રચનાવલી/૪૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૮. સપ્તપદી (ઉમાશંકર જોશી)


૧૯મી ડિસેમ્બરે ઉમાશંકર જોશીની પુણ્યતિથિ ગઈ. બ્રહ્માંડના શ્વાસોચ્છવાસ સાંભળી શકે અને એ શ્વાસોચ્છવાસને ગુજરાતી ભાષામાં ઉતારવા મથામણ કરે એવો મોટા ગજાનો ગુજરાતી કવિ અત્યારે આપણી પાસે કોઈ નથી. ૧૯૮૯ની વાત છે. હું અને મારા પત્ની શાલિની અમે બંને દીકરી પર્વણીને ઘેર જર્મની જવાનાં હતાં. યુરોપના કેટલાક દેશોનો પ્રવાસ પણ એમાં ઉમેરાયો હતો. અમદાવાદથી ઊપડવાને માટે એકાદ દિવસ જ બાકી હતો. અને આગલી રાત્રે નવેક વાગ્યાના સુમારે ઓચિંતો બારણે ટકોરો પડ્યો. બારણું ઉઘાડીને જોઈએ છીએ તો આખું ગુજરાત અમારે બારણે ઊભું હતું. દગોલે સાત્રને માટે કહેલું કે ‘સાર્ગ ફ્રાન્સ છે' તેમ જો ગુજરાતને માટે કહેવું હોય તો ‘ઉમાશંકર ગુજરાત છે.’ તે રાત્રે ઉમાશંકર દોઢેક કલાક રોકાયા. યુરોપ જોવાય એટલું વાહનમાં નહીં પણ પગપાળા જોવું એવી સલાહ આપી, પેરિસ વર્ણવ્યું. અને પેરિસનું નવું કલાકેન્દ્ર, પોમ્પિદુ જોવાનું ન ચૂકાય એ વાત પર ભાર મૂક્યો, પોમ્પિદુની ઝીણી ઝીણી વીગતો એવી રીતે કહી કે ઉમાશંકર જાણે કોઈ રોજિંદા પેરિસવાસી હોય. ઉમાશંકરે ‘ગુજરાત મોરી મોરી રે' ભલે ગાયું પણ એમણે પોતાની ઓળખ તો, ‘હું ગુર્જરભારતવાસી' તરીકે આપી છે. એમની આરત તો હંમેશા 'વ્યક્તિ બનીને બનુ વિશ્વમાનવી' ની રહી, અને એથી આગળ એમનો તાર તો વિશ્વનાં વિશ્વો સાથે, છેક કવાસાર નિહારિકાઓ, આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ સાથે, સમસ્ત બ્રહ્માંડ સાથે જોડાતો રહ્યો. જર્મનીના સમર્થ કવિ રિલ્કેએ વારંવાર નવી રીતે લખવાનું સાહસ કરેલું. અને પોતાની એકની એક વાત જુદી જુદી રીતે મૂકી મૂકીને છેવટે પોતાની દશ દુઈનો કરુણિકાઓન પરાકાષ્ઠાએ પહોંચાડેલી. આ કરુણિકાઓએ રિલ્કેનો દશ વર્ષ સુધી કબજો લીધેલો. બરાબર એમ જ ઉમાશંકરે પણ નવા નવા આરંભો કર્યા છે. એકની એક વાતને પરાકાષ્ઠાએ પહોંચાડી છે. સત્યાગ્રહની લડતમાં પકડાઈને સાબરમતી જેલમાં એમને કોઈના અગોચર સ્પર્શનો અનુભવ થયેલો અને એના વજનવેગ નીચે દબાઈને એમનું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું છે. એવું એમને લાગેલું. આ અનુભવ પછી એમને વિરાટભૂમિકા