રંગ છે, બારોટ/2. વિક્રમ અને પ્રભાત ચાવડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
2. વિક્રમ અને પ્રભાત ચાવડો


ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વિક્રમ એક વાર દેશાટને નીકળ્યો છે. એણે તો —

         જળ ઊંડા થળ છીછરાં, કામન લંબે કેશ,
         નર પટાધર નીપજે, આયો મરધર દેશ.

જ્યાં પાણી કૂવે અતઘણાં ઊંડા હોય છે, થળ છીછરાં હોય છે, નારીઓનાં માથાંના વાળ પેની લગી ઝપાટા ખાતા હોય છે, અને પુરુષો મર્દ પાકે છે, એવા મારવાડના મલક માથે ઘોડો હાંક્યો છે. મારવાડ અને માળવાનો સીમાડો આવ્યો ત્યાં એક કૂવો છે. કૂવા ઉપર કોસ ચાલે છે. ત્યાં પોતાનો તરસ્યો ઘોડો ઘેરવા જેવો જાય છે તેવો જ કૂવાનો માલિક બરાડી ઊઠે છે કે, “એલા એ હે…હે…! થારા ઘોડારે ગૂડ દે. આંઈ તો ઢોલરે ઢમકે પાણી હે.” (તારા ઘોડાને મારી નાખ. આંહીં તો પાણી એટલું ઊંડું છે કે કોસ થાળામાં ઠલવાય ત્યારે કાંઠે ઊભેલો માણસ ઢોલ વગાડીને ખબર આપે તો જ કોસિયાને ખબર પડે ને એ બળદ પાછા વાળે.) કૂવાકાંઠે જઈને વિક્રમ જુએ છે તો આભામંડળમાં ચાંદરડું તગે એમ કૂવામાં પાણી તગે છે. શું આવું દુઃખ આ મલકનાં માનવીને! અરે વાત છે કાંઈ! એમ કહીને વિક્રમે ઉજેણનો ખજાનો ખચ્ચર માથે ભરીને મંગાવ્યો. કૂવો એ ખજાને ખજાને બૂરાવ્યો, માથે શગ ચડાવી. કૂવાવાળાએ કહ્યું કે “હે રાજા! મેં તને બિવરાવ્યો કારણ કે આગળ તો નાકાતૂટ મલક છે. તારું સત છૂટી જાશે, માટે તું પાછો વળ.” પાછા તો વીર વિક્રમથી કેમ વળાય? એ તો આગળ ને આગળ મંડ્યો ઘોડો હાંકવા. મેવાડ–ઉદેપુર જોયાં —

         અદિયાપર સોયામણું, માણસ ઘણમૂલાં;
         પદમણિયું પાણી ભરે, રંગ હો પીચોળાં.

ઉદેપુરના પીચોળાં તળાવને કાંઠે પદમણી જેવી નાર પાણી ભરે છે. વાહ પીચોળા તળાવ! અને નારિયું પણ કેવી? –

         કોણ દેવળરી પૂતળી, કોણે તને ઘડી સોનાર?
         કિયા રાજાની કુંવરી? કોણ પુરુષ ધરનાર?

એવી રૂપાળી દેવળની પૂતળી જેવી નમણી નારી કોની હોય? તો કહે કે —

         જેની તરવારે ત્રણ ફૂમકાં, જેની કેડ્યે કટારાં નવધાર.
         અસૂરો રેવત ખેલવે, સોઈ પુરુષ ધરનાર.

ત્રણ ફૂમકિયાળી તલવારનો બાંધનારો, કેડે નવધારી કટારી સજનારો અને મોડી રાતે ઘોડેસવાર બની ઘૂમનાર, એવા બહાદુરની જ નારી આવી રૂપાળી હોય ને! પછી વચ્ચે ગુજરાતની ધરા આવી —

         બંટી ચીણો ને બાજરો, જવ કોદર અન્ન જાત,
         નાર કઢંગી નીપજે, ઈ ધરા ગુજરાત.

પછી વિક્રમ રાજા હાલાર દેશમાં ઊતર્યો. કેવો છે હાલાર દેશ? —

         જૂની જારરો ઢેબરો, માથે કળથીરો વઘાર,
         ઊભો ઊભો ધાર દ્યે, હૂડે દેશ હાલાર.

