રચનાવલી/૧૩૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩૦. વેણીસંહાર (ભટ્ટ નારાયણ)


સંસ્કૃત નાટકો અને મહાકાવ્યોને ‘મહાભારત’નો હંમેશાં એક અગત્યનો આધાર રહ્યો છે. કાલિદાસનું નાટક 'અભિજ્ઞાન શાકુન્તલ' હોય કે પછી ભટ્ટ નારાયણનું નાટક ‘વેણીસંહાર' હોય. અલબત્ત ભટ્ટ નારાયણનું સ્થાન કાલિદાસ, ભવભૂતિ અને શ્રીહર્ષ જેવા નાટકકારોની પંક્તિમાં મૂકવા માટે કેટલાકને અવઢવ છે, છતાં મહાભારતના ઉદ્યોગપર્વથી શાંતિપર્વ સુધીની કથાને નાટ્યરૂપ આપવાની ભટ્ટે નારાયણનો ઉદ્યમ અને ભીમ જેવા પાત્રને કથાના કેન્દ્રમાં લાવવા મૂળની કથામાં કરેલા કેટલાક ફેરફાર ભટ્ટ નારાયણ તરફ સ્વાભાવિક રીતે જ વાચકોનું ધ્યાન ખેંચવા માટે પૂરતા છે. છઠ્ઠી કે સાતમી સદીમાં થઈ ગયેલા ભટ્ટ નારાયણના જીવન વિશે ઝાઝી માહિતી મળતી નથી. પણ કેટલાક એને કાન્યકુબ્જેથી બંગાળમાં આવીને ગૌડ સારસ્વત બ્રાહ્મણવાદના સંસ્થાપક તરીકે ઓળખાવે છે, તો કેટલાક એને રવીન્દ્રનાથ ટાગોરના પૂર્વજોમાંના એક પૂર્વજ તરીકે સ્વીકારે છે. જે હો તે, મેક્સમુલરે કહ્યું છે તેમ ભારતીય સાહિત્યે ‘ઇતિહાસ’નો અર્થ જાણ્યો નથી અને તેથી આપણા મહત્ત્વના સર્જકોના જીવન વિશે ભાગ્યે જ દંતકથાઓથી વધારે કશુંક બચ્યું હોય છે. નાટકનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે મહાભારતની કથાને ભટ્ટ નારાયણે પોતીકી રીતે ઘાટ આપ્યો છે. એ ખરું કે મહાભારતની કથા એટલી બધી લોક પ્રચલિત છે કે એમાં નાટકકાર બહુ મોટા ફેરફાર કરી શકે નહીં પણ આશ્ચર્યની વાત તો એવી છે કે આજે કેટલુંક મહાભારતની કથામાં પ્રચલિત છે એ મૂળ મહાભારતમાં નથી અને ભટ્ટ નારાયણે જે ઉમેરેલું છે તેનો લોકો પર એવો પ્રભાવ પડ્યો છે કે એ મહાભારતની મૂળ કથામાં હશે એમ સૌ માનીને ચાલે છે. શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ‘વેણીસંહાર'ની ઘટનામાં ભીમ દ્રૌપદીના છુટ્ટા વાળને દુર્યોધનના લોહીથી ખરડાયેલા હાથથી બાંધે છે. પાંડવો દ્યુતમાં દ્રૌપદીને હારી જતાં ઘુતસભામાં દુઃશાસન દ્રૌપદીને ચોટલો ઝાલીને ઘસડી લાવે છે અને દુર્યોધન પોતાની જાંઘ દર્શાવી એના પર બેસવાનું કહી દ્રૌપદીનું અપમાન કરે છે, એ જ વખતે ભીમે પ્રતિજ્ઞા લીધેલી કે એ દુઃશાસનને મા૨શે અને એની છાતીમાંથી લોહી પીશે. બીજી પ્રતિજ્ઞા એ લીધેલી કે એ દુર્યોધનને મારશે અને દુર્યોધનના લોહીથી ખરડાયેલા હાથે દ્રૌપદીના છુટ્ટા રહેલા વાળ બાંધશે. ભીમ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે ત્યાં સુધી દ્રૌપદીએ પોતાના છુટ્ટા વાળ બાંધેલા નહીં. આમ વાળ બાંધવાની ક્રિયા એ નાટકની મધ્યવર્તી ઘટના છે અને એ ઘટના ભટ્ટ નારાયણની રચેલી છે. આ ઘટનાની આસપાસ નારાયણે નાટકને રચાવા દીધું છે. દુર્યોધન અને યુધિષ્ઠિરનાં પાત્રો નાટકમાં આવે છે અને એ પાત્રોને પણ ઉઠાવ તો મળે છે પણ ભીમ લગભગ નાટકમાં પહેલેથી છેલ્લે સુધી હાજર છે, તેથી નાટકનો નાયક ભીમ ગણાયો છે. આ નાટક કુલ છ અંકોનું છે. પહેલા અંકમાં પાંડવો બાર વર્ષ વનવાસમાં અને એક વર્ષ અજ્ઞાતવાસમાં રહી આવ્યા છતાં દુર્યોધન એમને રાજ્યમાંથી ભાગ આપવા રાજી નથી, તેથી યુધિષ્ઠિર માત્ર પાંચ ગામની માગણી સાથે શ્રીકૃષ્ણને સંધિકાર તરીકે મોકલે