યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/હજીયે કેટલું દૂર?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે
હજીયે કેટલું દૂર?

કેટલું દૂર છે સ્ટેશન? હજીયે કેટલું દૂર? સ્ટેશન આટલું દૂર તો ક્યારેય નથી લાગ્યું... રસ્તોય આટલો લાંબો તો ક્યારેય નથી લાગ્યો... ટોપી પહેરી હોવા છતાં ટાલ તપી ગઈ છે... તડકાથી કે તાવથી? જિંદગી આખીયનો થાક વરતાય છે એકસામટો... પગ પણ પરાણે ઉપાડવા પડે છે... શાંતા સાચું કહેતી હતી – રોજ તાવ આવે છે... અશક્તિય કેટલી છે... જશો નહીં... મારું કહ્યું માનો... જશો નહીં. હઠ કરીને, જીદ કરીને પેન્શન લેવા જવા માટે નીકળેલા મહિપતરાયે આમ તો શાંતાબહેનનું માન્યું હોત. પણ... આજે સવારના પહોરમાં જ... “મીતા,” છીંકણી તાણતાં શાંતાબહેન બોલ્યાં, “થોડુંક પરચૂરણ આપજે, મંદિરમાં મૂકવા...” “અત્યારે આખર તારીખમાં ક્યાંથી લાવું?” ગુંદર વડે પોતાનું આઇડેન્ટિટી કાર્ડ સાંધી રહેલા મહિપતરાય વહુનો જવાબ સાંભળી સમસમી ઊઠ્યા. એમને યાદ આવ્યું – કાલે જ મીતા એના માટે સોળ રૂપિયા ને પંચોતેર પૈસાનો પાઉડર લાવેલી. મોટી રૂપાળી ના જોઈ હોય તો? ત્યારે આખર તારીખ નહોતી? મહિપતરાયનું સૂકલકડું ઘરડું શરીર થોડું તપી ઊઠ્યું. આંખો રાતી થઈ. લમણાની નસો ફૂલી. ભમ્મરો ખેંચાઈ. આમ તો એ ક્યારેય મગજમારી ન'તા કરતા. દીકરો કે એની વહુ પોતાની જીભ તોડી લે એના કરતાં મૂંગા મરવું સારું. જૂના નકામાં ઠામની જેમ એક ખૂણામાં પડ્યા રહેવું. પણ છેલ્લા પંદરેક દિવસથી આવતા ઝીણા તાવને લીધે તેઓ ચીડિયા બની ગયેલા. તાવના કારણે મોં કડવું રહેતું. કશું તીખું તમતમતું ખાવાની ઇચ્છા થઈ આવતી. પણ દીકરાની વહુની બીકે તેઓ મૂંગા રહેતા. રિટાયર્ડ નહોતા થયા ત્યારે કેવો રુઆબ હતો! કેવો વટ હતો! દર અઠવાડિયે કંઈનું કંઈ ગળ્યું તથા ફરસાણ તો હોય જ. માંદગીના કારણે તથા સતત દબાયેલા રહેવાને કારણે મહિપતરાયનો મિજાજ છટક્યો – “વહુ, હજી તો હું જીવતો મૂઓ છું. એમ ના માન...” મહિપતરાયને ઉધરસ ચડી. “બોલશો નહીં... તમે કંઈ બોલશો નહીં...” કહેતાં શાંતાબહેન પાણીનો ગ્લાસ લઈ આવ્યાં. મહિપતરાયે પાણી પીધું. પાણી વધારે ઠંડું લાગ્યું. કદાચ હાડમાં તાવ હશે. સુદર્શન ચૂર્ણ ફાકતાં થયું: ઘરમાં અમને બેને તો કોઈ ગણતું જ નથી... અમે જાણે ફ્રેમમાં મઢાવ્યા વિનાના, સુખડનો હાર પહેરાવ્યા વિનાના, ઘરમાં હરતા-ફરતા ફોટા! દીકરાને પરણાવ્યો ન'તો ત્યાં સુધી સૌ કહેતાં આ રમેશ, મહિપતરાય ગાર્ડનો દીકરો. હવે મારી ઓળખ અપાય છે – આ રમેશના ફાધર. ઘરમાં કોઈ આવે તો રમેશ બતાવે – આ કલર ટી.વી, હમણાં જ ખરીદ્યું. સાડીબારમાં પડ્યું. આ ડાઇનિંગ ટેબલ, ગયે મહિને જ કરાવ્યું. આ ફ્રિઝ પણ હમણાં જ લીધું અને આ... આ મારા ફાધર. અને મહિપતરાય ક્ષણભર ફ્રિઝ થઈ જતા. ને મેડી પર પડી રહેતી પેલી જૂની, મોટી લાકડાની પેટીમાં પુરાઈ જવાનું મન થઈ આવતું. એ પેટી રેલવેમાં ગાર્ડ થયા ત્યારે મળેલી. એની ઉપર પોતાનું નામ લખેલું – મહિપતરાય એચ. ભટ્ટ. નોકરી મળ્યા પછી થોડા જ વખતમાં પોતાની ઓળખ બદલાઈ ગયેલી. મહિપતરાય ભટ્ટમાંથી ભટ્ટ ભૂંસાઈ ગયેલું. સૌ મહિપતરાય ગાર્ડ તરીકે ઓળખતું. રિટાયર્ડ થયે આ સત્તરેક વરસ થયાં છતાં ગામડે જાઉં તો હજીય વટ પડે. લોકો મહિપતરાય ગ્યાડ કહીને બોલાવે. માન આપે. ચા-પાણી માટે આમંત્રે. જ્યારે મારા જ ઘરમાં મારી ઓળખ... મેડી પર પડી રહેલી પેલી રેલવેની જૂની પેટી અને હું... રિટાયર્ડ થયા પછીય મહિપતરાયે રેલવેનું આઇડેન્ટિટી કાર્ડ એ પેટીમાં હજીય સંઘરી રાખ્યું છે ને બહાર જતી વખતે આઇ. કાર્ડ ખિસ્સામાં અચૂક રાખે. એક વાર શાંતાબહેન અકળાયાં હશે તે બોલાતાં બોલી ગયાં, “મરશો તોય તમારો જીવ આ ક્યાડમોં જ રે'વાનો.' “શાંતા, તુંય...” ને મહિપતરાયના ગળામાં ડૂમો બાઝેલો. હાથમાં ઝંડી લઈને, ડબ્બાના પગથિયા પર ઊભા રહીને મહિપતરાયે ટ્રેન સાથેનો એક ફોટોય પડાવેલો ને મઢાવીને દીવાનખંડમાં ટીંગાડેલો. “આવા ફોટા ઘરમાં નથી શોભતા.” કહી પોતાને પૂછ્યા વિના જ મીતાએ એ ફોટો ઉતારીને પેલી રેલવેની લાકડાની જૂની પેટીમાં મૂકી દીધેલો. એ ફોટા પાછળનો ચકલીનો માળોય... ત્યારે મહિપતરાયનું આખું હૃદય જાણે ઝળઝળિયાંથી છલોછલ થઈ ગયેલું. વળી ઉધરસ ચડી. ગળાની, છાતીની નસો ફૂલી; ચચરી. ગળફો નીકળતાં થોડી રાહત થઈ. છાતીમાં સંઘરેલાં ૨મેશ માટેનાં અરમાનો, અપેક્ષાઓ... મહિપતરાયે ગળફાની જેમ કાઢી નાખેલાં, ટુકડેટુકડે... આ જમાનામાં દીકરો-વહુ જાત્રા કરાવે એવી તો મેં કદી આશાય ન'તી રાખી એટલે જ તો રિટાયર્ડ થતાં પહેલાં શાંતાને લઈને જાત્રા