રંગ છે, બારોટ/5. પરકાયાપ્રવેશ
વળી એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે, કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી.
ન સૂવે રાજા ન સૂવે મોર,
ન સૂવે રેન ભમન્તા ચોર,
કબુ ન સોવે કંકણહારી,
ન સૂવે પ્રેમવળુંભી નારી.
સાચો રાજા ન સૂવે, મોર ન સૂવે, રાતમાં ભમતા ચોર ન સૂવે, કંકણહાર નામની પંખણી ન સૂવે, અને પ્રેમમાં તલસતી અસ્ત્રી ન સૂવે. એટલાં જણ નિરાંતે નીંદર કેમ કરી શકે? હાલતાં હાલતાં એક નગરી આવી છે. દરવાજે જુએ તો બંદૂક, તરવાર, ભાલાં, ઢાલ, હથિયાર–પડિયાર ટાંગેલ છે, પણ કોઈ કરતાં કોઈ માણસ નથી. નગરીની માલીકોર જાય તો બજારે હાટડાં ભર્યાં છે, પણ કોઈ માણસ નથી. આખી નગરી અભરે ભરી, પણ માણસ વિનાની. માણેકચોકમાં જઈને ઘોડો અટક્યો. ઘોડે હણેણાટી મારી. મોટો મહેલ ઊભેલો, તેના ગોખમાંથી કોઈકે ડોકું કાઢ્યું. વીર વિક્રમ જુએ તો એક બાઈ નજરે પડી. ઓહોહો! રૂપરૂપનો ભંડાર. આ તો કોઈક પદમણી જાતની નારી!
પદમણી નારીને પાશેરનો આહાર,
અધશેર આહાર રાણી હસતની,
ચત્રણી નારીને શેરનો આહાર,
સોથ વાળે એનું નામ શંખણી.
પદમણી નારીને પલની નીંદરા,
અધ પોર નારી હસતની
ચત્રણી રાણીને ચારે પોર નીંદરા,
સોથ વાળે રાણી શંખણી.
પદમણી રાણી એને પાનીઢક વેણ્ય,
અધકડ્ય વેણ્ય રાણી હસતની;
ચત્રણી રાણીને ચાબખ-ચોટો,
ઓડ્યથી ઊંચાં એનું નામ શંખણી.
વિક્રમ રાજાએ તો પહેલેથી જ નજરે પારખી લીધું, કે આ નથી શંખણી, નથી ચિત્રિણી, નથી હસ્તિની, પણ પદમણી નાર લાગે છે. અને છતાં, અરે જીવ! આ પદમણી શું આ નગરીને ભરખી જનારી ડાકણ હશે? બાઈએ મીઠા સાદે બોલી કરી : “અરે હે પુરુષ! આ નજીવા નગરીમાં તમે શું કામ આવ્યા?” “હે અસ્ત્રી! શું તું જ આ નગરીને ભરખી જનારી ડાકણ છો?” કે’, “મોટા રાજા! હું નહીં. હું તો દુઃખણી બંદીવાન છું, ને આ તો ઢુંઢા રાક્ષસનો આવાસ છે. જીવ વા’લો હોય તો પાછો વળી જા.” કે’, “હે અસ્ત્રી! જીવ તો મને વા’લો છે, પણ પારકાનું દુઃખ ભાંગવું મને વધુ વહાલું છે. આવી નજીવા નગરી વચ્ચે તને કોણ લઈ આવ્યું છે? તું કોણ છો? તારાથી આંહીં શે રહેવાય છે? બોલ, બોલ, હું વીર વિક્રમ છું.” “વીર વિક્રમ! અરે પ્રભુ! તમે ઝટ પાછા વળો. આમ જુઓ! સાંભળો, તમારા કાળના પડઘા પડે છે. સાંભળતા નથી?” વિક્રમને કાને ધણેણાટી સંભળાણી : ધરતી હલબલતી હતી. અને પછી તો અવાજ આવ્યો : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! “આ શેના અવાજ છે?” “હે રાજા! ઢુંઢો રાક્ષસ શિકાર કરીને પાછો આવે છે. હમણાં આવી પહોંચશે. તમે એને નહીં પૂગો. કોઈ હથિયારે એ મરશે નહીં. એને મોત નથી. આંહીં અંદર આવતા રહો. હવે તમે ભાગી નહીં શકો.” વિક્રમ અંદર આવ્યો. ઘોડાને એકલો છોડી મૂક્યો. ઘોડો નગરી બહાર ચાલ્યો ગયો. બાઈએ વિક્રમને માથે હાથ ફેરવીને દેવીઓનું આરાધન કર્યું —
ચોરાસણી ચારણ્યું
નવ કોટિ મારવાડણ્યું
બરડાના બેટન્યું
પાટણના પાદરની
રોઝડાના રે’વાસની
કળકળિયા કૂવાની
તાંતણિયા ધરાની
કાંછ પંચાળની
અંજારની આંબલીની
ગરનારના ગોખની
ચુંવાળના ચોકની
થાનકના પડથારાની
કડછના અખાડાની
હે માવડી જોગણિયું! આ પુરુષનું જતન કરજો! એટલું કહીને રાજા વિક્રમને બાઈએ પટારામાં પૂર્યો, અને આડસરે મધનો કૂંપો બાંધ્યો. એમાંથી અક્કેક ટીપું મધનું બરાબર પટારાની તરડમાં પડે, અને માંહીં પુરાયેલ વિક્રમ એ મધનાં ટીપાં માથે પોતાનો ગુજારો કરે! ઢુંઢો આવ્યો. પાંચ–દસ મડાં આ ખંભે અને પાંચ–દસ મડાં ઓલ્યે ખંભે : નાખોરાં તો થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! એમ બોલી રહ્યાં છે અને ઢુંઢો બોલતો આવે છે —
માણસ ગંધાય! માણસ ખાઉં!
