રચનાવલી/૫૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૨. ભભૂતને (મનસુખલાલ ઝવેરી)


આજે સદીના અંતમાં મુંબઈમાંથી ગુજરાતીનો અભ્યાસ ભૂંસાઈ રહ્યો છે. ઘણીખરી કોલેજોના ગુજરાતી વિભાગ લગભગ બંધ થઈ ચૂક્યા છે. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં માંડ મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ ગુજરાતીનો અભ્યાસ કરવાનું સાહસ કરી રહ્યા છે. પાંચમાં છઠ્ઠા દાયકાની વાત ઓર હતી, જ્યાં ત્યાંથી ખેંચાઈ ખેંચાઈને ગુજરાતીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજ તરફ વળતા હતા. આ કોલેજમાં એક એવું લોચુંબક હતું જેનું એ વખતના વિદ્યાર્થીજગતને અનેરું ખેંચાણ હતું. ટટાર મુદ્રા, સ્પષ્ટ ઉચ્ચાર, સંસ્કૃતની છાંટવાળી અને ક્યારેક સોરઠી છાંટવાળી વાણીનો અસ્ખલિત પ્રવાહ, વાગ્મિતા અને વિદ્વત્તાનો એક સાથે અનુભવાતો ચમત્કાર. આ વ્યક્તિત્વ બીજા કોઈનું નહીં પણ આજે લગભગ ભુલાઈ જવા પામેલા મનસુખલાલ ઝવેરીનું, ગાંધીયુગના એ વિવેચક અને કવિ. એમના જમાનામાં શિક્ષણસંસ્થાઓ અને સાહિત્યસંસ્થાઓ પર એમનો દબદબો. ‘અભિજ્ઞાન શાકુન્તલ'ના ગુજરાતીમાં કરેલા અનુવાદ સાથે એમની શરૂ થયેલી સાહિત્યિક કારકિર્દી પછી તો ‘ફૂલદોલ', ‘આરાધના’, ‘અનુભતિ' જેવા કાવ્યસંગ્રહોમાં આગળ વધી. મોટેભાગે સાફ છંદોમાં વિચારોને વહાવતી એમની શિષ્ટ પદાવલિથી તરત ઓળખાઈ જતા આ કવિનું ‘ભભૂતને' જેવું કરુણપ્રશસ્તિ કાવ્ય આજે પણ બચાવી લેવા જેવું છે. પ્રિય વ્યક્તિના અવસાનના આઘાતમાંથી કે પ્રિય વસ્તુના વિયોગમાંથી જે વ્યથા જન્મે છે એને જે પ્રકારના કાવ્યમાં ઉતારવામાં આવે છે એ પ્રકાર કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાય છે. અંગત લાગણીને વ્યક્ત કરવાની સાથે સાથે એમાં મૃત્યુ પર કવિ પ્રકાશ ફેંકે છે, અને જીવનને નવેસરથી જોતાં કરી મૂકે છે. અંગ્રેજીમાં તો આવી ઘણી રચનાઓ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એની શરૂઆત કવિ દલપતરામે કરેલી. પોતાના અંગ્રેજમિત્ર ફોર્બસના મૃત્યુ પર દલપતરામે ‘ફોર્બસવિરહ' નામે લાંબી કરુણપ્રશસ્તિ લખેલી. દલપતરામના પુત્ર કવિ ન્હાનાલાલે પણ માતાપિતા પર ‘પિતૃતર્પણ' નામે કરુણપ્રશસ્તિ કરેલી છે. આ બંને કાવ્યોનો લાભ મનસુખલાલ ઝવેરીએ પોતાના મિત્રના મૃત્યુ પ્રસંગે લખાયેલી ‘ભભૂતને' રચનામાં લીધો છે. ‘ભભૂતને’ બે ખંડમાં વહેંચાયેલું કાવ્ય છે. ન્હાનાલાલે ‘પિતૃતર્પણ’માં વાપરેલો અનુષ્ટુપ છંદ પહેલા ખંડમાં અને દલપતરામે ‘ફોર્બસવિરહ'માં વાપરેલો સોરઠો છંદ બીજા ખંડમાં એમ મનસુખલાલે બંને છંદને પોતાની રીતે અહીં અજમાવ્યા છે. પૂર્વકાલીન કવિઓના વારસાનું મનસુખલાલે અહીં પૂરેપૂરું અનુસંધાન કર્યું છે. અકાળે અવસાન પામેલા મિત્રને શ્રદ્ધાંજલિ આપતું આ કાવ્ય ‘ભભૂતને' જાણે ન્હાનાલાલની પંક્તિઓ હોય એવી પંક્તિઓથી ઊઘડે છે : ‘જીવને મમતામીઠી પ્રેરતી ને પ્રબોધતી/ આત્મમાં સૌમ્ય ને સ્વસ્થ લીલા લલિત સ્નેહની' પણ પછી મનસુખલાલ ન્હાનાલાલની છાયાને પાછળ મૂકી આગળ ચાલે છે. બહુ તીવ્રતાથી દર્શાવે છે કે હૈયાના ઘાવને રૂઝવનારી મિત્રની સંજીવની હતી, તો મિત્રને જ કારણે પડેલા ઘાવને હવે કોણ રૂઝાવશે? મિત્રના વિદ્યુતપ્રકાશથી નિરાશાનાં વાદળોમાં યે સુન્દર સ્વસ્તિકો ચીતરાઈ જતા હતા પણ મિત્ર જતાં હવે અંધારાનાં દળો આંસુ અને