કરી આવ્યો. પણ આવો તો સ્વપ્નેય ખ્યાલ ન’તો કે શાંતાને બાપડીને મંદિરમાં મૂકવા માટે થોડી પરચૂરણ માટે આમ... હજી તો આ મહિપતરાય ગાર્ડ જીવે છે. હજી તો એમનું પેન્શન આવે છે. હજી તો હાથપગ સલામત છે. ઝીણો તાવ છે તો શું થયું? આજે તો જઈને પેન્શન લઈ આવું. ‘તાવ છે... તાવ છે...' કહીને આ શાંતાડીએ મને પેન્શન લેવા અત્યાર સુધી જવા ના દીધો તે સાંભળ્યું ને વહુના મોઢે?! “શાંતા,” મહિપતરાય કડપભેર બોલ્યા, “તું અપશકન ન કરાવતી; હું પેન્શન લેવા જઉં છું.” મહિપતરાય તૈયાર થયા. રેલવેનો પેલો કાળો ગરમ કોટ યાદ આવ્યો, જેમાંથી ભાણેજિયાંની બંડીઓ સિવડાવી દીધેલી. રિટાયર્ડ થયા પછીય ઘણા સમય સુધી એ કોટ પહેરેલો. એ કોટ પહેરતાં જ કશું જોમ અનુભવાતું, કંઈ જુદી જ હૂંફ અનુભવાતી ને સ્ફૂર્તિ ઊભરાતી. એવું લાગતું કે પોતે હજી જુદા નથી થયા. રેલવેએ હજી પોતાને સાવ... સાવ છૂટાછેડા નથી આપ્યા. મહિપતરાયે તો કહેલું, “ભાણેજિયાં માટે ગરમ કપડાં નવાં ખરીદી લાવીએ.” પણ શાંતાબહેન ન માન્યાં. કહે, “પૈસા ખરચવાની શી જરૂર? દરજી બેસાડ્યો છે તો તમારા કોટમાંથી જ બંડીઓ કરાવી દઈએ.’’ મહિપતરાયે આગળ કશી દલીલ નહોતી કરી એનુંય કારણ છે – એક વાર તેઓ ફર્સ્ટ ક્લાસમાં બેઠેલા. ટિકિટચેકર આવ્યો ને પોતાના અપાર આશ્ચર્ય વચ્ચે પેલા છોકરડાએ મહિપતરાય પાસે ટિકિટ માગી! “ટિકિટ?” “સ્ટાફ.” “પાસ બતાવો.” “નથી. રિટાયર્ડ થયેલો છું.” ને એણે મહિપતરાયને દંડ કરેલો. રેલવે સાથે પોતાનો કેટલો લગાવ!... લગભગ જિંદગી આખી રેલવેને આપી... રેલવેને કોઈ ગાળ દે તો પોતાને ગાળ દીધા જેવું લાગતું એ જ... એ જ રેલવે માટે, રિટાયર્ડ થયા પછી પોતે હવે માત્ર એક ઉતારુ? એક ઉતારુ માત્ર?! ત્યારે મહિપતરાયને ખૂબ લાગી આવેલું. થયેલું, રેલવેમાંય મારી હવે કશી જ ગણના નથી... તે છતાંય, રેલવેના એ કાળા કોટને વેતરતી દરજીની કાતરને જોઈને કંઈનું કંઈ થઈ ગયેલું. એ કાતરે જાણે પોતાનો રેલવે સાથેનો રહ્યોસહ્યો સંબંધ સુધ્ધાં કાપી નાખ્યો... ત્યારથી તો એ રેલવેના આઇડેન્ટિટી કાર્ડને જીવની જેમ જાળવતા. આઇડેન્ટિટી કાર્ડની સામે ટગર ટગર તાકી રહેતા ત્યારે મહિપતરાયને અવારનવાર યાદ આવતું – નિશાળમાં ભણતા ત્યારે રોજ રિસેસમાં, ગામની ભાગોળે નખાતા રેલવેના પાટા જોવા જતા. પછી