માણસ ગંધાય! માણસ ખાઉં!
બાઈ કહે છે કે “આંહીં તો મારા સિવાય કોઈ માણસ નથી. મને ખાવ તો છે!” “તને તે કાંઈ ખવાય? તારા વિના મારી ચાકરી કોણ કરે?” એમ બોલીને હાંફવા મંડ્યો : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! બાઈએ તો ઢુંઢાને ખવરાવ્યું છે. થાકેલ ઢુંઢો લાંબો થઈને સૂતો છે. અને બાઈએ લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ ચાંપવા માંડેલ છે, ઢુંઢો ઘારણમાં પડ્યો. બે–ત્રણ દી થયા અને પાછો ઢુંઢો શિકારે ઊપડ્યો. એટલે બાઈએ વીર વિક્રમને પટારામાંથી બહાર કાઢીને કહ્યું : “હે પુરુષ! હવે તમે આ નજીવી નગરીમાંથી બહાર નીકળી જાવ. નીકર મને તમારી હત્યા લાગશે.” બાઈનો અક્કેક બોલ કોયલના ટહુકા જેવો હતો. આવી સુકોમળ પદમણી રાણી, આવું બિલોરી શરીર, આ પેનીઢક ચોટલો, આ કંકુવરણી કાયા, અરેરે! એક રાક્ષસને પંજે પડી રહે! નહીં નહીં જીતવા! એમ તો નહીં બને. “હે અસ્ત્રી! તને છોડાવ્યા વગર તો હવે નહીં જાઉં.” “મને તમે છોડાવી નહીં શકો.” “કારણ?” “કારણ કે આ ઢુંઢાનું મોત નથી. કોઈ માણસ કે દેવનો માર્યો, કોઈ હથિયારે કે પડિયારે, આગમાં કે પાણીમાં એ મરનાર નથી. કૈંક પરાક્રમી નર આંહીં આવીને એના ભોગ બન્યા છે.” પણ વિક્રમ કાંઈ એકલો શૂરવીર થોડો હતો? એ તો ચૌદ વિદ્યાનો જાણકાર હતો —
પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,
ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની;
પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે
સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી,
નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ,
અગિયારમી રાગ વદ્યા, વેશ્યા વદ્યા બારમી,
તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી.
ચૌદે વિદ્યાના સાધેલ વીર વિક્રમે વિચાર કરીને બાઈને કહ્યું : “આજનો દી મને રહેવા દે, અને તું ઢુંઢાને ખવરાવી-પિવરાવી પગ દાબતી વખતે હું જે કહું તે પૂછી લે. તને રોતાં તો આવડે છે ના?” “હા જ તો.” “ત્યારે થોડી અસ્ત્રીવિદ્યા ધુતારાવિદ્યા અજમાવી લે. એને પૂછ કે તમે મરશો તો મારું કોણ બેલી? એમ ફુલાવીફુલાવીને ભૂલમાં નાખીને એનું મોત જાણી લે.” કે’, “ભલે.” બપોર થયું ત્યાં તો ફરી પાછી ધરતી ધણેણી, અને ઢુંઢાની હાંફણ સંભળાણી : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! પાંચ–દસ મડાં આ ખંભે ને પાંચ–દસ મડાં ઓલ્યે ખંભે. મડાં ખડકીને મોલમાં જાતો વળી બોલ્યો : “માણસ ગંધાય, માણસ ખાઉં, માણસ ગંધાય, માણસ ખાઉં.” પટારામાં બેઠેલા વિક્રમને પણ આ ભયંકર બોલ સાંભળીને પરસેવો વળી ગયો. બાઈએ હસીને કહ્યું : “આંહીં તો કોઈ માણસ નથી. હું છું તે મને ખાવ!” “અરે, તને તે કાંઈ ખવાય? તું તો મારી ચાકરી કરછ.” ખવરાવી–પિવરાવીને પાછી બાઈ તો લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ દાબતી બેઠી, અને ડળક ડળક આંસુ પાડી રોવા લાગી. ઢુંઢો કહે, “અરે પણ, તું રોવછ શીદ?” કે’, “ન રોઉં તો શું કરું?” કે’, “કાં?” “તમે હવે ગલઢા થયા. તમારો દેહ પડ્યે મારું કોણ?” એમ કહેતી કહેતી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. “મારું