રચનાવલી/૧૬૦
‘જો ઈશ્વર છે તો સાહિત્ય શા માટે ને જો ઈશ્વર નથી તો સાહિત્ય શા માટે?’— એવું કહી સાહિત્યની ધરીને જડમૂળમાંથી ખસેડવાનો પ્રયત્ન કરનાર છે એબ્સર્ડ રંગભૂમિનો સમર્થ નાટકકાર યુજિન યોનેસ્કો. એણે જીવન સામે, તર્ક અને ભાષા સામે, રંગભૂમિ સામે, નાટકો સામે બળવો પોકાર્યાં. નાટકમાં કથાનક જેવું ભાગ્યે જ કશું રાખ્યું. નાટકમાંથી ગતિને લગભગ નાબૂદ કરી. મનુષ્ય આ જગતમાં સાવ એકલો છે, આ અસ્તવ્યસ્ત જગતમાં એ ક્યાંય વ્યવસ્થા સ્થાપી શકે તેમ નથી, આ નિરર્થક જગતમાં કયાંય એને અર્થ મળે તેમ નથી – જીવનની આવી નકારાત્મક બાજુને યોનેસ્કોએ સ્વપ્ન દ્વારા નહીં પણ જાણે કે ખરાબ સ્વપ્નોની હારમાળારૂપે રજૂ કરી, અર્થહીન બબડાટ જેવા સંવાદો દાખલ કર્યો. માનવપરિસ્થિતિની નિરર્થકતાને અને માનવસેવાનો વિનાશ કરતાં પરિબળોને એણે નજીકથી જોયાં. યોનેસ્કોને અર્થ કરતાં અનર્થમાં વધુ રસ પડ્યો, કારણ એમાં વિચારવાની વધુ સ્વતંત્રતા હતી. એણે કૉમિક અને ટ્રેજિકને એક કર્યાં. યોનેસ્કોની આવી રંગભૂમિ એબ્સર્ડ રંગભૂમિ તરીકે ઓળખાઈ. એની જોડે સેમ્યુઅલ બૅકીટ, ઝાં જેને, આર્થર આદામોવ જેવા મોટા નાટકકારોનું જૂથ હતું. રોમાનિયન પિતા અને ફ્રેન્ચ માતાને ત્યાં જન્મેલા યોનેસ્કોનું મોટાભાગનું બાળપણ ફ્રાંસમાં વીત્યું પણ એની કિશોરાવસ્થામાં એ ફરી રોમાનિયા ગયો. ત્યાં ફ્રેંચ શિક્ષક તરીકેની કામગીરીની સાથે સાથે એણે ૧૯૩૬માં લગ્ન કર્યું. પણ પોતાનો મહાનિબંધ પૂરો કરવા એ ૧૯૩૮માં ફ્રાંસ પાછો ફર્યો. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધમાં સપડાયા પછી એ ફ્રાંસમાં જ ઠરી ઠામ થયો. શરૂમાં પ્રકાશકની પેઢીમાં પ્રૂફરીડર તરીકે ગુજરાન ચલાવ્યું પણ પછી ૧૯૯૪માં ૮૧ વર્ષની ઉંમરે અવસાન પામ્યો. ત્યાં સુધી પૂરો સમય એણે ચિત્રકલા અને લિથોગ્રાફીને આપ્યો. નાટક લખવાનો પ્રારંભ એણે એકદમ અકસ્માતે કર્યો. જેવું અંગ્રેજી ભાષા શીખવાનું શરૂ કર્યું કે અંગ્રેજીના અભ્યાસપોથીમાં વેરાયેલા પડેલા રોજિંદી ભાષાનાં અર્થહીન સપાટ વાક્યોએ યોનેસ્કોને ઉશ્કેર્યો. ૧૯૫૦માં એણે ‘ધ બાલ્ડ સોપોર્નો’ પહેલું નાટક રચ્યું. એમાં મધ્યમવર્ગીય સમાજના આચારોની સ્થગિતતાને તેમજ મૂર્ખતાને કઢંગી રીતે ખુલ્લી પાડી. આ પછી અનેક નાટકો રચાયાં એવાં યોનેસ્કોને પોતાની ખુદની છબી જેવા રોજિંદા જીવનનો સામાન્ય માનવી બેરેન્જર હાથ લાગ્યો અને એને જુદાં જુદાં નાટકોમાં જુદી જુદી પરિસ્થિતિમાં મૂક્યો. બેરેન્જરને નાયક બનાવતા એના પાંચેક નાટકો છે. ‘કિલર’ (૧૯૫૮), ‘રહાયનોસરસ’ (૧૯૫૯), ‘એક્ઝિટ ધ કિંગ’ (૧૯૬૨) ‘અ સ્ટ્રૉલ ઇન ધ એર’ (૧૯૬૩) અને ‘હંગર એન્ડ થર્સ્ટ’ (૧૯૬૪) આ બધામાં એનું ત્રિઅંકી નાટક ‘રહાયનોસરસ’ જગતના તન્ના પર સૌથી