રચનાવલી/૧૨૮
ઈસવી સનની પહેલી સદીમાં કાલિદાસની પણ પહેલાં થઈ ગયેલો પ્રાચીન કવિ અશ્વઘોષ સંસ્કૃત સાહિત્યમાં એનાં બે મહાકાવ્યોને કારણે પ્રસિદ્ધ છે : એક છે સૌન્દરનન્દ અને બીજું છે ‘બુદ્ધચરિત.' એમાં ‘બુદ્ધચરિત’ના અનુવાદો તો ચીની અને ટિબેટી ભાષામાં પણ થયા છે. ૧૮૮૩માં સેમ્યુઅલ બીલે ચીની ભાષામાંથી ‘બુદ્ધચરિત'નો પહેલો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. આ બંને મહાકાવ્યોમાંથી મળતી માહિતી મુજબ એવું લાગે છે કે અશ્વઘોષ અયોધ્યાવાસી હતો. એટલું જ નહીં, પણ પોતે બ્રાહ્મણ હોવાથી એને બ્રાહ્મણ ધર્મ અને પૌરાણિક સાહિત્ય તરફ પક્ષપાત હોય તે સહેજે સમજી શકાય એવું છે. સાથે સાથે એવું પણ સમજી શકાય કે અયોધ્યાવાસી હોવાથી એના પર રામકથાનો અને એમાં ય વાલ્મીકિ રામાયણનો પ્રભાવ ઝાઝો હતો. ‘બુદ્ધચરિત’નો સૌથી રોચક ભાગ પહેલીવાર મહેલની બાર નીકળનાર રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ પ૨ સંસારદર્શનની થયેલી અસરનો છે. આગાહી પ્રમાણે પુત્ર સન્યાસી બની ન જાય એ માટે મહેલમાં વિલાસ વચ્ચે જકડી રખાયેલા સિદ્ધાર્થને ઘરની અંદરના ભાગમાં બાંધી રખાયેલા હાથીને બહાર જવાની ઇચ્છા થાય તેમ બહાર જવાની ઇચ્છા થાય છે. પિતા શુદ્ધોદન વિહાર કરવાની પુત્ર સિદ્ધાર્થને છૂટ આપે છે. રાજમાર્ગ પર કોઈ સામાન્ય દુઃખી મનુષ્ય દેખા ન દે એ માટે વહીવટ દ્વારા પૂરતી કાળજી લે છે. અપંગ ઘરડાં, ગરીબ નિરાધાર બધાને હટાવી દેવામાં આવે છે. આ પછી સિદ્ધાર્થ મહેલના પગથિયાં ઊતરી નીચે આવ્યો ત્યારે રાજા શુદ્ધોદનને ‘જા' એવું કહી અળગો કર્યો પણ મનથી અળગો ન કર્યો. ઉત્તમ ચાર ઘોડાના સુવર્ણરથમાં નીકળેલા સિદ્ધાર્થને જોવા નાના નાના ઝરૂખાઓમાં એકઠી થયેલી સુન્દરીઓનાં મુખોને કવિએ કમળના ગુચ્છો સાથે સરખાવ્યાં છે. આમ છતાં અશ્વઘોષે ધર્માન્તર કર્યા પછી જીવનભર બૌદ્ધધર્મને સેવ્યો છે અને બૌદ્ધધર્મના વિસ્તારને ઇછ્યો છે. બૌદ્ધ ધર્મને લગતા સંસ્કૃત સાહિત્યમાં આથી જ એનું આગવું સ્થાન છે. અશ્વઘોષની પ્રવૃત્તિના સાક્ષી બનેલા ચીની પ્રવાસી હ્યુ એન સંગે વિશ્વને અજવાળનારા ચાર સૂર્યોમાં અશ્વઘોષની ગણના કરી છે. સાતમી સદીમાં આવેલા ચીની પ્રવાસી ઈત્સિંગે નોંધ્યું છે કે અશ્વઘોષ બૌદ્ધધર્મનો પ્રખર પ્રણેતા છે.’ આ સંદર્ભમાં કહી શકાય કે ‘બુદ્ધચરિત'નો કવિ અશ્વઘોષ અથ્થકવિ (અર્થકવિ) છે. હંમેશાં વિશિષ્ટ ઉદ્દેશ સાથે પોતાની રચનાને અર્થપૂર્ણ બનાવતો હોય તે અર્થકવિ છે. અશ્વઘોષે પણ બૌદ્ધદર્શનને અને બુદ્ધના સંદેશાઓને લોકો સુધી પહોંચાડવા 'બુદ્ધચરિત'નો ઉપયોગ કર્યો છે. ‘બુદ્ધચરિત' એ રીતે ઉદ્દેશપૂર્ણ રચના હોવા છતાં એનું સાદગીભર્યું સૌન્દર્ય સદીઓથી આકર્ષતું આવ્યું છે. ‘બુદ્ધચરિત’ બુદ્ધના જીવનને અને એમના દર્શનને રજૂ કરે છે. ચીની અને ટિબેટી અનુવાદોમાં ૨૮ સર્ગોનું બનેલું ‘બુદ્ધચરિત’ મૂળ સંસ્કૃતમાં માત્ર ૧૭ સર્ગ ધરાવે છે. બુદ્ધનો જન્મ અને બુદ્ધ ધર્મપ્રવર્તક બનશે એવી આગાહીથી શરૂ થતું આ મહાકાવ્ય બુદ્ધત્વની પ્રાપ્તિ આગળ પૂરું થઈ પછી એમાં બુદ્ધ અને શિષ્યોના સંવાદથી માંડી નિર્વાણ સુધીની સામગ્રી સમાવે છે. નગરમાં ચારેબાજુ ઉલ્લાસ છે. ત્યાં સિદ્ધાર્થે જીવનમાં પહેલીવાર કોઈ વૃદ્ધ પુરુષને જોયો. સારથીને પૂછ્યું : ‘આ કોણ છે?’ રથપ્રણેતાએ કહ્યું ‘રૂપને હરનાર, બળને ઘટાડનાર, શોકને જન્માવનાર, આનંદને હણનાર, સ્મૃતિને નષ્ટ કરનાર અને ઇન્દ્રિયોનો શત્રુ ઘરડાપો છે.’ સિદ્ધાર્થ ઉદાસ થઈને સારથીને પૂછે છે : ‘મારી પણ આવી જ દશા થશે?’ પછી ખૂબ વિચારી સિદ્ધાર્થ કહે છે : ‘લોકો પ્રત્યક્ષ આવું જુએ છે તેમ છતાં દુઃખ પામતાં નથી?' સિદ્ધાર્થે રથ પાછો વળાવ્યો. મહેલમાં એના મનમાં ‘વૃદ્ધાવસ્થા’ ‘વૃદ્ધાવસ્થા' ઘૂંટાવા લાગી. ફરી જ્યારે રાજમાર્ગ પર આવ્યો તો, સિદ્ધાર્થ સામે કોઈ રોગી આવ્યો. પેટનો કોથળો, કંપતું શરીર, ઢીલા ખભા, દુર્બલ હાથ – આવા દીદાર જોઈ સિદ્ધાર્થે પૂછ્યું : ‘શક્તિમાન હોવા છતાં આવો પરતંત્ર આને કોણે કર્યો?' સારથીએ પ્રત્યુત્તર દીધો : ‘રોગ તો દરેકમાં સામાન્ય ગણાય.' સિદ્ધાર્થ આ વખતે પાણીમાં ચન્દ્રનું બિંબ કંપે એમ કંપી ગયો. ફરી રથ પાછો વળાવ્યો. પિતા પામી ગયા. પિતાએ નવી ગોઠવણો કરી, છતાં રાજમાર્ગ પર સિદ્ધાર્થની નજરે મૃતદેહ ચડ્યો. સિદ્ધાર્થ પૂછે છે : ‘આ શણગારાયેલો કોણ છે? અને ચાર માણસો ઊંચકીને એને રોતાં કકળતાં કેમ લઈ જઈ રહ્યા છો?' જવાબ મળ્યો કે બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ અને ગુણ વગર તણખલા અને લાકડા જેવો થઈ ગયેલો આ મૃતદેહ છે. દરેક જીવની આ અંતિમ સ્થિતિ છે. ગમે એવો દુષ્ટ હોય કે મહાન હોય. આ સંસારમાં સર્વનો વિનાશ નિશ્ચિત છે. સિદ્ધાર્થે વિચાર્યું કે આ સ્થિતિ નિશ્ચિત છે છતાં એના તરફ સંસાર આંખમીંચામણાં કરી ચાલી રહ્યો છે. સિદ્ધાર્થે રથ વાળવા કહ્યું તો પણ નવા સારથીએ રાજાની આજ્ઞા મુજબ રથ સીધો વનમાં લીધો. ત્યાં સુન્દરી સમૂહોથી ઘેરાયેલા મહેલમાં સિદ્ધાર્થને રાખવામાં આવ્યો. પણ સિદ્ધાર્થનો, રોગ, ઘડપણ અને મરણ જોયા પછી કોઈ અહંકાર નહોતો રહ્યો. પિતાને કહ્યું ‘હું પરાવ્રાજિક (સાધુ) બનવા માગું છું.' પિતાએ કહ્યું ‘તારી આ વય નથી. બધાં સુખ ભોગવ્યા પછી જ તપોવનમાં પ્રવેશ રમણીય બને છે.’ સિદ્ધાર્થે કહ્યું ‘મને ખાતરી આપો કે મૃત્યુ મારા જીવનને હરે નહીં, રોગ મારા સ્વાસ્થ્યને બગાડે નહીં, ઘડપણ મારા યૌવનને નષ્ટ ન કરે અને વિપત્તિ મારી સંપત્તિ છીનવી ન લે.' પિતા કહે છે ‘આવી બુદ્ધિ છોડી દે. હાસ્યાસ્પદ લાગે છે.' પણ અગ્નિથી બળતા ઘરમાંથી જે નીકળવા ઇચ્છે છે એને પકડી શકાતો નથી, તેમ સિદ્ધાર્થને ઝાલી ન શકાયો. ફરીને સુન્દરીઓની વચ્ચે બળજબરીથી મૂક્યો. પણ સૂતેલી સુન્દરીઓની કદરૂપી અંગીભંગીઓ જોઈને સિદ્ધાર્થ જવા માટે વધુ મક્કમ બન્યો. સારથી છંદકને જગાડ્યો. અશ્વ કંથકને મંગાવ્યો ને અશ્વને કહ્યું ‘રાજાએ તારા પર ચઢીને ઘણા શત્રુઓને હણ્યા છે. હવે હું પણ અમૃતપદ પામું એવું તું કર' ને છેવટે સિંહનાદે ઉચ્ચાર્યું કે જન્મ અને મરણની પાર દૃષ્ટિ નાખ્યા વગર હું કપિલવસ્તુમાં પ્રવેશવાનો નથી.' પ્રતિજ્ઞા સાથે સિદ્ધાર્થ નીકળી જાય છે. બુદ્ધના ગૃહત્યાગને અને ગૃહત્યાગ પાછળની બુદ્ધની માનસિક અવસ્થાને હૂબહૂ કરતી ‘બુદ્ધચરિત’ની કાવ્યસામગ્રી હજી આજે પણ રસપ્રદ રહી છે.