મોત? અરે, મને કોઈ મારી શકે નહીં. એક જ વાતે મરું તેમ છું. મારી તો લોઢાની કાયા છે.” “તો ય નામ એનો નાશ તો હોય જ ના!” “સાંભળ, હું વાવમાં સ્નાન કરું, પછી જાપ કરતો હોઉં, તે એક જ ટાણે મારી કાયા મીણની થઈ જાય. એમાં પણ એક બાપનો ને એક માનો કોઈ આવે, મારું માથું ને ધડ નોખું કરે, અને માથા ને ધડની વચ્ચે બે ધૂળની ઢગલી કરી શંકર-પારવતીની આણ આપે, તો જ ધડ ને માથું નોખાં રહે. નીકર તો મારે રૂંવાડે રૂંવાડે રાક્ષસ પેદા થાય. ખબર છે તને?” ભોળા રાક્ષસે તૉરમાં ને તૉરમાં કહી નાખ્યું. “હાંઉ, તયેં તો હવે મને જરીકે ચિંતા નથી.” બે–ત્રણ દા’ડે ઢુંઢો પાછો શિકારે ગયો, બાઈએ વિક્રમને બહાર કાઢીને બધી વાત કરી. પાછો ઢુંઢો આવ્યો. સ્નાન કરીને જાપ કરવા બેઠો. એ જ વખતે વિક્રમે બહાર નીકળી છલંગ દઈને ઢુંઢાને તરવાર ઠણકાવી, અને ઢુંઢાના માથા અને ધડ વચ્ચે બે ધૂળની ઢગલીઓ કરી શંકર-પારવતીની આણ દીધી. ઢુંઢાનાં ધડ–માથું તરફડી તરફડીને ટાઢાં થઈ ગયાં. વિક્રમ એ રાજકુમારીને લઈ નજીવા નગરીમાંથી બહાર નીકળ્યો. એને એનાં માવતરને રાજપાટ જઈ મૂકી આવ્યો. અને વીર વિક્રમ આગળ ચાલ્યો.
હાલતાં હાલતાં હાલતાં એક ઠેકાણે એક રાક્ષસ સાંતીડું હાંકે. સાંતીએ હાથી જોડેલા. લોઢાનું હળ ને લોઢાનાં ચવડાં. જમીનનાં ગદાલાં ને ગદાડાં ઉખેળી રહ્યો છે રાક્ષસ. વિક્રમ કહે કે, “ઓય માળો! તું લોંઠકો તો ખરો, પણ મહાપાપિયો લાગ છ.” કે’, “અરે રાજા, હું તો બહુ દુઃખિયારો છું.” કે’, “કાં?” કે’, “આંહીંથી સવા ગાઉ માથે એક રાક્ષસ છે ઢુંઢો. એણે મારી રાક્ષસણી રાખી છે.” કે’, “ભાઈ, તારું દુઃખ ભાંગું તો જ હું વિક્રમ ખરો.” વિક્રમ તો સવા ગાઉ માથે પહોંચ્યો. જુએ તો નવ તાડ નીચો, નવ તાડ ઊંચો ઢુંઢો સૂતો સૂતો હડૂડૂડૂ નાખોરાં બોલાવે. સૂતા ઉપર તો ઘા ન કરાય, એને જગાડી પડકારીને મારું. જગાડ્યો. હો હો કરતો ઢુંઢો ઊભો થયો. ઝાડે ઝાડેથી પંખીડાં ઊડ્યાં. એણે વિક્રમને કહ્યું કે “કરી લે પેલો ઘા.” કે’, “લે તયેં, પેલા એ પરમેશ્વરના.” એમ કહી વિક્રમે ત્રણ તીર માર્યાં. પણ ઢુંઢાને તો તીર ખડનાં ડાભોળિયાં જેવાં લાગ્યાં! એણે કહ્યું : “કાં, કરી રહ્યો જોર? ઠીક, આંગણે મારવાનો અધરમ હું નહીં કરું, જા. ભાગવા માંડ, સાડાત્રણ દિ’નું આંગણું આપું છું.” વિક્રમ તો ભાગ્યા ઉજેણી ભણી. ઉજેણીને સીમાડે આવે ત્યાં એક ઠૂંઠિયો ભરવાડ ગાયો ચારે. એણે સાદ કર્યો : “એ મોટા રાજા, શું કાંકરી અફીણ સારુ મોં સંઘરછ!” (એટલે કે અફીણનો કસુંબો કાઢી મને પિવરાવવો પડે તેથી મોં સંતાડીને શું ચાલ્યો જાછ?) કે’, “ભાઈ, મારી વાંસે ઢુંઢો આવે છે. માટે ભાગું છું.” કે’, “અરે રામ! લે હવે ભાગ મા, ભાગ મા, ઢુંઢો બિચારો શું કરતો’તો?” એમ કહેતેક એણે વાંભ દીધી. કામળો લાકડીએ ચડાવીને ગાયોને બોલાવી. ગાયોનું ધણ હીંહોરા નાખતું આવ્યું અને વિક્રમની ફરતો સાતથરો કિલ્લો કરીને ઊભી રહી ગઈ ગાયો. “લે મોટા રાજા! હવે તું બીશ મા. બેઠો રે’ ગાયુંના ગઢમાં.” એમ કહીને ઉજેણના ભરવાડે ધતૂરી ચલમ સળગાવીને દમ માર્યો. ધણણણ!……
મંજારી પીવે તો બાઘહું કો માર દેવે,
ગધ્ધા જો પીવે તો મારે ગજરાજ કું.
