રચનાવલી/૧૬૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬૨. પરોઢના તાલે તાલે (માયા એન્જલો)


આઠ વર્ષની વયે માતાના મિત્ર દ્વારા બળાત્કારનો ભોગ બનેલી અને સોળ વર્ષની ઉંમરે માતા બનેલી માયા એન્જલોની ‘મને ખબર છે કે પિંજરસ્થ પંખી શા માટે ગાય છે’ આત્મકથાએ એને કેટલાક મહત્ત્વના આધુનિક અર્થાત અમેરિકી લેખકોમાં સ્થાન અપાવ્યું છે. જગતના ઇતિહાસમાં નારી તરીકેનું અને અશ્વેત તરીકેનું શોષણ જાણીતું છે. દાદીમા સાથે દાંતના અશ્વેત ડૉક્ટર પાસે પહોંચેલી એન્જલોએ ડૉક્ટરને મોઢે સાંભળેલું કે, ‘હું કૂતરાના મોઢામાં હાથ નાંખીશ પણ નિગ્રોના મોઢામાં નહીં.’ આવા પ્રસંગોનો આઘાત જ માયા એન્જલીને ગાવા પ્રેરે છે કે ‘અમે વેદનાયુક્ત ઇતિહાસને જીવ્યા છીએ / અને અમે શરમજનક ઇતિહાસ જાણીએ છીએ.’ રંગદ્વેષના અપમાન અને પુરુષોની વાસના વચ્ચે વિવિધ પ્રકારના વ્યવસાયો અજમાવતો માયા એન્જલોએ નૃત્ય અને નાટકમાં તો સિદ્ધિ હાંસલ કરી છે પણ સમાન નાગરિક ધારાના અમેરિકી આંદોલનમાં પણ સક્રિય કામગીરી બજાવી છે. એન્જલોને અભિમાન છે કે એ સુંદર અશ્વેત નારી છે, એ અદ્ભુત સુંદર નિગ્રો જાતિનું ગૌરવાન્વિત અંગ છે. એન્જલોએ પોતાના અંગત દુઃખ અને હતાશાને જીવંત કાવ્યરચનાઓમાં ઢાળ્યાં છે. અમેરિકી-આફ્રિકી મૌખિક પરંપરાનો એમાં ગજબનો છાક ભળ્યો છે. સાદાં-સીધાં એનાં કાવ્યો સોંસરવા હૃદયમાં ઊતરી જાય એવાં વેગીલા છે એનો લય એક પ્રકારનું કામણ ઊભું કરે છે. એમાં ઊંડે ઊંડે બળવો છે પણ સાથે સાથે ઇતિહાસની સમજ છે અને માનવજાત માટેનો પ્રેમ છે. એ કહે છે કે ‘અશ્વેત અનુભવને હું રજૂ કરું છું પણ એમ કરતાં કરતાં હું હંમેશાં માનવ પરિસ્થિતિ રજૂ કરું છું.' અશ્વેત જાતિના શોષણોની વાત કરતાં કરતાં માયા એન્જલો અમેરિકી પ્રજાજનોને પણ ઢંઢોળે છે. એ કહે છે : ‘તમારી આંખ પરથી પાટા ઉતારી લ્યો / અને તમારા કાનમાંથી ડટ્ટા કાઢી નાંખો અને કબૂલ કરી કે તમે મને રડતી સાંભળી છે અને સ્વીકારો કે તમે મારાં આંસુઓને જોયા છે." જેમ્સ વેલ્ડન જોન્સનના રચેલા અશ્વેત અંગેના રાષ્ટ્રગીતે માયા એન્જલો પર ખાસ્સી અસર પહોંચાડી છે. એમાં પૃથ્વી અને આકાશ ભરીને છવાયેલા સ્વાતંત્ર્યના સંવાદનો રણકાર હમેશાં એન્જલોની પ્રેરણા રહ્યો છે. માયા એન્જલોનો સ્વાતંત્ર્યનો ખ્યાલ પશુતા, યુદ્ધ, શોષણ, નફાખોરી અને ક્રૂરતાની વિરૂદ્ધનો છે એને ખબર છે કે માનવજાતિનો લાંબો ઇતિહાસ વેદનાથી ભરેલો છે. પણ માયા એન્જલોને એ પણ ખબર છે કે અપારવેદનાયુક્ત હોવા છતાં ઇતિહાસ ન-જીવ્યો નથી થઈ શકતો પણ જો હિંમતથી એનો સામનો કરાય તો ફરી એને જીવો પડતો નથી. આ વાતની સાહેદી પૂરે છે અમેરિકાના પ્રમુખ વિલ્યમ જેફરસન ક્લિન્ટનના ઉદ્ઘાટન સમારંભમાં ૨૦, જાન્યુ, ૧૯૯૩ના