રચનાવલી/૧૪૦
આ સૃષ્ટિ, સૃષ્ટિની રચના, એનું સમયચક્ર, એનું ઋતુચક્ર, એનું જીવનચક્ર, એની નિયમિતતા, એની વિનાશકતા, એની સર્જકતા અને આ બધા વચ્ચે એમાં પરિવર્તનની સ્થિરતા, ને સ્થિરતા પાછળ કોઈ પરમ રહસ્યશક્તિનો અનુભવ આ બાબત જ્યારે જ્યારે મનુષ્યે ધ્યાન પર લીધી છે ત્યારે ત્યારે કાં તો બુદ્ધિ-તર્ક-ને-જ્ઞાનથી અને કાં તો હૃદય- લાગણી-ભક્તિથી એને ઉકેલવા એ મથ્યો છે. તર્ક અને વિચારમાં આ રહસ્ય ન ઝલાયું તો એને તર્કાતીત કહ્યું છે અને હૃદયલાગણી ભક્તિમાં આ રહસ્ય ન ઝલાયું તો એને અનુભવાતીત કહ્યું છે. સૌથી મોટી ઘટના તો એ છે કે મનુષ્ય જ્યારે જ્યારે પોતામાં ઊતર્યો છે ત્યારે ત્યારે એને એકલતા વીંટી વળી છે. કશાકથી એ કપાઈ ગયો છે એની તીવ્ર પીડા એના મર્મમાં ઘર કરીને રહેલી છે. મનોવિજ્ઞાનીઓ સમજાવે છે કે બાળક જન્મે છે ત્યારે આપણે માટે ઓચ્છવ હોય છે, પણ બાળક માતાના સહીસલામત ઉષ્માભર્યા અત્યંત સુરક્ષિત કવચમાં હતું એમાંથી એકદમ અસુરક્ષિત જગતમાં ધસી આવે છે ત્યારે એણે ગુમાવેલા જગતનો આઘાત એના ભીતરમાં ભંડારેલો હોય છે. આથી જ દરેક મનુષ્ય એ ખોવાયેલા જગતને જાતજાતની રીતે પામવા માટે બહાર ભટકતો રહેતો હોય છે. આ કશાકથી કપાયેલાનો વિરહ-અનુભવ મનુષ્ય જાતજાતની રીતે વ્યક્ત કરે છે. કોઈને ઓછો તો કોઈને વધારે – આ અનુભવ સતત સંગાથી હોય છે. મનુષ્યના આવા ચિરવિરહના કેન્દ્રમાં જ ભાગવત જેવો ગ્રંથ રોપાયેલો છે. ભાગવતના દશમસ્કંધમાં કૃષ્ણલીલા કે રાસલીલા પછી કૃષ્ણનું ઓચિંતું અદશ્ય થવું, ગોપીઓને વ્યાકુળ વેદનાગીત તરફ લઈ જાય છે. કૃષ્ણનો વિરહ એમને માટે અસહ્ય છે. ગોપીઓની આ કૃષ્ણભક્તિ એ ભાગવતી કે વૈષ્ણવી ભક્તિનો આધાર છે. પણ ભાગવતથી પણ આગળ વધી ગોપીઓની ઉત્કટ ભક્તિથી યે વધારે ઉત્કટ ભક્તિ માટે પછીથી રાધાના પાત્રની કલ્પના ઉમેરાયેલી છે. કૃષ્ણભક્તિની કે કૃષ્ણવિરહની જો કોઈ તીવ્રતમ અનુભૂતિ ઘટ્ટ બને તો રાધાનું સ્વરૂપ બને, એવું કહેવાયું છે. આવા જ સાત્ત્વિક રાધાભાવને પુરુષ હોવા છતાં રુંવે રુંવે અનુભવનારાઓમાં ચૈતન્ય મહાપ્રભુનું નામ મોખરે છે. બંગાળના ગૌડપ્રદેશમાં નવદ્વીપક્ષેત્રે માયાપુર ગામમાં પંડિત જગન્નાથ મિશ્ર અને માતા શચિદેવીને ત્યાં એમનો જન્મ. નામ વિશ્વંભર રાખ્યું પણ શરીરની અદ્ભુત કાન્તિ અને ગૌરવર્ણને કારણે ‘ગૌરાંગ' કહેવાયા. માતાના તો સદાય ‘નિમાઈ’ જ રહ્યા. ધમાલમસ્તી વચ્ચે પાઠશાળામાં અભ્યાસ દરમ્યાન એ શાસ્ત્રપારંગત બન્યા. પંદરેક વર્ષની વયે અધ્યાપક થયા. વિદ્વત્તા એવી કે કોઈપણ શાસ્ત્રસૂત્રને તેઓ સરલતાથી રમતવાતમાં ઉકેલી આપે. એમના પ્રતિસ્પર્ધી રઘુનાથ ભટે 'નવ્યન્યાય’ પર ગ્રંથ રચ્યો અને માન્યું કે મારા જેવો ગ્રંથ કોઈ રચી શકે નહીં. રઘુનાથ ગ્રંથ લઈ ગૌરાંગ પાસે આવ્યા. ગ્રંથ વંચાયો. ત્યારબાદ, રઘુનાથને ખબર હતી કે ગૌરાંગે પણ આ જ વિષયમાં કામ કર્યું છે; તેથી ગૌરાંગને પણ એનો ગ્રંથ વાંચવા આગ્રહ કર્યો. આ ગ્રંથ વંચાતો ગયો તેમ તેમ રઘુનાથની આંખમાં આંસુ આવવા લાગ્યાં. એમને થયું કે ‘મારા ગ્રંથની કોઈ વિસાત નથી.’ ગૌરાંગે રઘુનાથની ઈર્ષ્યા જોઈ પોતાના ગ્રંથનાં પાનેપાન રઘુનાથના દેખતાં જ ગંગામાં વહાવી દીધાં. ગૌરાંગ વિદ્વાન અને પંડિત હોવા છતાં પુસ્તકિયા અનુભવ કરતાં કોઈ જુદા જ અનુભવની શોધમાં હતા. આમ તો એમની શાસ્ત્રચર્ચા અને શાસ્ત્રબુદ્ધિ એટલાં સતેજ હતા કે લોકો એમને ‘વાદીસિંહ' કહેતા. ગૌરાંગને એવો અનુભવ પિતાના શ્રાદ્ધ માટે ગયાજી ગયા ત્યારે થયો. ઈશ્વરપુરી પાસે એમણે દીક્ષા લીધી. ઈશ્વરપુરીએ ‘ગોપીજનવલ્લભાય નમઃ'નો મંત્ર કાનમાં કહ્યો અને ગૌરાંગ મૂર્ચ્છિત થઈ ગયા. વતન પાછા ફર્યા. પણ ગૌરાંગ બદલાઈ ચૂક્યા હતા. કૃષ્ણ માટેના પ્રેમોન્માદ અને ભાવાવેશથી એ શિષ્યો સાથે મૃદંગ, મંજીરા, ત્રાંસા ઢોલ સાથે કૃષ્ણકીર્તન કરતાં નીકળી પડવા લાગ્યા. છેવટે ગૃહત્યાગ કર્યો. કેશવ ભારતીએ એમને નારાયણમંત્ર આપ્યો અને ગૌરાંગે જગન્નાથપુરીની વાટ લીધી. જગન્નાથપુરીથી દક્ષિણ ભારત ગયા. ત્યાંથી ઠેઠ દ્વારિકાક્ષેત્ર સુધી જઈ પાછા પુરી પહોંચ્યા. વૃંદાવન ગયા અને પાછા પુરી આવ્યા, આ દરમ્યાન કૃષ્ણવિરહનો એમનો રાધાભાવ ઉત્તરોત્તર વેગ પકડતો રહ્યો. તેઓ હવે વારંવાર મૂર્ચ્છિત થતા. એકવાર ઉન્માદાવસ્થામાં પુરીના સમુદ્રમાં ઝંપલાવ્યું અને માછીની જાળમાંથી મળ્યા. પણ પછી એ જ અવસ્થામાં નિર્વાણ પામ્યા. ચૈતન્ય મહાપ્રભુએ પોતે વિદ્વાન હોવા છતાં પોતાના મત વિશે કોઈ ગ્રંથ રચ્યો નથી. એમની ભક્તિ ઉત્કટતાનો અનેકૃષ્ણસંકીર્તનનો સંદેશ આપતી એક જ રચના ‘શિક્ષાષ્ટક' મળી આવે છે. આઠ શ્લોકોની આ રચનામાં પહેલા શ્લોકમાં કૃષ્ણસંકીર્તનનો મહિમા કર્યો છે. કૃષ્ણસંકીર્તન મનના અરીસાના મેલને દૂર કરે છે, સંસારના અગ્નિને શમાવે છે, કલ્યાણને વિસ્તારે છે, વિદ્યાને નવી ચેતના આપે છે, આનંદસાગરને ઉછાળે છે, ક્ષણે ક્ષણે પૂર્ણ અમૃતનો સ્વાદ આપે છે અને સર્વાત્મને સ્નાનથી શુદ્ધ કરે છે. અહીં કૃષ્ણસંકીર્તનની તદ્દન હવાનાં બાચકાં જેવી વાતને ચૈતન્ય મહાપ્રભુએ જુદી જુદી સરખામણીથી નક્કર રૂપ આપ્યું છે. બીજો શ્લોક કૃષ્ણે તો બધાં જ નામોમાં સર્વશક્તિ ભરી છે પણ ભક્તના હૃદયમાં અનુરાગ પ્રગટતો નથી એનું બયાન કરે છે અને પછી અનુરાગ ન પ્રગટવાના કારણમાં ઊતરતો ત્રીજો શ્લોક જણાવે છે કે જેણે કૃષ્ણસંકીર્તન માટે લાયક બનવાનું છે એણે તો તણખલાથી પણ નીચે પોતાની જાતને મૂકવાની છે, વૃક્ષની જેમ સહનશીલ બનવાનું છે, અભિમાન જતું કરવાનું છે, સર્વને માન આપવાનું છે. જે ભક્ત આવી આકરી કસોટીમાંથી પાર ઊતરે છે તે પછી ભક્તિ સિવાય કશું જ પામતો નથી. તેથી ચોથા શ્લોકમાં ધન નહીં, સ્વજન નહીં, સુન્દર સ્ત્રી નહીં, કવિતા નહીં પણ જન્મે જન્મે માત્ર નિષ્કામ ભક્તિની જ કામના કરી છે. પાંચમા શ્લોકમાં ભક્ત પોતાને એના ચરણકમળની રજ જેવો ગણવા કૃષ્ણને વીનવે છે. એ સાથે છઠ્ઠા શ્લોકમાં ભક્તિનો વેગ ભક્તમાં પ્રગટ થાય તો કેવો થાય એનું એક તાદશ ચિત્ર ખડું કર્યું છે. કવિ કહે છે કે આંખમાં વહેતી ધાર સાથે, સંધાયેલા કંઠ સાથે, અંગે અંગ પરનાં રોમાંચ સાથે હું તારું નામ ક્યારે ગ્રહણ કરીશ. કૃષ્ણસંકીર્તન એ કોઈ પોપટરટણ નથી. એ તો કૃષ્ણ દૂર કે અલગ છે એના કે વિયોગથી ઉદ્ભવેલી અસહ્ય પીડાનો ઉદ્ગાર છે. સાતમા શ્લોકમાં કહે છે કે ‘હે કૃષ્ણ તારા વિરહમાં એક પળ યુગ બની જાય છે, આંખમાં ચોમાસુ બેસી જાય છે, જગત શૂન્ય બની જાય છે.’ વિરહની આવી ઉત્કટ અવસ્થા ભક્ત પાસે આઠમા શ્લોકમાં કબૂલ કરાવે છે કે ‘તમે મને આલિંગો કે મારા ચૂરેચૂરા કરો, મને દર્શન આપો કે ન આપો, તમે જ મારા પ્રાણનાથ છો, બીજું કોઈ નહીં.’ ચૈતન્ય મહાપ્રભુના આ 'શિક્ષાષ્ટક'માં ગોપીભાવ કે રાધાભાવના વિરહ અનુભવને સાકાર થતો જોઈએ છીએ. બંગાળ, ઓરિસ્સા અને વ્રજમંડળને આ ભક્તિ રસે અને મધુરભક્તિએ જ પરિપ્લાવિત કર્યાં છે.