રચનાવલી/૧૮૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૩. નવવધૂ (ઑસ્ટિન બુકેન્યા)


‘કોઈના ઘર વિશે આપણને માત્ર ઉપરના છાપરા જેટલી ઉપલક જ ખબર હોય છે. ઘરમાં જે રહેતું હોય છે તેને જે ધૂળ અને જાળાં ક્યાં જામ્યાં છે તેની ખબર હોય છે.’ આ ઉક્તિ યુગાન્ડાના આફ્રિકી નાટકકાર ઑસ્ટિન બુકેન્યાના નાટક ‘નવવધૂ’ના એક પાત્રની છે. આપણી કેવી કરુણા છે કે દરેક માણસને અંદરથી સમજવો અઘરો છે. આપણને દરેક માણસની ઉપલક જ ખબર હોય છે. કોઈને અંદરથી જોઈ શકતા નથી. માણસ માત્રની આ વેદના તો ખરી જ, પણ એની સામે ઑસ્ટિન બુકેન્યાને એમ પણ કહેવું છે કે દરેક પ્રજા વિશે બહારથી તમે જે જાણો છો તે ઘરના છાપરાને જાણ્યા બરાબર છે. જ્યાં સુધી તમે પ્રજાના કે સંસ્કૃતિના ન હો ત્યાં સુધી તમે એનાં ધૂળ અને જાળાંને જોઈ શક્તા નથી. ઑસ્ટિન બુકેન્યા આપણને આફ્રિકી પ્રજાની સંસ્કૃતિઓના જગતમાં લઈ જવા મથે છે પણ સાથે ચેતવણી પણ આપે છે. કહે છે કે : ‘કેટલાક એમ કહે છે કે આફ્રિકા વિશેની નવલકથા વાંચવાથી આફ્રિકન જનજીવનનો તાગ મળી શકશે. તો એ વાતમાં કાંઈ માલ નથી કારણ સર્જનાત્મક નવલકથામાં સમાજનો વાસ્તવિક દસ્તાવેજ હોતો નથી. પણ આપણે ઑસ્ટિન બુકેન્યાને કહીશું કે અમારે આફ્રિકી જીવનનો દસ્તાવેજ નથી જોઈતો. દસ્તાવેજ તો છાપરું બતાવશે. અમને તો સર્જનાત્મક સાહિત્યનો ખપ છે, આખરે તો સર્જનાત્મક સાહિત્ય જ આપણને અંદર ઉતારી ધૂળ અને જાળાંની સાથે એની આંતરિક ખૂબીઓ બતાવશે. આજે આફ્રિકી સાહિત્યની બોલબાલા છે. ગુલામી માનસના પ્રતીક સમા અંગ્રેજી નમૂનાઓ બાજુએ રાખી આફ્રિકી લેખકો પોતાની ભાષાઓમાં પોતાનાં મૂળિયાંઓ તરફ વળ્યા છે. વર્ષો સુધી સંસ્થાનવાદી વિદેશી સત્તાની સામે ઝઝૂમી મુક્તિ મેળવ્યા પછી હવે ઘરના જ સરમુખત્યારોનો એમને સામનો કરવાનો આવ્યો છે. કહેવાય છે કે એમનો આ જંગ ‘બીજી આઝાદી’ માટેનો છે. યુગાન્ડાના ઇદી અમીન જેવા ક્રૂર શાસકના ખોફની સામે ઑસ્ટિન બુકેન્યા જેવા નાટકકારને ક્યારેક વતનને છોડી અને સ્થાનિક રંગભૂમિને છોડી દૂર પણ જવું પડ્યું છે. પરંતુ આ બધા અવરોધો વચ્ચે આફ્રિકી લેખકોની આજની ત્રીજી પેઢી સાહિત્યના સ્વૈરવિહારને ત્યજી માર્કસવાદી વિચારસીમાઓ ત્યજી સર્જનની નવી જ ક્ષિતિજો ઉઘાડી રહી છે, જેમાં વિશ્વશાંતિ પર્યાવરણથી માંડી સ્ત્રી-પુરુષની સમાનતાના મુદ્દાઓ તો વણાયેલા છે. પણ આફ્રિકી જાતિઓની મૌખિક પરંપરાનાં સંગીત અને આદિ નૃત્યોની સાથે સાથે એમનાં ધર્મરહસ્યોથી ભરપૂર વિધિવિધાનો પણ વણાયેલાં છે. ઑસ્ટિન બુકન્યાનાં નાટકો પણ આ બધો વારસો લઈને ચાલે છે. વળી, નાટકકાર ઉપરાંત કવિ અને નવલકથાકાર હોવાથી બુકેન્યાનાં નાટકોમાં ભાષાની તાજગીનો કોઈ નવો સ્વાદ ભળ્યો છે. બુકેન્યાના ‘બ્રાઈડ’ નાટકનો કુમારપાળ દેસાઈ દ્વારા ‘નવવધૂ’ને નામે ગુજરાતી અનુવાદ થયો છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એને પ્રકાશિત કર્યો છે તેથી ગુજરાતી સાહિત્યમાં આફ્રિકી સાહિત્યનો ઉમેરો થયો છે. ‘નવવધૂ’ નાટકમાં આફ્રિકાની વિશિષ્ટ સંસ્કૃતિની રૂઢિવિધિઓ વચ્ચે બે પેઢીનો મુકાબલો કેન્દ્ર સ્થાને છે. પરંતુ આ સંઘર્ષમાંથી યુદ્ધ અને હિંસાની સામે શાંતિ અને પ્રેમની જે વાત