી જૉવ. એકઅ્ કોઈ ઉઠાડઅ્ નંઈ..’ ત્યાં તો, સ્ટેજ પર પરદો હજી ખૂલ્યો ન'તો તોય માઇકમાંથી અવાજ આવ્યો – ‘જીવણ ઝાપડિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થાય...' જીવલાના સંબંધીઓને થયું કે ‘વાહ... જીવલા કેશાનોં તો કેવો મોંન સ! માઇકમોં નોંમ બોલાય સ..! જીવલો-બીવલો નંઈ પણ જીવણ ઝાપડિયા..!' આગલા દિવસે જ જીવણે પૂછેલું, ‘પોંચ પાસમોં તો હું થાય, શાએબ? બીજા વધા૨ે નોં મળઅ્? ‘કેટલા જોઈએ?’ ‘પચ્ચી-તરી.’ ‘એટલા બધા શું કામ?' ‘મારો આખોય વાહ આવશે, શાએબ.' ‘સારું, મળશે.’ ને જીવણ ઝાપડિયાને ‘ઇસ્ટેજ' પર ગાતો જોવા-સાંભળવા ખરેખર એનો આખોય મહોલ્લો ઊમટી આવેલો, ઉત્સાહભેર. પછી તો બે-ચાર બે-ચારના ઝૂમખામાં મહેમાનો આવવા લાગ્યા. ધીરે ધીરે હૉલ ભરાવા લાગ્યો. પછી તો ગાડીઓ પર ગાડીઓ આવવા લાગી ને એમાંથી ડી.જી.એમ. સાહેબો, ડાયરેક્ટર સાહેબો, એરિયા મૅનેજર સાહેબો, ને એન્જિનિયર સાહેબો ઊતરવા લાગ્યા ને પહેલી બે હરોળમાં ગોઠવાવા લાગ્યા. હૉલ લગભગ ભરાઈ ગયો. મોટા સાહેબોને પ્રોગ્રામની યાદીનાં કાગળિયાં વહેંચાયાં. ઉદ્ઘાટન, પ્રાર્થના, ડાંગી લોકનૃત્ય, જોક્સ ને મિમિક્રી, નાટક, ઇનામ વિતરણ ને જી. એમ. સાહેબનું પ્રવચન ને છેલ્લે મ્યુઝિકલ પ્રોગ્રામ. ત્રણના બદલે સાડા-ત્રણ થયા તોય પરદો હજી ખૂલવાનું નામ નહોતો લેતો. પ્રિન્સિપાલ ગુસપુસ કરતા હતા – જી. એમ. સાહેબને લેવા કોઈ નથી ગયું? ‘લોકો કંટાળશે સાહેબ, એકાદ ગીત કે જોક્સ કે કંઈ શરૂ કરાવીએ?’ ‘ના. જી. એમ. સાહેબને ખરાબ લાગે. એ દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરે પછી જ શરૂ કરાય.' ‘પણ પરદો નહિ ખોલીએ. પરદો ઉદ્ઘાટન પછી ખોલીશું. પરદા બહારથી કોઈ ગાશે કે જોક્સ કહેશે.' ‘અરે, તમને ખબર નથી મિ. પાઠક, આવા જ એક કેસમાં એક ડિવિઝનલ એન્જિનિયરની ટ્રાન્સફર થઈ ગયેલી.' પોતાના જીવલાને ગાતો જોવા આવેલાં છેલ્લી બે લાઇનમાં બેસીને જોતાં હતાં – શરૂઆતની બે લાઇનમાં બેઠેલા સાહેબને જીવલો પાણી પાતો હતો! પ્રિન્સિપાલ ગભરાયેલા ગભરાયેલા આમતેમ આંટા મારતા હતા. સાહેબો માટેના કોલ્ડ-ડ્રિંક્સની વ્યવસ્થા થઈ ગઈ? ફલાણું થઈ ગયું? ઢીંકણું થઈ ગયું? પૂંછડું થઈ ગયું? ‘આપ સાહેબ, જરીકે ચિંતા ન કરો. બધું તૈયાર છે.' ‘ફોન કરી જુઓ, જી. એમ. સાહેબ નીકળી ગયા? કેટલી વા૨માં નીકળશે  અને સીધું જી. એમ. સાહેબને ન પૂછશો. એમના પી.