પછી નવેનગર ગયો —

         નગરહિંદી નારિયું, ગોખે કાઢે ગાત્ર,
         દેવાળુંરાં મન ડગે, (તો) માનવીયાં કુણ માત્ર.

એવી દેવતાઓનાં ય મન મોહાવે એવી નગરની નારીઓ દીઠી. ત્યાંથી આગળ ચાલતાં લીલી નાઘેર નજરે પડી —

         વાજા ઠાકર અને અંબવન, ઘર ઘર પદમણરા ઘેર —
         રેંટ ખટૂકે વાડિયાં, ભોંય લીલી નાઘેર.

વાજા શાખાના રાજપૂતો જ્યાં રાજ કરે છે, આંબાનાં જ્યાં મોટાં વન છે, ઘેર ઘેર જ્યાં ઘેરાબંધ પદમણી સ્ત્રીઓ છે, જ્યાં વાડીએ વાડીએ પાણીના રેંટ ખટૂક ખટૂક અવાજ કરતા ફરે છે, એવી લીલીછમ નાઘેરને નીરખીને વીર વિક્રમ મિયાણી પાટણમાં પહોંચ્યો. ત્યાં પ્રભાત ચાવડો રાજ કરે છે. “ખમા! ઝાઝી ખમા! ઉજેણીના રાજા વિક્રમ મારે આંગણે ક્યાંથી?” ઝાઝાં આદરમાન દીધાં. પણ પ્રભાત ચાવડાનું શરીર સુકાઈને સાંઠીકડું બનેલું. “અરે વીરા પ્રભાત ચાવડા! આમ કેમ? રૂદરનો ધ્રાંગોય ન મળે! એવું તે શું દરદ છે?” કે’, “ભાઈ! એ તો હાંઠી જ એવી.” “અરે વાત છે કાંઈ? નક્કી કાંઈક ભેદ છે, કહો ને કહો.” પ્રભાત ચાવડે પેટની વાત કીધી નહીં. પછી એક દી એનો ભેદ લેવા વિક્રમ પ્રભાત ચાવડાની પાછળ પાછળ ચાલ્યો. અધરાત વીતી ગઈ હતી. ઘોર અંધારું હતું. હાલતાં હાલતાં આથમણે ડુંગરે પહોંચ્યા. એક ભોંયરું હતું. એમાં પ્રભાત ચાવડો ઊતર્યો. વિક્રમ પણ વાંસોવાંસ. ભોંયરામાં એક ભઠ્ઠી જલે. માથે તેલની કડા. તેલ તો ધ્રફધ્રફે છે. પછી તો વિક્રમે જે જોયું તે ભેંકાર હતું. ‘હર! હર! હર!’ કરતો પ્રભાત ચાવડો તેલની કડામાં બેસી ગયો. તળાઈ ગયો. ચાર અપ્સરા આવી. ચારેયે પ્રભાતની તળેલ કાયાનો ભ્રખ કર્યો, પછી હાડ ભેગાં કરીને માથે અંજળી છાંટી. સજીવન થઈને પ્રભાત પાછો વળ્યો. આ હા હા હા! આવાં દુઃખ! આનું દુઃખ હું ન ભાંગું તો પરદુઃખભંજણો કે’વાઉં શા માટે! ને આ કાયા શા ખપની છે? આથમણે ડુંગરે પ્રભાતને જવાનો બીજો વારો આવ્યો. તે દી વિક્રમ વહેલેરો પહોંચ્યો. ફળફળતા તેલમાં ‘હર! હર! હર!’ કરતો પોતે બેસી ગયો. એની તળેલ કાયાનો ભ્રખ કરીને ચાર અપ્સરાઓએ હાડ ભેગાં કર્યાં, માથે અંજળી છાંટી, પણ સજીવન થયા ભેળો તો ઓળખાણો. આ પ્રભાત નહીં! આ તો કોઈક બીજો! “તું કોણ છો?” “હું વિક્રમ.” “શા માટે આ કર્યું?” “પ્રભાતને બચાવવા માટે.” “માગ! માગ!” “માગું પ્રભાત ચાવડાની મુક્તિ.” તે દીથી અપ્સરાઓએ પ્રભાત ચાવડાનો છુટકારો કર્યો. અને પ્રભાતે વિક્રમને સાત કોટડી દ્રવ્ય દીધું. દીકરી પરણાવી. વીર વિક્રમ તો આગળ ચાલ્યા. મહા એક ગેંદલ શહેર. એમાં વીર વિક્રમે આવીને કાળકાના મંદિરની વાંસે માળણને ઘેર ઘોડો બાંધ્યો. કહે કે “બેન, હું તારો ભાઈ મે’માન છું.” અસલના વખતમાં માળણનું ઘર એટલે અજાણ્યાંનો ઉતારો. માળણે તો આદરમાન દીધાં.

         બેનને ઘેરે ભાઈ આવે.
         સાસુને ઘેર જમાઈ આવે.

“ભલે આવ્યા મારા વીર!” વગર ઓળખ્યે ય માળણે ખમા કહીને ઘોડો ફળીમાં બાંધ્યો. રાંધીકરીને વીરને જમાડ્યો. સાંજ પડી ને માળણ રોવા મંડી. છાતી ફાટે એવું રોણું. વિક્રમ પૂછે છે કે, “બેન બેન, તારે શું દુઃખ છે?” કે’, “ભાઈ! આ કાળકાના મંદિરમાં આ નગરની રાજકુંવરીને રાખી છે. કુંવરી ડાકણ છે.” “કુંવરી ડાકણ!” વિક્રમ તો સડક થઈ ગયો; “તે એ કુંવરી શું કરે છે?” “રોજ રાતે અકેક માણસને ભરખી જાય છે. રાજાએ ઘર દીઠ વસ્તીના અકેક માણસનો રોજનો વારો ઠરાવ્યો છે. આજ રાતે મારા એકના એક દીકરાનો વારો છે.” એમ કહીને ફરી વાર માળણે રોવા માંડ્યું, પણ એ તો કાળા કોપનું રુદન હતું. વિક્રમ કહે કે “તું રો મા બેન! તારા દીકરાને બદલે કોઈ બીજું જઈ શકે કે નહીં?” “જઈ તો શકે મારા વીર, પણ એકને માટે મરવા બીજું કોણ જાય? માણસ કાંઈ વેચાતાં મળે છે, બાપ?” “પણ બેન, હું તારા દીકરા સાટે જઈશ.” “એવું બોલો મા ભાઈ! બાપુ, તમે તો અસૂર થયું ને રાત રહ્યા. મારે ઘેર તો તમે મે’માન. તમને હું મારા છોકરા સાટે મરવા મોકલું તો તો હું જ ડાકણ ઠરું ને! ના ભાઈ, તમથી ન જવાય.” “એમ ગાંડી થા મા બેન, ને મને વાત કર. કુંવરી ડાકણ કઈ રીતે માણસને ભરખે છે?” “કઈ રીતે શું? માણસ ત્યાં જઈને સૂવે ને સવારે મડું પડ્યું હોય લીલું કાંછ જેવું. કુંવરી તો ઊંઘતી જ હોય. રાતમાં તો જે બનતું હોય તે ખરું. મડાને સવારે ભંગિયો જઈને ઢરડી બા’ર કાઢે.” “એ…મ! ત્યારે તો… હાં સમજાણું…” એવું બોલતાં વિક્રમે લમણે આંગળી ટેકવી. “બેન,” વિક્રમે માળણને કહ્યું : “જો, મને અધમણેક સુગંધી ફૂલ આણી દઈશ?” “હં અં ને ભાઈ! મારે તો ફૂલની વાડી લચી પડી છે.” માળણે તો જઈને ચંપા, ચમેલી, ડોલર ને મોગરાનાં મહેક મહેક કરતાં ફૂલ ઉતારી આણ્યાં છે. વિક્રમે એની છાબડી ભરી છે. “હવે બેન, મને એક કૂંડું ભરીને દૂધ લાવી દે.” દૂધનું કૂંડું અને ફૂલનું ડાલું લઈને વિક્રમ તો અધરાતે માળણના દીકરા ભેગો કાળકાને દેરે હાલ્યો. જઈને છોકરાને બહાર બેસવા કહ્યું. દૂધનું કૂંડું ને ફૂલનું ડાલું લઈને પોતે દેરામાં ગયો. વખંભર દેરું! દીએય માણસ ફાટી પડે. ઉજ્જડ દેરામાં કાળકાની ભેંકાર મૂર્તિ છે. એ ખૂણામાં દીવો બળે છે. ને એક પથારીમાં એક જણ સૂતું છે. પીળું પચકેલ શરીર, હાગપગ જાણે સાંઠીકઠાં. પેટ જુઓ તો ગાગર જેવડું. ન બોલે કે ન ચાલે. હં…નક્કી, છે તો મેં