અનાયાસ ઊપસીને બહાર આવે છે એનો મહિમા વધુ છે. નાટ્યવસ્તુ તો એવું છે કે યુવાવર્ગનો પ્રતિનિધિ ને નેતા લેકિન્ડો પોતાની જાતિ વચ્ચે વિદેશીગણાતી નામ્બુઆને પરણવા ઇચ્છે છે અને એના માર્ગમાં વડીલો તરફથી તેમજ ધર્મસ્થાન તરફથી અવરોધો ઊભા કરવામાં આવે છે, જે છેવટે સુખાન્તમાં પરિણમે છે. આ સીધા સાદા નાટ્યવસ્તુને નાટકકાર બુકેન્યાએ સંગીત, નૃત્ય અને રૂઢિઓની વિશિષ્ટતાથી તેમજ વિવિધ પાત્રોની ખાસિયતોથી પ્રાણવાન બનાવ્યું છે એટલું નહિ પણ બુકેન્યાએ ભાષામાં વાપરેલા અલંકારો તો આફ્રિકી જીવનનો સીધો ધબકાર ઝીલતા હોય એમ ગોઠવાયેલા છે. નાટકમાં ચાર દૃશ્યો છે. પહેલું દૃશ્ય ‘નવલોહિયાનું નૃત્ય’માં યુવકો અને યુવતીઓ નૃત્યની રાણી બનનારી નામ્બુઆની રાહ જુએ છે પણ યુવતીઓમાં નામ્બુઆ માટે ખાસ્સી ઈર્ષા છે. તો વડીલોમાં તેના વિદેશીપણાને કારણે ખાસ્સો રોષ છે. તેથી યુવા વર્ગનો નેતા લેકિન્ડોને પોતાના પિતા શુન્ડુનો સામનો કરવો પડે છે. ‘મંદિરનું દૃશ્ય’ નામે બીજા દૃશ્યમાં વાંગાદેવનો સત્તાખોર પુજારી લેરેમા અને એની પત્ની મુકુમ્બુ પોતાના એકમાત્ર મરેલા પુત્રની ખોપરીને જાળવીને એને જીવતો સમજ્યા કરે છે અને પુત્રની ખોપરીને પરણાવવાના બહાને નામ્બુઆને પરણવાની ઇચ્છાથી પુજારી નામ્બુઆના પિતાને ભોળવે છે. ‘વાડી’ના દૃશ્યમાં ખોપરી સાથે પરણાવવા તૈયાર થયેલા પોતાના પતિની સામે નામ્બુઆની માતા ટાટુ વિરોધ કરે છે પણ પુજારી સાથેના આ સંબંધથી પોતાના કુટુંબનું વિદેશીપણું ચાલ્યું જશે અને જાતિમાં એમનો સ્વીકાર થશે એવી વાત એની પત્નીને સમજાવે છે. ચોથા દૃશ્ય ‘ખોપડીની વાત’માં નામ્બુઆને પુત્રવધૂ તરીકે તૈયાર કરી મંદિરમાં મૂકી એવે ટાણે લેકિન્ડો યુવાવર્ગ સાથે આવી પહોંચી પુજારીના દીકરાની સાચવેલી ખોપરીના ચુરા કરી નાંખી, પૂજારીની બદદાનતને ખુલ્લી કરે છે. છેવટે બાજી સમજી જઈને પુજારી પોતે જ લેકિન્ડો અને નામ્બુઆનો વિવાહ રચી આપે છે. મંદિરમાં વાંગાદેવ અને એને અંગેની શ્રદ્ધા, પૂર્વજો અને મૃતાત્માઓ અંગેની માન્યતા, યુવા વર્ગને સુન્નત દ્વારા થતો યૌવન સંસ્કાર આ બધાંથી નાટક એક જુદા વાતાવરણનો અનુભવ આપે છે, તો અલંકારોનો અનુભવ પણ જોવા જેવો છે. નામ્બુઆનું વર્ણન જુઓ : ‘રાતના વાસી દૂધ જેવી એની આંખો, તાડનાં નવાં પાંદડાંઓ સરખી લોચા જેવી આંગળીઓ,’ પુજારી લેરેમાની ઉક્તિ જુઓ : ‘તમારા છુંદણાંના ઘામાંથી સુવાસિત પરુ નીકળશે એવી આશા રાખીને બેઠા’તા તમે’ જુવાનિયાનું વર્ણન જુઓ ‘કોફીના છોડનાં ફૂલ પર ભમતી મધમાખીઓની જેમ તેની પાછળ ઘૂમી રહ્યા છે.’ નામ્બુઆ પાણીનો ઘડો ભરીને લાવી છે પણ ખિજાયેલી માતા એને કહે છે : ‘તું એમ ધારતી હોય કે હું તારો ઘડો ઉતરાવીશ તો ઘાસને શેરડી માનવા જેવી તારી ભૂલ થાય છે.’ નામ્બુઆની મા ટાટુને ખબર પડે છે કે નામ્બુઆ લેકિન્ડોના પ્રેમમાં છે એટલે લેકિન્ડો તને અડક્યો ખરો?’ એવું પૂછીને ઉમેરે છે :‘મેં તો એવો કોઈ કૂતરો જોયો નથી જે પોતાના દાંત વચ્ચે દાબી રાખેલું માંસ સાચવીને રાખી શકે.’ ચિત્તમાં હંમેશ માટે ચોંટીજાય એવી આ કહેતી છે. કુમારપાળ દેસાઈએ ગુજરાતી અનુવાદ મૂળ રચનાની સાદગી અને એના તળપદાપણાને પ્રમાણમાં અકબંધ સાચવીને કર્યો છે, એમ કહી શકાય.