રચનાવલી/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. કવિ મેકણ





૧૫. કવિ મેકણ • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



કચ્છના ભાગ્યમાં રણ આવ્યું છે, ધરતીકંપો આવ્યા છે, તરસ, તબાહી અને તારાજી આવ્યાં છે. ક્ષણ શું છે અને ક્ષણભંગુરતા શું એની કચ્છને ખબર છે પણ એથી જ કચ્છને ખીર મળ્યું છે, પડીને ઊભા થવાનું કૌવત મળ્યું છે. એના સંતોએ પેઢી દર પેઢી રખવાલી કરી છે, એની સંસ્કૃતિના રખોપાં કર્યા છે. ક્ષર જગતની વચ્ચે અક્ષરનું જતન કર્યું છે. કચ્છની આવી પરંપરામાં કાવડિયા સંત મેકણનું મહત્ત્વ ઝાઝું છે. કહેવાય છે કે કચ્છના ઇતિહાસમાં સંત, ભક્ત અને કવિ તરીકે મેકણદાદાની જોડી મળવી મુશ્કેલ છે. ઔરંઝેબના વખતમાં જ્યારે ઇસ્લામીકરણ ફાલ્યું અને ફૂલ્યું હતું ત્યારે નાથ પરંપરામાં કબીરની જેમ કવિ મેકણે પણ ભારતીયતાને ટકાવી રાખવામાં ફાળો આવ્યો છે. કચ્છમાં ઠેર ઠેર અખાડાઓ તૈયાર કરી એમાં ભૂખ્યા-દુ:ખ્યા કચડાયેલાઓની સહાય કરી છે; અને ભક્તિની સાથે સેવાને જોડીને નવો અભિગમ અપનાવ્યો છે. એમણે સંસારને અસાર કહેવાને બદલે સંસારને સુખી કરવાનો સંત તરીકે જુદો મનસુબો કરેલો. ૧૬૭૭માં કચ્છમાં નાની ખોંભડી ગામે જન્મેલા કવિ મેકણના જીવનના અગત્યના પ્રસંગ અંગે એવી વાયકા છે કે એમના પિતા ઘરનું સમારકામ કરાવતા હતા ત્યારે ત્યાંથી તુંબડી, ટોપી, ચાખડી જેવી વસ્તુઓ મળી આવતાં એની અસરથી મેકણે ઘર છોડી દીધેલું અને કાપડી ગંગારામ પાસે પહોંચેલા, કાપડી ગંગારાજાએ એમને ગુરુમંત્ર અન દીક્ષા આપ્યાં. આ પછી ગિરનારને સેવ્યો અને અંતે ભક્તિને સેવામાં પલટી કાવડ લઈને ઘુમ્યા કર્યું. ‘દાતાર મેરે દત્તાત્રેય’ એવું ભજી પોતાની સાથે એક ગધેડો અને એક કૂતરો રાખેલો, લાલિયો અને મોતિયો નામે જાણીતાં આ બે પ્રાણીઓ દ્વા૨ા તરસ્યા વટેમાર્ગુઓને પાણી પહોંચાડવાનું કામ સંતે કર્યું છે. વાયકા એવી છે કે ૧૮૧૫માં બાર શિષ્યો સાથે એમણે જીવતા સમાધિ લીધી હતી. આમ છતાં બે સદીથી કવિ મેકણનું નામ કચ્છની ધરતી પર એમનાં કાર્યોથી અને ખાસ તો એમની સાખીઓ અને એમનાં ભજનોથી ગુંજતું રહ્યું છે. કચ્છી, ગુજરાતી અને હિન્દીમાં થયેલી એમની રચનાઓ જાણીતી છે. આ મેકણવાણીનો કબીરવાણી જેવો સ્વાદ છે પણ એમાં કચ્છનો પ્રાદેશિક સ્વાદ મળ્યો છે; જે અનોખો છે. મેકણ કહે છે કે ‘પિપ્પર મેં પણ પાણ નાં ય બાવરે મેં બેઓ / નિમમે ઉ નારાયણ, પોય કંઢેમેં કેટલો?' (પીપળામાં પ્રાણ છે, બાવળમાં બીજો કોઈ નથી લીમડામાં એ જ નારાયણ છે, તો ખીજડામાં કોણ બીજો હોય?) જેમ સર્વત્ર જીવન તત્ત્વની મેકણને ઓળખ છે, તો સર્વત્ર એમને મરણની પણ ઓળખ છે. કહે છે : ‘હિકડા લેઆ,બ્યા હલંધા, ત્રેયા ભરે વિઠા ભાર / મેકો ચેંતો મારઆ પાં પણ તેજી લાર’ (એક ચાલી નીકળ્યો, બીજો ચાલવાનો છે, તો ત્રીજો ભાર ભરીને તૈયાર બેઠો છે આપણે પણ એમાંના જ છીએ) મરણનું ચિત્ર મેકણે કબ્રસ્તાનમાં આ રીતે