રોજ માયા એન્જલોએ કરેલું લાંબુ કાવ્ય ‘પરોઢના તાલે તાલે’ (ઑન ધ પલ્સ ઑવ મોર્નિંગ) આ કાવ્યના વાચનથી માયા એન્જલો અમેરિકામાં ચારે બાજુ છવાઈ ગઈ. ‘પરોઢના તાલે તાલે’ એન્જલોનું લાંબુ કાવ્ય છે. એમાં પ્રાગૈતિહાસિક કાળના ખડક, નદી અને વૃક્ષને લઈને તેમજ એ સૌને બોલતાં કરીને કવિએ માનવજાતના ડહાપણને જગાડવાનો તેમજ મનુષ્યના યુદ્ધખોર અને નફાખોર માનસને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસમાં થતી આવતી ભૂલોનો હિંમતથી સામનો કરી કેવી રીતે એને પુનરાવૃત્ત ન કરી શકાય એનો માયા એન્જલોએ સંદેશ વહેતો કર્યો છે. પ્રાગૈતિહાસિક ડાયનૉસોર કાળનો ખડક અનેક ઊથપલાથલોનો સાક્ષી છે. એ કહે છે : ‘આવો મારી પીઠ પર ઊભા રહો / અને તમારા દૂરના ભવિષ્યનો સામનો કરો / પણ મારા પડછાયામાં કોઈ આશરો શોધશો નહીં / હું તમને અહીં નીચે કોઈ સંતાવાની જગ્યા આપી શકું તેમ નથી’ નદીએ તો સ્પષ્ટ સંભળાવ્યું કે ‘થોડાક સ્વાર્થ માટેના તમારા હથિયાર ઘર્ષણોએ / મારે કાંઠે ઢગલાબંધ કાંપને ખડક્યો છે / મારી છાતી પર ખંડેરો ખડક્યા છે / તેમ છતાં આજે હું મારા કાંઠે તમને બોલાવું છું / જો તમે વધુ યુદ્ધ ન કરવાના હો તો.’ આ જ રીતે વૃક્ષ પણ ચોખ્ખું સંભળાવે છે. કહે છે : તમે મારી સાથે સુખે પોઢ્યા છો / અને પછી ઘાતકી પગલાંઓના આક્રમણે / તમે મને છોડી મૂક્યું છે / સુવર્ણભૂખ્યા સ્વાર્થીઓની તહેનાતમાં’ આગળ ઉમેરે છે : ‘તમે મને ખરીદ્યું છે, વેચ્યું છે, પડાવ્યું છે / અને સ્વપ્નને ઇચ્છતા આવી પહોંચ્યા છો દુઃસ્વપ્ન પર.’ પૃથ્વીના ગ્રહને પ્રદૂષિત કરતાં પરિબળો અંગે અહીં એક બાજુ ચેતવણી અપાયેલી છે; તો બીજી બાજુ ભવિષ્ય માટે પરિવર્તનના માર્ગને મોકળો રાખ્યો છે. કવિ કહે છે કે : ‘ઊંચકો તમારી આંખો / ને ઠેરવો તમારે માટે ઊગતા પરોઢ પર / ફરીને જન્મ આપો, સ્વપ્નને.’ સ્વપ્નથી દુઃસ્વપ્ન સુધી પહોંચેલી માનવજાત ફરીને સ્વપ્નને જન્મ ન આપી શકે એવું નથી, એવી કવિની દૃઢ શ્રદ્ધા છે. આથી જ અમેરિકી પ્રમુખના ઉદ્ઘાટનની સાથે સાથે નવા યુગના મંડાણમાં કવિ સમગ્ર માનવ જાતિના કલ્યાણના ઉદ્ઘાટનની ક્ષણ પણ જોઈ શકે છે. કહે છે : ‘પરિવર્તનના નવા ડગ માંડી શકો એવા / અવકાશને સ્પર્શતી ક્ષિતિજ / તમારી તરફ ઝૂકી રહી છે.’ બોલચાલના લહેકાઓ સાથે સાદી સીધી ગતિમાં વહેતી માયા એન્જલોની કવિતા અમેરિકી કવિતાની જાણીતી પરંપરામાં બંધ બેસી શકે તેમ નથી. તેથી એને ‘બહુ સરલ’નું નામ આપી ક્યારેક ઉતારી પાડવામાં આવે છે. પણ માયા એન્જલોને એની તમા નથી. એનું શ્રોતાવૃંદ મોટું છે. એના દરેક વાચન વખતે એ કામણ ઊભું કરે છે અને એ કામણ દ્વારા એન્જલોએ પોતાનું એક ધોરણ ઊભું કર્યું છે. માયા એન્જલો, આજની અમેરિકાની કવિતાનો જુદો અવાજ છે.