એ.ને પૂછવાનું. ઓ.કે.?' ‘ઓ.કે. સર.' ઘણાને જસપાલ ભટ્ટીનો ટીવી પર આવેલો ‘ચીફ ગેસ્ટ'વાળો એપિસોડ યાદ આવ્યો. ત્યાં માઇક જાણે ઝબકીને જાગ્યું. પહેલાં તીણી વ્હીસલે જાણે બગાસું ખાધું. પછી અવાજ આવ્યો – ‘જી. એમ. સાહેબ અહીં આવવા નીકળી ગયા છે... કૃપા કરીને શાંતિ જાળવો... હવે થોડી જ વારમાં આપની ધીરજનો અંત આવશે..’ ત્રણને બદલે પોણા ચાર... ત્યાં તો સ્વાગત કમિટીનું ધાડું દોડ્યું. ‘જી. એમ. સાહેબ આવી ગયા... જી. એમ. સાહેબ આવી ગયા...!' છેવટે છેક ચાર ને પાંચે કાર્યક્રમ શરૂ થયો. દીપ પ્રગટાવીને જી. એમ. સાહેબ સ્ટેજ પરથી પાછા આવીને એમની ખુરશીમાં ગોઠવાયા. પ્રાર્થના થઈ, આદિવાસી લોકનૃત્ય રજૂ થયું. પછી નાટક, પછી ઇનામ વિતરણ ને ભાષણબાજી ઘણી લાંબી ચાલી. પ્રેક્ષકોમાં કલબલાટ ચાલતો હતો, કોઈનેય જરીકે રસ પડતો નહોતો ભાષણોમાં, છતાં વક્તાઓને જાણે માઇક ચઢતું હતું... છેલ્લી હરોળમાં નવાંનક્કોર કપડાં પહેરેલો એક ટેણકો વારે વા૨ે પૂછતો હતો – ‘મા... બાપા ચ્યાણં ગાશી?' છેવટે ભાષણબાજીનો એ બોરિંગ ભાગ પૂરો થયો. પરદો પડ્યો. ટેબલ-ખુરશીઓ હઠાવી દેવાયાં ને ઑરકેસ્ટ્રાનો સામાન ગોઠવાવા લાગ્યો. બધું ગોઠવવામાં જીવણ પણ મદદ કરવા લાગ્યો. રિહર્સલમાં જોયેલું તે હવે તો જીવણને વાજિંત્રનાં કૉર્ડ ભરાવતાંય આવડી ગયેલું. બધું ગોઠવાઈ ગયું. પરદો ખૂલ્યો. અંધારું. કેન્દ્રમાં માત્ર ગાયક પર આછા સોનેરી પ્રકાશનું કૂંડાળું. વાજિંત્રો બજી ઊઠ્યાં. ગાયકે મૂકેશના અવાજમાં ગીત ઉપાડ્યું કે તરત આખાય હૉલમાં તાળીઓના ગડગડાટ. એ ગીતની છેલ્લી કડી ચાલતી હતી. જીવણ રાહ જોતો હતો — હમણાં એનાઉન્સર બોલશે – ફિલ્મી ગીત પછી હવે સાંભળીએ એક ભજન. ગાયક કલાકાર જીવણ... ઝાપડિયા... પોતાનું નામ જાહેર થતાં જ છેલ્લી બે હરોળમાંથી તાળીઓનો દરિયો ઊમટશે... છેલ્લી હરોળમાં બેઠેલા એક ડોસાની છાતીનું પાંજરું ગર્વથી ફૂલતું હતું – મુંય જીવલા જેવડો હતો તારઅ્ હવારમાં ભલઅ્ મૅલું ઉપાડતો પણ રાતીં તો વાહમાં એવોં ભજનો ગાતો! વાહનું લોક ‘ભગત-ભગત' કઈનં બોલાવતું. જીવલો કેવો નસીબદાર! સરકારમોં ‘સીપર'ની નોકરી નં વળી મોટા મોટા વોંણિયા-બોંમણ સાહેબોનં પોંણીય પાય! મું ગાતો તારઅ્ તો વાહમોંય, પેટી ક તબલોંય નસીબમાં નતોં... પણ મારો જીવલો તો ‘ઇસ્ટેજ' પર ગાશે... ‘ઇસ્ટેજ' ૫૨... ઑરકેસ્ટાની હારે... ધન થઈ જ્યું ઈનું જીવતર... કોઈ ઘૂમટામાંથી વારે વારે તીણો અવાજ આવતો – ‘કૉનિયા... હમણોં તારો બાપ ઇસ્ટેજ પર ગાશી...’ ને આગલી હરોળમાંથી થોડાં ડોકાં પાછળ ફરીને જોતાં ને એમાંથી કોઈ કોઈ બોલતુંય ખરું – – હવે વચમાં બોલવાનું બંધ કરશો? – સાંભળવા દેશો કે નહિ? કયાંથી ચાલ્યાં આવ્યાં છે શી ખબર...? પાંચ-સાત ગીતો પત્યાં. જેવું કોઈ ગીત પતે કે જીવણને થાય – અમં તો મારું નોંમ બોલાશે... હમણોં બોલાશે... ત્યાં એક વિચાર આવતાં જ, માથે ‘મૅલું' પડ્યું હોય એમ જીવણને ધાસકો પડ્યો – જી. એમ. શાએબ એક કલાક મોડા આયા તે પૉગરૉમ ટૂંકઈ દેશી તો? ત્યાં યાદ આવ્યું, અઠવાડિયા અગાઉ થયેલી મિટિંગ વખતે પોતે બધાંને ચા આપતો હતો ત્યારે ચર્ચા ચાલતી હતી – ‘ત્રણથી છ સુધી હૉલ લીધો છે. પણ ધારો કે જી. એમ. અડધો કલાક મોડા આવે તો? પ્રોગ્રામ કાપી નાંખવો? કે સાડા છ સુધી લંબાવવું? પ્રોગ્રામ જો લંબાય તો દર અડધા કલાકના બસો રૂપિયા વધારાનો ચાર્જ છે...’ ‘તો કંઈ નહિ, ચાર્જ ભરી દઈશું. પણ પ્રોગ્રામ ટૂંકાવશું નહિ.' ને જીવણના જીવમાં જીવ આવ્યો. ને એણે કો'કને પૂછ્યું – ‘ટૅમ હું થ્યો સ, શાએબ?' ‘છ વીસ.’ સાડા છ વાગ્યા ત્યાં જ હૉલના મૅનેજરે કહેવડાવ્યું – ‘આ ગીત પછી પ્રોગ્રામ પૂરો કરો. સાત વાગ્યાથી હૉલ અન્ય સંસ્થાને આપેલો છે.’ પણ એ પછીય એક ‘શાએબ'નું ગીત રજૂ થયું, તો મૅનેજર જાતે આવીને બૂમબરાડા પાડીને કહી ગયા – ‘હવે આ કડી પછી પૂરું કરો... તમે સમજતા કેમ નથી...?' ગવાતા ગીતની એ પંક્તિમાં સૂર વધુ ને વધુ નીચા, ધીમા થતા જતા હતા – જાણે દોર ખેંચી લઈને કોઈ પતંગ ઉતારી લેતું ન હોય! એ સાંભળીને છેલ્લી હરોળમાંથી વળી ઘૂમટામાંથી તીણો અવાજ આવ્યો – ‘લ્યા કૉના... અમં તો તારા બાપા આવશી...' ને ટેંણકા કાનિયાએ મેંશ આંજેલી કાળી કાળી મોટી આંખો પહોળી કરીને જોયું તો – ધીરે ધીરે પરદો પડતો હતો... બધી વસતિ ઊભી થઈને ચાલવા લાગી. ‘મા... ચંમ બધોં હેંડવા મોંડ્યો? બાપા ચ્યાણં ગાશી?’