રચનાવલી/૧૩૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩૨. વાસવદત્તા (સુબંધુ)


આજના આપણા ભારતીય કથાસાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યની ઘેરી અસર છે. આપણી નવલકથાઓ અને આપણી નવલિકાઓ પશ્ચિમની પદ્ધતિએ લખાયેલી છે પરંતુ અંગ્રેજોનું આગમન નહોતું થયું, ત્યાં સુધી તો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં કથા કહેવાની અને રચવાની જે પદ્ધતિ હતી એની પરંપરા જૂની ગુજરાતીમાં અને પછી અર્વાચીન ગુજરાતીમાં પણ જળવાયેલી હતી. પ્રેમાનંદનાં આખ્યાનો કે શામળની પદ્યકથાઓ એના નમૂના છે. જેમ કથા પદ્યમાં રચાતી તેમ ગદ્યમાં રચવાની પણ એક પદ્ધતિ હતી. શુદ્ધ ભારતીય ગદ્યકથાનું નામ પડે કે તરત જ સંસ્કૃતમાં બાણભટ્ટની ‘કાદંબરી' યાદ આવ્યા વિના રહે નહીં. અરે, પશ્ચિમની અસરથી લખાતી નવલકથાને પણ મરાઠી સાહિત્યમાં ‘કાદંબરી' કહે છે, આપણે ત્યાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચન્દ્ર'ને પણ ‘જગદ કાદંબરીઓ’માં સરસ્વતીચન્દ્રનું સ્થાન’ કહીને કવિ નાનાલાલે નવાજી છે. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટની સાથે બીજા બે ગદ્યકારોનો પણ ઉલ્લેખ થાય છે. આ બે ગદ્યકારો છે : સુબંધુ અને દંડી. સંસ્કૃત સાહિત્યમાં સુબંધુ, બાણ અને દંડી ત્રણેને ગદ્યકાર રત્ન-ત્રયી કહેવાય છે. કેટલાક વિદ્વાનો સમયમાં સુબંધુ કરતાં પહેલાં બાણભટ્ટને મૂકે છે, પણ બાણભટ્ટની સરખામણીમાં સુબંધુનું કામ પૂરું વિકસેલું જોવાતું નથી. તેથી લાગે છે કે આ ત્રણે ગદ્યકારોમાં સુબંધુ જ સમયમાં પહેલા છે. સુબંધુ વિશે કોઈ જ જાણકારી મળતી નથી. માત્ર સુબંધુની ગદ્યકથા ‘વાસવદત્તા' સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. ભારતીય કથાનો એ લાક્ષણિક નમૂનો છે. કથામાં કથાઓની ગૂંથણી, રાજા રાણી જેવાં પાત્રો, રોકાઈ રોકાઈને થતાં વર્ણનો, બોલતાં અને વાતચીત કરતાં પંખીઓ, ઓચિંતી થતી આકાશવાણી, ક્રોધે ભરાયેલા મુનિનો શાપ, પથ્થરમાંથી ફરી નારી બની જવાનો ચમત્કાર – આ બધું આ કથામાં ગોઠવાયેલું છે. વળી રાજારાણીનું વર્ણન, કુંવરનું વર્ણન, વિંધ્યાચલના વનનું વર્ણન, નગરનું અને ભવનનું વર્ણન, સૂર્યોદય અને સૂર્યાસ્તનું વગેરે ઝીણી ઝીણી વિગતોથી નકશીકામ અહીં થયું છે. કથા આવી છે : ચિંતામણિ નામના અભૂતપૂર્વ રાજાને કન્દર્પકેતુ નામે પુત્ર હતો. યુદ્ધક્ષેત્રમાં એનું રણકૌશલ વખણાતું તેમ અનેક નારીઓને આકર્ષી શકે એવું એનું યૌવનપૂર્ણ વ્યક્તિત્વ ધ્યાન ખેંચતું. એક સવારે કન્દર્પકેતુ અત્યંત રૂપાળી અઢાર વર્ષની કન્યાને સ્વપ્નમાં જુએ છે અને ઊંઘ ઊડી ગયા પછી પણ બેચેન રહે છે. આ કન્યાની કામના એને પીડવા લાગે છે. ખંડનાં દ્વાર બંધ કરીને એ પડી રહે છે. એવામાં એનો મિત્ર મકરંદ આવી ચઢે છે અને