તો ગામમાં સ્ટેશન બંધાયું! અને અમે રોજ પીપીપ્ ગાડી જોવા જતા. ત્યારે ટ્રેન કોઈક પ૨ી જેટલી જ પ્યારી લાગતી! મા જ્યારે ટ્રેનમાં આવવાની હોય ત્યારે એની રાહ જોતો સ્ટેશને ઊભો રહેતો. થોડેક સુધી પાટા દેખાતા. પછી વળાંક લઈને એ પાટા ઝાડીઓમાં ખોવાઈ જતા. અંધારું ઊતરી આવતું. જે ઝાડીઓમાં પાટા ખોવાઈ જતા એ દિશામાં ગીચ અંધકારમાં મીટ માંડી રહેતો. ત્યાં તો ઓચિંતા જ ધસી આવતા તેજસ્વી અજવાળામાં એ ઝાડીઓ ઝગઝગી ઊઠતી. હૃદય ધડકી ઊઠતું. માને લઈને ગાડી આવે છે! એન્જિનની લાઇટનું એ ઝગઝગતું તેજસ્વી અજવાળુંય કેવું વહાલું લાગતું! ના, ના, પોતાનો રેલવે સાથેનો સંબંધ કંઈ તૂટી શકે એવો નથી. નથી જ. બૂટને દોરી બાંધતાં મહિપતરાયને થયું: કેટલા બધા વખતથી પૉલિશ નથી થઈ! નોકરી હતી ત્યારે તો રેલવેમાં ફરતા બૂટપૉલિશવાળા છોકરાઓ મફત પૉલિશ કરી દેતા ને ટ્રેનમાં ફરતા ફેરિયાઓ ફ્રૂટ પણ આપતા, મફત! લાકડીના ટેકે ધીરે ધીરે ડગ ભરતા મહિપતરાય ચાલવા લાગ્યા. દરેક સીઝનમાં કેટકેટલાં ફળો લાવતો છોકરાંઓ માટે! કપડાં ખરાબ ન કરે માટે શાંતા રમલાને કેરી ચૂસવા આપે ત્યારે એનું ઝભલું કાઢી નાખતી. પછી ચોકડી પાસે બેસીને એ કેરીઓ ચૂસતો. એનું મોં, દાઢી, છાતી, પેટ... બધું કેરીના કેસરી રસથી ખરડાતું! ફ્રૂટ તો હંમેશાં ઘરમાં હોય જ. રમલાને કશું... કશું જ યાદ નહીં આવતું હોય?! પોતાને આટલા વખતથી તાવ આવે છે પણ નારંગીની એક ચીરીય કોણે ભાળી છે? શાંતાને બાપડીને ચારેક દાંત જ બાકી રહ્યા છે, ચવાતુંય નથી તે પૂરતું દૂધ પણ... આ તો ઠીક છે પેન્શન આવે છે. ન આવતું હોત તો? આના કરતાં ઘરડાંઘર કેવું રહે?! કોઈનાં મહેણાં-ટોણાં તો ન સાંભળવાં પડે! કોઈ મોઢું તો ન તોડી લે! પિન્કી ન હોત તો ચોક્કસ જતાં રહ્યાં હોત ઘરડાંઘરમાં... પિન્કીને બા-દાદા વિના જરીકેય ન ચાલે. એની મમ્મીને કહે, તું નહીં, દાદા ખવડાવે. ને દો...ડતી આવીને મારા ખોળામાં બેસી જાય. ને એ જોઈ પિન્કી સાથે રમવા આવતું પેલું બિલાડીનું બચ્ચુંય મારા ખોળામાં દોડી આવે ને મારી આંખોમાં તાકતું મૂંગું મૂંગું બોલી ઊઠે – મને કેમ ખોળામાં બેસાડીને નથી ખવડાવતા?! પિન્કીના કારણે જ... “સંભળાતું નથી? ક્યારનો હોર્ન વગાડું છું! મરવું હોય તો જાઓ પડો કાંકરિયામાં. મારી