એવો કૅફ આવ્યો. પછી એક ગા’ મેળીને આકડાના પાંદનાં બે ખુંદણાં શેડકઢું દૂધ પી લીધું. એક હાથે ધાબળો વીંટી, ને બીજે હાથે ફરશી લઈને ગાયુંના ગઢની બહાર ઊભો રહ્યો. ત્યાં તો થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! કરતો ઢુંઢો આવી પહોંચ્યો. અને ભરવાડે ફરશી તોળીને બરાબર ખંભાની મારી, તે સવા મણનું ડગળું કાઢી નાખ્યું. કે’, “એ ભાઈસાબ! હવે ઘા કરીશ મા. તારા રાજાના સીમાડામાં તારો દીકરો હોય ઈ જ હવે ગરે!” એમ માફી માગીને ઢુંઢો પાછો વળી ગયો. એક ભરવાડનાં આવાં જબરાં જોર અને જિગર જોઈને વિક્રમને મોજ આવી. છાતી ફાટવા લાગી : “વાહ ગોકળી! વાહ! દૂધ પીધાંય પ્રમાણ! અરે ગોકળી! માગ માગ! બાણું લખ માળવો માગ અને જો ન આપું તો હું વિક્રમ નહીં.” કે’, “મોટા રાજા! મારે તો તારો પ્રતાપ છે. બસેં ગાયું છે, ત્રણસેં ટાટાં છે, ચાર સાવજ ધરાય એવી ભરવાડ્ય છે, બે દીકરા છે, બીજું શું જોઈએ! ફક્ત અમારા નેસની સરત રાખજે. અમે તો તારી વસ્તી કહેવાયેં.” ભરવાડની મનમોટપ દેખી વિક્રમ રાજા વધુ શરમાઈ ગયા. એણે પૂછ્યું : “હેં ગોકળી, તું આ એક હાથે ઠૂંઠો છો એનું શું કારણ?” કે’, “મોટા રાજા! ઈ તો હું અને આપણો ઉજેણીનો બોળિયો ધોબી બેય કાંડાવછુટામણી રમતા’તા એમાં બોળિયો લોંઠકો. એથી એણે મારો હાથ ખેડવી નાખ્યો.” બોળિયા ધોબી જેવા બળવાન માણસની વિક્રમને તે દિ’ પહેલી વાર ખબર પડી. પરાક્રમી લોકો વિક્રમને વહાલાં લાગતાં. એને ને બોળિયાને દોસ્તી થઈ. શિકારે, તો બોળિયા સાથે; ગામતરે, તો બોળિયા વગર ચાલે નહીં, બોળિયાની ને રાજા વીર વિક્રમની આંતરે ગાંઠ્યું બંધાઈ ગઈ. ખોળિયા નોખાં, શ્વાસ એક. એક વાર કાળી ચતરદશીની રાતે વિક્રમ બાવા બાળનાથની સાથે મંત્ર સાધવા નીકળ્યા છે. સફરા નદીનો કાંઠો છે, ગંધરપીઉં મસાણ છે. ચાલતાં ચાલતાં, મસાણને નાકે કોઈક ધાબળો ઓઢીને સૂતેલું નજરે પડ્યું. પૂછ્યું કે “અરે કોણ છો?” “એ તો બાપા હું, બોળિયો ધોબી.” “અરે બોળિયા! તું આંહીં શા કામે?” “આજ કાળી ચતરદશી છે, એટલે હું ઉજેણની રક્ષા કરવા ભૂતડાં–પલીતડાં પાછાં વાળું છું, હે રાજા!” “ઠીક, હવે તું પાછો જા.” બાવાજીએ બોળિયાને કહ્યું. બોળિયો કહે કે, “ના, ના, આ ડાકણ્યું રાસડા લ્યે છે, જમડા ઝાંઝ વગાડે છે, માથા વગરના ખવીસ ઊભા છે, એમાં શું હું મારા રાજાને રેઢા મૂકું? ના, પાછો નહીં જ જાઉં.” કોઈ વાતે બોળિયો પાછો વળતો નથી. પણ બાવા બાળનાથે વિક્રમને એકલાને જ મંતર આપવા કહ્યું છે. આજ બાવોજી રાજા વિક્રમને એવો મંતર આપવાના છે કે જે બીજા કોઈને અપાય નહીં. બાવાજીની મઢીએ પહોંચ્યા એટલે બાવાજીએ વિક્રમને ખડકીમાં લઈ જઈને પછી ધરતી ઉપર સાત લીટી કરીને બીજાને પ્રવેશ કરવાની આણ આપી. પણ બોળિયાને કહ્યું કે “બોળિયા, તું બેસજે. તને ય હું આજ મંતર આપવાનો છું.” પછી તો —
બાવે ઓશીસો ઓતરમાં કિયો
બાવે મંતર વિક્રમને દિયો.