કન્દર્પકેતુને એની ફરજનું ભાન કરાવે છે પણ કન્દર્પકેતુ કશો ઉપદેશ કાને ધરવા તૈયાર નથી. મિત્ર મકરંદને લઈને કન્દર્પકેતુ વિન્ધ્યાચળના વનમાં જતો રહે છે. ખૂબ ટહેલ્યા પછી જાંબુના વિશાળ વૃક્ષ નીચે બંને વિસામો લેતા હોય છે ત્યાં બંને જણ પોપટ અને પોપટ પત્નીનો ઝઘડો સાંભળી જાય છે. મોડો આવેલો પોપટ પોતાની પત્નીને કારણ બતાવતા કથા માંડે છે. કુસુમપુરના રાજા શૃંગારશેખરની પુત્રી વાસવદત્તાનું યૌવન પ્રતિદિન વિકસતું જતું હોવા છતાં એ વિવાહ માટે પિતાને કોઈ સંમતિ આપતી નથી. વસન્ત ઋતુમાં વાસવદત્તાના કહેવાથી પિતા શૃંગારશેખર સ્વયંવર રચે છે પણ સ્વયંવરમાં આવેલો કોઈ પણ રાજવી વાસવદત્તાને પસંદ પડતો નથી. એ અપ્રસન્ન થઈને ત્યાંથી ચાલી જાય છે. વાસવદત્તાને એ જ રાત્રે એક સ્વપ્ન આવે છે અને એમાં એ રાજા ચિંતામણિના પુત્ર સ્વયં કન્દર્પકેતુને જુએ છે. સ્વપ્ન પૂરું થયા પછી પણ વાસવદત્તાનો મોહ ઊતરતો નથી. મનોમન એ કન્દર્પકેતુની સરખામણી ઈન્દુમતીના અજ સાથે, કુન્તલાના દુષ્યન્ત સાથે, મદનમંજરીના નરવાહન સાથે કરતી રહે છે. વાસવદત્તાને વિરહાગ્નિ પીડે છે. એની સખીઓ કન્દર્પકેતુનો મનોભાવ જાણવા તમાલિકા નામની પોપટીને પોપટ સાથે મોકલે છે. પોપટની પત્ની આગળ કથા પૂરી થાય છે એટલે મકરંદ તમાલિકાને બધું જ જણાવી દે છે. બંને મિત્રો તમાલિકા સાથે નીકળી પડે છે. કુસુમપુર પહોંચી વાસવદત્તાના ભવન પર પહોંચે છે. એ દરમ્યાન વાસવદત્તાનું લગ્ન એના પિતાએ વિજયકેતુ સાથે નક્કી કરી દીધેલું હોઈ, મકરંદને સમાચાર જાણવા નગરમાં જ છોડીને વાસવદત્તા અને કન્દર્પકેતુ અતિવેગવાન ઘોડી પર બેસી જોજનો દૂર નીકળી જાય છે. ખાધાં પીધાં વિનાનાં થાકેલાં બંને સૂઈ જાય છે. ત્યાં સવારે, કન્દર્પકેતુ પોતાની બાજુમાં વાસવદત્તાને જોતો નથી. અધીર થઈ ચારેબાજુ શોધ્યા છતાં વાસવદત્તાનો પત્તો ન મળતા એ વિલાપ આદરે છે અને અંતે સમુદ્રકાંઠે જઈ આત્મહત્યા કરવા જાય છે ત્યાં આકાશવાણી થાય છે. એને એવું આશ્વાસન મળે છે કે વાસવદત્તાનો જલદી ભેટો થશે. વર્ષાઋતુ ગઈ, શરદઋતુ આવી. જેમ તેમ કરીને જીવનધારી રાખતો કન્દર્પકેતુ વનમાં ભટકતો હતો ત્યાં એક દિવસ એણે એક પથ્થરની પ્રતિમા જોઈ, જે અસલ વાસવદત્તા જેવી હતી. વાસવદત્તા જ છે એમ માની જ્યાં એ અડકવા જાય છે ત્યાં જીવંત મૂર્તિ રૂપે વાસવદત્તા હાજર થાય છે. મૂળ વાત એમ હતી કે કન્દર્પકેતુના જાગતા પહેલાં ભોજનપ્રબંધ માટે નીકળેલી વાસવદત્તાના રૂપ પર બે કિરાતજૂથ લડી મરે છે પણ એમાં એક મુનિનો આશ્રમ બળીને ખાખ થઈ જાય છે. તેથી ઝઘડાનું નિમિત્ત બનેલી વાસવદત્તાને મુનિએ શાપ આપેલો, પણ શાપનું નિવારણ પણ આપેલું કે કન્દર્પકેતુના સ્પર્શથી એ ફરી સજીવન થઈ જશે. સુબંધુરચિત આ ‘વાસવદત્તા' ગદ્યકથાએ બાણભટ્ટની 'કાદંબરી'ને માટે કદાચ માર્ગ કોતરી આપ્યો હશે!