રચનાવલી/૧૯૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૪. સમ્રાટ ઇડિપસ (સોફક્લિસ)


ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં ભાગ્યે જ સાહસ કરે છે,પણ એ ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલું વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ચિત્રકલા પ્રદર્શન, ચલચિત્ર સમારોહ, કવિ મિલનો અને ગોષ્ઠિઓથી માંડીને પ્રાયોગિક બિનધંધાદારી નાટકોની ભજવણી સુધીનાં સાહસોથી ધબકતું રહે છે. એના પ્રાણરૂપ સુભાષ શાહ છે. સુભાષ શાહના લેખન-દિગ્દર્શન હેઠળ તાજેતરમાં ગ્રીક નાટકકાર સોફક્લિસનું નાટક ‘સમ્રાટ ઈડિપસ’ ભજવાયું, ગુજરાતના પાટનગર અમદાવાદની વાણિજ્યશૂરી પ્રજા વચ્ચે આવા નાટકને હાથ અડકાડવો એ પણ હિંમત માગે છે, તો અહીં તો તાલીમ ન પામેલા ઉત્સાહી બિનધંધાદારી નટ-નટીઓ દ્વારા આ નાટક સૂઝપૂર્વક રજૂ થયું. અમિત વ્યાસે શરીરના અપૂર્વ સૌષ્ઠવથી નાયક ઇડિપસની પ્રતિમા ખડી કરી, નૈમિશ નાણાવટીએ સહજ અભિનયથી ક્રેઓનના પાત્રનું આકર્ષણ સર્જ્યું, તો તરુણા દીક્ષિતે પ્રતાપી રાણી જોકેસ્ટાની વેદનાને જવાબદારીપૂર્વક ઉભારી. આ ત્રણે અદાકારો અમીટ છાપ છોડી ગયા. રંગમંચ પર નહીવત્ સામગ્રી સાથે સંવાદો અને વિષયના મર્મ ઉદ્ઘાટનથી આ નાટક દિલ જીતી લે છે. નાટકમાં વચ્ચે વચ્ચે થતો સામૂહિક મર્મરધ્વનિ ગુંજારવ-જન્મતા કરુણને અને વિકસતા કરણને પોષે છે. આ નાટકના અહીં તો વધુ શૉ થવા જોઈએ, ગુજરાતના અન્ય નગરોમાં પણ એ પહોંચવું જોઈએ. હિન્દુઓના પ્રાચીન વેદો જેમ માનવ જાતની મોંઘી મૂડી છે તેમ પ્રાચીન ગ્રીક પ્રજાની ઊંડી આચારનીતિ, સૌંદર્ય રુચિ અને ઉદાત્ત જીવનરીતિ એમાં પ્રતિબિંબિત થાય છે. એમાં ય ગ્રીક કણનાટકોમાં નાયકો દ્વારા અજ્ઞાનને કારણે કે કોઈક ક્ષણિક નિર્બળતાના કારણે થતી ભૂલ કેવા દુર્દેવ તરફ ખેંચી જાય છે એનું દર્શન પ્રેક્ષકોને જીવનના અંતિમ હાર્દમાં લઈ જનારું છે. કરુણનાટકના પ્રણેતા ઇસ્કિલસનાં ‘પ્રોમેશિયસ અનબાઉન્ડ’, ‘એગ્મેમ્નોન’, ‘ઓરેસ્ટિસ’ નાટકો જાણીતાં છે, તો યુરિપિડીઝનાં ‘મિડિયા’ ‘ધટ્રોઝન વિમન’, ‘અલ્સેસ્ટિસ’ નાટકો જાણીતાં છે. સોફક્લિસનાં કરુણ નાટકો આ બાબતમાં બેનમૂન છે. પુરોગામી એસ્કિલસ મનુષ્ય અને ગ્રીકદેવોના સંબંધોને પ્રકાશિત કરે છે એની સામે સોફક્લિસ માત્ર મનુષ્યને કેન્દ્રમાં લાવે છે અને ભયંકર દબાવ હેઠળ મનુષ્ય કઈ રીતે વર્તે છે એની પાત્રલક્ષી કરુણતા ઊભી કરે છે. મનુષ્યનું અજ્ઞાન એ સોફક્લિસના નાટકનું મુખ્ય કથાવસ્તુ છે. ઇ.