રચનાવલી/૧૦૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૨. ઈમા (રાજકુમાર શીતલજિત)



૧૦૨. ઈમા (રાજકુમાર શીતલજિત) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



મણિપુર શબ્દ કાને પડતાં જ ભારતનું મણિપુરી નૃત્ય નજર સામે તરવરી રહે, ભારતની નૃત્યપરંપરામાં એનું અનોખું સ્થાન છે. ભારતને પૂર્વ સીમાડે નાગાલેન્ડની દક્ષિણે બર્માને અડીને આવેલું આ મણિપુર રાજ્ય એના સીમારાજ્ય માટે પણ જાણીતું છે. યુવાન સ્ત્રીઓ ઘરમાં બાળકોની સારસંભાળ રાખે અને વૃદ્ધ માતાઓ વેપારવણજ ચલાવતી હોય એવી એની પ્રથા સાથેનું ત્યાં રાજધાની ઈમ્ફાલમાં મોટું ‘ઈમા બજાર' છે. કહેવાય છે કે મા ઈમા બજા૨નું રક્ષણ કરે છે. ‘ઈમા'એ મણિપુરી ભાષાનો ‘મા' અંગેનો આદરવાચક શબ્દ છે. સ્ત્રીના ગૌરવને અને માના ઉત્તમ ચારિત્ર્યને રજૂ કરતી આ જ કારણે ‘ઈમા' નામની નવલકથા મણિપુરી ભાષાના લેખક રાજકુમાર શીતલજિત તરફથી મળે છે તો એમાં નવાઈ પામવા જેવું નથી. ૧૯૧૩માં ઈમ્ફાલમાં જન્મેલા લેખક રાજકુમાર શીતલજિત ઇતિહાસના વિષયમાં સ્નાતક છે. તેઓ થોઈબી પુરસ્કાર, મણિપુર સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગિરિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત છે. ‘કેતકી' (૧૯૪૫), ‘વાલ્મીકિ’ (૧૯૫૦), ‘શકુન્તલા’ (૧૯૭૨) જેવા કાવ્યસંગ્રહો અને કેટલાક વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. નેતાજી સુભાષચન્દ્ર પરનો એક ઇતિહાસગ્રન્થ પણ એમને નામે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નો અનુવાદ તેમજ ‘ચૈતન્ય ચરિતામૃત’ના આઠ ભાગ પણ એમને રચેલા છે. રાજકુમાર શીતજિતની ‘થાદોપા’ (૧૯૪૧), ‘રોહિણી’ (૧૯૪૮) વગેરે નવલકથાઓમાં ‘ઈમા’ (૧૯૪૭) જાણીતી છે. ધનિક વર્ગને હાથે અત્યાચાર પામેલી એક સ્ત્રીની ધીરજ અને એના વાત્સલ્યની આ કથા મણિપુરના જનજીવન વચ્ચે આપણને મૂકે છે અને છતાં ભારતના દૂરના છેડે ભારતીયતાને ધબકતી આપણે એમાં અનુભવીએ છીએ. નવલકથા નિર્ધન દંપતી મધુચન્દ્ર અને રાધાને ગલીની સીમના આછા અંધારામાંથી બે વર્ષનું બાળક જડે છે, ત્યાંથી શરૂ થાય છે. આવા કસમયે બાળકને કોણ છોડી ગયું હશે એની ચિંતામાં દંપતી પડે છે. બાળકનાં માબાપની મહોલ્લામાં શોધ કરી પણ કોઈ જાણકારી મળી નહીં. છેવટે દંપતી પોલિસ સ્ટેશને પહોંચે છે. જમાદાર વિગતો નોંધી બાળકને લઈ જવા સૂચવે છે. મેઘચન્દ્ર રાધાને કહે છે : ‘રાધા આપણું કોઈ સંતાન નથી. ઈશ્વરે જ આપણને આ બાળક ભેટ આપ્યું છે.' દંપતી ઘેર પહોંચે છે. રાધા બાળકને ક્બોફ્ (ચોખા, તેલ, ચોળા અને ગોળમાંથી બનેલી મણિપુરી મીઠાઈ) આપી રાજી કરે છે. મેઘચન્દ્ર એનું નામ રણજિત પાડે છે. દંપતીને થાય છે કે એનાં કોઈ માતાપિતા પૂછપરછ કરતાં આવે નહીં અને બાળક હંમેશ માટે પોતા પાસે રહે. આ બાજુ જમાદારે ઢંઢેરો પીટાવ્યો પણ બાળકનાં માતાપિતા થવાવાળું કોઈ આવ્યું નહીં. તેથી જમાદાર દંપતી પાસે પહોંચ્યો. જમાદારને ઓચિંતો બારણે આવેલો જોઈ દંપતીને ફાળ પડી. પણ જમાદારે આવીને કહ્યું કે ‘આ બાળક તમે ઇચ્છો તો દત્તક લઈ શકો છો.’ દંપતી પ્રસન્ન મને બાળકનો સ્વીકાર કરે છે. ‘દેવલોકના અમૃતનું પાન કરી રહ્યા હોય' એવો અનુભવ કરવા લાગ્યું. રણજિત મોટો થતો ગયો. આગળ અભ્યાસ અર્થે કલકત્તા જવાનું થયું. પરંતુ રાધાનું મન રણજિતને દૂર જવા દેવા તૈયાર નથી. ત્યાં, ઘણીવાર દંપતી પાસે ચોખા ખરીદવા કે શાકભાજી લેવા આવતી એક પર્વતીય વૃદ્ધા હાઓતોમ્બી આવી પહોંચે છે અને હાથ જોવાનું જાણતી હોય એવું બતાવી ‘તારો પુત્ર ભણવામાં તેજસ્વી થશે' કહી દંપતીનું મનોબળ વધારે છે. નવલકથા આ તબક્કે ‘હાઓતોમ્બી'નો ભૂતકાળ ઉખેળે છે. હાઓતોમ્બી એ ખરેખર તો ‘થમ્બાલ’ છે. અત્યંત રૂપવતી થમ્બાલ પોતાના પતિ નિતાઈને અનહદ ચાહતી હતી. પણ એના મહોલ્લામાં રહેલા લાંચિયા કૃષ્ણચન્દ્ર નામના ન્યાયધીશનો ભાઈ ગૌરહરિ જુગારી અને લંપટ હતો. ગૌરહિરની નજર થમ્બાલ પર બગડે છે. એક રાત્રે ઠંડા મારી થમ્બાલના પતિ નિતાઈને એ મારી નાખે છે પણ કૃષ્ણચન્દ્રની ધાકથી આ પ્રસંગ દટાઈ જાય છે. આ પછી પણ થમ્બાલ ગૌરહરિને વશ ન થતાં ગૌરહરિ એના પુત્રને ક્યાંક સૂમસામ જગ્યાએ છોડી આવે છે. વ્યાકુળ થમ્બાલને ખબર પડતાં વેશપલટો કરી થમ્બાલ ગૌરહરિની હત્યા કરી ચૂપચાપ ચાલી નીકળે છે. ન્યાયધીશ કૃષ્ણચન્દ્ર પણ લોકલાજે કિસ્સાને દબાવી દે છે. થમ્બાલ હાઓતોમ્બીને નામે દંપતીના સંપર્કમાં રહી પુત્રના ઉછેરને ધ્યાનથી જોતી રહી છે. છેવટે રણજિત ન્યાયધીશ બને છે. ન્યાયધીશ કૃષ્ણચન્દ્રની દીકરી મણિ સાથે એનું લગ્ન ગોઠવાય છે. એ વખતે હાઓતોમ્બી ખબર ન પડે એમ નનામી ચિઠ્ઠીથી દંપતીને રણજિતના મૂળ ગોત્રની જાણ કરે છે અને દંપતીને પાપમાં ન પડવા વીનવે છે. લગ્ન વખતે પુરોહિત જુદા ગોત્રનો ઉલ્લેખ કરે છે તે સાથે રણજિત ચોકે છે; અને પોતાનાં અસલ માતાપિતાની શોધમાં નીકળે છે. કોઈ વીગત મળતી નથી, ત્યારે બીજી અનામ ચિઠ્ઠી દ્વારા જાણ થાય છે કે આ વિગત એને હાઓતોમ્બી પાસેથી મળશે. હાઓતોમ્બી ન્યાયધીશ કૃષ્ણચન્દ્રની હાજરીમાં પોતે થમ્બાલ છે એ જાહેર કરી રણજિતને પોતા પર થયેલા, અત્યાચારની અને પોતે કરેલી હત્યાની વાત કરે છે. વળી, દીકરા રણજિત પાસે વચન લે છે કે ‘તારી માતા હત્યારી છે. તું ન્યાયધીશ છે. તું સોગંદ લે કે ન્યાયીશ થઈને તારી માતાને બચાવવા પ્રયત્ન નહીં કરે.' રણજિત મોટા દ્વન્દ્વમાં જઈ પડે છે : એક તરફ માને બચાવવાનું પુત્ર તરીકેનું કર્તવ્ય બજાવવું અને બીજી બાજુ માની આજ્ઞાનું પાલન કરવું. છેવટે રણજિત માતાને ન્યાયાલયમાં ફેંસલો સંભળાવે છેઃ ‘તમે જાણીને હત્યા કરી છે. આથી તમે ખૂની સાબિત થાવ છો. તમારો ચિત દંડ છે, ફાંસી.’ નવલકથામાં મહોલ્લા મધ્યે ભજવાતી ‘ગૌરલીલા'માં શ્રીગૌરાંગ મહાપ્રભુની કથાના સંન્યાસગ્રહણના પ્રસંગ વખતે પાલકમાતા રાધા અને અસલ માતા હાઓતોમ્બીને હાજર રાખી એ બંનેની મમતાના જુદા પ્રતિભાવો નવલકથાકારે કુશળતાથી પ્રગટ કર્યા છે. આ પ્રસંગ તેમજ ત્યાંની કેટલીક કહેવતોની પાછળ ધબકતી જનરૂઢિઓ મણિપુરી વાતાવરણને રચી એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે. આ મણિપુરી નવલકથા ‘ઈમા’નો રમેશ દેવમણિએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ટૂંક સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થવાનો છે. આ અનુવાદને કારણે ભારતના પૂર્વોત્તર જીવનનું ગુજરાતી અવતરણ થયું છે એ આનંદની વાત છે.