રિક્ષા...' એક ગંદી ગાળ મહિપતરાયના કાનમાં મૂકીને રિક્ષા આગળ ચાલી ગઈ. મહિપતરાય ઝબક્યા. કેમ અત્યારે બહાર નીકળ્યો છું?! થોડી ક્ષણ પછી યાદ આવ્યું. – હં... હં... પેન્શન લેવા. સામે નજર નાખી. હજીયે કેટલું દૂર છે સ્ટેશન?! મહિપતરાય ખીચોખીચ ફૂટપાથ પર આવ્યા. ચાલનારાઓ માટે તો આ ફૂટપાથ પર જગ્યા જ ક્યાં છે? વેચનારાઓ જ ફૂટપાથ રોકીને બેસી જાય છે. આ પોલીસવાળાઓય... મહિપતરાયને કો'કનો ધક્કો વાગ્યો. પડતાં પડતાં બચ્યા. ખિસ્સાકાતરુ તો નહિ હોય! એવો વિચાર આવતાં જ ખિસ્સા પર હાથ મૂકી જોઈ લીધું – હા... શ! આઇડેન્ટિટી કાર્ડ છે. કૉલેજમાં દાખલ થયો ત્યારે પહેલુંવહેલું કાર્ડ કઢાવેલું. દસકું કાઉન્ટર પર આપતાં કહેલું – એક આઇડેન્ટિટીટીટી... કાર્ડ! આ સાંભળી કાઉન્ટરવાળોય હસવા માંડેલો. સ્કૂલમાં નિરાંત હતી; ઉદી ચડ્ડી ને ધોળું ખમીસ એટલે નૂતન હાઇસ્કૂલ ને ખાખી ચડ્ડી એટલે શારદા. જન્મ્યો ત્યારે ‘ગંગાના ભોણા' તરીકે ઓળખતો. પછીની બાપના દીકરા તરીકે, પરણ્યા પછી શાંતાનો વ૨, ફલાણાનો જમાઈ; નોકરી મળ્યા પછી મહિપતરાય ગ્યાડ... ને બાલમંદિરમાં હતો ત્યારે? મહિલો લેંટાળો! અને હવે? રમેશના ફાધર... સુદર્શન ચૂર્ણનો કડવો ઓડકાર આવ્યો. કડવાશ દૂર કરવા એમણે પોતાને ગમતી ઓળખ યાદ કરી પિન્કીના દાદા! કૉલેજના ફંક્શન વખતે ખરું થયેલું. આમ તો બાપા દાઢી વધારવા ન દે પણ શ્રાવણ મહિનાના બહાને ત્યારે દાઢી વધારેલી. ફંક્શન વખતે હૉલમાં દાખલ થતાં જ – – તમારું આઇ. કાર્ડ? – લો. – તમારું જ છે? આ ફોટામાં દાઢી નથી! મહિપતરાયને ઠેસ વાગી. પડતાં પડતાં બચ્યા. આજ કેમ આટલા બધા વિચારો આવે છે? તાવ માથે ચઢી ગયો લાગે છે... પાછું ઘેર જવાનું મન થાય છે. ઘેર જ રહ્યો હોત તો સારું થાત. શાંતા સાચું કહેતી હતી. પણ હવે છેક આટલે સુધી આવ્યો જ છું તો લાવ, પેન્શન લઈને જ જઉં. હવે... હવે તો સ્ટેશન ક્યાં આઘું છે? આ આ... સામે જ દેખાય! રિટાયર્ડ થયા પછીયે તેઓ રોજ સાંજે સ્ટેશને આવતા, રેલવેનો ડ્રેસ પહેરીને! અને પ્લૅટફૉર્મના આ છેડાથી પેલા છેડા સુધી આંટા મારતા. પણ પછીથી તો એ સુખ પણ બંધ થઈ ગયું. હા, ટ્રેનની વ્હીસલનો અવાજ ઘરે સંભળાય છે અને પિન્કી તો તરત બોલી ઊઠે છે – મમ્મી, મમ્મી, દાદાની ગાડી બોલી! શરૂશરૂમાં તો મધરાતે આવી