હૃદયને રૂંધી રહ્યાં છે. આ પછી કવિ કાન દઈને સાંભળવા જેવી બે પંક્તિ આપે છે : ‘છે પ્રવાસ હજુ બાકી ઘેરે અંધાર પંથને નિરાલંબ ઉરે મારા શૂન્યતા ઘોર ઘૂઘવે' કવિને થાય છે કે મૃત્યુના હાથીએ જાણે કે મિત્રના જીવનની પોયણીને ઉખાડી નાખી છે અને સાથે સાથે પોતાની હૈયાની સૃષ્ટિને પણ ઉખાડી નાખી છે. કવિ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે. કહે છે હવે આલંબવું તારી સ્મૃતિને સર્વદા રહ્યું ને સ્મરી સ્મરીને સૂના જીવને ઝૂરવું રહ્યું.' મિત્રવિયોગનું દુ:ખ અહીં અત્યંત સરલ પંક્તિમાં પાસાદર બનીને પ્રગટ થયું છે. આ બધી કવિ પોતાની પ્રતીતિ રજૂ કરે છે કે યૌવન, જીવન-વધુ જીર્ણ થતું આવે છે પણ આશ્ચર્યકારક રીતે મિત્રવિયોગનો શોક ઉત્તરોત્તર જીર્ણ થવાને બદલે વધતો જાય છે. આ પહેલા ખંડમાં સંસ્કૃતનો એક શિષ્ટ સંસ્કાર તર્યા કરતો હોય એવો અનુભવ થાય છે. બીજો ખંડ સોરઠા છંદ સાથે તળપદી વાણીમાં ખૂલે છે. પહેલા ખંડનો સૂક્ષ્મ અહીં આર્દ્રતામાં પલટાઈ જઈ તળપદા લહેકામાં ફ્રિઝ સામેની આત્મીયતાની ખાતરી કરાવે છેઃ ‘વીતે દિન પર દિન, રજની પર રજની જતી/ મનનું તોએ મીન હજી એ તું - વણ તરફડે' ‘તું વણ તરફડે'માં કવિની વ્યથા સાંભળી શકાય છે. પહેલા ખંડની છેલ્લી પ્રતીતિ અહી વધુ ઘેરી બની છે. દિવસ વીતે, જોબન ઘટે, નદીનાં પાણી ઘટે પણ શોક તો ઘટતો નથી, વધતો જાય છે. આ કોઈ લોહીનો સંબંધ તો છે નહીં. જગતમાં કેવું કેવું બને છે? કવિ કહે છે : ‘નહિ નાતો ન પિછાન ક્યાંનો તું? ક્યાંના અમે?/ જાગી જોતા વાર જન્માન્તરની પ્રીતડી’ એક માણસનું બીજા માણસ જોડે આ રીતે કોઈપણ કારણવગર જોડાવું એ તો ચમત્કાર છે જ, પણ આ રીતે એક માણસનો બીજા માણસથી વિયોગ થતાં વેદનાથી ભર્યા ભર્યા થઈ જવું એના જેવો મોટો ચમત્કાર બીજો કોઈ નથી. કવિ વલખીને કહે છે : ‘તું સરવર, હું મીન, ચાતક, તુ મેવલો/ તુજ મલ્લારે લીન, મનડું મારું મોરલો’ આપણ ભજનિકોની વાણીનો રણકાર અહીં સંભળાશે. મિત્રના વિયોગને રજૂ કરતાં કરતાં કવિ જાણે કે આપણને મીરાં અને સુરદાસની તાત્ત્વિક ભૂમિકાએ પહોંચાડે છે. આ પછી કવિ મિત્રનું ઓલિયાપણું, એની મોટપ એની જીવનના કપરા અનુભવને જીરવવાની તાકત વગેરેને પોતાના રંગમાં રંગીને રજૂ કરે છે. કહે છે : મોટા દીઠા લોક કંઈ કંઈ હૈયે નાનડા/ નાને મોટપનો ય મેંરામણ તુંમાં છલ્યો' મોટા અને નાનાના વિરોધમાંથી કવિએ અર્થને કેવો નીચો છે! મિત્રના આવા વ્યક્તિત્વને કારણે તો કવિ આક્રંદ કરી ઊઠે છે : હૈયાહીણાં લોક હૈયું કોને દાખલ થયે માંડે કોક તું જયમ અમિયલ આંખડી.' સાર્ત્ર જેવાં ફિલસૂફ કહી ગયા છે કે જના૨નું આપણને દુ:ખ ઓછું હોય છે એથી વધારે તો જનાર વગરના થઈ ગયેલા આપણે આપણને વધુ રડીએ છીએ. કવિ મિત્રથી રઢિયાળા હતા અને મિત્ર જતા નોંધા૨ા થઈ ગયા એનું ચિત્ર જુઓ : ‘કમળે કાદવનાં રૂપો રઢિયાળાં હતાં/ કમળ જતાં કરમાઈ કાદવ તો કાદવ રહ્યાં’ કાવ્યને અંતે કવિએ એક આશ્વાસક વિચાર મૂક્યો છે કહે છે. કે શોક ભલે ઘેરો ને ઘેરો થતો આવે પણ એક પછી એક દિન ને મહિના તો જતા જાય છે - તેથી મજલ ખૂટતી આવે છે. કવિ મિત્રને અંતિમ પંક્તિના છેડે કહે છે. ‘આવું નિતનિત ઢુકડો’ આ કાવ્યમાં મોટી કલ્પનાની આપણને ખાતરી થાય કે ન થાય પણ મોટી લાગણીની ખાતરી તો જરૂર થાય છે અને તેથી જ મનસુખલાલ ઝવેરીની આ રચના હજી ખોટી થઈ ગયેલી લાગતી નથી.