રચનાવલી/૨૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧૮. એકાન્તવાસનાં સો વર્ષ (ગાર્સિયા માર્કિવઝ ગ્રેબિયલ)


લેખક આપણા જગતને અધૂરું અને અલૂણું અનુભવે છે અને પોતાની અપાર કલ્પનાશક્તિથી એને પૂર્ણ કરવા એમાં એ ઘણું ઉમેરતો જતો હોય છે. જીવાતા રોજિંદા જીવનની સાથે આપણા મનના ઊંડાણમાં ચાલતા બુટ્ટાઓને અને તરંગોને પણ સામેલ કરીને એ એક એવું જગત રચે છે જેમાં બધું ખરેખરું લાગે અને છતાં બધું અટપટું હોય. આવું જાદુઈ જગત (મેજિક રિયાલીઝમ) જર્મન લેખકો ઊભું કરતા. એનું જોઈને પહેલાં તો અમેરિકામાં પણ કેટલાક ચિત્રકારોએ એવું જગત ઊભું કર્યું પછી તો દક્ષિણના લેટિન અમેરિકન લેખકોમાં બોર્ટેસ, ક્યૂબન કથાકાર આલેજો વગેરેએ પણ એવું જગત ઊભું કર્યું. પણ એ બધામાં દક્ષિણ અમેરિકાના કોલમ્બિયાના કૅરેબિયન કાંઠાનો ગાર્સિયા માર્કિવઝ ગ્રેબિયલ ૧૯૮૨માં નૉબેલ ઇનામ મેળવીને એકદમ વિખ્યાત થઈ ગયો છે. એણે પણ એની ટૂંકીવાર્તાઓ અને નવલકથાઓમાં ખરેખરા જગતની સામે પોતાના તરંગ તુક્કાઓને ગોઠવીને એક આકર્ષક કાલ્પનિક જગત ઊભું કર્યું છે. આ બાબતમાં એની સૌથી વધુ જાણીતી ‘એકાન્તવાસનાં સો વર્ષ’ નવલકથા છે. એના તિલસ્માતી જગતમાં એ સાધારણને અસાધારણ સાથે ભેળવે છે અને જાતજાતનાં દૃશ્યોમાં મિશ્રણો કરીને રંગભભકભર્યા જગતને જન્મ આપે છે, ટૂંકમાં હાસ્ય અને અતિશયોક્તિ દ્વારા સામાન્ય લાગતા પ્રસંગોને નાટ્યાત્મક રીતે બદલી નાંખે છે. માર્કિવઝ આર્કાતાકા નામના કોલમ્બિયાના કાંઠાના નાના ગામમાં ગરીબ માતાપિતાને ત્યાં ૧૯૨૮માં જન્મેલો. નાનપણમાં જ માનું અવસાન થતાં એ પોતાનાં નાના-નાની સાથે જ ઊછર્યો. પછી પત્રકારત્વ અને કાયદાનું શિક્ષણ બોગોતા યુનિવર્સિટીમાં પૂરું કરીને એ પત્રકાર અને સંવાદદાતા બન્યો. માર્ક્વિઝ વારંવાર જણાવે છે કે એના નાનીના ઘરથી દૂર ગયા પછી એના જીવનમાં કોઈ ખાસ નવી ઘટના નથી ઘટી. નાનીનો કરિબિયન કોલમ્બિયાના લોકસાહિત્યનો વારસો એનામાં ઉત્સાહપૂર્વક ધબકતો થયો. અને એ વારસાએ જ માર્ક્વિઝને રોજિંદા જગત અને મનના તરંગોના જગતને એકાકાર કરવાનું શીખવ્યું. માર્કિવઝને કહે છે કે મને હંમેશાં એ વાતની નવાઈ લાગે છે કે લોકો મારી રચનાઓમાં રહેલા કલ્પના જગતની પ્રશંસા કરતા રહ્યા છે. પણ હકીકતમાં તો મારી રચનાઓમાં એવું એક પણ વાક્ય નથી જેને રોજિંદા જીવન સાથે નાતો ન હોય. ‘એકાન્તવાસનાં સો વર્ષ’ પહેલાં એણે ચારેક નવલકથાઓ લખેલી. ખરેખર તો એ બધી નવલકથાઓ આ સમર્થ નવલકથાની પૂર્વતૈયારીરૂપ નવલકથાઓ હતી. માણ્વિઝના કહેવા પ્રમાણે આ નવલકથા એની પાસે એકદમ ઊતરી આવી છે. એક દિવસ ઘેર પહોંચીને એણે પત્નીને જણાવ્યું કે - ‘મને જરાય કનડીશ નહીં - ખાસ કરીને પૈસાની બાબતમાં’ અને એણે ૧૩ વર્ષની ઉંમરથી કલ્પેલી નવલકથા લખવી શરૂ કરી. દિવસના આઠ દસ કલાકને હિસાબે ૧૮ મહિના એ કામ કરતો રહ્યો. એણે નવલકથા પૂરી કરી ત્યારે પત્નીએ કહ્યું, ‘મિત્રો પાસેથી ઉધાર લઈ લઈને દેવું વધતું ગયું. છે અને છ મહિનાનું ભાડું પણ ચઢી ગયું છે.’ પણ માર્કિવઝ પાછો ડૂબી ગયો. ફરીથી લખતો રહ્યો, સુધારતો રહ્યો, વાક્યે વાક્યને માંજતો રહ્યો. છેવટે એનાં પહેલાં ત્રણ પ્રકરણો એણે કાર્લોસ ફ્યુએન્નિસ ૫૨ મોકલ્યાં. કાર્લોસ એટલો પ્રભાવિત થયો કે એણે મેક્સિકન સામયિકને લખ્યું : 'હમણાં જ ‘એકાન્તવાસનાં સો વર્ષ’નાં ૨૫ પાનાં પૂરા કર્યાં છે અને એ એક અદ્ભુત અનુભવ છે.' ૧૯૬૭માં આર્જેન્ટિનાથી આ નવલકથા પ્રગટ થતા એની બધી નકલ એક અઠવાડિયામાં ખપી ગયેલી. આજે એની લગભગ ૨૦ લાખ નકલ ખપી ગઈ છે અને ત્રીસેક ભાષામાં એનો અનુવાદ થયો છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની એ હક્કદાર બની છે. કારણ એમાં માનવજાતના એકાન્તવાસનો માપદંડ છે, અનેક અત્યાચારો અને વિનાશ છતાં, અનેકવાર તરછોડાયા છતાં એમાં માનવજાતનો પ્રતિભાવ છે. મોટી રેલ, આફતો, રોગચાળાઓ, દુકાળો, રાજકીય, સામાજિક ઊથલપાથલો કે સદીઓ પર સદીઓનાં મહાયુદ્ધો આવ્યાં છતાં મૃત્યુ પર જીવનનો વિજય થતો એમાં દર્શાવ્યો છે. ‘એકાન્તવાસનાં સો વર્ષ’માં આમ તો એક દૂરના નાનકડા તૂટતા જતા તદ્દન કાલ્પનિક ગામ માકોન્ક્રોના સો વર્ષનો અહેવાલ છે, જે સગોત્ર લગ્નથી પીડાતા બ્યુન્દિયાસ કુટુંબની સાત પેઢીની આંખોનો સાક્ષી બન્યો છે. કથા ૧૯મી સદીથી શરૂઆતમાં આરંભ પામે છે અને ગામ માકોન્દોની સ્થાપના કરનાર યુવાન પૂર્વજ જોસ આર્કાદિયો બ્યુન્દ્રિયાસથી માંડી પેઢીના છેલ્લા સભ્યના મૃત્યુ સુધીનો ગાળો આવરી લે છે. ગામનું ભાગ્ય અને કુટુંબનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલાં રહે છે. ઇઝરાઇલની વિચરતી જાતિઓની જેમ ગામની પ્રજાનો ઈતિહાસ અહીં કોઈ એક કુટુંબમાંથી થયેલી એમની ઉત્પત્તિના સંદર્ભમાં સમજી શકાય તેવો છે. ‘એકાન્તવાસનાં સો વર્ષ’ નવલકથા ક્રમસંખ્યા વગરના વીસ પ્રકરણમાં વહેંચાયેલી છે. કથા સીધી લીટીમાં આગળ નથી વધતી પણ પાત્રોની સ્મૃતિઓમાં થઈને આડીઅવળી વહેતી રહી છે. કુટુંબનો પહેલો વડો જોસ આર્કાદિયો અને એની પત્ની ઊર્સુલાના સગોત્ર લગ્ન છે અને સગોત્ર લગ્નથી ડુક્કરની પૂંછડી સાથે બેડોળ બાળક જન્મે એવા ભયને કારણે ઊર્સુલા પત્નીધર્મ નિભાવતી નથી. પણ એકવાર મહેણું મારનાર એગ્વિલારને ભાલાથી ખત્મ કરી આગભભકો થયેલો આવિયો પત્ની પર બળાત્કાર કરે છે. આ પછી એને અને એની પત્નીને એગ્વિલારનું ભૂત સતાવતું રહેતાં બ્યુન્દ્રિયાસ કુટુંબના એના મિત્રો સાથે જંગલમાં થઈ લાંબો પ્રવાસ આદરે છે. ત્યાં આર્કાદિયોને અરીસાની દીવાલોના મકાનોના નગરનું સ્વપ્ન આવે છેઅને એ માકોન્દો ગામની સ્થાપના કરે છે. ત્યાંથી સાત પેઢી સુધી વાત આગળ ચાલે છે. માકોદ્ઘોમાં પશુપંખી માણસોને પાગલ કરી નાખે એવુ ગરમીનું મોજું આવે છે, પછી અનિદ્રાનો રોગ ફેલાય છે અને બધાની સ્મૃતિ ઘસાતી ઘસાતી નાશ પામે છે. છેવટે બ્યુન્દિયાસ કુટુંબમાં બાકી રહેલા બે સભ્યો પર કુટુંબનો શાપ ઊતરે છે. પૂછડિયું બાળક જન્મે છે અને જન્મતાવેંત પહેલે જ દહાડે એને કીડીઓ ખાઈને ખત્મ કરી નાખે છે. કુટુંબ કથા દ્વારા કોલમ્બિયાની કથા અને કોલમ્બિયાની કથા દ્વારા સમગ્ર માનવજાતની કથા કહેતી આ નવલકથા એક રીતે નહીં પણ અનેક રીતે વાંચવી પડે તેવી છે, ઝટ ગળે ઊતરે એવી નથી. પણ એકવાર ગળે ઊતરી તો પછી દિવસો સુધી એ જુદા જુદા માર્ગોએ લઈ જઈને ભમાવ્યા કરે એવી પ્રાણવાન છે. આથી જ પાબ્લો નેરુદા આ નવલકથાઓને ‘દોન કિહોતે’ પછીનો સ્પેનિશ ભાષામાં થયેલો સૌથી મોટો આવિષ્કાર સમજે છે.