રચનાવલી/૩૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૩. કેતન મુનશીની વાર્તાઓ


સાહિત્યમાં ધોરી રસ્તા પરનાં મોટાં મોટાં નામો મોટાં નગરોની જેમ આકર્ષતા રહેતાં હોય પણ ક્યારેક હટીને કોઈ સ્થળ એવું પણ મળી આવે છે, જે ભલે નાનું હોય પણ દિલ જીતી લેનારું હોય છે. એની ભૂગોળ, એની રચના, એનાં હવાપાણી એકદમ ગમી જનારાં હોય છે. ગુજરાતી સાહિત્યમાં આવાં સ્થળોને જ્યારે યાદ કરું છું ત્યારે એમાં કેતન મુનશીનું નામ અચૂક સ્મરણમાં આવે છે. આમ તો એમનું મૂળ નામ મુનસિફ નચિકેત દ્રુપદલાલ છે - માત્ર ૨૬ વર્ષની નાની વયમાં એનું અવસાન પણ એક વાર્તાના દુ:ખદ વળાંક જેવું છે. ઑપરેશન વખતે ડૉક્ટરની ભૂલથી ઓક્સિજનને બદલે નાઇટ્રોજન શ્વાસમાં જતાં એનું મુંબઈમાં અકસ્માતે અવસાન થયું, ત્યારે એ બનાવે મોટો આઘાત સર્જ્યો હતો. તરૂણવયે અવસાન પામનાર કેતન મુનશીના ત્રણ વાર્તા સંગ્રહો છે, એમાં ‘અંધારી રાતે (૧૯૫૨) અને ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) એની હયાતીમાં પ્રકાશિત થયેલા સંગ્રહો છે, જ્યારે ‘રક્તદાન’ (૧૯૬૨) એના મરણ પછી પ્રકાશિત થયેલો સંગ્રહ છે. આટલી નાની ઉંમરમાં વાર્તાઓમાં જાતજાતની વિવિધતાવાળું જીવન આ વાર્તાકારે જે રીતે ઉપયોગમાં લીધું છે અને રજૂઆતની જે વિવિધતાથી એને મૂક્યું છે એ આજે પણ દાદ માંગે તેવું છે. ૧૯૫૬માં ગુજરી ગયેલા આ લેખકે એક બાજુ ‘ટેલિફૉન પર’માં માધ્યમનો સબળ ઉપયોગ બતાવ્યો છે, તો બીજી બાજુ ‘રોબર્ટ અને રોબોટ" જેવા અદ્યતન વિષયનો તરંગ પણ હાથમાં લીધો છે. એની પાસે ‘પેરિસની એક રાત’ પણ આવી છે અને નૈનિતાલની ઠંડી સાંજે પણ આવી છે. આ વાર્તાકારની ત્રણ વાર્તા જોઈએ. ‘અંધારી રાતે’માં અંગ્રેજી નિશાળમાં ચોથી ચોપડી ભણતા અને વર્ગમાં પહેલો નંબર લાવી હોંશિયાર ગણાતા રામલાલના દુર્ભાગ્યની કથા છે. પિતા માધવજી પટેલ સદ્ધર હતા તેથી તો રામલાલ ભણતો હતો, અને તેથી તો એની સગાઈ ગૌરી સાથે થઈ હતી. પણ અડીખમ બાપના અચાનક મૃત્યુને કારણે રામલાલનું જીવન બદલાઈ જાય છે. રામલાલને શાળા છોડી દેવી પડે છે. નાની ઉંમરે ગોધરાથી તેર માઇલ દૂર આવેલા સંતપુર અને પાંચ માઇલ દૂર આવેલા ચંચેલાવ નામનાં સ્ટેશનો વચ્ચે રેલ્વેકેબિનના કેબિનમેનની નીરસ નોકરી લેવી પડે છે. પણ સૌથી મોટું દુઃખ એને માટે એ હતું કે એને ખૂબ ગમતી ગૌરીના બાપે પૈસાના લોભમાં રામલાલ સાથેની સગાઈ તોડી અન્ય જગ્યાએ પૈસાદાર મૂરતિયા સાથે લગ્ન ગોઠવી દીધું હતું. અંધારી મેઘલી રાતે, ગૌરીને પરણવા ગૌરીના મૂરતિયાની ટ્રેન પસાર થવાની હતી અને કેબિનમેન તરીકે રામલાલને થાય છે કે ટ્રેનને ખોટી લાઇન પર ચઢાવી દુર્ઘટનાગ્રસ્ત કરી મૂરતિયાને શા માટે મારી ન નાંખવો અને રામલાલ એમ કરે છે. છતાં એના મનમાં દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના અન્ય મુસાફરોની હાનિની કલ્પના આવતા એ પોતાની જાતને ખૂની સમજે છે. અંતે સ્પેશિયલ રેલબસને કારણે ટ્રેન અકસ્માતમાંથી ઊગરી જતાં ખોટી રીતે અપાયેલું સિગ્નલ રામલાલની હોશિયારીમાં ખપે છે. રામલાલને પ્રમોશન મળે છે પણ રામલાલ આનંદ પામવાને બદલે નોકરીમાંથી રાજીનામું આપી દે છે. રામલાલની માનવસહજ નબળાઈની પળની સાથે સાથે રામલાલમાં રહેલ સંવેદનશીલ જીવને રજૂ કરતી આ વાર્તા રેલ્વે, ટ્રેન, કૅબિન અને સિગ્નલના કમઠાણ વચ્ચે