પર એક નાટક સૂઝેલું, જેમાં નક્ષત્રો અને ગ્રહો પાત્રો હતાં. ધરતીની મહાપ્રજાઓ અને યુદ્ધોનાં દ્રશ્યો હતાં. યુદ્ધના વિકલ્પે એમાં મહાપ્રજાઓના સમૂહસત્યાગ્રહનો નિર્દેશ હતો. અને અંતે પૃથ્વીની બધી મહાપ્રજાઓ વચ્ચે સંવાદ સ્થપાતા પ્રેમની પ્રતિષ્ઠા થતી બતાવાયેલી હતી. પણ આ નાટક એમને માત્ર સૂઝેલું પણ ક્યારેય લખાયેલું નથી. લખ્યું પણ નહીં. અને પછી આ ન લખાયેલા નાટકને કારણે એમણે એ વિશ્વનાગરિકની, વિશ્વપ્રેમની, વિશ્વશાંતિની, વિરાટપ્રણયની વાતો કવિતામાં કર્યા જ કરી છે. ‘સપ્તપદી' માં ઉમાશંકરની આ વાતની પરાકાષ્ઠા છે. ‘સપ્તપદી'માં સાત કાવ્યો છે. અને આ સાત કાવ્યો મળીને એક કાવ્ય થાય છે. આ કાવ્યે ઉમાશંકરનો ૨૫ વર્ષ સુધી કબજો લીધેલો. પહેલાં કવિએ ‘સપ્તપદી'માં ચાર કાવ્યોની કલ્પના કરેલી. પછી પાંચનો અંદાઝ રહ્યો. છેવટે સાત કાર્યોમાં આખી વસ્તુ રજૂ થઈ. એમાં કવિધર્મ, સમાજધર્મ અને આત્મધર્મને એમણે એકરૂપ કર્યા છે. પ્રેમની દીક્ષાને કેન્દ્રમાં રાખી છે. વ્યક્તિત્વ કેવી રીતે છિન્નભિન્ન થાય છે અને પછી કેવી રીતે પાછું સુગ્રથિત થાય છે એની વાત કરતાં કરતાં ઘણી જગ્યાએ ઉમાશંકર મહાકાવ્યની નજીક પહોંચી ગયા છે, એવો અનુભવ આપણે થયા વગર રહે નહિ. પહેલા કાવ્ય ‘છિન્નભિન્ન છું' માં વૈશાખી બપોરની દોજખમાં સાબરમતી પુલ પરથી બસમાં પસાર થતાં સાબરમતીના ક્ષીણ પ્રવાહની ટાઢક કવિને અડે છે અને એમને થાય છે કે આવી ટાઢક પહોંચાડવાનું કામ મારા લઘુ હૈયાથી આ અજાણી ધબક ના કરી શકે? છિન્નભિન્નતા વચ્ચે એટલું જો કરી શકાય. પણ માણસ રઘવાયો છે. બીજા કાવ્ય ‘શોધ’માં સુન્દર વસ્તુઓ આંખ સામે છે છતાં સુન્દરતા અડતી નથી. કવિ કહે છે : ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ’, બાળકોનું હાસ્ય સામે છે, ઉત્સવ કરીને પાછું વળતું ગૌરીઓનું ઝુંડ સામે છે પણ એને વધાવવાની નિરાંત નથી. કવિને એનો રંજ છે, ત્રીજા કાવ્ય ‘નવપરિણીત પેલાં'માં નવા પરણેલાં એમની સામે છે અને એમને છિન્નભિન્નના વચ્ચે ક્ષણેક એકત્વનો અનુભવ થાય છે ખરો, પણ આમ છતાં સમગ્ર વિશ્વમાં દ્વેષજવાલાઓની વચ્ચે પ્રેમની સરવાણી સણસણી રહે છે એનું દુઃખ એમણે ચોથા કાવ્ય ‘સ્વપ્નોને સળગવુ હોય તો' માં રજૂ કર્યું છે. એમને