વધુ ધ્યાનપાત્ર બન્યું છે. પહેલા અંકમાં ઝાં અને બેરેન્જર બે મિત્રો, ફૂટપાથ પરની કોઈ કૉફીશૉપમાં ચર્ચા કરતા બેઠા છે જેમાં ઝાં બેરેન્જરની વધેલી દાઢી અને એના છાકટાપણાની ટીકા કરે છે. બેરેન્જર એની સામે પોતાના અસ્થિર જીવન અંગે ફરિયાદ કરે છે. એવામાં ઓચિંતા ત્યાંથી પસાર થતા રહાયનોસરસને કારણે બધું ઊથલપાથલ થઈ જાય છે. નગરજનો રઘવાયા રઘવાયા ઘૂમવા માંડે છે. પણ બીજા અંકની શરૂઆતમાં એક જબરી વાત રજૂ થાય છે. એમાં જણાવાય છે કે રહાયનોસરસ બીજું કોઈ નથી પણ નગરજનો જ છે અને પછી તો રહાયનોરસની સંખ્યામાં ઉમેરો થતો આવે છે. બીજા દશ્યમાં બેરેન્જર ઝાંની મુલાકાત માટે જાય છે પણ એની નજર સમક્ષ ઝાં ધીમે ધીમે સંપૂર્ણ રહાયનોસરસમાં પલટાઈ જાય છે. બેરેન્જર મકાન છોડીને બહાર નીકળે છે તો બારણાઓમાંથી અને બારીઓમાંથી રહાયનોસરસના માથા બહાર ડોકાય છે. બેરેન્જર દુઃખી દુઃખી થઈ જાય છે. ત્રીજા અંકમાં બેરેન્જર સિવાય નગરના બધા જ રહાયનોસરસમાં પલટાઈ ગયા છે. બેરેન્જરનો મિત્ર અને છેવટે તેની પ્રેયસી ડેઇઝી પણ રહાયનોસરસમાં પલટાઈ જાય છે, ત્યારે બેરેન્જર આ આખી વાતને અપશુકન તરીકે જુએ છે. આ રૂપાન્તરની વાતનો સામનો કરવા અને પોતાનું વ્યક્તિત્વ જેવું છે તેવું જાળવી રાખવા બેરેન્જર કમ૨ કસે છે. છેલ્લી એકોક્તિમાં બેરેન્જર જણાવે છે કે કોઈ પણ રીતે પોતાનું મનુષ્યરૂપ જાળવી રાખશે. પણ આવા નિર્ધારની સાથે સાથે એ પોતાને તદન એકલો પડી ગયેલો જુએ છે. થોડીવાર માટે પોતાના દેખાવ અંગે અને પોતાના સાધારણ અવાજ અંગે એ શરમ પણ અનુભવે છે. છેવટે હિંમતપૂર્વક એ જાહેર કરે છે કે આ પ્રાણીઓનો એ મુકાબલો કરશે. એ છેલ્લો મનુષ્ય બચ્યો છે પણ એ શરણાગતિ નહીં સ્વીકારે. ઉપર ઉ૫૨થી ખરાબ સ્વપ્ન જેવા લાગતા આ નાટકમાં ઊંડો રાજકીય અર્થ પડેલો છે, એની કૂંચી એની ડાયરીમાં પડેલી છે. ૧૯૪૦ની એક ડાયરીમાં યોન્સેકોએ નોંધ્યું છે કે ફાસીવાદનો વિરોધી એનો એક મિત્ર ધીમે ધીમે નાત્સી ફાસીવાદને અપનાવી લે છે. વળી યુદ્ધ પૂર્વેના રોમાનિયામાં યોનેસ્કોએ સાધારણ દેખાતી પ્રજાને ફાસીવાદના સામૂહિક ગાંડપણનો ભોગ બનતી પણ જોઈ છે. અહીં આ નાટકમાં યોનેસ્કોનો છૂપો પ્રહાર સામ્રાજ્યવાદી અને ફાસીવાદી પરિબળો પર છે. ફાસીવાદને અહીં એક રોગ તરીકે ચીતરવામાં આવ્યો છે, જે મનુષ્યોને જંગલી રહાયનોસરસમાં રૂપાંતરિત કરી દે છે. માનો કે રાજકીય અર્થમાં ખેંચી લાવી નાટકને મર્યાદિત ન કરી નાખીએ તો પણ આજનો માણસ બધાથી એકલો પડી બીજાઓ સાથેનો જે સંપર્ક ગુમાવી બેઠો છે એનું ચિત્ર અહીં બરાબર ઊપસે છે વળી, મનુષ્યના વ્યક્તિત્વને હણી નાંખનારાં સામૂહિક પરિબળો કામ કરી રહ્યાં છે એની સામે વ્યક્તિત્વના રક્ષણ માટેનો બોધ પણ ઊંડે ઊંડેથી પમાય છે.