છે. ભીમને આ વાત પસંદ નથી. ભીમના આક્રોશને સહદેવ સમાવવા મથે છે, ત્યાં દ્રૌપદી પ્રવેશે છે અને દ્રૌપદી દુર્યોધનની પત્ની ભાનુમતીએ કરેલા અપમાનની વાત કરે છે. એ સાથે ભીમ ઊભો થઈ પ્રતિજ્ઞા કરે છે કે એ દુર્યોધનના લોહીથી ખરડાયેલા હાથે દ્રૌપદીના વાળ બાંધશે. કૃષ્ણ ખાલી હાથ પાછા ફરે છે. બીજા અંકમાં દુર્યોધન અને એની પત્ની ભાનુમતીનો પ્રેમપ્રસંગ છે. ભાનુમતીને કોઈ નકુલ (નોળિયો) સો સાપ ખાઈ જઈ રહ્યો છે અને એની છાતી પરના આવરણને દૂર કરી રહ્યો છે એવું દુઃસ્વપ્ન આવે છે. વળી વૃદ્ધ આવીને વાવાઝોડામાં દુર્યોધનની ધ્વજાદંડ ભાંગી પડ્યો છે એવું જણાવે છે. ભાનુમતી પતિ દુર્યોધનના રક્ષણ માટે વ્રતઆરાધના કરે છે. ત્રીજા અંકની શરૂઆતમાં યુદ્ધના ભીષણ રણાંગણમાં ચોતરફ પડેલા લોહીમાંસના પ્રવાહોમાં રુધિરપ્રિય અને વસાગંધા જેવા રાક્ષસો અને રાક્ષસીઓ જયાફત ઉડાવી રહ્યા છે; અને દુઃશાસનની છાતીમાંથી ભીમ લોહી પીએ ત્યારે ભીમમાં પ્રવેશી રુધિરપ્રિય રાક્ષસે ભીમને બદલે પોતે લોહી પીવાનું છે એવી એને આજ્ઞા મળેલી છે. આ પછી દુર્યોધનની સમક્ષ કર્ણ અને અશ્વત્થામાનો કલહ શરૂ થાય છે અને અશ્વત્થામા કર્ણ જીવતો હશે ત્યાં સુધી પોતે શસ્ત્ર ધારણ નહીં કરે એવી પ્રતિજ્ઞા લઈ બેસે છે. એ જ વખતે રણમેદાનમાં ભીમ દુઃશાસનને ઝાલે છે. ચોથા અંકમાં ઘવાયેલા દુર્યોધનને રથવાહક પીપળાના પાક નજીકના સરોવર પાસે લઈ આવે છે. ત્યાં કર્ણના સૈન્યનો સુન્દરક આવીને દુઃશાસનના વધ થયાના સમાચાર આપે છે. કર્ણનો પુત્ર વૃષસેન હણાયો છે એ પણ જણાવે છે. દુર્યોધનને શોધતાં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર આવી પહોંચે છે. પાંચમા અંકમાં કર્ણનું મૃત્યુ થાય છે. અશ્વત્થામા શસ્ત્ર ધારણ કરે છે. પરંતુ દુર્યોધન એના પ્રત્યે નારાજ છે. અશ્વત્થામાનું બળ જાણીને એને ખોટું ન લાગે તે માટે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આશ્વાસક વચન હે છે. છેલ્લા છઠ્ઠા અંકમાં ભીમે નવી પ્રતિજ્ઞા લીધી કે બીજા દિવસના પ્રભાત સુધીમાં દુર્યોધનને મારશે, નહિ તો પોતે મરી જશે. આ પ્રતિજ્ઞા જાણ્યા પછી દુર્યોધન સરોવરમાં સંતાઈ જાય છે, જેથી સમય વીતી જાય. આ બાજુ કૃષ્ણ યુધિષ્ઠિરને રાજ્યારોહણની તૈયારીમાં લાગવાનું કહે છે. ત્યાં દુર્યોધનનો રાક્ષસમિત્ર ચાર્વાક યુધિષ્ઠિરને ભીમ-દુર્યોધન દ્વન્દ્વમાં ભીમ મરાયાની ખબર પહોંચાડે છે. દુ:ખના માર્યાં યુધિષ્ઠિર અને દ્રૌપદી ચિતાએ ચઢવા જાય છે, ત્યાં કંચુકી દોડતો સંદેશ લાવે છે કે દુર્યોધન દ્રોપદીને શોધતો આવી રહ્યો છે. યુધિષ્ઠિર લડવા તત્પર થાય છે પણ ખરેખર તો એ ભીમ હતો. લોહીથી ખરડાયેલાં અંગોને કારણે કંચુકી એને દુર્યોધન માની બેઠો. ભીમ લોહીથી ખરડાયેલા હાથે દ્રૌપદીના વાળ બાંધી પ્રતિજ્ઞા પૂરી કરે છે. શ્રીકૃષ્ણ આશીર્વચન ઉચ્ચારે છે. પહેલો અંક સફળ છે, પછીના બીજા અને ત્રીજા અંકમાં નાટ્યગતિ ધીમી પડે છે અને ચોથો અંક ઘણો બધો વર્ણનમાં રોકાયેલો રહે છે; પણ છેલ્લા છઠ્ઠા અંકમાં ફરી નાટ્યગતિ જોવા મળે છે. આમ છતાં ભીમનું કેન્દ્રવર્તી માત્ર નાટકની ધીમી કે ઝડપી ગતિને એક સૂત્રે પરોવી રાખે છે. મહાભારતના કથાવસ્તુ પર આધારિત નાટકોમાં ‘વેણીસંહાર’નું સ્થાન