માણસની અંદરના કમઠાણને બરાબર પકડે છે. આ જ પ્રકારનું અને આવું જ માણસની અંદરનું કમઠાણ વાર્તાકારે ‘ફટકો’ વાર્તામાં પણ પકડયું છે. ‘અંધારી રાતે’ કરતા આ વાર્તા વધારે ચુસ્ત બની છે. અહીં મુંબઈના ગિરગામના ઘાટીસમાજનો વિષય વાર્તાકારે પસંદ કર્યો છે. કૃષ્ણાષ્ટમીની રાતે કૃષ્ણજન્મ થયા પછી ગિરગામની સખાજી લેનના ઘરઘાટીઓની ટોળી નાચવા નીકળી પડી છે. વાર્તાકારે મુંબઈનું મરાઠા વાતાવરણ ઊભું કર્યું છે તે જુઓ : ‘સૌથી આગળ બબ્બેની હારમાં લેજીમ લઈને એને ખખણાવતા, કસરત કરતા નાનકડા છોકરાઓ ચાલતા હતા. તેમની પાસે ફિટસન લાઇટ લઈને એક માણસ ચાલતો હતો. તેની પાછળ બે જુવાનો લાઠીથી પટા ખેલી રહ્યા હતા. પછી હતા નાચનારા. ટોળીમાં સ્ત્રીઓ નહોતી પણ એક નાની વયના ઘાટીએ સ્ત્રીનો વેશ લીધો હતો, એટલે ખોટ પુરાઈ રહેતી. લેજીમ બજી રહ્યાં હતાં લાઠીઓ વીંઝાતી હતી, નાચનારાના પગના ઘૂઘરા રણકી રહ્યા હતા.’ આ ટોળીમાં ઘોંડુ છે અને એનું મન ઝોલે ચડ્યું છે. એના હાથ લાઠીના પટા ખેલી રહ્યા છે પણ એનું મન લાઠીનો ઘા કરવાને તત્પર થઈ ગયું છે. લાઠીનો ઘા કોના પર કરવો છે? એ જ ટોળીમાં પોતાને છોડીને કાશી જેને પરણી ગઈ એનો વર કેશવ પણ મોજુદ છે. લાઠીદાવની વચ્ચે વાતાવરણનો લાભ લઈ જો ઘોંડુ કેશવના માથામાં લાકડી વીંઝી દે તો એ અકસ્માતમાં જ ગણાઈ જાય. અને કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે કે ઇરાદપૂર્વક કશુંક બન્યું છે. પણ ઘોંડુના મનમાં ખેંચતાણ છે. કાશી છોડીને ચાલી ગઈ એમાં કેશવનો શો વાંક?અને કાશીને નાનકડી દીકરી છે. બાપવગરની દીકરીનું શું? મારવાની અણી પર આવી થોડુ મનને પાછું વાળી લે છે, બરાબર એ જ વેળાએ એના માથા પર એક જબરદસ્ત ફટકો પડે છે. ફટકો મારનાર કેશવ હતો. પોતાના એક વખતના હરીફનું કેશવે કાસળ કાઢી નાખ્યું. આખી વાર્તા પાંડુના મનના અસ્તિત્વની છે. પણ કરુણતા એ છે કે જે કાર્ય કરવા જતા એ પાછો વળ્યો એ જ કાર્યનો એ ભોગ બન્યો. થોંડુના મનની અવઢવની રેખાઓ વાર્તાકારે સુરેખ ઉપસાવી છે. ‘રક્તદાન’ વાર્તા તો સ્થળ અને પાત્રો તદ્દન નવાં લઈને આવે છે. હિન્દી-ચીનની ભૂમિ પર ફ્રેન્ચ સૈનિકો અને વિયેટમિન્હ સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં ફ્રેન્ચ સૈનિક આન્દ્રે વિયેટમિન્હ સૈનિક તરફ આગળ વધી એને બેરોનેટથી વીંધી નાંખે છે. ડૉક્ટરના બોલાવ્યે કામચલાઉ હૉસ્પિટલમાં ગયેલા આન્દ્રેને ખબર પડે છે કે જેને લોહી આપવાનું છે તે પોતાના બેયોનેટથી વીંધાયેલો વિયેટમિન્હ સૈનિક જ છે. આન્દ્રે લોહી આપવાની ના પાડે છે. ભૂતકાળમાં પોતાની સમગ્ર મિલ્કત અને પોતાનો પરિવાર વિયેટમિન્હ સૈનિકોને હાથે નાશ પામેલા હોવાથી આન્દ્રેના મનમાં સૈનિક પ્રતિ ભારોભાર ધિક્કાર છે. પણ ડૉક્ટરનો વ્યવહાર, રાજકારણના વિષયમાં પદવી મેળવનાર આન્દ્રેના મનમાં નવી પરિસ્થિતિમાં નવો વળાંક જન્માવે છે. એ લોહી આપે છે. ધિક્કાર ઊભો કરનાર રાજકારણનું પાસું એના મનમાં નવો અર્થ ઊભો કરે છે એને થાય છે કે આ સૈનિક વિયેટમિન્હ પક્ષનો છે પણ એ બાદ કરીએ તો એનો શો વાંક છે? વાર્તાને અંતે આન્દ્રે સ્વચ્છ આકાશમાં અસંખ્ય તારા ચમકી રહેતા જુએ છે. કેતન મુનશીની વાર્તાઓ પ્રસંગોની ગતિ વચ્ચે માણસના મનની ગતિ પકડવાનું અધૂરું કામ કલાત્મક રીતે પૂરું કરે છે એમાં વાર્તાકારનો વિજય છે.