ઊભું કર્યું છે : જ્યાં વિગાં જીરાણમેં કહિયાં સેણે કે રાડ / મિટ્ટી ભેરા ત્યાં મિલી, ન હુંકારો ડી રાડ’ (જ્યાં હું કબ્રસ્તાનમાં ગયો અને સ્નેહીઓએ રાડ પાડી, પણ બધા જ માટીમાં ભળી ગયા હતાં કોઈ હાડકાએ પણ હુંકારો ન દીધો) મરણની આ મોઢામોઢ સ્થિતિને જાણતા હોવાથી મેકણે ઠપકાર્યું છે કે : ‘કોરિયું કે કોરિયું. કર કુરે કહેઓ કોરિયો મેં આય ફૂડ / મરી વેંધા ભારઆ પો મેં પોંધી ધૂડ’ (પૈસા પૈસા શું કરો છો? પૈસામાં કપટ છે તમે મરવાના છો અને મોમાં ધૂળ પડવાની છે.) મેકણની આવી કચ્છી સાખીઓમાં એકબાજુ બાહ્ય જગતની ક્ષણભંગુરતાનો અનુભવ છે તો બીજી બાજુ અંદરના જગતની મસ્તીનો અનુભવ પણ જોવા જેવો છે. અંદરની વાત કરતા મેકણ કવિ તરીકે ઝળહળી ઊઠે છે : મુંજે મનજી ગાલિયું, જેડિયું સમંધર લહેરિયુ / હિકડયું પોત્યું તડ મથે, બઈયું ઉપડઈયું (મારા મનની વાતો જાણે સમંદરની લહેરો છે. એક લહેર જ્યાં તટ પર પહોંચે ત્યાં બીજી ઉપડે છે.) પણ મનને સાગર સાથે સરખાવ્યા પછી કવિ મેકણને થાય છે કે સાગર સાથે મનની લહેરો ન સરખાવાય કારણ ‘સાયર લહ થોડિયું, ઘરમેં ઘણેરિયું’ (સાગરની તો થોડી લહેરો છે મારા ઘરમાં ઘણી છે.) દૃષ્ટાંતો મેકણની સાખીઓમાં ધબકારની જેમ રહ્યાં છે. ક્યારેક કવિ કહે છે કે જેની મા મરઘી છે એવો કૂકડો મોર થઈ શકવાનો નથી અને જેની મા બિલાડી છે તે બિલાડી કદી ભેંસ બની શકવાની નથી. એ તો ઊંદરો જ મારતી હોય છે તો ક્યારેક કહે છે કે જેને તેને મોતી આપી ન દેવાય, એના પર કાટ ભલે ચઢે. ક્યારેક મેકણ કહે છે કે જેનું મન વણવાના નાડામાં છે અને જેનું મન ફક્ત સાળમાં રોકાયેલું છે, તે બન્દુકનો ભાર કેવી રીતે સહેશે? સાખીઓની જેમ મેકણની પોતાની મહોર એમનાં ભજનો અને ગીતો પર પણ છે ‘મેના બોલે પાંજરે’ તો આખું ભજન સ્મરણમાં રહી જાય તેવું છે મેના બોલે પાંજરે સુણ ભાઈ મનવા રાજા / પૂરા જાણે પારખા, આસમાની દરવાજા' આસમાની દરવાજા દ્વારા વિશાળતાનો ખ્યાલ આપી મેકણ નવી જ દુનિયા બતાવે છે : ‘વરણ આવરણ કોઈ નહીં, દુનિયા દરવાજા / વણદેવળ, વણદેવતા, વણ મસીદે વાજાં' દુનિયાને દીવાલોમાં નહીં પણ દુનિયાને દરવાજામાં પલટી કવિ મેકણ છેવટે ‘શૂન્ય શિખર પર’ આપણને લઈ જાય છે, જ્યાં ‘પિપુડા હૈ અવાજા’ પિપુડાને માત્ર અવાજમાં મૂકી પિપુડાનું નવું સંવેદન ઊભું કરાયું છે. આ જ રીતે મેકણનું ‘મરગા ઢુંઢે વનમાં’ ભજનમાં જાણીતી વાતને લયાત્મક પંક્તિમાં મૂકવામાં આવી છે : ‘મરગા ઢુંઢે વનમાં કસ્તુરી ઘટ માંહી’ એ જ રીતે દરિયાને પણ ખબર નથી કે સીપ-રતન પોતાનામાં છે એ વાતને પણ મેકણે સરસ રીતે મૂકી છે : ‘દરિયા કું માહિત નહીં સીપ રતન મુજ માંહી, તપીઆ દમે દેહ કું ઘરમાંહી ગોરા હી’ મેકણ સંતે કચ્છ અંગે દુઆ માગી છે : ‘કારી જોગણ કચ્છમેં ડોલાવો ખડી જ.’ (હે જોગણી! તું કચ્છને સહેજ દુઃખનો ડોલાવો આપીશ મા.) ગમે એનાં ડોલાવા પછી પણ કચ્છ બેઠું થશે એની ખાતરી આ પંક્તિમાં સંભળાતી નથી?