વિક્રમને બાવાજીએ અઘોર ગાયત્રીનો આવો મંત્ર આપ્યો :
અમી —
અમી મેં કળશ
કળશ મેં ઉંકાર
ઉંકાર મેં નરાકાર
નરાકાર મેં નરીજન
નરીજન મેં પાંચ તતવ
પાંચ તતવ મેં જ્યોત
જ્યોત મેં પ્રેમજ્યોત
પ્રેમજ્યોત મેં ઉપની
માતા અઘોર ગાયત્રી
અવર જરંતી
ભેદ મહા ભેદન્તી
સતિયાં કું તારન્તી
કુડિયાં કું સંહારન્તી
ઇંદ્ર કા શરાપ ઉતારન્તી
માતા મોડવંતી
મડાં સાંબડાં ભ્રખન્તી
આવન્તી જાવન્તી
સોમવંશી
અઢાર ભાર વનસપતિ
ધરમ કારણ નરોહરી
તબ નજિયા ધરમ થાપંતી
ચલો મંત્રો! ફટકત સોહા.
આ અઘોર ગાયત્રીના મંત્રથી વિક્રમને પરકાયા-પ્રવેશની શક્તિ મળી. પારકાનું કોઈનું પણ શરીર માંઈ જીવ વગરનું પડ્યું હોય તો આ મંત્ર જાણવાવાળો પોતાનું ખોળિયું મેલીને એ શરીરમાં પ્રવેશ કરી શકે. “પણ હે વિક્રમ! તું બોળિયાને આ વાત કરીશ મા.” પછી બોલાવ્યો મઢીમાં બોળિયાને. “લે બોળિયા, તને વીંછીનો મંતર આપું છું —
કાળી ગા કવલી ગા
ડુંગર ચડી પોદળો કર્યો
ત્યાં વિંયાણી વીંછણ રાણી
વીંછણ રાણીના અઢાર પૂતર
છો કાળા, છો કાબરા,
છો હળદરવરણા માંકડા
ઊતર તો ઉતારું
હોકારું લીલકટ ચોર
આવેગા મોર
ખાવેગા તોર
ચલો મંતરુ ઈસવર વાચા
વાચા ચૂકે ઊભો સૂકે.”
રાજા અને બોળિયો બેય મંતર શીખીને ઉજેણમાં ગયા છે, પણ વળતે જ દિ’એ બોળિયા રાજા પાસે આવીને રોવા માંડ્યો છે. કે’, “પણ છે શું એવડું દુઃખ?” કે’, “મોટા રાજા! મારી બાયડીએ અન્નજળ મૂક્યાં છે.” કે’, “શા માટે?” “આ એમ કે બાવેજીએ તમને કાંઈક રિદ્ધિસિદ્ધિનો મંતર શીખવી દીધો મારાથી છાનો, અને મને વીંછીનો મંતર આપી તગડી મેલ્યો. હે મોટા રાજા! તમારે હવે રિદ્ધિસિદ્ધિની શી ખોટ છે? મને એ મંતર આપો ને આપો.” બોળિયાને માથે વિક્રમને હેત ઘણું, એટલે સાચી વાત કહી નાખી : “જો બોળિયા! મને તો બીજો કોઈ નહીં પણ પરકાયા-પ્રવેશનો મંતર આપ્યો છે. લે, હું તને એ આપું.” વિક્રમનો દિ’ માઠો બેઠો તે એણે બોળિયાને આ મંત્ર શીખવ્યો. વળતી રાતે બોળિયો રાજા વિક્રમને મૃગયા રમવા જવા માટે તેડવા આવ્યો. વિક્રમ કહે : “એલા બોળિયા, હજી તો અરધી રાત છે.” “ના બાપુ! કસાઈવાડાનો કૂકડો તો કારૂનો બોલે છે.” નીકળ્યા મૃગયા રમવા. સવાર પડ્યું ત્યાં તો ઉજેણથી ખૂબ આઘા નીકળી ગયા. પ્રભાતે મૃગલાં દીઠાં. એક કસ્તુરિયા કાળિયારને હડફેટમાં રાખીને ઘોડાં દબાવ્યાં. ઉજેણથી ઘણે છેટે નીકળ્યા પછી કસ્તુરિયાને તીર મારીને પાડ્યો. બેય જણા જોઈ રહ્યા છે. વિક્રમ કહે છે : “વાહ! કેવું રૂડું ખોળિયું છે! મૃગલીઓમાં મોજ કરતો હશે આ કસ્તુરિયો!” બોળિયો કહે : “તયેં હેં મા’રાજ, બાવા બાળનાથે આપેલ મંતરનું પારખું તો લઈએં. પરકાયા-પ્રવેશ થાય છે કે નહીં તે તો જુઓ.” બોળિયાના પેટના પાપની વિક્રમને શી ખબર! વિક્રમે મંત્ર ભણીને પોતાનું ખોળિયું છોડી દીધું અને પોતે કસ્તુરિયાના ખાલી દેહમાં દાખલ થયા. મૃગલો ચારેય પગે ઠેકીને ઊભો થયો, ને કસ્તુરિયાને વેશે રાજા વિક્રમ બોળિયા સામે જોઈ રહ્યા. બોળિયે કહ્યું : “તયેં બાપુ! હવે ભેળાભેળા મૃગલિયુંમાં