ખબર છે કે ભર્યાં ભર્યાં બજારો ને ભર્યાં ભર્યાં ખેતરોની સામે જ કોટિ કોટિ માનવોને કોળિયાના વખા છે. બધાનાં હૃદય બોબડાં છે અને ચિત્ત બહેરાં થઈ ગયાં છે. માણસો વચ્ચે સબંધ છે પણ તે હિંસાસરંજામ માટે, સુખની લૂંટ માટે, બજારના નગારા માટે છે. માનવજાતમાં અંદર એક દુષ્ટતા પડેલી છે અને એ દુષ્ટતા ગુલાબને જેમ કીડો ખાઈ જાય તેમ ખાઈ જઈ રહી છે, છતાં એ દુષ્ટતાને એક જ માર્ગે જીતી શકાય તેમ છે અને તે માર્ગ છે પ્રેમનો. આ દુષ્ટતા પ્રેમથી ભયભીત બની શકે છે. પાંચમાં કાવ્યમાં કવિ આ પ્રેમ માટે પ્રભુનો પીછો પકડે છે. દરેકદરેકના અનેક ચહેરાઓ વચ્ચે પ્રભુનો ચહેરો અચૂક ફરકી જતો જુએ છે. એક એક માનવ, પશુ, પંખી, ઝાડ, ફૂલ, ઘાસ આ બધામાં કવિને આનંદની ગંગોત્રી દેખાય છે. કવિને થાય છે કે આ એક માત્ર પ્રેમજ વિશ્વનિવાસીનું વિશ્વ પ્રતિનું ખૂટલપણું દૂર કરી શકે તેમ છે. છઠ્ઠા કાવ્યમાં આથી જ બ્રહ્માંડની ધરીને વાઢતા અને નક્ષત્રોનો કોળિયો કરતાં કાળા ઓછાયાની વચ્ચે દૂરના તારાનું વહાલ વરસતું કિરણ કવિ જોઈ શકે છે. કવિને પ્રતીત થાય છે કે દુષ્ટતાનો તેમ મૃત્યુનો પણ સ્વીકાર કરવો જ પડે. આ બે છે, તો જ પ્રેમનો અને જીવનનો મહિમા છે કવિ જ્યાં પ્રેમ અને જીવનના મહિમા પર પહોંચે છે. ત્યાં કવિની સામે સાતમા કાવ્યમાં આખો ‘પંખીલોક’નો આનંકલોક ઊતરી આવે છે. સાત કાવ્યોમાં છેલ્લું ‘પંખીલોક' કોઈ મહાકાવ્યનો કપાયેલો કટકો હોય એટલું ભવ્ય અને મનોહર છે. પરોઢથી માંડી સવાર, બપોર, સાંજ રાત-અધરાત સુધીની પંખીઓની અજબ સૃષ્ટિ છે. વૃક્ષરાજના અનેક હાથેથી ઊડતાં કાબર લેલાં દૈયડનાં ટોળેટોળાં પર્ણ પણે લચી રહેતા કલરવો, આ આકાશને કુવારાની જેમ ભરી દેતો પાંદડે પાંદડે નાચતો સ્વરકુંજ, પંખીઓની ક્રીડા, એમની પાંખોથી ઊડતી તેજ છાલકો- આ બધું કવિ ઘૂંટડે ઘૂંટડે, ટીપે ટીપે પીએ છે. કવિનું હૃદય, એમનાં કાન, ચેતનવંતા થઈ જાય છે. બધું હૃદયમય બની જાય છે. આવા અનુભવ વચ્ચે કવિને લાગે છે : ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.' અહમના આ સદંતર વિલોપન સાથે અને મૌનમાં સરી જતા પરિવેશ સાથે છેલ્લું કાવ્ય પૂરુ થાય છે. ‘સપ્તપદી’ વિશ્વસાહિત્યમાં ગુજરાતી સાહિત્યને તરતું મૂકવાની પહેલી હાથવગી સામગ્રી છે.