રચનાવલી/૧૮૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૯. હેન્રી ચોથો (પિરાન્દેલો)


જગતના નાટ્ય સાહિત્યમાં સ્ટ્રિન્ડબર્ગ અને ઇબ્સનના નામ જેટલું આદરપાત્ર નામ ઈટાલિયન નાટકકાર લૂઈજી પિરાન્દેલોનું છે. એ વાત જુદી છે કે વિવેચકોએ એના નિરાશાવાદને પસંદ નથી કર્યો, એનાં નાટકોને નક્કી વિષયને સાબિત કરવાના પ્રયત્નો તરીકે વગોવ્યાં છે, એની ફાસીવાદી સાથેની સંડોવણી પણ શંકાસ્પદ છે, પણ ૧૯૩૬માં નૉબેલ ઈનામ મેળવનાર આ નાટકકારે એનાં નાટકોમાં એક નવો નાટ્યપ્રકાર, એક પોતાની નવી રંગભૂમિ, એક પોતાનું આગવું પ્રેક્ષકવૃંદ ઊભાં કરેલાં. એનું નાટક સિસિલીપ્રદેશની ભૂમિમાં અને સિસિલીની લોકરંગભૂમિમાં રોપાયેલું હોય તો પણ જગતના કોઈ પણ ખૂણે ભજવાય ત્યારે લોકો પર પ્રભાવ પાડવાનો ગુણ ધરાવે છે. પિરાન્દેલોના નાટકની મહત્ત્વની ખૂબી એ છે કે કોઈ પણ દિગ્દર્શક એને હાથમાં લે તો એને પોતાની રીતે ઢાળી શકે એ પ્રકારની એમાં સહેતુક ગોઠવણો છે. પિરાન્દેલોનું નાટક સહેલાઈથી રંગભૂમિની નીપજ બની શકે એવી એમાં ભરપૂર ક્ષમતા રહી છે. પિરાન્દેલો માને છે કે આપણે જીવીએ છીએ પણ આપણે આપણું નિરીક્ષણ કરતા નથી. આપણી જાતનું નિરીક્ષણ કરવા માટે, આપણી જાતની સાથે મુકાબલો કરવા માટે, નાટકના સ્વરૂપ જેવી બીજી કોઈ જરૂરી વસ્તુ નથી. નાટક દ્વારા મનુષ્ય વેદના અનુભવે છે અને એ વેદના મનુષ્યને એની અસલ હયાતીનું ભાન કરાવે છે. માનવ પરિસ્થિતિઓની વિવિધ ગતિઓ તો નાટકમાં જ દર્શાવી શકાય છે એવી શ્રદ્ધા સાથે પિરાન્દેલોએ નાટકો લખ્યાં છે. હા, પિરાન્દેલોએ આરંભમાં કવિતા કરી છે, સાતેક જેટલી નવલકથાઓ લખી છે અને પંદરેક વાર્તા સંગ્રહો આપ્યા છે. પણ એમાં નાટકોનો પ્રભાવ આધુનિક રંગભૂમિ પર સીધો કે આડકતરો સમર્થ રીતે રહ્યો છે. મનુષ્યમાં રહેલો મૂળભૂત વિષાદ એની ધ્યેયપૂર્ણ જીવનવૃત્તિનૈનિરર્થક બનાવે છે એવો સૂર એના લેખનમાં હંમેશાં ઊઠતો રહ્યો છે. સાથે સાથે એણે સમાજને વ્યક્તિ પર લદાયેલા ભાર રૂપે જોયો છે. એનું કારણ કદાચ પિરાન્દેલોના પોતાના અંગત જીવનની કરુણતા છે. પિરાન્દેલો સમૃદ્ધ માતાપિતાનું ફરજંદ હોવા છતાં પિતાના એ આજ્ઞાંકિત પુત્રે ૧૮૯૪માં એના પિતાના વેપારી ભાગીદારની, કદી ન જોયેલી દીકરી સાથેનું લગ્ન સ્વીકાર્યું, પણ પિતાની સલ્ફરની ખાણોમાં પાણી ભરાઈ જતા અને વેપાર તૂટી પડતાં કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. પિરાન્દેલોની પત્ની પર એની ઘેરી અસર થતાં એ માનસિક સમતુલા ગુમાવી બેઠી. પિરાન્દેલો પોતાની બધી બચત પત્નીને આપવા છતાં પત્નીની માનસિક હાલત બગડતી ગઈ. એના અસાધ્ય ગાંડપણને પિરાન્દેલોએ વેંઢાર્યે રાખ્યું. સિગ્નોરા પિરાન્દેલો ૧૯૧૮માં અવસાન પામી. જગતનો આભાસ અને જગતની વાસ્તવિકતા – આ બે વચ્ચેના વિરોધ તરફ પિરાન્દેલોનું જે આકર્ષણ જોઈએ છીએ એનો ઘેરો સંબંધ કદાચ પિચન્દેલોના આ યાતનાગ્રસ્ત ગૃહજીવન સાથે હોવાની સંભાવના છે. એટલે, એનાં નાટકોમાં ‘સત્ય સાથે હંમેશા પ્રશ્નાર્થ રહ્યો છે. પિરાન્જેલોનાં ૪૩ જેટલાં નાટકોમાં સાચા છો તમે- (તમે એમ માનો તો)’ ‘લેખકની શોધમાં છ પાત્રો’ વગેરે પાત્રો વગેરે પ્રસિદ્ધ નાટકો છે, પણ એમાં ‘હેન્રી ચોથો’ પિરાન્દેલોનું સમર્થ નાટક ગણાયું છે. પિરાન્દેલોના અંગત જીવનની કરુણતાને આ નાટક સાથે સીધો સંબંધ છે. અહીં નાટકકાર ગાંડપણ સાથે તો કામ પાડે છે પણ વાસ્તવિકતા અને શાણપણ સાથેના ગાંડપણના સંબંધને પણ તપાસે છે. પીડાગ્રસ્ત ગાંડો માણસ શાણાઓના સમાગમમાં આવે છે અને શાણાઓની ભ્રષ્ટ જીવનરીતિઓને ખુલ્લી કરે છે. કહેવાય છે તેમ પિરાન્દેલોનાં નાટકોમાં પાત્રો નગ્ન મહોરાંઓનું કામ કરે છે અને દેખાવનું, ભ્રાન્તિનું, જટિલ ગૂંચનું અને નિરૂપાય સંદિગ્ધતાનું જગત ઊભું કરે છે. એમ કરીને પિરાન્દેલો એના પ્રેક્ષકોને સ્વીકૃત અવાસ્તવિકતામાં કેદ કરે છે, જે અવાસ્તવિકતા પ્રેક્ષકોના પોતાના ભાવજગત પર અને વિચાર જગત પર તીવ્ર પ્રકાશ ફેંકે છે. ‘હેન્રી ચોથો’ પણ ‘સત્ય શું છે?’— ના પ્રશ્ન સાથે સંકળાયેલું ત્રણ અંકમાં વિસ્તરેલું એક કરુણ નાટક છે. ક્લબમાં જર્મન સામયિકનાં પાનાં ફેરવતાં ફેરવતાં બેલ્જેડી માત્ર ફોટાઓ જોતો હતો, કારણ એને જર્મન ભાષા આવડતી નહોતી; ત્યાં એની નજર જર્મનીના કેયઝરના ફોટા પર ઠરે છે. બૉનમાં વિદ્યાર્થી તરીકેના એ ફોટામાં કેયઝર ઘોડા પર સવાર હતો અને પ્રાચીન જર્મનીના સોનેરી લેબાશમાં સજ્જ હતો. આ ફોટો જોતાં બેલ્જેડીને સૂઝ્યું કે આવનાર ઉત્સવમાં દરેક જણ કોઈને કોઈ પાત્ર રજૂ કરે - રાજા, કુંવર, એની રાણી, બધા જ ઘોડા પર સવાર. બેલ્ક્રેડીના સૂઝ્યા પ્રમાણે નાટકનો નાયક હેન્રી ચોથો બનીને ઘોડા પર સવાર થાય છે અને ઉત્સવ વખતે ઘોડા પરથી પડી જતાં એને માથામાં ઈજા પહોંચે છે. નાયક બેભાન અવસ્થામાંથી ભાનમાં આવે છે ખરો, પણ હેન્રી ચોથાની ભૂમિકા ભજવતો હતો એ ભૂમિકામાંથી બહાર આવી શકતો નથી. પોતે સમૃદ્ધ હતો તેથી મિત્રો અને ભાડૂતી માણસો સહિત નાયક એ જ ભૂમિકા ભજવ્યા કરે છે. નાટકમાં ભૂમિકા ભૂમિકા જ રહે, ભૂમિકા વાસ્તવિક બની જાય, નાયક ભૂમિકાને છોડી ન શકે, ભૂમિકા છોડે અને છતાં ભૂમિકા ભૂમિકા જ રહે – એમ સભાનપણે ભૂમિકામાં કેદ રહે છે. પિરાન્દેલો આમ અણઉકલ્યા વાસ્તવના નિરૂપણ દ્વારા જીવનની નજીકમાં નજીક જતી ગતિવાળા નાટકનો સ્વામી છે.