ઘડીક સેલ કરી આવોને! હું આંહીં જ ઊભો ઊભો આપનું ખોળિયું સાચવું છું.” રાજા વિક્રમ તો કસ્તુરિયાને વેશે છલંગો મારતા મૃગલીઓનાં ટોળાંમાં પહોંચી ગયા. ટોળાં આઘાં આઘાં નીકળી ગયાં. આંહીં બોળિયાએ પોતાનું ખોળિયું ખાલી કરીને વિક્રમના પડેલા ખોળિયામાં પ્રવેશ કર્યો, કારણ કે મંતર તો એને પણ મહારાજ વિક્રમે આપી દીધો હતો. પોતે વિક્રમનું ખોળિયું પહેરી લઈને ઊભો થયો, મૂછે હાથ નાખીને બોલ્યો : “હવે જો બાણું લખ માળવો ને બત્રીશ ઠકરાણાં ન કેળવું તો હું બોળિયો શેનો!” ત્યાં તો કસ્તુરિયો મૃગ પાછો આવ્યો. એક તો મૃગની કાયા અને માંહીં વીર વિક્રમનો જીવ, એટલે રૂપનું તો પૂછવું જ શું! ઊભી શીંગડીએ, કાબરે વાને, મસ્ત કસ્તુરિયો ડોલતો ડોલતો હાલ્યો આવે છે મૃગલિયુંમાં રમણ કરીને. નજીક આવતાં તો બોળિયે તીર ફેંક્યું, બરાબર શીંગડામાં વાગ્યું. ત્રણ ફરંગટી ખાઈને કસ્તુરિયો ભૂ…સ દેતો પડ્યો. બોળિયે માન્યું કે તીર ટીલડીમાં જ વાગ્યું છે! કસ્તુરિયાને માથે પાંભરી ઓઢાડીને પોતે વિક્રમને ખોળિયે ઉજેણ ચાલતો થયો. રાજમોલમાં ગયો, એટલે બાનડિયું મહારાજને મર્દન કરવા માટે કંકુ કેસરના વાટકા મૂકી ગઈ. એ મર્દન કરવાની ચીજોને બોળિયો તો ચાટી ગયો. બાનડિયું જ્યાં નાવણ કરવાની સાચી હીરની પાંભડી લઈને પાછી આવી ત્યાં તો વાટકા કોરા પડેલા! વિક્રમવેશી બોળિયે ધમકી દીધી : “રાંડું! ખાવાના પદારથ મર્દન કરવામાં વાપરવા છે? ચીરી નાખીશ. અને આ હીરવાણી પાંભડી શું તમારે પલાળવી છે!” વાટકા ચાટી ગયો! પાંભરી પહેરી નહીં! બાનડિયું તો સડક થઈ ગઈ. આ શું કૌતક! આજ મહારાજ આમ કાં કરે? પછી બત્રીશ ખાનાળો થાળ લઈને બાનડિયું મહારાજને જમાડવા આવી. એમાં હાથ ધોવાનું એક પાણીનું પાળું હતું. મહારાજ જમી રહે પછી પચાસ માણસ ખાય એટલી ભોજનની સામગ્રી એ બતરીશ ખાનાંમાં ભરી હતી. બોળિયે તો કર્યું બધું ભેળું, ચોળ્યું અને ચડાવી ગયો એકલો. હાથ ધોવાનું પાણી હતું તે પી ગયો. અરેરે! આ મહારાજને આજ શું થઈ ગયું છે! વાત તો રાજમોલમાં ફેલાઈ ગઈ. રાણી ભાણમતીજી આવ્યાં છે. એણે પણ નોખી જ જાતની ચેષ્ટાઓ નિહાળી છે. મનમાં સમજી ગઈ. પણ કેને કહે? હસું તો દંત પારખે, રોઉં તો કાજળ જાય. એવી રાણીની ગતિ થઈ છે. આ ખોળિયું વિક્રમનું ખરું પણ જીવ નક્કી કોઈક બીજાનો! પણ હવે હમણાં બોલવા વેળા નથી. બોળિયાને તો ચડાવી દીધો ગોગ પીંગળાની મેડીએ. ઊડતું પંખીડું ય રાજગઢમાં આવવા ન પામે એવો બંદોબસ્ત મૂક્યો. અને રાણી ભાણમતી પોતે બ્રાહ્મણીને તેડાવી રામાયણ વંચાવતાં બેઠાં. રહેતે રહેતે વાવડ આવવા મંડ્યા કે વનરાઈમાં એક ખાંડિયો મૃગ કસ્તુરિયો એકલો ને એકલો દોટું મારી રહ્યો છે. કોઈ મૃગલાંનાં ટોળાં ભેળો હાલતો નથી. એકલો હાલે છે અને બેય આંખે આંસુડાં જાય છે હાલ્યાં. તેડાવ્યા પારધીને : “એ ખાંડિયા મૃગને પકડવા પાંસલા નાખો. સવા લાખ આપીશ.” પારધીઓ મંડ્યા પાંસલા નાખવા. એક વાર તો કસ્તુરિયાનો એક પગ પાંસલામાં આવી પણ ગયો. અને હૈયું ફાટવા લાગ્યું.
