રચનાવલી/૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩. પ્રેમપચ્ચીસી (વિશ્વનાથ)


એક પળ માટે કલ્પના કરો કે કૃષ્ણ ન હોત તો? તો, ભારતીય જીવન અલૂણું બની ગયું હોત. એનું સાહિત્ય, એનું સંગીત, એનું સ્થાપત્ય, એની ચિત્રકલા એનાં મંદિરો સ્વાદહીન બની ગયાં હોત. કોઈને ઘેર મરણ થાય એટલે શ્રી કૃષ્ણ જ એનું શરણ બને અને પુત્રજન્મ થાય એટલે કનૈયો જ જન્મ લે - એવું તો જીવનના રગેરગમાં વણાઈ ગયું છે. કૃષ્ણલીલા વગર ભારતીય જીવનની લીલા સંપૂર્ણપણે અધૂરી હોત. કૃષ્ણનું વસ્ત્રાહરણ કે કૃષ્ણનું ગોવર્ધનધારણ હોય, કૃષ્ણનું નાગદમન હોય કે કૃષ્ણનો કંસવધ હોય, કૃષ્ણ દ્વારિકાધીશ હોય કે કૃષ્ણ અર્જુનસારથી હોય, કૃષ્ણની ગોકુળ લીલા હોય કે કૃષ્ણનો મથુરાવાસ હોય, કૃષ્ણ દેવકીનંદન હોય કે કૃષ્ણ યશોદાનંદન હોય કૃષ્ણ વાસુદેવ હોય કે કૃષ્ણ નંદનંદન હોય કૃષ્ણના આ બધાં રૂપોથી કોઈ પણ ભારતવાસી ભાગ્યે જ અજાણ હશે. એમાં ય શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ તો કૃષ્ણભક્તિની જબરી લહેર લઈને ચાલે છે. ભાગવતના દશમસ્કંધના ૪૬મા અધ્યાય અને ૪૭મા અધ્યાયમાં કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા પછી ગોકુળવાસીઓને સંદેશો પહોંચાડવા ઉદ્ધવને મોકલે છે અને ઉદ્ધવ નંદ-જશોદાને અને ગોપીઓને મળે છે. ગોપીઓ કુબ્જાના મોહપાશમાં જકડાયેલા કૃષ્ણ પ્રત્યે કટાક્ષો કરે છે અને કૃષ્ણની ભ્રમરવૃત્તિ પર પ્રહારો કરે છે. આ પ્રસંગ પર વ્રજ ભાષામાં અનેક કવિઓએ ‘ભ્રમર કાવ્ય’ કર્યા છે. ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્યમાં પણ ચતુર્ભુજ, બ્રેહેદેવ, નાકર, પ્રેમાનંદ વગેરેએ આ પ્રસંગને કાવ્યમાં વણ્યો છે આ બધામાં વિશ્વનાથ જાનીનું નામ મોખરે છે. સત્તરમી સદીના ઉત્તરભાગમાં પાટણમાં થઈ ગયેલા આ કવિએ લોકકથાને વર્ણવતું ‘સગાળ ચરિત્ર’ લખ્યું છે, તો નરસિંહના જીવનના પ્રસંગને લગતું ઐતિહાસિક ‘મોસાળ ચરિત’ લખ્યું છે. એણે કૃષ્ણની શૃંગારલીલાને ગાતું ‘ચતુરચાલીસી’ પણ આપ્યું છે. પરંતુ એનાં બધાં કાવ્યોમાં ભાગવતના ઉદ્ધવસંદેશના પ્રસંગને વર્ણવતું ‘પ્રેમપચીસી' ઉત્તમ કાવ્ય છે. વિશ્વનાથ જાનીનું ‘પ્રેમપચીસી' ઉદ્ધવસંદેશના બીજાં બધા કાવ્યોથી જુદું પડે છે. બીજા કવિઓએ કૃષ્ણની ભ્રમરવૃત્તિ નિમિત્તે વ્રજની ગોપીઓના કટાક્ષ અને ઠપકાઓને ધ્યાનમાં રાખ્યાં છે, એને બદલે વિશ્વનાથ જાનીએ કૃષ્ણનો નંદ-જશોદા પરનો પ્રેમ અને નંદ-જશોદાનો કૃષ્ણ પરનો પ્રેમ મહત્ત્વનો ગણ્યો છે. એટલે વિશ્વનાથે કાવ્યને શૃંગારને બદલે વાત્સલ્યથી છલકાવી દીધું છે. મધ્યકાલીન સાહિત્યમાં એક ભાલણને બાદ કરતાં વાત્સલ્યનાં આવાં ચિત્રો આપતું અને એ દ્વારા કૃષ્ણની બાળક્રીડાને વ્યક્ત કરતું કાવ્ય બીજા કોઈએ આપ્યું નથી. વિશ્વનાથ જાનીને ખબર છે કે કૃષ્ણની બાળલીલાને વર્ણવવી એ જેવી તેવી વાત નથી. કહે છે, ‘ઉદ્ધૃવ, કીડીને મુખ કોળું કેહીવિધિ સમાવે?’ કીડી જો કોળાને મોમાં સમાવે તો કૃષ્ણની બાળલીલાને કાવ્યમાં સમાવી શકાય. કીડી અને કોળાની ઉપમા દ્વારા અશક્ય વસ્તુ સાથે બાથ ભીડવાની વાત કવિએ સરસ રીતે કહી દીધી છે. કાવ્યમાં કથા તો નાની અમથી છે. કૃષ્ણ ગોકુળથી મથુરા પહોંચ્યા છે, પણ નંદ-જશોદા અને ગોપીઓ વિના એમને ચેન નથી. આથી કૃષ્ણ સાંત્વનસંદેશ લઈને ઉદ્ધવને મથુરાથી ગોકુળ મોક્લે છે. નંદ-જશોદાનો કૃષ્ણ વછોડયાનો વિલાપ અને ગોપીઓની કૃષ્ણવિરહની વેદના જોયા પછી જ્ઞાની ઉદ્ધવનું ભક્તઉદ્ધવમાં પરિવર્તન થાય છે. કાવ્યની મજા એ છે કે એમાં ભાગ્યે જ વર્ણન આવે છે. ૨૫ પદમાં રજૂ થતા કાવ્યમાં દરેક પદ કોઈને કોઈ પાત્રની ઉક્તિ રૂપે મૂક્યું છે. આમ દરેક પાત્રની ભાવસૃષ્ટિ ઊઘડતી આવે અને કથા બનતી આવે એવો કવિએ ત્રાગડો રચ્યો છે. શરૂના આઠ પદમાં દેવકી, વસુદેવ અને કૃષ્ણની ઉક્તિઓ છે અને એ બધામાંથી દેવકી, વસુદેવનો કૃષ્ણ પ્રત્યેનો પુત્રપ્રેમ તો પ્રગટ થાય છે પણ એથી વધારે આડતરી રીતે નંદ-જશોદાનો પુત્રપ્રેમ પ્રગટ થાય છે. નવથી બાર પદોમાં કૃષ્ણ ઉદ્ધવને સંદેશો આપે છે. તેરમા પદમાં ઉદ્ધવ સીધો ગોકુળ પહોંચે છે. ચૌદમા, પંદરમા અને સોળમા પદમાં ઉદ્ધૃવ, નંદ અને જશોદાની જ ઉક્તિઓ છે અને એમાં નંદ-જશોદાનો પુત્રપ્રેમ ઉત્કટ રીતે પ્રગટ થાય છે. દેવકી વસુદેવના પુત્રપ્રેમથી જુદો પડતો નંદજશોદાનો પુત્રપ્રેમ અહીં કવિ વિશેષ રીતે ધ્યાન પર લાવે છે. ત્યારબાદ સત્ત૨મા પદથી ત્રેવીસમા પદ સુધી ઉદ્ધવ ગોપીઓની ઉક્તિઓ છે. પણ વિશ્વનાથે ગોપીઓના પ્રેમને માતાપિતાના પુત્રપ્રેમથી ગૌણ ગણ્યો છે અને એટલે જ છેલ્લા બે ચોવીસમા અને પચીસમા પદમાં વિશ્વનાથે ફરીથી જશોદા અને નંદની ઉક્તિને જ મહત્ત્વ આપ્યું છે, અને નંદની ઉક્તિથી જ કાવ્યને પૂરું કર્યું છે. ખરી વાત તો એ છે કે નંદની ઉક્તિમાં પણ જશોદાની જ ચિંતા છે. નંદ કહે છે : ‘મેં હઈડું ક્ષણ થિર કર્યું / પણ મરશે એની માત’ તો વિશ્વનાથે ‘ઉદ્ધવ સંદેશ’ના વિષયને ગોપીપ્રેમથી અલગ કરી માતાપિતાના પ્રેમમાં અને એથી યે આગળ વધી ખાસ તો જશોદાના પ્રેમમાં સ્થિર કર્યો છે, જશોદાનું સ્મરણ તો જુઓ : ‘ખીંટલિયા શુભકેશ ગૂંથતી, બલે કરીને બેસાડી / મુખ જોઈને તિલક સારતા, આંખ્ય ઠારતો માહારી’ જશોદાની પીડા જુઓ : ‘દોહતો દાઝે દેહડી : સુણ્ય વાહાલા રે / પય દીઠે જાયે પ્રાણ, કુંવરજી કાલા રે’ વિશ્વનાથના ‘પ્રેમપચીસી’માં કૃષ્ણનો અન્યોથી અને અન્યોનો કૃષ્ણથી વિરહ તો હાજર છે પણ એમાં કૃષ્ણનો જશોદાથી અને જશોદાનો કૃષ્ણથી થયેલો વિરહ અને એનું ગાન અપૂર્વ છે. ‘પ્રેમ પચીસી’ જશોદાની પુત્રવિરહની વેદનાનું વાત્સલ્યગાન છે.