વ્હીસલ સાંભળીને ક્યારેક, ઊંઘમાં ને ઊંઘમાં મહિપતરાયનો હાથ ઝંડી ફરકાવ્યા બાદ પથારીમાં પછડાઈને ભોંઠો પડતો. “શું થયું? કંઈ થાય છે?” શાંતાબહેન પૂછતાં. “કશું નહિ... ના... કંઈ નહિ...” કહી મહિપતરાય સૂઈ જતા, પત્નીનો હાથ પોતાના હાથોમાં જકડી રાખીને – જાણે બેય હાથો વડે પોતાની આઇડેન્ટિટી પકડી રાખવા ન મથતા હોય! મિત્રોય બધા જતા રહ્યા મને છોડી... એક હું જ જીવતો છું હજી... રેલવે સાથે લેણું નીકળતું હશે હજી... કો'ક જનમનાં પાપ બાકી રહ્યાં હશે હજી ભોગવવાનાં... એકનો એક દીકરો ૨મલો તો થઈ ગયો વહુનો... બસ, એક માત્ર... શાંતા છે મારી... બાકી તો મારી કશી ગણના જ નથી, ન ઘરમાં, ન બહાર. કોક'વાર... કોક'વાર પણ વહુ જો પૂછતી હોય; ‘બાપુજી, શું શાક લાવું? તમને શું ભાવશે? શું બનાવું?' તોય થાય કે આ ઘરમાં હું પણ રહું છું... મારુંય કંઈક અસ્તિત્વ છે... મારી રેલવેની પેલી લાકડાની પેટીને જરા ઊધઈ લાગી 'તી એમાં તો કેવો દેકારો મચાવેલો વહુએ? “ઘરમાં બીજા ફર્નિચરનેય ઊધઈ લાગશે. હું તો કહી કહીને થાકી. આ પેટું કાઢી નાખો. કેટલી જગ્યા રોકે છે ઘરમાં? પણ બાપુજી માનતા જ નથી. શી ખબર શું દાટ્યું છે આ પેટામાં. કહું છું... આજે જ ગુજરીમાં જઈ વેચી આવો આ પેટી...' આ સાંભળી તેઓ પેટીની પાસે બેસી પડેલા. પેટી પર લખેલા મહિપતરાયના ‘એમ'નેય ઊધઈ લાગી 'તી. પેટી ૫૨ જમણો હાથ મૂકી તેઓ વિહ્વળ નજરે, ભારે હૈયે પોતાના નામ ભણી જોઈ રહેલા ટગરટગર... ને આવેશમાં, આવેગમાં ખિન્ન અવાજે બોલ્યા હતા: “હું મરી જઉં ને, ત્યારે કાઢી નાખજો આ પેટી. કે પછી મને ને શાંતાનેય મૂકી આવો ગુજરીમાં...' સ્ટેશન આવ્યું. હા... શ! સ્ટેશનનાં પગથિયાં ચડતાં કશીક શાતા અનુભવાઈ. સોટા જેવું શરીર ટટ્ટાર થયું. જાણે શેર લોહી ચડ્યું. લાગ્યું, આ લાકડીના ટેકાની હવે જરૂર નથી. મહિપતરાય ઑફિસમાં દાખલ થયા. બધા કારકુનોના ચહેરા અજાણ્યા લાગ્યા! ભૂલથી બીજા રૂમમાં તો નથી ઘૂસી ગયો ને? ના... ના... આ તો એ જ રૂમ... એ જ ટેબલો... ખુરશીઓ, એ જ રૅક... એ જ સ્ટીલનાં કબાટો... એ જ ફાઇલો... સ્ટાફ બદલાયો છે. બાકી બધું એનું એ જ... એ જ ગાંધીજીનો ફોટો... હજીય ઇન્સ્પેક્શનના દિવસે એના પરની ધૂળ લુછાતી હશે? મારા મોત પછી... દીવાલ પર ટીંગાતો મારો