સ. પૂર્વે ૪૯૫-૪૦૯ની વચ્ચે થઈ ગયેલા અને એથેન્સની નજીકના કોલનસમાં જન્મેલા સોફક્લિસે ૧૨૫ જેટલાં કરુણ નાટકો લખ્યાં છે, તેમાંથી સાતેક બચવા પામ્યાં છે. ‘ઈડિપસ એટ કોલનસ’, ‘ઇલેક્ટ્રા’, ‘ફ્લિક્ટીટીઝ’, ‘આજેક્સ’, ‘એન્ટિગની' જેવાં નાટકોમાં સમ્રાટ ઇડિપસ (ઇડિપસ રેક્સ)નું સ્થાન મોખરે છે. ‘સમ્રાટ ઈડિપસ’ કૃતક શૈલીથી ઉત્તમ શૈલી તરફ ખસેલા ઉત્તરકાલીન સોફક્લિસનું ફરજંદ છે. ‘સમ્રાટ ઇડિયસ’નું નાટ્યવસ્તુ આવું છે : ઇડિપસ થીબ્ઝના રાજા લાઇઅસ અને એની રાણી જોકેસ્ટાનો પુત્ર છે પણ અન્ય રાજ્યમાં ઊછરીને મોટો થયેલો ઇડિપસ અજાણતા પિતાની હત્યા કરે છે અને દુર્ભાગ્યવશ પોતાની માતાને જ પરણી બેસે છે. માતા દ્વારા એને સંતાનો થાય છે પણ સમય જતાં રાજ્યમાં મહામારી અને ભૂખમરો ઊતરતાં એના કારણની શોધ ઇડિપસને એના પોતાના રહસ્ય તરફ લઈ જાય છે. જોકેસ્ટાને ખબર પડે છે કે પોતાનો પતિ ઇડિપસ પોતાનો પુત્ર છે એ સાથે એ ગળે ફાંસો દઈ લટકી પડે છે, જ્યારે ઇડિપસ પશ્ચાત્તાપમાં પોતાની આંખો ફોડી દેશવટે ચાલ્યો જાય છે. અગમ્યગમન કે સપિંડ સંભોગથી ઉત્પન્ન થતી સ્થિતિમાંથી જન્મતો આ નાટકનો કરુણ અકલ્પ્ય છે. નાયક ગમે તેટલું ઇચ્છે તો પણ એ એના દુર્દેવને દૂર કરી શકે તેમ નથી. આ અપરિવર્તનીય કરુણ છે. આનો કોઈ ઈલાજ નથી. આ યૌનવિષય કે હત્યાનું નાટક નથી. પણ મનુષ્યજ્ઞાનની સીમિતતા અને અસહ્ય યાતના વચ્ચે ટકવાની એની ક્ષમતાનું નાટક છે. પ્રચ્છન્ન રહેતા અગમ્ય અને રહસ્યમય પરિબળો મનુષ્યના ભાગ્યને ઘડે છે. મનુષ્ય ગમે એટલો સારો હોય કે એનો હેતુ ગમે એટલો સારો હોય પણ કુદરતી નિયમનો ભંગ થતાં એને સજા મળે છે. એની યાતના પણ એને વેઠવી પડે છે. મનુષ્ય લાખ ઇચ્છવા છતાં એ વિરાટ નિયતિનું મહોરું બનીને રહી જાય છે. મનુષ્ય હોવાની મનુષ્યને સંવેદનતંત્ર હોવાની અને એ સંવેદનતંત્રને કારણે નીપજતી અપાર વેદના વેઠવાની દુર્નિવાર અભિશાપદશા મનુષ્યને મળેલી છે. એ એનું દુર્દેવ પણ છે અને એ એનું બલ પણ છે. કદાચ વેદના જ મનુષ્યના મનુષ્યત્વનો સાચો પરિચય છે. ગ્રીક નાટકોનો કરુણ મનુષ્ય સંવેદનશીલ તંત્રનો અને છેવટે મનુષ્યના મનુષ્યત્વનો પરિચય આપે છે. સામાન્ય રીતે પુત્રની પિતા તરફની અકળ ઇર્ષ્યા અને માતા તરફનું એનું આકર્ષણ જોવા મળે છે, તો પુત્રીની માતા તરફની ઇર્ષ્યા અને પિતા તરફનું આકર્ષણ જોવા મળે છે. આ અકળ વૃત્તિઓને ઓળખાવવામાં મનોવૈજ્ઞાનિક ફ્રોઇડનો ફાળો મહત્ત્વના છે. ફ્રોઈડે પુત્રના માતા તરફના આકર્ષણને માટે આ જ નાટકના પાત્રને ખપમાં લીધું છે અને એને ‘ઇડિપસ ગ્રંથિ’ એવું નામ આપ્યું છે. ‘સમ્રાટ ઇડિપસ’નો સર્વોત્તમ નાટ્યપ્રપંચ એના વિષયવસ્તુનો પ્રભાવ અને એની ભયાવહતા એને વિશ્વસાહિત્યમાં સમર્થ પ્રશિષ્ટ કૃતિઓ વચ્ચે મૂકી આપે છે.