રચનાવલી/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન



નિવેદન • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


છ વર્ષ પહેલાં મારી નિવૃત્તિ બાદ ‘જનસત્તા’ના એ વખતના તંત્રી શ્રી જયંતીભાઈ દવે અને એમની સાથે શ્રી હર્ષવદન ત્રિવેદીએ ઘેર આવી પ્રસ્તાવ રજૂ કર્યો કે તમે અઘરું બહુ લખ્યું, હવે થોડુંક સહેલું લખવા માટે તમારી પાસે એક કૉલમ ઇચ્છીએ છીએ. મેં તરત તો હા ન પાડી. પૂર્વે ‘જનસત્તા’માં જ અનુભવ પાંખ આકાશે ફરે' જેવી કૉલમમાં મધ્યકાલીન રચનાઓના આસ્વાદનું કામ કરેલું, જે પછી ‘મધ્યમાલા' શીર્ષકથી પુસ્તક રૂપે પ્રકાશિત છે. આમવર્ગ સુધીના વ્યાપ સાથે લખવું એ જુદા પ્રકારની શિસ્ત માંગે છે. ‘જનસત્તા'માં સાંપ્રત પ્રકાશનોને અનુલક્ષીને સાહિત્યની બીજી એક કોલમ ચાલતી હોવાથી મેં વર્તમાનથી દૂર હટીને નજીકના ભૂતકાળથી દૂરના ભૂતકાળ સુધીની ગુજરાતી, ભારતીય તેમજ વિશ્વસાહિત્યની જાણીતી રચનાઓની ખૂબીઓ સમજાવતો વિષય પસંદ કર્યો. ‘પંચમવૃષ્ટિ’ નામે આ કૉલમ લગભગ સાડા ચાર વર્ષ ચાલી, એનું શ્રેય જયંતી દવેને ઘટે છે. આ તબક્કે એમનો ઋણ સ્વીકાર કરું છું. આશરે ૨૧૮ જેટલી રચનાઓને અહીં ‘રચનાવલી'માં સમાવી લીધી છે. આ રચનાઓની પસંદગી યાદચ્છિક રહી છે. અહીં અમુકનો સમાવેશ થયો છે. અને અમુકનો નથી, એવો પ્રશ્ન આથી અસ્થાને છે. ઇતિહાસ કે સાહિત્યપ્રકારની કોઈ તરાહને એમાં લક્ષ્ય નહોતી કરી. આમ છતાં ગ્રંથસ્વરૂપે એને રજૂ કરતાં શક્ય એટલી સામગ્રીને જુદા જુદા જૂથમાં વહેંચી દીધી છે. એક રીતે જોઈએ તો આથી એને સાહિત્યરચનાઓનો પ્રાથમિક પરિચય આપતા કોશનો આકાર મળ્યો છે. પણ એમાં કોશની ચુસ્ત યોજનાબદ્ધ વૈજ્ઞાનિક અને સમરૂપ લેખનરીતિનું અનુસરણ નથી, સુગમ પ્રત્યાયન અને આસ્વાદના વિવિધ માર્ગોનું અનુસરણ છે. નિવૃત્તિ પછી પુસ્તકો અને લેખોની અભ્યાસસામગ્રીનો સ્રોત મને સતત પહોંચાડનારાઓમાં શ્રી પ્રશાન્ત દવે અને શ્રી દિનેશ દલાલનું પણ અહીં સ્મરણ કરું છું. શ્રી રણછોડભાઈ ‘દેવહૂમા’એ ‘જનસત્તા'માં મારી કૉલમ ધ્યાનાકર્ષક બને એ રીતે સૂઝથી અને કાળજીપૂર્વક માવજત આપી છે, એનો પણ આ સ્થાને આદર કરું છું. પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહનાં બિનનફાકારી સાહસો હવે તો જાણીતાં છે. આ એમનું એક વધુ સાહસ છે.

ડી-૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ, ગુલબાઈ ટેકરા,
અમદાવાદ-૧૫, ફૉન નં. ૬૩૦૧૭૨૧
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
                  ૨૦૦૨
 



દ્વિતીય આવૃત્તિ પ્રસંગે

‘રચનાવલી’ની આ બીજી આવૃત્તિનો પ્રસંગ ઊભો થાય છે, તે દર્શાવે છે કે દોઢ પાનમાં પુસ્તકચેતનાને પી જનારા ઉત્સુકો હજી બચ્યા છે ને ત્યાં સુધી સાહિત્યરુચિ અંગેની શ્રદ્ધા પણ બચી રહેશે. આ આવૃત્તિમાં કોઈપણ ફેરફારો કર્યો નથી.

૨૦૧૫
–ચન્દ્રકાન્ત ટોપીવાળા