ફોટો... એના પરની ધૂળ મરણતિથિના દિવસે લુછાશે? મોત પછી મહેમાનો આવતાં રહેશે દુઃખ કરા’વા. બસ, ત્યાં સુધી ફોટો હશે દીવાલ પર, હાર પહેરાવેલો, ચાંલ્લો કરેલો. પછી? પછી એ ફોટો માળિયે, નકામી વસ્તુ ભેગો... અત્યારે જીવતો-જાગતો – “છ્... છ્...” મોંમાંથી તમાકુની ગંધવાળી હવા ફેંકતો એક કારકૂન બોલ્યો, “કોનું કામ છે?” “હં?” “કોનું કામ છે?” “પેન્શન લેવા આવ્યો છું.” “તે આમ બાઘાની જેમ ઊભા શું રહ્યા છો? જાઓ પેલા ટેબર પર.' દયામણા ચહેરે મહિપતરાય પેલા ટેબલ પાસે ગયા. રેવન્યૂ સ્ટેમ્પ ચોંટાડી ધ્રૂજતી આંગળીઓથી વાંકીચૂંકી સહી કરી. કારકૂને સહી ચકાસતાં કહ્યું, “સહી મળતી નથી આવતી: મહિપતરાય ભટ્ટ તમે પોતે જ?” મહિપતરાયે ફટ કરતુંક આઇડેન્ટિટી કાર્ડ કાઢીને બતાવ્યું. “આ ફોટો તમારો જ છે?! ચહેરો મળતો નથી આવતો.” “તે ક્યાંથી મળતો આવે? કેટલાં વરસો જૂનો ફોટો છે!” “પણ સહી તો મળતી આવવી જોઈએ ને? શી ખાતરી કે તમે જ મહિપતરાય ભટ્ટ?!” ત્યાં બાજુવાળા કારકૂને કહ્યું, “હવે દઈ દે ને યાર.... હું ઓળખું છું આ કાકાને.” પેન્શન ગણીને ખિસ્સામાં મૂક્યું. પછી તેઓ, વળી આઇડેન્ટિટી કાર્ડમાંનો ફોટો જોવા લાગ્યા. ફોટોય કેવો પીળો પડી ગયો છે! કાર્ડ પણ કેવું જીર્ણશીર્ણ થઈ ગયું છે! સાંધીસાંધીને ચલાવ્યું છે. હવે જો ફાટે તો સંધાય એવુંય નથી. પણ પીળા પડી ગયેલા ફોટામાંનો ચહેરો કેવો દેખાય છે ગોળમટોળ! ભરાવદાર! રૂઆબદાર! અત્યારે ચહેરોય લાંબો થઈ ગયો છે ને ડાચાંય બેસી ગયાં છે. ફોટામાં વાળ કેવા સરસ દેખાય છે! અત્યારે તો લગભગ ટાલ... સાચે જ, ચહેરો મળતો નથી આવતો... પછી આઇડેન્ટિટી કાર્ડની ફરતે પ્લાસ્ટિકનો કાગળ લપેટી, જાળવીને ખિસ્સામાં મૂક્યું. પછી જમણી હથેળી ખિસ્સા પર દાબી. બેચાર ધબકારા સંભળાયા. મહિપતરાય કહેતા – આઇડેન્ટિટી કાર્ડ હમેશાં ખિસ્સામાં રાખવું. ક્યારેક અકસ્માત થઈ જાય, મોં-બો છૂંદાઈ જાય તો લાશ ઓળખાય શી રીતે?! તો ક્યારેક થતું, ક્યાંક આગમાં સપડાઈ જવાય ને બળીને ભડથું થઈ જઈએ તો?! કપડાં, ચામડી, આઇડેન્ટિટી કાર્ડ બધુંય સળગી જાય... તો પછી ઓળખ શી? કેમ વળી? એટલા માટે તો આ તર્જની પર વીંટી પહેરી છે; જેની ઉપ૨ મહિપતરાયનો ‘M’ લખેલો છે. અરે, હાડપિંજર જ બાકી રહ્યું હોય ને, તોય આ વીંટી જોતાં જ સગાંસંબંધી કહી દે કે, આ... આ તો મહિપતરાય! “અરે કાકા,” મહિપતરાય ઑફિસની બહાર નીકળતા હતા ત્યાં જ કોક બોલ્યું, “શહેરમાં તોફાન છે, કરફ્યૂ જાહેર થઈ ગયો છે, જશો નહિ.” “કરફ્યૂમાં મને તો જવા દેશે. મારી આ ઉંમ૨ નહિ જુએ? વળી, આઇડેન્ટિટી કાર્ડ પણ છે મારી પાસે. પછી ચિંતા જ શી?” આમ કહી મહિપતરાય નીકળ્યા. સ્ટેશનની બહાર આવ્યા. વાહ! કેવું સરસ! આવું શહેર જોઈએ! કેવી ખાલી ફૂટપાથ! કોઈનોય ધક્કો ના વાગે. રસ્તોય કેવો મજાનો ખાલીખમ! રસ્તાની વચ્ચોવચ એ...ય રાજાપાટમાં ચાલીએ ને તોય કોઈ વાહનની હડફેટે ચડવાની બીક નહિ. થોડે થોડે અંતરે પોલીસો ઊભેલા. પણ મહિપતરાયને કોઈએ રોક્યા નહિ. મહિપતરાય રૂઆબભેર ચાલતા હતા. ત્યાં કોઈ પોલીસે રાડ પાડી, “કહાં જાતા હૈ બુઢ્ઢા? માલૂમ નહિ કરફ્યૂ હૈ?” “ઘર જાતા હૂં. પેન્શન લેને ગયા થા. ઉસકે બાદ કરફ્યૂ હો ગયા.” “ઠીક હૈ, ઠીક હૈ, અબ બહાર મત નીકલના.” મહિપતરાયને થયું: રેલવેનો ડ્રેસ પહેરેલો નથી ને એટલે મને રોક્યો. પણ એ વખતે સાલું આઇડેન્ટિટી કાર્ડ કેમ યાદ ના આવ્યું? મહિપતરાય ચાલવા લાગ્યા. દૂર ટીયરગૅસના ધુમાડાના ગોટેગોટ દેખાયા. આંખો બળવા લાગી. તાવ પણ વધ્યો હતો. માથું ફાટી જતું. ગળું સળગી જતું. હમણાં ચક્કર આવશે ને પડી જવાશે એવું લાગતું. ક્ષિતિજો પારથી કશોક અવાજ આવતો હોય એમ લાગ્યું. કાન સરવા કર્યા. સિગ્નલ ન અપાયું હોય, ગાડી થોભી ગઈ હોય ને એન્જિન રહી રહીને જોરજોરથી ચીસો પાડતું હોય એવી વ્હીસલોનો ધીમો, તીણો અવાજ જાણે દૂ... ૨ ક્ષિતિજની પેલે પારથી આવતો હોય એવું લાગ્યું. વળી, મહિપતરાયને થયું, કેટલું દૂર છે સ્ટેશન?! હજીયે કેટલું દૂર?! ફરી મહિપતરાયને પોલીસે રોક્યા. રૂઆબભેર મહિપતરાયે આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું. “સાલા બુઢ્ઢા હમકો રૂઆબ દિખાતા હૈ?” કહી પેલાએ આઇડેન્ટિટી કાર્ડ ફાડી નાખ્યું. મહિપતરાય ઘડીક તો હેબતાઈ ગયા. થોડીક ક્ષણો માટે જાણે હૃદય બંધ પડી ગયું. પછી થયું, લાવ, આઇડેન્ટિટી કાર્ડના ટુકડાઓ તો વીણી લઉં... મહિપતરાયના રઘવાયા, ધ્રૂજતા, ધડકતા હાથ લંબાયા, પણ આઇડેન્ટિટી કાર્ડના એ ટુકડાઓ પવનમાં ઊંચકાયા ને ઘૂમરી ખાતા ઊડ્યા દૂર... મહિપતરાયનો ઊંચકાયેલો હાથ જાણે કહેતો હતો – હજીયે કેટલું દૂર?!