મેલ્યાં મંદર ને માળિયાં,
મેલી સ્રોવન-ખાટ;
મેલ્યું ઊજેણીનું બેસણું,
હૈયા! હજી મ ફાટ્ય.
હયડા ભીતર દવ જલે,
(તેના) ધુંવા પ્રકાશ ન હોય;
કાં તો જાણે જીતવો,
અવર ન જાણે કોય.
વિક્રમ આઈ વાર,
હલ જે ઉજેણી હુવો,
ગિયો પૂછતલ પરઠાર,
(અમારાં) સખદ:ખ ગંદ્રપશિયાઉત.
પાંસલામાં પડ્યો પડ્યો વિક્રમ હૈયાને કહે છે : હે હૈયા! મંદિર ને માળિયા મૂક્યાં, સોનાની ખાટ મૂકી, ઉજેણની ગાદી ગઈ, પણ હજી તું ફાટીશ મા! હે હૈયા! આપણી અંદર દાવાનળ બળે છે. તેનો ધુમાડો પ્રગટ દેખાતો નથી. એક પોતાના પ્રાણ વગર; કોઈ બીજું જોઈ શકે નહીં એ અગ્નિને. અરે! ઉજેણ ઉપર શત્રુઓનાં દળકટક ચડી આવે છે. ઉજેણી નગરી હલબલી ઊઠી છે. પણ પ્રજાનાં સુખદુઃખ પૂછનારો પરમારદેવ, ગંધર્વસેનનો બેટડો વિક્રમ તો ચાલ્યો ગયો છે. ખેર જીતવા! મરું તોય મારી ભોમકામાં! સદ્ગતિ તો થશે! માતા માથે જઈને મરીશ. બરાબર મધરાતે એણે પાસલામાંથી ઊઠીને ગડગડતી દોટ દીધી. પહોંચ્યો મા કાળકાના મંદિરમાં. મૂર્તિને માથાં મારવા મંડ્યો. માતા પૂછે છે : “અરે, તું અટાણે કોણ?” કે’, “હું વિક્રમ.” કે’, “કાં બાપ?” કે’, “આ જોતાં નથી? વાંસે પાસલા ભમે છે. એક દિ’ પણ મારો જાતો નથી. દશા વાંકી થઈ તે મારું ખોળિયું બોળિયો પહેરીને વયો ગયો છે! સૂરજ ઊગ્યે સવા મણ ઘીનો દીવો લ્યો છો શીદને! મૂકી દ્યો, જો મારી આ દશા ન મટાડી શકતાં હો તો.” કે’, “ઠીક બાપ, જા, સાડા ત્રણ દિ’એ તારું ખોળિયું પાછું મળશે. હમણાં તો તું તારો જીવ આમાં નાખ્ય.” એમ કહીને જોગમાયાએ એક પોપટનું મરેલું બચ્ચું બતાવ્યું. વિક્રમે પોતાનો જીવ પોપટના બચ્ચામાં નાખ્યો ને સવારે ઊડવા ધાર્યું, ત્યાં તો પરોઢિયે વગડાનો એક કઠિયારો કુવાડો ને બંધિયો લઈને લાકડાં કાપવા આવ્યો. પોપટ એના હાથમાં પડ્યો. ઠીક થયું! પાંચ–છો છોકરાં છે, ભૂખ્યાં મરે છે, શેકીને ખવડાવીશ. હમણાં તો ઇંધણાં કાપી લેવા દે. એમ ધારીને કઠિયારે પોપટને સૂંડલા હેઠળ ઢાંકી મૂક્યો છે. પ્રભાત પડ્યું, પોપટ જેવા દેવપંખીનું ખોળિયું ખરું ના, એટલે વિક્રમની વાચા ખૂલી ગઈ. માંડી એણે તો રામગ્રી લલકારવા :
કોણ રે સમાના કામની, દત્યું ફળિયલ રામા!
પંડવ્યુંની પ્રતમા પાળવા, હરિ આવેલ સામા.
સાંભળીને કઠિયારાનાં છોકરાં જાગ્યાં, કઠિયારે પોપટને શેકી ખાવાની તૈયારી કરી, એટલે પોપટની વાચા ઊઘડી : “એલા કઠિયારા, હું તો તારો સવો બારોટ છું. હું તો હીંગળાજ માની જાત્રાએ ગયો’તો, ત્યાં મારી કાયા પડી ગઈ. મને ખાવા કરતાં હાલ્યને વેચવા, મોઢે માગ્ય એટલા પૈસા મળશે તને.” “પોપટ લ્યો…ઓ પોપટ!” કઠિયારો એવા ટૌકા કરતો નીકળ્યો. બધસાગરા પ્રધાનની શેરી આવી. બધસાગરાની કુંવરી કહે કે “બાપુ, મને પોપટ લઈ દ્યો.” કે’, “એલા, કેટલાં દામ લઈશ?” કે’, “પોપટ બોલે એટલું લઉં.” પોપટને વાચા થઈ : “બધસાગરા! અમારી કિંમત્યું ન કરાવ. જે દઈ શકાય તે દઈ દે.” પોપટને તો રાખી લઈ, હેમનો વાળો કઢાવી, માંહીં મોતી પરોવી, પોપટને શણગાર્યો. પોપટે બધસાગરા પ્રધાનની કુંવરીને કહ્યું : “બાઈ, તું ભાણમતી રાણીને ઘેરે રામાયણ સાંભળવા જાછ, તે મને ય તેડતી જા ને!” બાઈ તો પોપટને લઈ ગઈ. પોપટ રાણી ભાણમતી સાથે વાતો કરવા મંડ્યો. રાણીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના પોપટે જવાબ આપ્યા. રાણીને ખાતરી થઈ કે આ પોતે જ રાજા વિક્રમ છે, એમાં કાંઈ ફેર નથી. પણ કોઈને કહ્યા વગર પોપટને પોતાને ઘેર સાચવ્યો. પણ હવે થાય શું? બોળિયો વિક્રમનું ખોળિયું પહેરીને બેઠો છે ત્યાં સુધી કોઈ ઇલાજ ન સૂઝે. બોળિયો તો ગોગ પીંગળાને મહોલે ભોગવિલાસમાં ગરકાવ છે. શીંગલા ઘેટા રમાડે છે. ભગવાનને કરવું છે તે એક દિવસ બોળિયાનો માનીતો ચાર શીંગાળો ભેડર ઘેટો મરી ગયો. ઘેટો બોળિયાને બહુ વહાલો હતો. એટલે એને મન થયું કે ઘડીક આને જીવતો કરું. પોતે વિક્રમનું ખોળિયું પડતું મેલીને ભેડર ઘેટાની કાયામાં પ્રવેશ કર્યો. આ ઘેટો રમતો રમતો રાણી ભાણમતીને આંગણે આવ્યો. પોતે મૂએલ ઘેટાને કેવો રમાડી શકે છે તેનો તૉર છે ખરો ના! એ તૉરમાં ને તૉરમાં એણે પોપટના બોલ સાંભળ્યા : કે’, “જાને ભેડર! ઘડીક માજનિયા થઈને વાડીયુંમાં લીલાં બકાલાં ચરી આવને! મોજ આવશે!” બોળિયાને બરાબર તાન ચડ્યું. ઊપડ્યો ભેડર ઘેટો ઢીંકું મારતો. આંહીં વિક્રમનું ખોળિયું ખાલી પડ્યું કે તુરત પોપટની કાયા પડતી મૂકીને વિક્રમે પોતાનું ખોળિયું પહેરી લીધું. સાચો વિક્રમ આળસ મરડીને બેઠો થયો, એનાં અસલ રૂપને લક્ષણો લહેરી ઊઠ્યાં. અને રાણી ભાણમતીએ નગારે ઘાવ દેવરાવ્યા. ધણણણ! નોબત ગુંજવા લાગી. જે દિ’થી વિક્રમ મહારાજ અલોપ થયેલા તે દિ’થી રાજમોલ સૂના પડેલા, તેને બદલે કચારી હકડાઠઠ ભરાઈ ગઈ. આભકપાળો રાજા વિક્રમ સિંહાસને બેઠો છે! ઉજેણ ગાજી ઊઠી. ભેડર ઘેટો વાડિયુંમાં મહાલીને પાછો આવ્યો, પણ વિક્રમનું ખોળિયું ન મળે! સમજી ગયો. શરમથી એણે ઊંધું ઘાલ્યું. તે દિ’થી ગાડરની જાત નીચે જોઈને ઊભી રહે છે! વિક્રમે કહ્યું, “હે ભૂંડા! તેં તો તારી કરી, પણ હું તારા જેવો નથી. હવે તું તારે મારી પાસે રહે. હું તને સાચવીશ અને ઠેકાણે પાડીશ.” એક દિવસ એક શાહુકારનો જુવાન દીકરો મરી ગયો. છાતીફાડ રોકકળ થઈ પડી. વિક્રમ રાજાને ખબર પડી. એણે કહેવરાવ્યું કે “ભાઈ, મડું બાળશો મા.” પોતે ભેડર ઘેટાને લઈને મસાણે પહોંચ્યા અને કહ્યું, “બોળિયા, આ શાહુકારમાં તારો જીવ નાખ.” બોળિયે બહુ ના પાડી, પણ વિક્રમે એને મનાવ્યો. શરમનો તો બોળિયાને પાર નહોતો. પોતાની જાતને ફિટકાર દેતો એનો જીવ ઘેટામાં બેઠો હતો ઊંચે જોવાની હામ નહોતી. વિક્રમની છેલ્લી વારની દિલાવરી દેખીને ડબ ડબ આંસુ પડી ગયાં. પછી પોતે ઘેટાનું ખોળિયું મેલી દઈ શેઠિયાની કાયામાં વાસો લીધો. શેઠિયાને એનો દીકરો પાછો મળ્યો, અને બોળિયાને માનવદેહ સાંપડ્યો. જીવ પણ સુધરી ગયો હતો એટલે શેઠિયાનો પૂતર સારી ચાલે જ ચાલતો રહ્યો. રાજા વીર વિક્રમે આ નવે અવતારે પણ બોળિયાની ભાઈબંધી છોડી નહીં.