ધાર્યું’તું એ જ. એમ વિચારીને વિક્રમે તો દેરાની ભોં માથે અધમણ ફૂલની પથારી પાથરી, આઘેરુંક દૂધનું કૂંડું મૂક્યું, ને પછી પોતે તલવાર તાણીને આઘેરો ઊભો રહ્યો. અધરાત થઈ, એ વખતે ઊંઘતી રાજકુંવરીના મોંમાં કંઈક સળવળાટ હાલ્યો અને એમાંથી કાંઈક બહાર નીકળ્યું. અરરર! સાપનું ભોડું! લબરક લબરક જીભના લબકારા કરે. ને આમ જુએ, તેમ જુએ, ચારેકોર જુએ. નીકળ્યો, એ નીકળ્યો, અરધો નીકળ્યો, આખોય બહાર નીકળ્યો અને ફૂલના ઢગલા માથે વહેતો થયો. સાપને ફૂલ માથે પ્રીત ખરી ને! ઓ બાપ! આ તો સિંદૂરિયો નાગ. કરડ્યા ભેગો જ માણસને ઢાળી દ્યે. થોડી વાર તો વિક્રમ જેવા વીરની પણ છાતી થરથરી ગઈ. ભાગવાનું મન થયું. હાય, જાણે રાડ ફાટી જશે. પણ વિક્રમે છાતી કબજે કરી. ફૂં! ફૂં! ફૂં! સિંદોરિયા નાગે ફૂંફાડા માર્યા. દેરું જાણે ધગી ઊઠ્યું. એના રોજના ભરખને ગોતે છે, પણ કોઈ દેખાતું નથી. હમણાં જાણે નગરીમાં દોટ દેશે ને કૈંકને ટચકાવશે. ત્યાં તો નાગને દૂધની વાસ્ય આવી. મંડાણો કૂંડા માથે. આવ્યો, આવ્યો, લગોલગ આવ્યો, અને વિક્રમે તલવાર ઠણકાવી. ચૂક્યો કે શું? ચૂકે તો તો જીવ્યામૂઆના જુવાર છે! પણ ન ચૂક્યો. નાગનું ભોડું જઈ પડ્યું છોટીઆવા છેટે. થોડીક વાર તરફડીને થંભ્યું ત્યારે ભોડું લઈને વિક્રમે પોતાની ઢાલમાં મૂકી દીધું. પાછો પથારી માથે મીટ માંડીને બેઠો. જેમ વખત ગયો તેમ રાજકુંવરીની કાયા હળવી થઈ ગઈ. પછી તો આળસ મરડીને બેઠી થઈ. ચારે કોર નજર ફેરવવા લાગી. દીવો બળે છે, ફૂલનો ઢગ પડ્યો છે. મીઠી સુવાસ મહેકે છે. કાયામાં ટાઢું હિમ લાગ્યું છે. વળી થોડી વધારે ચેતના આવી. વળી પાછી નજર માંડે છે. એક માનવી ઊભેલ જુએ છે. કેડે કટાર, હાથમાં તલવાર, વંકો મરોડ, આંખોમાં જાણે દીવડા બળે; મુખડે અમૃત ઝરે. “બીશો નહીં, બાઈ!” વિક્રમે એને ધીરજ દીધી : “જુઓ, ઓ પડ્યો તમારો કાળ.” આંગળી ચિંધાડી નાગના ખોળિયા માથે. બાઈથી તો જોવાયું નહીં તે પાછી આંખ મીંચી ગઈ. વળી પાછી આંખ ઉઘાડી, અને મોઢે હાથની અંજળી માંડી ઇસારત કરી. “તરસ્યાં છો?” એમ કહેતાંક વિક્રમે દૂધની ટોયલી લઈને બાઈને મોઢે દૂધ ટોવા માંડ્યું. બાઈ પીવા લાગી. જેમ પેટમાં કઢેલું દૂધ પડ્યું, તેમ તેમ તો કુંવરીની કાયામાં કાંટો આવ્યો. રાજનું બીજ છે ખરું ના, એટલે નમણાઈ નીકળવા લાગી. ને ધીરે ધીરે અવાજે બાઈ બોલવા લાગી : “કોણ છો?” “પરદેશી છું.” “મને જીવતદાન દીધું!” “ના. જીવતદાન દેનારો તો પ્રભુ છે.” સામસામા ટૌકા ચાલ્યા. છ મહિનાનો મંદવાડ બે પહોરમાં તો મટવા આવ્યો. પરોઢ થયું ત્યાં ઝાંપડો મડદાને ઢરડવા આવ્યો. ડોકાણો, પણ પાછો વળ્યો. રાજમાં જઈને જાહેર કર્યું કે ત્યાં તો કાળકા એકલી નહીં પણ કાળકાને કાળકો બે બેઠાં બેઠાં વાતું કરે છે! આખું શહેર કૌતક જોવા હલક્યું. મનખો ક્યાંય માય નહીં. રાજા આવ્યા. વિક્રમે કહ્યું કે, “ફટ છે તમને. કુંવરીના પેટમાં સિંદૂરિયો નાગ હતો ને ડાકણ ડાકણ કૂટી મારી! વસ્તીના કલૈયા કુંવર જેવા સો સો જણના ભોગ લેવરાવ્યા!” વિક્રમને તો રાજમાં રોક્યા છે. કુંવરીની કાયા જોતજોતામાં કંચન સરીખી થઈ ગઈ છે. રૂપનાં તો જાણે સરોવર હેલે ચડ્યાં છે. જોબન દેહમાં માતું નથી. ને કુંવરીએ તો પ્રતિજ્ઞા લીધી છે કે, “પરણું તો એને. બીજા મારે ભાઈ–બાપ છે.” પરણેલી રાજકુંવરીને લઈ વિક્રમ એક દિન ચાલી નીકળ્યા. એમાં રસ્તે એક ડોશી રેંટિયો કાંતતી કાંતતી રૂવે. વિક્રમે પૂછ્યું, “ડોશીમા, રૂવો છો શીદ?” “બાપ, મારો દીકરો…” “શું તમારો દીકરો?” “એને મારી નાખ્યો.” “કોણે?” “તેં જ તો.” “મેં!” વિક્રમ તો ચમકી ઊઠ્યો. “હા, મારા દીકરા સિંદૂરિયા નાગને.” “આ લે, આ તારા દીકરાનું ભોડું,” એમ કહીને વિક્રમે તે દિવસે પોતાની ઢાલમાં સાચવી મૂકેલ નાગનું મોઢું બહાર કાઢ્યું. “ખમા તુંને, મારા વીર!” કહીને ડોશીએ ભોડા ઉપર અમી છાંટીને દીકરાને સજીવન કર્યો ને વિક્રમને કહ્યું, “હું પદમ નાગણી છું. હું તને મારી નાનેરી બેન પરણાવીશ.” નાગપદમણીને પરણીને વિક્રમ નાગલોકમાં રહે છે. એક દિવસ નાગલોકમાં વૈકુંઠની કંકોતરિયું ફરી, કે દશેરાની કચારીમાં સૌ આવજો. નાગકુળ વિક્રમને પણ ભેળો તેડી ગયું. વૈકુંઠની કચારીમાં બીડું ફર્યું કે ભાઈ, છે કોઈ એવો, કે જે આ એક દોથો ફૂલ તેત્રીશે ક્રોડ દેવતાઉંને વેંચી આપે? એ બીડું વિક્રમે ઝડપ્યું. બાવન વીર અને ચોસઠ જોગણીને હોંકારીને વિક્રમે કહ્યું : “ખબરદાર! પ્રથમીને માથે ફૂલની કળી નામ ન રહે એમ બધાં ફૂલ ભેગાં કરી લાવો.” લાવ્યા. વિક્રમ તો દોથો દોથો ફૂલ દેવતાઓને દેવા મંડ્યો. કોને ખબર પડે કે ક્યાંથી દ્યે છે? અંતરીક્ષમાંથી બાવન વીર અને ચોસઠ જોગણીઉં દઈ રહેલ છે. સવા ગજ ફૂલનો પગર પાડી દીધો દેવ-કચારીમાં. “અરે સાત સાત રંગ છે તને. માગ માગ!” કે, “માગું તો બીજું શું? હરિદરશનકી પ્યાસી અખિયાં…” ને દેવતાઓએ વિક્રમને ચતરભજ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં.